24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લોકસભાની ચૂંટણી બાદ નવા સાડા આઠ લાખ મતદારો વધ્યા
વિધાનસભામાં ૭૦ ટકા મતદાનનો ચૂંટણી પંચનો નિર્ધાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: લોકસભાની ચૂંટણી બાદ ત્રણ મહિનામાં જ રાજ્યમાં નવા સાડા આઠ લાખ મતદારો નોંધાયા છે, જેમાં મોટી સંખ્યામાં ૧૯થી ૨૨ વર્ષના મતદારોનો સમાવેશ થાય છે. મતદારોની સંખ્યા સાથે મતદાનની ટકાવારી વધે તે માટે અમે રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ, તેમ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બલદેવ સિંહે જણાવ્યું હતું. મતદારોની વધેલી સંખ્યા અંગે માહિતી આપતા સિંહે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ ૧૦,૭૫,૫૨૮ નવા મતદારે નોંધણી કરાવી છે, પરંતુ બે લાખ આસપાસ નામ મતદારયાદીમાંથી કપાયા છે, આથી ૮.૬૦ લાખ નવા મતદાર જોડાયા છે. આ સાથે રાજ્યમાં કુલ મતદારોની કુલ સંખ્યા ૮,૯૪,૪૬,૨૧૧ થઈ છે, જેમાં મહિલા મતદાર ૪,૨૭,૦૫,૭૭૭ અને પુરુષ મતદાર ૪,૬૭,૩૭,૮૪૧ છે. તેમણે જણાવ્યું હતું કે મહિલા મતદારોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, તેમ છતાં વસતિ ગણતરી અનુસાર જે સ્ત્રી-પુરુષનો રેશિયો છે, તે જોતા ઓછી મહિલાઓએ નોંધણી કરી છે. વસતિ ગણતરી અનુસાર રાજ્યમાં દર ૧૦૦૦ પુરુષે ૯૨૫ મહિલા છે, પરંતુ મતદારયાદીમાં દર ૧૦૦૦ પુરુષ મતદારની તુલનામાં ૯૧૪ મહિલા મતદાર છે. તેમણે હજુ પણ નોંધણી થઈ શકે તેમ હોવાથી જેમણે નોંધણી ન કરાવી હોય તે લોકોને આગળ આવવા જણાવ્યું હતું. રાજ્યમાં મતદારોની સંખ્યા વધી હોવાથી પોલિંગ સ્ટેશનની સંખ્યા પણ વધારવામાં આવશે.

આવનારી ચૂંટણીમાં ૭૦૦ જેટલા વધારે પોલિંગ સ્ટેશન ઉમેરાશે, તેમ માનવામાં આવે છે. ૨૦૧૪ની વિધાનસભામાં ૬૪ ટકા મતદાન થયું હતું, પરંતુ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ૬૦ ટકા જ મતદાન થયું હતું. આથી ૨૦૧૪માં વિધાનસભામાં થયેલા ૬૪ ટકા મતદાનમાં વધારો થાય અને આ ટકાવારી ૭૦ ટકા સુધી પહોંચે તે માટે રાજ્યવ્યાપી અભિયાન પંચ ચલાવશે, તેમ સિંહે જણાવ્યું હતું.

રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ થઈ ચૂકી છે અને પૂરતા પ્રમાણમાં ઈવીએમ અને વીવીપેટ મશીન છે, તેમ જણાવતા તેમણે ઈવીએમ મશીન ર્પૂણ સુરક્ષિત છે અને તેની સાથે કોઈપણ જાતના ચેડાં થઈ શકે તેમ નથી, તેવું સ્પષ્ટ કર્યું હતું. ---------------------------------------

ઉમેદવારોને નડશે શ્રાદ્ધ?

ચૂંટણીની જાહેરાત નેશનલ ઈલેક્શન કમિશન શુક્રવાર આસપાસ કરે તેવી શક્યતા છે. શનિવારથી ભારતમાં શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. આ દરમિયાન સારાં કામ ન કરવાનું લોકો માને છે. શુક્રવારે ચૂંટણીની તારીખો જાહેર થાય તેમ માનવામાં આવે છે. આથી તે બાદના પંદર દિવસ સારાં કામ કરવા માટે યોગ્ય નથી તેવું માનતા રાજનેતાઓએ પંદર દિવસ રાહ જોવી પડશે. આ પંદર દિવસ દરમિયાન પ્રચારના કામ પર પણ રોક લાગી શકે છે, કારણ કે નવું કામ શ્રાદ્ધ પક્ષમાં શરૂ કરવામાં નહીં આવે. આચારસંહિતા જાહેર થયા બાદ ઓછામાં ઓછા ૪૫ દિવસ મતદાન પહેલાના હોય છે. જેમાંથી પંદરેક દિવસ નીકળી જશે. તે બાદ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરવામાં સમય આપવો પડશે. હજુ કોઈ પણ પક્ષે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. હાલમા તો ચૂંટણી પંચની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. આ જાહેરાત થયા બાદ ઉમેદવારો પાસે પ્રચાર માટે કેટલો સમય રહે છે તે જોવાનું રહે છે.







આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

o0275215
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com