24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈમાં ખાડા? ના, ખાડામાં મુંબઈ

મુંબઈને સિંગાપોર બનાવવાની વાતો હમણાં ઉચ્ચારાઈ નથી છતાં આપણી મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવા વિશે બેમત નથી. આંતરરાષ્ટ્રીય પર્યટકો રોજ રોજ આવીને શહેરની હાલત જુએ છે. મીડિયામાં મૂળભૂત સુવિધાઓ વિશે કાગારોળ મચતી રહે છે. જાડી ચામડીના રાજકારણીઓના પેટનું પાણી હલતું નથી અને પ્રજાને જાણે હવે બધું અબખે પડી ગયું છે.

મંગળ અને ચંદ્ર પર મહત્ત્વાકાંક્ષી મીટ માંડનારા ભારત દેશના અગ્રણી શહેરને વરસોથી રસ્તા પરના ખાડા, ઊભરાતી ગટર અને છલકાતા નાળાની સમસ્યાઓથી છુટકારો મળતો નથી. નિતનવા પ્રકલ્પ અને કરોડોના ખર્ચા છતાં આમઆદમી અને ખાડાની દોસ્તી અણનમ છે.

હમણાં વડી અદાલતે મહાપાલિકાને કોથળામાં ભરીને પાંચ શેરી ફટકારી કે મુંબઈના રસ્તાની સ્થિતિ જોતા કયું વાહન કલાકના ૮૦ કિ.મી.થી વધુ ગતિએ દોડી શકે? આવી વેધક ટિપ્પણ છતાં કંઈ નક્કર થવાનું નથી એ આપણે જાણીએ છીએ. જો મહાપાલિકાનું વહીવટી તંત્ર સમસ્યાઓ ઉકેલી ન શકે, ગર્વપ્રદ લાગે એવું માળખું પૂરું ન પાડી શકે તો વધુ બહેતર વ્યવસ્થા કરવી જરૂરી છે. છેલ્લાં ૨૫ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા સૌથી વધુ વરસાદે શહેરના રસ્તાની હલાત જાણે ફાટેલી મચ્છરદાની જેવી કરી નાખી છે. આની વચ્ચે પાલિકા શેખી મારે છે કે શહેરના ૯૩ ટકા ખાડા પૂરી દેવાયા છે. પાલિકાના રેકોર્ડ્સ મુજબ માત્ર ૨૩૩ ખાડા પૂરવાના બાકી છે.

આ આંકડા પર કેવી રીતે પહોંચાયું એ જાણવાનું રસપ્રદ છે. પાલિકાએ એક એપ બનાવડાવ્યું છે. ત્યાં આવેલી ફરિયાદના પ્રતિસાદમાં આવો દાવો કરાયો છે, પરંતુ લાખો નાગરિકોના મોબાઈલમાં આવા એપ નથી કે ઘણાં એપ હોવા છતાં ફરિયાદ નોંધાવતા નથી. એટલે આ આંકડાને અંતિમ માનવાની માનસિકતા કેવી કહેવાય? એપમાં ખાડા નોંધાયા અને પાલિકાએ એમાંથી મોટા ભાગના પૂરી દીધા તો પછી મને, તમને અને મુંબઈગરાને ઠેર ઠેર ખાડા દેખાય છે એ બીજા શહેરોમાંથી રાતોરાત ગેરકાયદે ઘૂસી આવ્યા હશે? હા, એક વાત માટે પાલિકાને શ્રેય આપવો પડે ખરો. ખાડા પૂરવામાં કોઈ કચાસ રખાતી નથી, કચાશ આર્થિક માપદંડે. ખાડા પૂરવા માટે દર વરસે અધધ રકમ ખર્ચાય છે. ૨૦૧૩-૧૪માં એક ખાડો ૨૦૧૩-૧૪માં એક ખાડો ભરવા માટે પાલિકાએ ચૂકવ્યા રૂ. બે લાખ ને ત્રણ હજાર! આ રકમ ૨૦૧૪-૧૫માં રૂ. એક લાખ ૬૭ હજાર, ૨૦૧૫-૧૬માં ૬૭ હજાર, ૨૦૧૬-૧૭માં રૂ. ૧૧ હજાર, ૨૦૧૭-૧૮માં રૂ. ૧૧ હજાર અને ૨૦૧૮-૧૯માં રૂ. ૧૬ હજાર.

આ રીતે ૨૦૧૩થી ૨૦૧૯ વચ્ચે મુંબઈગરાની કાળી કમાણીના રૂ. ૧૧૩ કરોડ, ૮૪ લાખ અને ૭૭ હજાર રૂપિયા ખાડામાં ગયા. જરા કલ્પના કરો કે આટલા બધા તકલાદી રસ્તા શા માટે બને છે? સ્વાભાવિકપણે રસ્તાના બાંધકામ માટે ગુણવત્તાના ધોરણ હશે, ચકાસણી થતી હશે અને પછી કોન્ટ્રાકટરને ચુકવણી થતી હશે. આ બધામાં કેવું લોલેલોલ ચાલતું હશે એ કહેવાની જરૂર ખરી? કાં વ્યવસ્થિત કોન્ટ્રાક્ટર પસંદ નથી થતાં કાં તેમની પાસેથી ઈચ્છનીય ગુણવત્તાસભર કામ લેવાતું નથી? શા માટે?

ખાડાને લીધે ટ્રાફિક જામ, સમયનો વેડફાટ, પ્રદૂષણ અને નાગરિકોને ઈજા થતી રહે છે. તો શું આ સમસ્યા લાઈલાજ છે? કે એને ઉકેલવામાં કોઈને રસ નથી. ખાડા પડે એ કોન્ટ્રાકટરને અને એ કામકાજ પાસ કરનારા અમલદાર સામે આકરામાં આકરી તવાઈ કેમ આવતી નથી. ખાડાના સમારકામ માટે ભારે હાલાકી ઉપરાંત છોગામાં તોતિંગ રકમ વેડફાય છે.

આ ૧૧૩ કરોડ રૂપિયા જો વધુ સલામતી અને સક્ષમ રોડ વિકસાવવા પાછળ ખર્ચાય તો? તો ચોક્કસ રસ્તા પરના ખાડા ગાયબ થઈ જાય પણ ઘણાંના ગજવામાં મોટા ખાડા પડી જાય. એટલે કાયમ આમને આમ ચાલતું રહેશે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

42g2cv
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com