3-June-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિજયભાઈના એ નાટકમાં અમારી ચાર્મિંગ-ચોકડી જોરદાર બની

અરવિંદ વેકરિયામંગળવારે સાંજે હું અને સચ્ચું સાથે જ નીકળ્યા. અમે ૬.૧૦ના તો પહોંચી ગયા. આખો હોલ ભરાય ગયો હતો. વિજયદત્ત એક ખુરસી પર બેસીને કોઈ ફાઈલ જોતા હતા. બાજુમાં ભાઈશ્રી વિષ્ણુકુમાર વ્યાસ બેઠા હતા. નિર્માતા લાલુ શાહ મોમાં ચિરૂટ સાથે આંટા મારી રહ્યા હતા. હું અને સચ્ચું અંદર પ્રવેશ્યા. અભિનયના ઓરતા પૂરા કરવા ઘણાની હાજરી હતી. અમે બે એ એમાં વધારો કર્યો. યુવાનો હતા અને કુમારિકાઓ પણ હતી. અમને જોઇને વિજયભાઈએ હલકું સ્મિત કર્યું. મેં જઈને મને આવેલું પોસ્ટકાર્ડ બતાવ્યું. મને કહે એ તારી પાસે રાખ, હમણાં આપણે ઓડીશન શરૂ કરીશું.

થોડીવારમાં બધા માટે ચા આવી. અમે ખુરસીમાં વર્તુળાકારે ગોઠવાયા. વર્તુળ પૂરું થતું હતું ત્યાં બે ખુરસીઓ હતી જેના પર વિજયદત્ત અને વિષ્ણુકુમાર વ્યાસ બેઠા. બાજુમાં નિર્માતા લાલુ શાહ અને ચંદ્રિકા શાહ( લાલુ શાહના પત્ની) ગોઠવાયા. નિખિલેશ ઠાકોર એમના નિર્માણ-નિયામક( લાલુ શાહના સાળા, ચંદ્રિકા શાહના ભાઈ) તેઓ બધાને ખુરસીઓ મળી ગઈ અને બધાએ બેઠક લઇ લીધી કે નહિ એની દેખરેખમાં લાગ્યા.

વિજયભાઈએ હોલમાં થતા કલબલાટને શાંત કરવા અવાજ કર્યો..સાઈલેન્સ...અને આખા હોલમાં સોપો પડી ગયો. વિજયભાઈએ કહ્યું, આપ બધા મળીને ૨૫ જણા છો. એમાંથી પાંચમાંથી હું બેકસ્ટેજ માટે બે પસંદ કરીશ. બાકીના ૨૦ માંથી ૧૩ કલાકારોને પસંદ કરીશ. વારાફરતી બધા પાસે રીડિંગ કરાવીશ અને એના પરથી હું ફાયનલ કરીશ. જો કોઈ પસંદગી ન પામ્યું તો એમણે જરા પણ દુ:ખી થવાની જરૂર નથી. આના પછી બીજો પ્રોજેક્ટ શરૂ કરીશું એમાં સમાવી લઈશું.

હું અને સચ્ચું સ્વાભાવિકપણે બાજુમાં જ બેઠા. થોડા સમય પહેલા જ પ્રોડ્યુસર ગીલ્ડની એકાંકી સ્પર્ધામાં તારક મહેતા લિખિત અને કૃષ્ણકાંત વસાવડા દિગ્દર્શિત ‘બે દુની ચાર’ એકાંકી અમે ચિનાઈ કૉલેજ વતી ભજવી પ્રથમ ઇનામ મેળવેલું. મારી ને સચ્ચુંની પ્રમુખ ભૂમિકા હતી. આવેલા જૂથમાંથી ઘણાએ એ જોયું હશે એટલે થોડી-થોડી વારે આવેલામાંથી થોડા-થોડા મારી અને સચ્ચું સામે જોઈ લેતા હતા અને અમે બંને અંદરથી પોરશાતા હતા.

સ્ક્રિપ્ટનું રીડિંગ શરૂ થયું. વારાફરતી સૌ કોઈએ પોતાની ક્ષમતા પ્રમાણે પઠન કર્યું. પછી વિજયભાઈએ કહ્યું, તમે બધા એકબીજાનો પરિચય કેળવો ..પંદર મિનિટમાં હું ફાયનલ કરી નામો જાહેર કરીશ. સૌ એકબીજા સામે જોતા ઉચક જીવે બેઠા. સચ્ચું પહેલીવાર થોડો નરવસ મને દેખાયો. એટલી જાણ થઇ કે નાટક લખેલું

મૂળરાજ રાજડાએ અને દિગ્દર્શન વિજયદત્ત કરવાના હતા.

લગભગ ૧૫ મિનિટ સુધી વિજયભાઈ, લાલુભાઈ અને વિષ્ણુકુમાર વ્યાસે ડિસ્કશન કર્યું. અને ૧૩ જણના નામ ઘોષિત કર્યા. હું અને સચ્ચું સિલેક્ટ થઇ ગયા. ત્યારે અમને મળ્યા, સનત વ્યાસ, સોહિલ વિરાણી અને સુનીલ

શાહ. જેમની સાથે આજ સુધી કૌટુંબિક સંબંધ જળવાયેલ છે.

વિજયભાઈએ કહ્યું કે નાટકમાં પાત્રો ૧૩ છે. નાટકનું નામ છે "વાયદાના ફાયદા છેલ્લે એક પાત્ર આવે છે જે માત્ર થોડી મિનિટો માટે. તમારું ધ્યાન રાખવા એ પાત્ર હું કે વિષ્ણુકુમાર વ્યાસ, બે માંથી કોઈ એક ભજવીશું. ( પાછળથી એ પાત્ર વિજયદત્તે ભજવેલું). હવે બે દિવસ પછી આપણે આજ જગ્યાએ નાટકના રીહર્સલ શરૂ કરીશું. બધાએ સમયસર આવવું પડશે. શરૂઆતનો સમય સાંજે ૬.૩૦ થી ૯ સુધીનો રહેશે. પછી જેમ જેમ નાટકની રજૂઆતનો સમય નજીક આવતો જશે એમ સમય વધશે.

એ વૃંદમાં મળ્યા, મંજરી દેસાઈ ( પછીથી જાણીતી ફિલ્મ અભિનેત્રી બની. એક કાર-અકસ્માતમાં એનું દુખદ નિધન થયું). વિજયાલક્ષ્મી દેસાઈ( જેણે અમદાવાદના ઘણા નાટકો કર્યા, સિરિયલો પણ કરી).

ખાસ તો અમારી ‘ચાર્મિંગ-ચોકડી’ જોરદાર બની. હું, સનત વ્યાસ, સચ્ચું અને સોહિલ વિરાણી.

...ફાધર પોતાના ધંધામાં તો નહિ બેસાડી દેને? એ દ્વિધા સાથે રાત્રે ઘરે મોડો પહોંચ્યો. નાટકમાં પાત્ર મળી ગયેલું એટલે પથારીમાં પડતાંવેત નસકોરાં બોલાવવા માંડ્યો. બાએ મને બે વાર ઉઠાડ્યો. હું પહેલીવાર નસકોરાં બોલાવતો હતો અને એના અવાજથી બાની ઊંઘ ઊડી જતી હતી. મને ત્યારે બા મા પણ મારા ‘ભાઈ’ દેખાવા માંડેલા જાણે કહી રહ્યા હોય,..‘નાટક-બાટક મૂકો... મારી રેઈડીમેડની ફેક્ટરીમાં આવી જાવ..’ માંડ માંડ આંખ મળી. સવારે તો પાછું ડ્યૂટી પર પહોંચવાનું હતું. સવારે ઊઠ્યો. ભાઈ સેવા કરી રહ્યા હતા. મારે એટલે એમની સાથે બીજી કોઈ વાત થઇ ન શકી. ‘સાંજે વાત કરીશ’ એવું વિચારી મેં ઘર છોડ્યું. બાએ મારી વાતમાં બહુ રસ દેખાડ્યો નહિ. સંસ્કાર કહેતા હતા કે મા-બાપની સમંતિ તો લેવી જ જોઈએ. આજકાલનાં ઘણાં સંતાનોની મતિ ફરી જતી હોય છે, સમંતિ લેવા માટે. પરંતુ મારા સંસ્કાર એ મતિને અનુક્રમી જતા હતા.

હું ઓફિસે પહોંચી ગયો. આનંદ અને હરખ, સિક્કાની બંને બાજુઓ મને ઘેરી વળેલી. કામ સપાટાબંધ થવા માંડ્યું. મારા ઉપરીએ પણ સંભળાવ્યું, ‘અરવિંદ, આજે તું જુદો જ દેખાય છે.’ એમને કેમ સમજાવું કે મનમાં ધરબાયેલી ઈચ્છા વાસ્તવિકતા બનીને મારી સામે આવી ગઈ છે.

સાંજના ઘરે પહોંચ્યો. ઓફિસેથી બે-ચાર વાર સચ્ચું સાથે ફોન પર વાત થઇ. એ પણ ખુશ હતો. જેમ કામ સફળ થયા પછી બધા કહેતા હોય છે .. ‘જોયું, હું કહેતો જ હતો ને?’ એવી રેકોર્ડ એણે ચારે-ચાર વાર વગાડી. જોકે મને એ રેકોર્ડ મીઠી ધૂન જેવી લાગી.

ઘરે પહોંચીને મેં ફાધરને વાત કરી કે હું નાટક માટે સિલેક્ટ થઇ ગયો છું. આવતી કાલથી રિહર્ષલ શરૂ થશે. ફાધરે બહુ જ સમજદારીપૂર્વક વાત માંડતા કહ્યું, ‘જો આપણી જ્ઞાતિ અને આપણો સમાજ આ વસ્તુ સ્વીકારશે નહિ. હું પણ નહોતો જ કબૂલ કરતો હતો ને? છતાં સ્વીકાર્યું. પણ આપણા સમાજને ગળે આ વાત ઉતારવી એટલે નાકા વગરની સોયમાં દોરો પરોવવાનો નિરર્થક પ્રયાસ કરવા બરાબર છે. હું અનુભવી ચુક્યો છું કે લાઈન તો જ ખરાબ સાબિત થાય જો તમે ખરાબીને રસ્તે ટહેલવા નીકળી પડો. ખરાબ થવાની દરેક જગ્યાએ હજારો પ્રલોભનો હોય છે. જો તમારા સંસ્કારોની લક્ષ્મણ-રેખા તમને રોકી રાખે તો તમે સાંગોપાંગ તમારા ગોલને પામી શકો, પરંતુ ગોળ-ગોળ હિપોક્રસીમાં વાત કરતા સમાજને આ વાત સમજાવવી કઠણ છે.તું બી.કોમ. થઇ ગયો છે. ૨૫વર્ષ પૂરાં કરી ૨૬મા વર્ષમાં પ્રવેશી ચુક્યો છે. તારા માટે છોકરીઓ જોવાનું અમે શરૂ કરી દીધું છે. અને એવા વખતે આપણે જો તારા નાટક વિષેની વાત કરીશું તો કાચું કપાય જવાની શક્યતા છે. દરેક બાપ માટે ..દીકરી એટલે વહાલનો દરિયો, પણ નાટકની વાત એ લોકો માટે સુનામી બની જાય. કયો બાપ વહાલના દરિયાને સુનામીમાં વહેવા દે? તું નાટકમાં કામ કર એનો વાંધો નથી અને આમ પણ ક્યાં આપણે કાયમ માટે કરવાનું છે? ( જોકે પછીથી એ કાયમી થઇ ગયું એ અલગ વાત છે ).પણ નાટકની વાત છુપાવવી તો પડશે જ. શક્ય છે કે નિર્દોષતાથી કહેવાયેલ આ નાટકની વાતથી સારું ઠેકાણું હાથથી ચાલ્યું જાય.’

મારા ફાધરે નિવૃત્તિ લીધી એ પછી ૩૫ થી ૩૭ વર્ષ તેઓ વિઠ્ઠલવાડીના નાકા ઉપર આવેલા દ્વારકાધીશના મંદિરમાં સેવા આપતા. ઘરે માત્ર શનિવારે આવતા. સોમવારે સવારના ૫.૩૦ વાગ્યાના મંગળાના દર્શન પહેલા તો તેઓ મંદિરમાં પહોંચી જતા. ભગવાનમાં ઓતપ્રોત અને નિશદિન સેવામાં પ્રવૃત્ત રહેનારા મારા ફાધરે જયારે આ વાત છુપાવવા માટે કહ્યું ત્યારે મને તાજ્જુબ થયું. એમણે ખુલાસો કરતા કહ્યું.. ‘તારી ઘણી ઇચ્છાઓ મેં સંજોગોને કારણે અકાળે મારી નાખી છે. કારણ આર્થિક સંકડામણ હતી. નાટક તારો શોખ છે. જેમાં મારે મારી ‘હા’ સિવાય કોઈ રોકાણ કરવાનું નથી. તારા ઉગતા શોખને હું ના પાડી ડામી દઉં તો એક બાપ તરીકે મને શરીરે કોઈ ડામ દેતું હોય એવી બળતરા થાય. સો વાતની એક વાત, તારી ઈચ્છાને પોષવા ખોટું બોલવું પડશે. કૃષ્ણે પણ કહ્યું છે કે કોઈનું ભલું કરવામાં ખોટું બોલવું પડે તો એ પાપ નથી. તારું ભલું એ તારો શોખ મારા માટે. એ પૂરો થાય એવી મારી ઇચ્છા. એટલે... જો, આપણે સામેથી તો કઈ કહેવાનું જ નહિ. માત્ર કેટલું ભણ્યો છે, શું કરે છે... આ બે સવાલો જ દીકરીનો બાપ પૂછે. શું કરે છે એમાં નોકરીની વાત કરવાની. નાટકની વાતમાં મૌન ધારણ કરી લેવાનું. ‘...નરો વા કુંજરો વા...’

મારા ફાધરની આ વાત સાંભળતા હું એમની અનરાધાર લાગણીના ધોધમાં ભીંજાતો રહ્યો. મારી આંખમાંથી આંસુઓ હરખના વછૂટીને ગાલ પર અટક્યા. ફાધરે કદાચ જોયા નહિ. મેં મારા ખિસ્સામાંથી રૂમાલ કાઢી આંખ ઉપર દાબી દીધો. મારે સમાજની લઘુતાગ્રંથી જોવી નહોતી, કદાચ.

પ્રેમમાં કે નફરતના કોક’દિ જખમ ઊંડા, કોક’દિ સુંવાળો ડંખ,

એજ તો આ જીવન છે, હરપળે આઘાતો હર ઘડી સુંવાળો ડંખ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

c0u6kY6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com