3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નાગર સ્ત્રીમંડળની બેઠા ગરબાની પ્રવૃત્તિ અન્ય જ્ઞાતિઓમાં પણ ફેલાઈ રહી છે

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લનવરાત્રિ આવી અને ગઈ. દશેરાનું પણ તેમ જ. શરદપૂનમે હવે ગરબા થતા નથી. લગ્નપ્રસંગે પણ રાસગરબા ઓછા થતા જોવા મળે છે. સ્ટેજ ગરબા પણ ઓછા થાય છે. આમાં પણ મારા બેમાંથી એક ફેવરિટ સ્વર્ણમ્ના ગરબા આ વર્ષે આયોજાયા જ નહીં. બીજો કાર્યક્રમ ઋતુરંગનો થયો તો ખરો પણ વાંદરામાં સેંટ એંડ્રુઝ હોલમાં. નાટકનાં હોલની ગુજરાતી માટે માઠી દશા છે. ભાઈદાસ હોલ ક્યારનો બંધ પડ્યો છે અને ક્યારે ખૂલશે એ કહેવાય નહીં. વિલે પારલે પશ્ર્ચિમનો હોલ ભાઈદાસ તો પૂર્વમાં દીનાનાથ મંગેશકર હોલ, એ પણ રિપેર કે રિનોવેશન માટે બંધ પડ્યો છે. બિરલામાતુશ્રી કે પાટકર તો ઘણા વખતથી નાટકક્ષેત્રે પ્રવૃત્ત નથી. ગુજરાતી વસ્તી ઉત્તર મુંબઈ તરફ વધુ વળી છે એથી ઘાટકોપર કે કાંદિવલી-બોરીવલીમાં સારા હોલ મળી રહે. ઋતુરંગ કાર્યક્રમની ખૂબી છે કે એ સાત-આઠ કોરિયોગ્રાફરો મળીને કરે છે. કોઈ ટિકિટ હોતી નથી, સિવાય કે આ કોરિયોગ્રાફરોના વર્ગોમાંથી મા-બાપ ખરીદતા હોય તો. આમજનતાને આ કાર્યક્રમ જોવાનો મુશ્કેલ, મને નવાઈ લાગે છે કે આપણા શેઠ-શેઠિયાઓ અને અન્ય ધનિકો પોતાને ઘરે શુભપ્રસંગ કે કોઈ ઉજવણી હોય ત્યારે આવામાંથી અમુક ગરબાઓ લઈ કે આખો કાર્યક્રમ લઈ પ્રસંગ કેમ ઉજવતા નથી? આવું થાય તો વધુ કોરિયોગ્રાફરો ગરબા તૈયાર કરી શકે. જે હોય તે, આ વર્ષ તો ગયું, પણ મને આ મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો લાગે છે. ગરબાની વ્યાખ્યા વધારીને લોકનૃત્યો અને ગરબાનૃત્ય ઉપરાંત કેટલીક આઈટમો બને છે. એક વાર અહીં મેં હનુમાન ચાલીસા કે રાવણવાળી શિવસ્તુતિ ઉપર પણ ભક્તિરૂપ સર્જનો જોયાં છે. આ વખતે બંગાળની દુર્ગાપૂજાના નૃત્યમાં એવો કાંઈક ભાસ થયો.

ગયા અઠવાડિયે એક બહેન મારે ઘરે આવેલાં, મારી બહેન પણ ઘરે આવેલી. એણે કહ્યું કે પોતે થોડી વાર પહેલાં જ બેઠા ગરબામાંથી આવેલી. પેલી બહેન ચિચિયારી કરવા લાગી. કહે ગરબા તે કાંઈ બેસીને કરવાના હોય? એમાં તો ગોળ ઘૂમવાનું હોય, ધમધમાટ સાથે. અમે એને કહ્યું કે ગરબા ગવાય પણ ખરા અને એની ઉપર નચાય પણ ખરું એ બંનેને ગરબા જ કહેવાય. જરા દલીલ અને પુરાવા આપ્યા કે એ બહેને કહ્યું. ઠીક ત્યારે તમે કહો છો એ સાચું બસ!! આપણી ગુજરાતી સંસ્કૃતિની ક્યાં સુધી અવગણના કરવાની છે? માટીનો ગરબો અને અંદરનો દીપ ગર્ભાશય અને તેની અંદરનો જીવ બતાવે છે. ગરબા શબ્દનો જ ગર્ભ સાથે સંબંધ છે જે એના આ પ્રતીકમાંથી જ દેખાઈ આવે છે. હવે આ ગરબો જાહેર ગરબામાં મુકાય છે કે નહીં તેની ખબર નથી મૂર્તિ તો મુકાતી જ હશે. મહારાષ્ટ્રના ગણપતિ ઉત્સવ અને બંગાળની દેવીપૂજાનું મિશ્રણ કરી હવે આપણે પણ મૂર્તિઓ ચિત્રામણમાં વધુ ઘૂસી ગયા છીએ. પેલો માટીનો ગરબો વચ્ચે મૂકી બહેનો ગરબે ફરતી તે હવે ગયું.

અગાઉ આ કટારમાં એકથી વધુ વાર ઉલ્લેખ થયો છે કે ભાડેના ગાયકો લાવી ધમધમાટ સાથે જાહેર ગરબા થાય છે તેમાં ગરબાગીતો વીખરાઈ રહ્યાં છે અને એ આખો યુથફેસ્ટિવલ થઈ ગયો છે, કારણ કે આટલા ફાસ્ટ લયમાં મોટી વયની બહેનો ફરી ન શકે અને હવે કોઈ ગીતો ગાતાં ગાતાં તો ફરતું જ નથી. ઋતુરંગમાં એક વાત જોવા મળે છે કે અહીં પાંચ વર્ષની છોકરીથી પંચાવન કે પાંસઠ વર્ષની બહેનો જોવા મળે છે. કેટલાંક નાગર સ્ત્રીમંડળો બપોરે બેસીને ગરબા ગાવાનું પસંદ કરે છે કે આમ માતાજીની સ્તુતિ ગરબા દ્વારા કરી શકાય. હવે આ પ્રવૃત્તિ અન્ય સ્થળોએ અને અન્ય જ્ઞાતિઓમાં પણ ફેલાઈ છે. વિધિઓ રહિત ભજનો અને પ્રાર્થનાઓ દ્વારા ધર્મનો સંદેશ મને માતા-પિતા પાસેથી મળેલો છે. માત્ર ગરબાઓમાં જવું મને ગમે છે. એ મારો સાંસ્કૃતિક વારસો છે. બેઠા ગરબા એક કાળે બહુ સંગીતમય હતા, પણ ધીરે ધીરે આવાં જૂથો વૃદ્ધત્વ પ્રતિ ગતિ કરી રહ્યાં છે. વહુ-દીકરીઓ હવે નોકરી કરતી હોય, ગુજરાતી ઠીક આવડતું ન હોય ત્યાં આવી બેઠકો ક્યાં સુધી ચાલશે. હું ક્યારેક મિત્રોને ત્યાં આવા ગરબામાં જાઉં છું. કોરસ તો સુરીલું હોય છે. પણ ગવડાવનારાઓમાં ક્યારેક ઊણપ લાગે અને ઘડપણ કોને છોડે છે? તે છતાં આવી અનન્ય પરંપરા જાળવી રાખનાર વિલે પારલે જૂથને બાબુલનાથ પાસેના પ્રેમપુરી આશ્રમમાં બેસીને ગરબા ગાવાનું આમંત્રણ મળ્યું એ ઘણું કહેવાય. આ જૂથે ગયે વર્ષે એ ગાયેગવડાવે છે તેવા ગરબાનું આલબમ અને પુસ્તિકા પણ બહાર પાડેલાં છે. જોકે અહીં પણ ખરેખર જૂના ‘મા તું પાવાની પટરાણી’ કે ‘તું કાળી ને કલ્યાણી મા’ જેવા ગરબા ભાગ્યે જ ગવાય છે.

પ્રદર્શનિયા પાપીઓ

માએ મહિષાસુર માર્યો તેના પુરાવા નથી, પણ શ્રદ્ધા છે. ગયા વર્ષે એક અખબારમાં સમાચાર આવેલા કે ઈશાન ભારતમાં અસુર નામની એક જાતિ છે જેમનો એક બળવાન રાજા મહિષાસુર હતો. કદાચ આ કોઈ આર્ય અને આર્યેતર જાતિઓની મારામારી હશે, એ જે પણ હોય પણ આ પ્રદર્શનિયા પાપીઓ સામે તો સ્ત્રીઓએ જ ભવાની થઈ પગલાં લેવાં પડશે. માધ્યમો પણ આપણી વહારે ધાયાં છે. અગાઉ બળાત્કાર શબ્દ ભાગ્યે જ વપરાતો. એક સંબંધી બહેને તો મને વર્ષો અગાઉ કહેલું કે આવો શબ્દ ન વાપરવો. અરે, આ પાપ રોકવા તમારે કાંઈ કરવું નથી અને એક શબ્દ માટે વાયડાઈ કરો છો? છાપાં હવે સ્ત્રીઓ ઉપરના, નાની નાની બાળકીઓ ઉપરના, કુમળા છોકરાઓ ઉપરના (‘સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જેવો ભારેખમ શબ્દ અહીં વાપરવો પડે છે.’) વિવિધ પ્રકારો વિશે લખે છે. એમાં ઘરનાં, પાડોશમાં, સંબંધીઓમાંના અને સગા બાપ દ્વારા થયેલા બળાત્કારોને આવરી લેવાયા છે. આપણા સમાજની વરવી બાજુ અહીં છતી થાય છે. આવી વરવી વાત પાછી બધા જ દેશો અને સમાજોમાં જોવા મળે છે. અખબારો અને પોલીસ હવે એક અતિશય જૂનો ને જાણીતો ક્રાઈમ પણ હવે ધ્યાનમાં લે છે જેમાં કેટલાક (ઘણાં? કોને ખબર! હજી આંકડા આવ્યા નથી) પુરુષો કોઈ સ્ત્રી કે સ્ત્રીઓને સતાવવા પેંટનું ઝીપર ખોલી દઈ પોતાનું અંગ બતાવી કોઈ બીભત્સ આનંદ અનુભવે છે. અસંખ્ય સ્ત્રીઓ આવાં અંગપ્રદર્શનનો ભોગ બની ચૂકી છે. એકાંતમાં સ્ત્રીઓ કે છોકરીઓ આવતી જતી હોય ત્યાં આવા પોતાનાં અમુક અંગને કારણે જ પોતાને ભડવીર સમજતા ફુટકળિયાઓ જાહેરમાં નાગા થાય છે. અંગ્રેજીમાં એને એક્ઝિબિશન કરનારા તરીકે જોવાય છે. આ એક જાતનો રોગ છે એમ મનાય છે. જો આટલા બધા ભાયડા આ રીતે રોગી હોય તો આ રોગચાળો કહેવાય અને એ માટે ઉપાય શોધવો જોઈએ, પણ આવા ગુનાઓની ફરિયાદ કરવા કોણ જાય? કેટલાક જાય? હમણાં એક બહેને ફરિયાદ કરી એક પેસેંજરને પકડાવ્યો એ જાણી આનંદ થયો. એ બસમાં બાજુની સીટ પર બેસી આ બહેન જોડે અડપલાં કરતો’તો અને પછી એણે ઝીપર ખોલી નાખી પ્રદર્શન કર્યું. બીજા એક બહેને ફરિયાદ નોંધાવેલી કે પોતે બીજાં જોડે ટેક્સીમાં જતી હતી. આગલી સીટ પર એ બેઠેલી. પાછળ ઘણું કરીને ઘરડી માતા અને બાળકો હતાં. ડ્રાઈવરે કાંઈ કટકટ કરી કે તમે કહો છો એ રસ્તે નહીં જાઉં વગેરે. પેલી બહેને એની તરફ જોયું તે ડ્રાઈવરે ઝીપર ખોલી નાખેલી અને એનું ગુપ્ત અંગ બહાર! એણે પણ ફરિયાદ નોંધાવેલી. સામાન્ય રીતે હોય ત્યાંથી જોકે આવે વખતે આડું જોઈ જાય છે અને પોલીસમાં ફરિયાદ કરવા જતી નથી. શું બોલીને ફરિયાદ લખાવે? શું થયેલું તેનું વર્ણન કેવી રીતે કરે? કારમો અનુભવ મનમાં દબાવીને જતી રહે અને પેલો ભડવીર સમજી લે પોતાનો વિજય થયો છે. આ સ્ત્રીવિરોધી માનસિકતાનો એક પ્રકાર હશે? સેક્સની ભૂખનો કોઈ પ્રકાર હશે? આ અંગે પશ્ર્ચિમના દેશોમાં જે કાંઈ સંશોધન થાય છે એમાં આને ચોક્કસ પ્રકારનો રોગ કહ્યો છે. આવા માણસો બાળકીઓ ઉપર બળાત્કાર કરનારા થતા હોય છે એમ પણ તારણો છે. પેલી મોટી વયની બહેનો સામે તો દૂરથી પ્રદર્શન કરી ભાગી જાય છે, પણ હિંસક અને બીભત્સ આવેગોથી ભોળી અને અસહાય બાળકીઓને છોડતા નથી.

આવા પ્રદર્શનિયા ગુનેગારો પાછા બાયલા પણ હોય છે. જરા કોઈ અવાજ ઉઠાવે તો ઝડપથી જીપર બંધ કરવા માંડે અને એ દરમ્યાન પ્રદર્શન માટે ભયને લીધે બહુ બચતું હોતું નથી. વિદેશમાં ચાર મિત્રો મળવા માટે ભેગી થયેલી અને પાછા જતાં રાતે દસ વાગવા આવ્યા હશે. ટ્રેન પકડવા સ્ટેશને ઊભેલી. પ્લેટફોર્મની બીજી બાજુએથી એક બાવીસ-પચીસનો યુવાન બેઠો બેઠો પોતાની મરદાનગીનું પ્રદર્શન કરતો હતો. એકે બીજીને બતાવ્યું. પેલો ચગ્યો. આ બધી બાઈઓની પ્રતિક્રિયા જાણવા જેવી છે. બધીઓ ખડખડાટ હસી, કળ ખાઈ ખાઈને હસી અને પેલા તરફ આંગળી ચીંધતી રહી. સાથે બોલે "આટલું જ? ‘અરે બાપડા, તારી અમને દયા આવે છે.’ સાંભળી સાંભળીને પેલા પાસેની એની ગુપ્ત સંપત્તિ ચાલી ગઈ અને એ ઊઠીને ચાલી ગયો. આ ટેક્નિક બહુ અમલ કરવા જેવી નથી. એકલદોકલ બાઈ હોય તો એની સલામતી સાચવવી જરૂરી છે. કદાચ પેલો આવાને અનુમોદન સમજે તો?

મારા ઘરની બાજુમાં એક શાળા છે અને એનું બીજું મકાન એકદમ રસ્તા પર છે એટલે ત્યાં એક ખૂણો પડે છે. આવી જરા જેટલી બંધ દેખાય તેને ઘણા વીરપુરુષો મુતરડી ગણી બાથરૂમ કરવા ઊંધા થઈને ઊભા રહે. હવે તો ત્યાં બધું સફાચટ છે. સ્વચ્છતા અભિયાનના પ્રતાપે. એમાં એક વધારાનો ફાયદો એ થયો કે પેલા ભડવીરોમાંથી કોઈક કોઈક અંગ પ્રદર્શન મોકો જોઈને કરે. ત્યારની મારી એક કામવાળી શરમાઈને બારી પર ઊભેલી ત્યાંથી ઘરમાં આવી ગઈ. શું થયું પૂછ્યું કે તો એ હજી ઉત્તેજક હતો તે ખુશ થઈને હસતો’તો. હું પણ અકળાઈને અંદર આવતી રહી. ઘરમાં બાલ્કની નથી અને જાણે આરામથી બારીએ હવા ખાવા કે બહારનો રસ્તો જોવાનો અમારો નિર્ભેળ આનંદ કંઈક અંગે જતો રહ્યો. શું મળ્યું એ ભડવીરને? બે બૈરાઓને સતાવ્યાં એટલું જને! આવા કિસ્સાઓમાં નિર્લજ્જ, હિંસા અને સ્ત્રીઓ પ્રતિ ધિક્કારનાં લક્ષણો દેખાય છે. એક અનુભવ તો બરાબર યાદ છે, ત્યારે હું કૉલેજમાં હતી. તે કાળે રાજાબાઈ ટાવર નીચેની મુંબઈ યુનિવર્સિટીની મુખ્ય લાઈબ્રેરી. તે કાળે આ લાઈબ્રેરીમાં હજી બી.એ. કરતા હોય તેમને પણ પહેલા જ વર્ષથી પ્રવેશ અપાતો. ગાંઠમાં પૈસા ન હોય, પપ્પા અત્યંત ગરીબ હતા એમ અમને કહેવામાં આવેલું એટલે વગર પૈસે મળે તે જ આનંદ લેવાનો. હૉટેલ કે સિનેમા અમારી લક્ષ્મણરેખાની બહાર. સ્કૂલનો યુનિફોર્મ પહેરી કૉલેજ જવાનો આદેશ મળેલો, કેમ કે અમારા (ત્રણે બહેનોના) બાપ બહુ જ ગરીબ હતા. ઓછપ શોધખોળ તરફ વળે છે. મારી એક બે બહેનપણીઓ પણ કાંઈક આવી જ હાલતમાં, જોકે મારા જેટલી નહીં. અમે ભણતાં હતાં કે કૉલેજની બરાબર સામે જહાંગીર આર્ટ ગેલેરી હતી, ત્યારે અંગ્રેજી પેપરમાં વિનાયક પુરોહિત અને અન્યો ચિત્રપ્રદર્શન, સંગીત સમારંભ કે ગુજરાતી સાહિત્ય નાટકોની પણ આલોચના કરતા, મને યાદ છે કે અકબર પદમશીની કલાકૃતિઓનું પ્રદર્શન હતું - કદાચ ગેલેરી કેમોલ્ડ એ વખતે ખૂલી ગયેલી, ત્યાં એમને ક્ષીમયત, શિષ્ટ રીતે નગ્ન ચિત્રોમાં ઉપસતી કલાનાં દર્શન થયેલાં. બીજું હતું રિધમ હાઉસ. ત્યાં નાની નાની રૂમોમાં બેસીને રેકોર્ડો સાંભળવા મળે. ત્યાર પછી પાકિસ્તાની ગાયિકાની ‘ઉલ્ફત કી નયી મંઝિલ પે ચલા’ કે એવી કોઈ એમની પાસે ન હોય તે રેકોર્ડ માગવાની અને થેંકયુ કહી જતા રહેવાનું. લોકો પણ ત્યારે દયાળુ હતા એવું લાગે છે. આ સિવાય સામે જ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ. એના બગીચા મસ્ત મસ્ત. ત્યાં ઘાસમાં બેસાય, બાંકડા પર પણ, બધું જ મફત. આ મ્યુઝિયમ કેટલીયે વાર જોયું હશે. પેલી યુનિવર્સિટી લાઈબ્રેરીમાં જઈ વાર્તાની ચોપડીઓ વાંચવાની. કોઈ પૂછે નહીં, મને તો લાગે છે કે પેલી માનસિક પીડા આપતી અને પોતાને માટે તુચ્છ ભાવ જાગે એવી તરકીબો અમને તો ઝાઝો સાંસ્કૃતિક વારસો આપી ગઈ.

એક જ ખરાબ અનુભવ ત્યાં થયેલો. લાઈબ્રેરીથી કૉલેજ જવા યુનિવર્સિટીના મકાનનો બગીચો ક્રોસ કરવો પડે. અહીં પણ અમે બાંકડે બેસીને ચર્ચાઓ અને ગોસીપો કરેલી હતી. કોઈ વાર આખા બાગમાં કોઈ ન હોય. એક બાજુ ખાલી કોન્વોકેશન હોલ અને બીજી બાજુએ વર્ગો અને પ્રાધ્યાપકોની રૂમોનો પાછલો ભાગ. ત્યાંથી અમારી કૉલેજ તરફ જવાનો એક નાનકડો દરવાજો. હવે વર્ષોથી એ બંધ જ રહે છે. એ તરફ હું અને એક મિત્ર જતાં હતાં ત્યાં સામે, પેલા નાના દરવાજા તરફના એક બાંકડે એક માણસ બેઠેલો હતો. અમે અમારી વાતોમાં મસ્ત. પેલાએ કાંઈક અવાજ કરી બોલાવ્યાં. જોયું તો એ પોતાનો ઝેરીલા નાગ નાગો થઈને ડોલાવતો હતો. શું થયું કે વગર બોલે અમને બંનેને એક જ ઘુરી ચડી, દોડીને ખભેથી પકડીને અમે બૂમાબૂમ કરી, ત્યાં સુધીમાં આસપાસમાં બે-ત્રણ માણસો હશે તે આવી પહોંચ્યા. પેલાને ફેણવાળા નાગને - ફેણ અને એનો કેફ તો ઊતરી જ ગયો હશે, ટોપલીમાં પાછો નાખવાની તક મળી નહીં. ભાઈ પુરાવા સહિત પકડાયા. પેલા ભાઈઓએ ગાળાગાળી કે મારપીટ કરી કે નહીં તેની જાણ નથી, કારણ કે અમે તો ત્યાંથી પો કરી ગયેલાં, ડર પણ હતો ‘મેગિયા બાંય પહેરીને ફરો છો તે આમ જ થાય’ એવું કહેનારાની ખોટ નહોતી. બહાર અમારી જ બદનામી થશે એવો ડર હતો. આ ડરથી સ્ત્રીઓ હજી પણ ભયભીત છે. હજી તો આવી ઘટનાઓનું સર્વેક્ષણ થયું નથી, પણ ફરિયાદો થાય છે અને પોલીસ તેમ જ પત્રકારો એની નોંધ લે છે એ આવકારદાયક છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Hdpgbtn7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com