22-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શ્રીલંકાના ક્રિકેટરો પાકિસ્તાન ના જાય તેમાં ભારત શું કરે?

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિતનરેન્દ્ર મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ એકઝાટકે નાબૂદ કરી નાખી તેથી પાકિસ્તાનના નેતાઓ એ હદે બઘવાઈ ગયા છે કે, તેમને સપનાં પણ ભારતનાં જ આવે છે. પાકિસ્તાનમાં કંઈ પણ થાય એટલે તેની પાછળ ભારત જ હશે એવો ફફડાટ તેમને થવા લાગે છે. આ ફફડાટનો તાજો પુરાવો શ્રીલંકાના ૧૦ ક્રિકેટરોએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી એ પછી પાકિસ્તાનના સાયન્સ અને ટેકનૉલૉજી પ્રધાન ફવાદ હુસૈન ચૌધરીએ કરેલો બકવાસ છે.

શ્રીલંકાની ટીમ ૨૭ સપ્ટેમ્બરથી પાકિસ્તાનના પ્રવાસે જવાની છે. આ પ્રવાસના પહેલા તબક્કામાં શ્રીલંકા પાકિસ્તાન સામે ત્રણ વન-ડે મેચ ને ત્રણ ટી-૨૦ રમશે. એ પછી શ્રીલંકાની ટીમ ઘેર પાછી ફરશે ને પછી ડિસેમ્બરમાં પાછી ટેસ્ટ સિરીઝ રમવા જશે. પહેલાં વન-ડે અને ટી-૨૦ રમાવાની છે. આ પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ જાહેર થઈ ને તેમાં ટોચના દસ ક્રિકેટરોનાં નામ નથી. ટીમનું સિલેક્શન થવાનું હતું એ પહેલાં જ ટોચના દસ ક્રિકેટરોએ એલાન કરી નાખ્યું હતું કે, અમારે પાકિસ્તાન જવું નથી ને વગર મોતે મરવું નથી. શ્રીલંકાની ટી-૨૦ ટીમના કેપ્ટન લસિથ મલિંગા અને ભૂતપૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુસે શ્રીલંકાના ક્રિકેટરોના ‘આ નો પાકિસ્તાન અભિયાન’ની આગેવાની લીધી છે. આ બે ક્રિકેટરો સિવાય દિનેશ ચાંદિમલ, સુરંગા લકમલ, દિમુથ કરૂણારત્ને, થિસારા પરેરા, ધનંજય ડી’સિલ્વા, કુસાલ પરેરા અને નિરોશન ડિકવેલા મળીને કુલ દસ ક્રિકેટરોએ પાકિસ્તાન જવાની ધસીને ના પાડી દીધી. શ્રીલંકાના બોર્ડને તેમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે, પાકિસ્તાન જનારી ટીમની પસંદગી કરો ત્યારે ધોળે ધરમેય અમને ગણતરીમાં ના લેતા. બોર્ડે તેમની વાત માનીને તેમને ગણતરીમાં જ ના લીધા ને તેમને કોરાણે મૂકીને ટીમ જાહેર કરી દીધી.

શ્રીલંકાના ક્રિકેટરોની આ જાહેરાતથી પાકિસ્તાનને મરચાં લાગી ગયાં. શ્રીલંકાના બોર્ડે પાકિસ્તાન પ્રવાસ પડતો મૂકવાની જાહેરાત કરી નથી તેથી શ્રીલંકાને કશું કહેવા જાય ને એ વંકાઈ જાય તો આખા પ્રવાસનું પડીકું થઈ જાય. આ કારણે શ્રીલંકાના બોર્ડને તો કશું કહેવાય એમ નહોતું તેથી પાકિસ્તાને બધો ખાર ભારત પર કાઢ્યો ને શ્રીલંકાના ક્રિકેટરોના નિર્ણય માટે ભારત પર દોષનો ટોપલો ઢોળી દીધો.

ઈમરાન ખાનની સરકારમાં ફવાદ હુસૈન ચૌધરી નામના મહાશય સાયન્સ અને ટેકનૉલૉજી પ્રધાન છે. આ મહાશયે જાહેર કરી દીધું કે, શ્રીલંકાના ક્રિકેટરોને ભારતે ધમકી આપી હતી તેના કારણે એ લોકો ફરી ગયા ને પાકિસ્તાન આવવાની ના પાડી દીધી. ચૌધરીના કહેવા પ્રમાણે, ભારતે આ ક્રિકેટરોને ધમકી આપેલી કે પાકિસ્તાન ગયા તો બધાના આઈપીએલના કોન્ટ્રાક્ટ કેન્સલ કરી નાખીશું. આ ધમકીથી શ્રીલંકાના ક્રિકેટરો ફફડી ગયા ને પાણીમાં બેસી ગયા. ચૌધરીના કહેવા પ્રમાણે ભારતમાં રમતગમત મંત્રાલયના અંદરના માણસોએ જ તેમને આ બાતમી આપી છે. ચૌધરીના કહેવા પ્રમાણે ભારત સાવ હલકટાઈ પર ઊતરી આવ્યું છે ને સ્પોર્ટ્સથી માંડીને સ્પેસ સુધી બધે અંધ રાષ્ટ્રભક્તિ ફેલાવી રહ્યું છે.

ફવાદ ચૌધરીની આ વાત બકવાસ છે ને શ્રીલંકાના રમતગમત પ્રધાન હરિન ફર્નાન્ડોએ પોતે આ વાત કહી છે. તેમણે પોતે કહ્યું છે કે, ભારતને તો આ વાત સાથે નાહવા-નિચોવવાનો સંબંધ નથી. ભારતે ધમકી આપી કે દબાણ કર્યું એ વાતમાં માલ નથી. ફર્નાન્ડોના કહેવા પ્રમાણે, ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પાકિસ્તાન ગઈ એ વખતે થયેલા હુમલામાં શ્રીલંકાના ક્રિકેટરો માંડ માંડ બચેલા. આ અનુભવના કારણે શ્રીલંકાના ક્રિકેટરો પોતે ફફડેલા છે ને પાકિસ્તાન જવા જ માગતા નથી. ફર્નાન્ડોએ તો ત્યાં લગી કહ્યું કે, ૨૦૦૯માં જે કંઈ બન્યું એ જોતાં કોઈ પણ ક્રિકેટરને ડર લાગે જ. આ સંજોગોમાં અમે તેમના પર પાકિસ્તાન જવા દબાણ ના કરી શકીએ. અમે બીજા ક્રિકેટરો જોડે પણ વાત કરી ને જે ક્રિકેટરોને પાકિસ્તાન જવામાં વાંધો નહોતો તેમને અમે ટીમમાં લઈ લીધા છે.

શ્રીલંકા અને ભારતના સંબંધો સારા છે. પાકિસ્તાનના કારણે આ સંબંધોમાં ખટાશ ના આવે એટલે શ્રીલંકાએ ચોખવટ કરી દીધી. શ્રીલંકાનું વલણ બરાબર છે, પણ આ ઘટનાક્રમે પાકિસ્તાનની નાલાયકી ફરી છતી કરી દીધી છે. પાકિસ્તાન પોતાના પાપે ડૂબી રહ્યું છે ને આખી દુનિયામાં એકલું પડતું જાય છે. કોઈ તેનો પડછાયો પણ લેવા તૈયાર નથી. પાકિસ્તાન તેનો ઉપાય કરવા તૈયાર નથી ને પોતે સુધરવા તૈયાર નથી. તેના બદલે એ ભારત પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે.

જો કે, પાકિસ્તાનના કહેવાથી હકીકત બદલાતી નથી ને આખી દુનિયા આ હકીકત જાણે જ છે. શ્રીલંકાના ક્રિકેટરોએ અત્યારે પાકિસ્તાન જવાની ના પાડી તેથી એ ચર્ચામાં આવ્યા, પણ એ પહેલાં પણ ઘણા ક્રિકેટરો પાકિસ્તાન જવાની ધસીને ના પાડી જ ચૂક્યા છે. એક સમય તો એવો હતો કે કોઈ દેશ જ પાકિસ્તાન જવા તૈયાર નહોતો. શ્રીલંકાના પ્રધાન હરિન ફર્નાન્ડોએ જે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે એ ૨૦૦૯ના હુમલા પછી દુનિયાભરની ક્રિકેટ ટીમોએ પાકિસ્તાનનો બહિષ્કાર જ કરી દીધેલો. ૨૦૦૯ની એ ઘટના લાહોરમાં બની હતી.

પાકિસ્તાનની પીઠ્ઠુ આતંકવાદીઓએ ૨૦૦૮માં મુંબઈમાં આતંકવાદી હુમલો કર્યો પછી ભારતે પાકિસ્તાન સાથેના તમામ સંબંધો કાપી નાખેલા. ભારતીય ક્રિકેટ ટીમ ૨૦૦૯ના માર્ચમાં પાકિસ્તાનના પ્રવાસે જવાની હતી. એ પ્રવાસ પણ રદ કરી દેવાયેલો. પાકિસ્તાને પોતાનું નાક ઊંચું રાખવા શ્રીલંકાની ટીમને નોંતરી. એ વખતે શ્રીલંકાનો કેપ્ટન મહેલા જયવર્દને હતો. શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ તો સુખરૂપ પતી ગયેલી ને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ રમાતી હતી. ૯ માર્ચ, ૨૦૦૯ના દિવસે બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ હતો. સવારના પહોરમાં શ્રીલંકાની ટીમને લઈ જતી બસ સ્ટેડિયમ પાસે પહોંચી ત્યારે અચાનક જ છૂપાઈ ગયેલા ૧૨ આતંકવાદી પ્રગટ થયા. તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. શ્રીલંકાની ટીમની આગળપાછળ પાકિસ્તાન પોલીસનાં વાહન હતાં તેથી એ વાહનો ગોળીબારનો વધારે ભોગ બન્યાં, પણ શ્રીલંકાના સાત ક્રિકેટરો પણ ઘાયલ થયેલા. પાકિસ્તાનના છ પોલીસ અને બે નાગરિકો મળીને કુલ આઠ લોકો તેમાં મરાયેલાં. બીજી તરફ કેપ્ટન જયવર્દને અને વાઈસ કેપ્ટન કુમાર સંગકારા ઉપરાંત થિલાન સમરવીરા, થરાના પરાનાવિતાના, અજંતા મેન્ડિસ, ચામિંડા વાસ અને સુરંગા લકમલ એ સાત ક્રિકેટરો ઘાયલ થયેલા. લસિત મલિંગાને કંઈ નહોતું થયું પણ એ બસમાં હતો જ્યારે લકમલ તો ઘાયલ પણ થયેલો. હવે આ અનુભવ પછી ક્યો ક્રિકેટર ફરી ગોળીઓ ખાવા માટે પાકિસ્તાન જવા તૈયાર થાય ?

આ હુમલા પછી દુનિયાના બીજા દેશોએ પણ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું. એ સ્વાભાવિક પણ હતું કેમ કે જે દેશમાં ક્રિકેટરો સુધ્ધાં સલામત ના હોય એવા દેશમાં કોઈ દેશ પોતાની ટીમને ન જ મોકલે. પાકિસ્તાન આજીજીઓ કરતું રહ્યું ને ફરી આવું નહીં થાય એવા સધિયારા આપતું રહ્યું, પણ કોઈ દેશ તેની વાત સાંભળવા જ તૈયાર નહોતો. ઝેરનાં પારખાં થોડાં હોય ? આઈસીસીએ પણ આ ઘરના પછી પાકિસ્તાનને નાત બહાર જ મૂકી દીધેલું. ૨૦૧૧ના વર્લ્ડકપ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા ને બાંગ્લાદેશ એ ચારેય દેશ સાથે મળીને યોજવાના હતા પણ આઈસીસીએ પાકિસ્તાનને બહાર કરીને બાકીના ત્રણ દેશોમાં વર્લ્ડકપ યોજ્યો હતો. એ પછી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ બીજા દેશોમાં રમવા જતી પણ બહારની ટીમ પાકિસ્તાન આવતી જ નહોતી. પાકિસ્તાનના ભાગે આવતી મેચો પણ યુએઈ કે શારજાહનાં સ્ટેડિયમોમાં રમાતી કેમ કે ત્યાં સલામતી હતી. આ હાલત છેક ૨૦૧૭ લગી રહી હતી. ૨૦૧૭માં શ્રીલંકાની ટીમ પાકિસ્તાન રમવા ગઈ હતી. દસ વરસમાં પાકિસ્તાન

ક્રિકેટ રમવા જનારી એ પહેલી ટીમ હતી પણ બીજી ટીમો તો હજુય જતી નથી. એ બધાંને પણ ભારતે

ધમકાવ્યા છે ?

પાકિસ્તાને આ બધી વાતો કરવાના બદલે આ સ્થિતિ કેમ પેદા થઈ છે એ વિચારવાની જરૂર છે. પાકિસ્તાને ભારત, અફઘાનિસ્તાન સહિતના દેશોને કનડવા માટે આતંકવાદને પોષ્યો ને એ જ આતંકવાદ હવે તેને પતાવી દેશે. અત્યારે સ્થિતિ એ છે કે, પાકિસ્તાન આતંકવાદનો અડ્ડો બની ગયું છે ને આ આતંકવાદીઓને નાથવાની પાકિસ્તાનની તાકાત નથી. એ બધા માથે ચડી ગયા છે ને પાકિસ્તાનના પોતાના નાગરિકોની જ સલામતી નથી. પાકિસ્તાનમાં રીતસરનું જંગલ રાજ છે ને ક્યારે કોની વિકેટ પડી જાય એ જ ખબર પડતી નથી. તકલીફ એ છે કે, પાકિસ્તાનના શાસકોની આ સ્થિતિ બદલવાની ઈચ્છા નથી. એ હજુય આતંકવાદીઓનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરવામાં જ માને છે. તેના કારણે દુનિયાના કોઈ દેશને પાકિસ્તાનમાં રસ પડતો નથી. પાકિસ્તાન આ વાત સ્વીકારવા તૈયાર નથી તેથી ભારત પર દોષનો ટોપલો ઢોળીને સંતોષ માને છે. ભારતને તેનાથી કોઈ ફરક પડતો નથી. આખી દુનિયાનાં લોકો ભારત આવે છે ને ભારતે આવી કોઈ બહાનાબાજી કરવી પડતી નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8xJ547
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com