3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નિઝામનાં નાણાંનો નાથ કોણ?
હૈદરાબાદના નિઝામ પરિવારની સંપત્તિ પર પાકિસ્તાન તો હક્ક જમાવી જ નહીં શકે એ સ્પષ્ટ થતાં હવે આ મિલકત કોના હાથમાં જાય છે તે જોવાનું રહે છે

પ્રફુલ શાહજ્યારેે સમય ખરાબ ચાલતો હોય અને દાનત કાયમ ભૂંડી હોય, ત્યારે લાગ જોઈને ભૂતકાળ કારમો ફટકો મારી જાય એનું ક્લાસિક ઉદાહરણ છે આપણો અ-મિત્ર પાડોશી દેશ પાકિસ્તાન. દુનિયાભરમાં વાટકો લઈને ફરતા ઈમરાન ખાનને ભારત તરફથી નહિ પણ બ્રિટનથી મોટોમસ ફટકો પડ્યો. ગ્રેટ બ્રિટનની કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાને પ્રતાપે પાકિસ્તાને ૩૫ કરોડ ડૉલરના દલ્લાથી હાથ ધોઈ નાખવાનો વારો આવ્યો. શ્રાદ્ધ પતી ગયા પછી નવરાત્રિના સપરમા દિવસોમાં પાકિસ્તાન સહિત ઘણાંની માલામાલ થઈ જવાની સિત્તેર વર્ષ જૂની ઈચ્છાનું બારમું, તેરમું અને અચ્યુતમ્ કેશવમ્ થઈ ગયું. પાકિસ્તાનની કંગાળ આર્થિક હાલતમાં આ ચુકાદાથી ફરક પડી શક્યો હોત પણ આ કેસમાં સંડોવાયેલા કરોડોના મુદ્દામાલ પર એનો નૈતિક અધિકાર ક્યારેય નહોતો. માત્ર અણછાજતી ઈચ્છા હતી, તે બર ન આવી.

મામલો માંડીને સમજવા જેવો છે. સૌથી લાંબા સમયથી ચાલતા ઐતિહાસિક કાનૂની ખટલામાં એક બ્રિટિશ જજે ચુકાદો ફટકાવ્યો કે હૈદરાબાદના સાતમા નિઝામના લંડનની નેશનલ વેસ્ટમિનિસ્ટ બૅંકમાં પડેલા ૩૫ કરોડ ડૉલર પર નિઝામના વારસદારો અને ભારતનો હક છે. પાકિસ્તાનને એમાંથી ફૂટી કોડી ય નહિ મળે. ઈંગ્લેન્ડ અને વેલ્સની હાઈ કોર્ટના જસ્ટિસના માર્કુસ સ્મિથે આપેલો ચુકાદો ઘણાને અપેક્ષિત અને પાકિસ્તાનને આઘાતજનક લાગ્યો હશે, પરંતુ આ કાનૂની જંગનો ઈતિહાસ અને વાર્તા ખૂબ રસપ્રદ છે. હૈદરાબાદના નિઝામ પરિવારે લંડનની બૅન્કમાં દશ લાખ ડૉલર જમા કરાવ્યા હતા, ત્યારે જંગના બીજ વવાયા હતા. આ રકમ વધીને ૩૫ કરોડ ડૉલરના આંકડે પહોંચી ત્યારે ખટલામાં જજમેન્ટ આવ્યું. આનાથી પોતાના દિલ્હી સ્થિત હાઈ કમિશન થકી આ દાવો નોંધાવનારા પાકિસ્તાનના પેટમાં કેવું કળકળતું તેલ રેડાયું હશે?

એમ કહી શકાય કે હકીકતમાં આ ખટલા કે દાવામાં ક્યાંય પાકિસ્તાન માટે સ્થાન નથી, કારણ કે સંયુક્ત ભારતના સમયે વાદ-વિવાદના શ્રીગણેશ થયા હતા. સમયના ચક્રને ઊંધું ફેરવીએ. ભારત પર આઝાદીના સોનેરી વાદળો છવાઈ રહ્યાં હતાં ત્યારે હૈદરાબાદના સાતમા નિઝામ ઓસમાન અલી ખાનને ટણી બહુ. હિન્દુસ્તાનના સૌથી ધનવાન રાજકુમારોમાંના એક એવા ખાનની ઈચ્છા ભારતમાં ભળવાની નહોતી. પણ પોતાના કેસની રજૂઆત કરવા અને સન્માનપૂર્વક- એટલે કે પોતાની તરફેણના કરાર પર મતું મરાવવા માટે તેમણે સર વૉલ્ટર મોન્કટોનને રોક્યા હતા. મોન્કટોનને ભારત સરકાર સાથે ચર્ચા-વિચારણા ચાલુ રાખવા સાથે હૈદરાબાદ, દિલ્હી અને કરાચી વચ્ચે મોંઘામાયલા બૂટ ઘસતા હતા. આ પ્રક્રિયા વચ્ચે નિઝામે ફરમાન જાહેર કર્યું કે લંડનની બે બૅંકમાં જમા પડેલી રકમમાંથી વિદેશમાં સાધનોની ખરીદી કરવાની છે.

અહીં સાધનો એટલે શું? હૈદરાબાદના વિસ્તાર માલિકીની જમીન અને રાજ્યના રક્ષણ કરવા માટેના સાધન. આનો સીધો અને સાફ અર્થ એ થાય કે શસ્ત્રો ખરીદવાનાં છે. એટલે ઈમ્પિરિયલ બૅંક ઓફ ઈન્ડિયામાંથી અન્ય બૅંકમાં હૈદરાબાદ સરકારના ખાતામાં ૧૦,૦૭,૯૪૦.૪૫ ડૉલર ટ્રાન્સફર કરાયા.

આ આખો ખેલ સમજવા જેવો છે. આ ખાતા અને એમાં ટ્રાન્સફર કરાયેલી રકમ પર નિઝામના દૂત અને હૈદરાબાદના વિદેશ પ્રધાન મોઈન નવાઝ જંગનો અંકુશ ૧૯૪૮ની ૧૬મી સપ્ટેમ્બરે (એટલે ભારતની સ્વતંત્રતા બાદ) આ મોઈન મિયાંએ પાકિસ્તાનના રાજદૂતને પોતાને ઘરે બોલાવ્યા. ત્યાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ ઝફરુલ્લા ખાન પણ હાજર. મોઈને વિનંતી કરી કે અમે આપીએ એ ફંડ સ્વીકારી લો. એટલે ૧૯૪૮ની ૨૦મી સપ્ટેમ્બરે પાકિસ્તાનના તત્કાલીન હાઈ કમિશનર હબીબ ઈબ્રાહિમ રહીમતુલ્લાના બૅન્ક ખાતામાં એ લાખો ડૉલર ટ્રાન્સફર થયા. પહેલી નજરે સમજાઈ જાય કે આની પાછળ નેમ તો આ રકમને ભારતના અંકુશ, વગ અને નજરથી દૂર રાખવાની હતી.

આ બેઠકના આગલા દિવસે એટલે કે ૧૯૪૮ની ૧૫મી સપ્ટેમ્બરે મોઈન નવાઝ જંગે રહીમતુલ્લાને લેખિત વિનંતી કરી હતી કે ‘હાલ આકાર લઈ રહેલી ઘટનાઓ વચ્ચે હૈદરાબાદના હિતના રક્ષણાર્થે આપના ખાતામાં દશ લાખથી વધુ ટ્રાન્સફર કરવાની સહમતી બતાવો તો આપનો આભારી રહીશ. મહેરબાની કરીને આ રકમ આપના ટ્રસ્ટમાં રાખશોજી. રહીમતુલ્લાએ લેખિતમાં જવાબ આપી દીધું કે આપના પ્રસ્તાવ મુજબ ઉપયુક્ત રકમ ટ્રસ્ટમાં મારા નામે ટ્રાન્સફર કરવા માટે હું સંમત થાઉં છું. બચ્ચું ય કહી દે કે આ કોઈ સોદો નહોતો અને માત્ર રકમ સાચવવા માટે અપાઈ હતી.

હૈદરાબાદના નિઝામે રાજકીય પ્રવાહી સ્થિતિ, અરાજકતા અને અસલામતી અને અણસમજને લીધે આ મિલિયન ડૉલરની ટ્રાન્સફરનો ખેલ ખેલ્યો હતો. એમને ય પાકિસ્તાનની બદદાનતનો ખ્યાલ નહિ હોય. આમેય હૈદરાબાદના નિઝામની માલમિલકત એટલી બધી હતી કે આ રકમ ઝાંઝી ચિંતાનો વિષય નહોતો. એ સમયે નિઝામની મિલકતનો ફેલાવો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને આજના તેલગંણામાંય ખરો. આ બધામાંથી માત્ર દસ હજાર ચોરસ માઈલની જમીનને સર્ફ-એ-ખાસનો દરજ્જો અપાયો હતો. આનો મતલબ એ કે આ શાહી પરિવારની માલિકીની જમીન ગણાય અને નિઝામના અંગત ઉપયોગ માટેની જમીન ગણાય. અહીંથી મળતી મહેસૂલી આવકને પ્રતાપે વિશ્ર્વ વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝિનના ૧૯૩૭ના એક કવર પેજ પર મીર ઓસ્માન અલી ખાનને વિશ્ર્વના સૌથી વધુ ધનવાન માણસ તરીકે સ્થાન મળ્યું હતું. એ સમયે તેઓ બે અબજ ડૉલર (હા, ૧૯૩૭માં!)ના ધની ગણાતા હતા. એટલે જ તો બીજા વિશ્ર્વ યુદ્ધમાં નિઝામે બે કરોડ ડૉલર ખર્ચ્યા હતા. શેના માટે? એક અહેવાલ મુજબ ભારતીય લશ્કર સામે લડવા માટે પોતાના લશ્કરને સજ્જ કરવા માટે!

એટલે નિઝામ માટે એ સમયે બૅંકમાં જમા કરાવેલી રકમ બહુ મોટી નહોતી પણ સમયાંતર એ કાનૂની ગૂંચની સાથે વધતી ગઈ. એમાંય ભારત સામે ૧૦૫ કલાકના યુદ્ધ બાદ નિઝામના લશ્કરે ૧૯૪૮ની ૧૭મી સપ્ટેમ્બરે ઘૂંટણિયા ટેકી દીધાં. ત્યાર બાદ ૨૦મીએ રકમ ટ્રાન્સફર થઈ, જેના પર ભારતનો હક બને, બને ને બને જ. ૨૭મી સપ્ટેમ્બરે નિઝામે ભારતના ગર્વનર જનરલ અને ભારતના નાયબ વડા પ્રધાનને તાર મોકલાવ્યો કે એ રકમ ફરી ખાતામાં ટ્રાન્સફર કરાવી આપો. આ વખતે બૅંક નામુક્કર થઈ ગઈ. ત્યારથી શરૂ થયેલો કાનૂની ખટલા પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. જો પાકિસ્તાન ચાર અઠવાડિયામાં આ ચુકાદા સામે અપીલ કરે તો આ પૂર્ણવિરામ અલ્પવિરામમાં ફેરવાઈ જશે અને લાખો ડૉલરની માલિકી માટેનો નવો જંગ શરૂ થશે.

જો કે નિઝામના પૌત્ર નઝફઅલી ખાન સ્વાભાવિકપણે ચુકાદાથી ખુશ છે. નિઝામના ૧૮ દીકરા અને ૧૬ દીકરી હતી એ જરા જાણ ખાતર. એમના વારસદારો અને ભારતને આ રકમમાંથી કેટલું ક્યારે મળે છે એનો જવાબ માત્ર ને માત્ર ભાવિ જ આપી શકશે.

-----------------------------------------------

સાત દાયકા, ૩૬૦ કરોડ રૂપિયા

૧૯૫૦: સંપત્તિ પર ભારત સરકારે પહેલી વાર દાવો નોંધાવ્યો.

૧૯૫૩: પાકિસ્તાનના હાઇ કમિશનર રહીમતુલ્લાહે વેસ્ટમિન્સ્ટર નામની બૅન્કને પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું.

૧૯૫૪: ભારત સરકારે નાણાં મેળવવા માટે પાકિસ્તાનના વિદેશ પ્રધાન મોઇન નવાઝ તેમ જ બૅન્ક સામે ખટલો દાખલ કર્યો.

૧૯૫૬: પૈસાની લેવડદેવડ બે સરકાર વચ્ચે થઇ હતી એટલે એ અંગેના વિવાદનો નિવેડો સુધ્ધાં સરકારી વાટાઘાટથી લાવવો જોઈએ એવો ચુકાદો ચાન્સરી ડિવિઝન જજ અપજોહને આપ્યો. પાકિસ્તાને સાર્વભૌમ સંરક્ષણ માગ્યું.

૧૯૫૬: કોર્ટ ઑફ અપીલ્સમાં ત્રણ જજે નિઝામની તરફેણમાં એટલે કે ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો. નિઝામ પાસેથી અનુમતિ લીધા વિના ખોટી રીતે પૈસાની ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું કહેવાયું હતું.

૧૯૫૭: બ્રિટિશ પાર્લમેન્ટના ઉપલા ગૃહ (હાઉસ ઑફ લૉર્ડ્સ)આ પાંચ ન્યાયમૂર્તિઓએ કોર્ટ ઑફ અપીલ્સના નિર્ણયને ઉલટાવી નાખ્યો. આ ચુકાદાને કારણે પાકિસ્તાનને રક્ષણ મળ્યું કે એની સામે ઈંગ્લૅન્ડમાં ખટલો ચાલી ન શકે. પરિણામે પૈસા બૅન્કમાં અટવાઈને પડ્યા રહ્યા.

૧૯૬૦: ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુુ અનેપાકિસ્તાનના પ્રમુખ અયુબ ખાન ૬૦:૪૦ના ધોરણે પૈસાની વહેંચણી કરવા તૈયાર થયા હતા. વર્લ્ડ બૅન્ક દ્વારા ઈન્ડસ વૉટર સંધિની કરાયેલી પહેલને પગલે પૈસા વહેંચણીનો નિર્ણય લેવાયો હતો.

૧૯૬૩: નિઝામ દ્વારા સેટલમેન્ટના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. એ અનુસાર બહામાની બૅન્ક ઑફ ધ નોવા સ્કોટિયાના નિઝામના બે પૌત્ર અને પરિવારના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બૅન્ક દ્વારા અરજી કરવામાં આવી હતી અને એ ત્રીજી પક્ષકાર (થર્ડ પાર્ટી) બની ગઈ હતી. અન્ય બે પક્ષમાં ભારત અને પાકિસ્તાન હતા.

૧૯૬૫: નાણાં પર હક દર્શાવવા નિઝામે ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી.

૧૯૮૩: ભારત અને પાકિસ્તાન દ્વારા નેશનલ વેસ્ટમિન્સ્ટર બૅન્કને સંયુક્તપણે એક પત્ર સુપરત કરવામાં આવ્યો. જોકે, આ વ્યવસ્થા નોવા સ્કોટિયા બૅન્કને મંજૂર નહોતી.

૨૦૧૩: સાર્વભૌમ સંરક્ષણની સગવડ પાકિસ્તાને જતી કરી અને સંપત્તિ પર કબજો મેળવવા નવો કેસ દાખલ કર્યો જેનો ચુકાદો તાજેતરમાં આવ્યો હતો. પૈસાના સાટામાં શસ્ત્ર મેળવવાની દલીલ પાકિસ્તાન તરફથી કરવામાં આવી હતી. આ ઉપરાંત પૈસાની સલામતી અંગે પણ એના દ્વારા રજૂઆત કરાઇ હતી. જોકે, આ બેઉ દલીલો જજને ગળે નહોતી ઊતરી.

ઑક્ટોબર, ૨૦૧૯: સંપત્તિ નિઝામના વારસદારોને જ મળવી જોઇએ એવો ચુકાદો યુકેની અદાલત દ્વારા આપવામાં આવ્યો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0315W31u
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com