31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બટન દબાવો ઠંડીનું, મત જાય વરસાદને

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદીઈ ન્દ્ર: શાંતિ..શાંતિ.. શાંતિ.. આ પૃથ્વીલોકની સંસદ સભા નથી કે દેકારો કરો છો. તમે લોકો રાજકીય નેતા નહીં દેવગણ છો શાંતિ રાખો દરેકની વાત સાંભળવામાં આવશે. અગ્નિદેવ તમે માઇક હાથમાંથી મૂકી દ્યો, એ બોલવા માટે છે, ફેંકવા માટે નહીં. લાઈવ-ટેલીકાસ્ટ ચાલુ છે સ્વભાવની જેમ આકરા થાવમાં.

અગ્નિ દેવ: હું છેલ્લા કેટલા સમયથી બોલવા જાઉં છું ત્યાં વરુણદેવ અટકાવે છે. વાદળાઓ દબાવવાની કોશિશ કરે તે કેમ ચાલે?

ઇન્દ્ર :આ વખતે કોણ બોલશે તે નક્કી કરવા માટે મતદાન થયું ત્યારે વરુણદેવને સૌથી વધારે મત પ્રાપ્ત થયા છે એટલે તેમનો હક લાગે.

અગ્નિદેવ :મારે એ કહેવું છે કે ‘મારું કુટુંબ મને મત આપે છતાં એ મત નીકળે નહીં તો મારે શું સમજવું? નક્કી ઈ.વી.એમ માં ગડબડી છે. પહેલા આપણે અહીં નિયમ હતો આંગળી ઊંચી કરી અને મત આપતા હતા. જૂનો નિયમ પાછો ચાલુ કરો. "વારા ફરતી વારો, તારા પછી મારો તો હવે મારો વારો છે. ક્યારેક ક્યારેક તો ડોકા કાઢવા દ્યો. ખોટેખોટો ઓવરટાઇમ ખેંચે છે, આમાં વાયુદેવ ક્યારે આવશે? ઠંડીનો માહોલ ક્યારે બનશે? પછી હું તો ફેબ્રુઆરીથી ચાલુ પડી જઈશ,મને ના કહેતા. મારા સપોર્ટમાં સૂર્યનારાયણ દેવ છે જ હું પૃથ્વી પર એક ચક્કર મારી આવું.’

હજી બહાર નીકળે ત્યાં તો કોલાહલ થયો કે ‘જોયુ હું હજી બહાર નીકળવા જાઉં છું ત્યાં વાદળા એ રસ્તો રોક્યો અને વર્ષારાણી પોતાના રથમાં ફરવા પણ નીકળી ગયા આમ થોડું ચાલે? અને મને શાંત પાડવા આમ વરસાદ ના મોકલો, મારો જીવ બળતો હોય ત્યારે એમ ટાઢક ના થાય, રહેવા દ્યો મને પલાળો માં કહું છું રહેવા દો’....

કોણ તમને છાલક મારે છે? આમ ઊંઘમાં પણ શેના રોમેન્ટિક થઈ જાઓ છો? કોણ છે એ સગલી? પત્નીના પ્રશ્ર્નોનો મશીનગનની જેમ મારો થયો અને મારી ઊંઘ ઊડી મેં જોયું કે બારીમાંથી પાણીની વાંછટ આવતી હતી અને હું દેવગણમાંથી અલગ ડાયલોગ બોલતો હતો. તાજે તાજું જ સપનું હતું એટલે અક્ષરે અક્ષર મને યાદ રહ્યું પણ આશ્ર્ચર્ય એ વાતનું થયું કે અત્યારની પરિસ્થિતિ મારા મગજ પર કેટલી હાવી છે એક બટન દાબું અને બીજામાં મત જાય આ વાત ક્યાંથી ક્યાં લાગુ પડી. નક્કી કર્યું કે રાત્રે મોડે સુધી જાગવું નહીં અને જાગવું તો સમાચાર તો જોવા જ નહીં અને જો સમાચારની ચેનલ જોવી હોય તો ત્યારે ડિબેટ તો જોવી જ નહીં, આ અર્થના અનર્થ થઇ જાય અને ઘરવાળીને સગલીના ખુલાસા કેમ કરવા?

એક વાત છે કે આ બટનવાળી વાત મગજમાં લોકોને બહુ ઘર કરી રહી છે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે ઠંડીની રાહ જોવાય છે, પરંતુ વરસાદ કેડો નથી મુકતો, આ વાત પણ લોકો ઈ.વી.એમ. મશીન સાથે જોડે છે કે દબાવું છું એક પક્ષનું બટન અને મત જાય છે બીજા પક્ષમાં.

સરકાર દિવસે દિવસે ખરાબ થતી જાય છે અને સારી વાત છે કે લોકોને આજે શિક્ષાત્મક પગલા દ્વારા સરકાર નિયમસર રહેતા શીખવાડી રહી છે, પરંતુ તે નિયમ પાળવામાં કેટલી તકલીફ થાય છે? ઘરેથી નીકળીએ ત્યારે હેલ્મેટનો કાયદો ફરજિયાત થયો હોવાથી હેલ્મેટ લેવાની, વરસાદ ગમે ત્યારે આવી શકે છે તેમ ધારી છત્રી પણ લેવાની, અને છત્રી ન હોય તો રેઈનકોટ પહેરી અને નીકળવાનું લોકો તડકામાં રેઇનકોટ પહેરીને ફરતા મેં જોયા છે.

જોકે એમનો વાંક નથી ક્યારે વાદળાં ઘેરાય અને તૂટી પડે તે નક્કી નહીં એટલે વહેમમાં રહેવા કરતા રેઇનકોટમાં રહેવું વધારે સારું, વરસાદ આવશે કે તરત રેઇનકોટ પહેરી લેશું એવું જો માનતા હો તો વરસાદ ચાન્સ આપતો જ નથી શરૂ થાય એટલે એકધારો શરૂ થાય અને આખા પલાળે જ.

કોઈકના ઘરે ગયા હોય ત્યાં સરસ સોફા માથે પલળેલ કુકડા જેવા થઈ અને બેસીએ તો એ માણસને તમારી વાતમાં રસ ઓછો પડે, પરંતુ તેનો સોફો બગડતો હોય તે વાતમાં જ તેનું મગજ રહે અને તમારી વાત માથા ઉપરથી જાય, તમારું કામ થાય નહીં. વરસાદને કારણે ક્યાંક તમે ન પહોંચી શકો અને તમને ફોન કરે ત્યારે તમે કહો કે ધોધમાર વરસાદ ચાલુ છે એટલે હું નહીં આવી શકું તો એવા સંજોગોમાં બની શકે કે તેના વિસ્તારમાં ટીપું પણ વરસાદ ન હોય ત્યારે તે તમારી વાત ખોટી માની અને તમારી ઉપર ખોટાડો, કામચોર એવા લેબલ લગાવી દે એટલે મારું તો માનવું છે કે જવાનું હોય ત્યાં પલળીને પણ પહોંચી જવું જેથી કાંઈ નહીં તો એ તમારી કામ પ્રત્યેની ધગશ તો દેખાય ભલે તમે કરવા સક્ષમ ન જ હો.હા પહોંચી અને તેમના સોફા કે ખુરશી ઉપરના બેસી જવું જેથી કરી અને તમારું કામ બગડે તમે ગાળો ખાવ એવું ના થાય.

સૌરાષ્ટ્રમાં તો વરસાદ ઓછો આવે એટલે જ્યારે વરસાદ આવે ત્યારે પરણેલા પુરુષો આશાભરી નજરે પત્ની સામે જુએ અને જો તાજા લગ્ન થયા હોય તો પત્ની પણ શરમાઈ અને આંખોથી જ સહમતી આપે આ વાત રોમેન્ટિસિઝમ સાથે નહીં પણ ખાઉધરાપણા સાથે જોડાયેલી છે એટલે કે તે ભજિયા માટે આશાભરી નજરે જુએ અને આંખોથી એ ભજિયા બનાવશે તેવી મૂક સંમતિ પત્ની આપે. જો લગ્નને થોડો સમય થઈ ગયો હોય તો આંખોથી કામ ના ચાલે ડિમાન્ડ મૂકવી પડે લાચાર ભૂખડીબારસ પતિ ભજિયાની ડિમાન્ડ મૂકે હા ના હા ના થતા અડધી કલાકે પત્ની માને અને ઝાપટું રોકાઈ જાય પછી પતિ બજારમાં જઈ અને બટેટા, ડુંગળી બધું લઈ આવે પછી કચ કચ સાથે ભજિયાનો કાર્યક્રમ શરૂ થાય, અને જો થોડાં વધુ વર્ષો લગ્નને થઈ ગયા હોય તો પતિ જોવાની તો શું બોલવાની પણ હિંમત ન કરી શકે અને ચૂપચાપ જો ખાવા હોય તો ગલીના નાકેથી તેના અને પત્ની માટે તૈયાર ભજિયા લઈ આવે અને હોંશે હોંશે ખાય. આ વર્ષે તો વરસાદ જ એટલો ચાલ્યો કે નવી પત્ની પણ ભજિયા બનાવી બનાવી અને થાકી ગઈ, હવે તો પતિ જેવો સામું જુએ એટલે તરત જ કહી દે, ‘રોમેન્ટિક થવું હોય તો થજો ભજિયા ની વાત ન કરતા’. આમ પણ પત્ની કપડાં ન સુકાતા હોય એટલે એનો ગુસ્સો સુકાઈ ગયેલા પતિ પર કાઢતી હોય છે એવામાં ભજીયાની ડિમાન્ડ કરવી એટલે કજિયા ને આમંત્રણ આપવા જેવું થાય. કપડા ના સુકાતા હોય તેમાં આપણો વાંક હોય તેવું વર્તન આપણી સાથે કરે અને જો પત્નીનું ચાલે તો પતિને એક જ જોડીમાં ચોમાસાની સિઝન પૂરી કરાવે. ભૂલેચૂકે બહાર તડકો જોઈ અને જો જીન્સનું પેન્ટ પહેર્યું અને વરસાદ આવ્યો તો પતિદેવનું આવી બન્યું. અને વરસાદનું હવે એવું છે કે સરકારી કર્મચારીઓ સમય પર ઓફિસ ન જાય, પરંતુ વરસાદ સમયસર આવી જ જાય છે.

વરસાદ જ્યારે ન આવ્યો, ખેંચાયો ત્યારે વરુણ યજ્ઞ કરી અને લોકોએ ઈશ્ર્વર પાસે ખૂબ આજીજી કરી અને બધાનો અવાજ એટલી હદ સુધી પહોંચ્યો કે હવે કોણે-કોણે યજ્ઞ કર્યો તે લોકોને પ્રજા શોધે છે. ઊભા પાકને નુકસાન થવાની શરૂઆત થઈ છે. ખેડૂતોની તકલીફ કેવી? વરસાદ ખેંચાય તો પણ પાક બળી જાય અને વરસાદ ખૂબ આવે તો પણ લીલો દુકાળ પડે. આવા સંજોગોમાં સરકારની કામગીરી પણ ખૂબ વધી જાય,છાસવારે તો સર્જિકલ સ્ટ્રાઈક નથી કરી શકાતી ખેડૂત લોકોનું ધ્યાન પણ કેટલું ડાઈવર્ટ કરી શકાય?

ઈશ્ર્વર હવે એક એવું મશીન પૃથ્વી ઉપર મોકલ જેમાં કોઈ ગડબડી ના થાય થોડા ગાંધી, થોડા સરદાર, થોડા ભગતસિંહ જેવા દેશપ્રેમી દેશદાઝવાળા લોકો સમાજમાં આવે.જોકે અમે તો વર્ષોથી આ માટે જ મશીનમાં બટન દબાવી એ છીએ, પરંતુ પ્રોડક્શન કંઈક બીજું જ નીકળે છે. ભગવાન બચાવે આ બટનવાળા મશીનોથી...

વિચારવાયુ:

ચુનિયો: આપણે ત્યાં વધારે વરસાદથી પાકિસ્તાનને શું કામ નુકસાન થાય? છાપાવાળાઓમાં બુદ્ધિ જ નથી ખોટું લખે છે કે ‘પાક’ને નુકસાન થશે.

હે બુદ્ધિધન, આ ‘પાક’ એટલે ઊભો મોલ પાકિસ્તાન નહીં....

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5H883u5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com