22-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગાથાઓની અમૃત સરવાણી

દુહાની દુનિયા-ડૉ. બળવંત જાનીહેમચંદ્રાચાર્ય દ્વારા તૈયાર કરાયેલા અપભ્રંશ વ્યાકરણનો ભાયાણી સાહેબ દ્વારા થયેલા અનુવાદનો સ્વાધ્યાય કરતાં-કરતાં વ્યાકરણના રૂપોના ઉદાહરણ માટે મુકાયેલી કેટલીક ગાથાઓ પણ નજરમાં ખાસ વસી ગઈ છે. એમાંની વિષ્ાયસામગ્રી અને અભિવ્યક્તિનું સ્વરૂપ એવું છે કે ગાથાઓ અમૃતસરવાણીના વહેણ સમાન લાગી. ગાથાને આજ સુધી ચિરંજીવ અપાવનારું તત્ત્વ એમાંનો ભાવ છે, એમાંની અભિવ્યક્તિ છે. આ બધી ગાથાઓ અભિવ્યક્તિના ઉત્તમ નમૂનારૂપ લાગી છે. એમાં જે કંઈ કહેવાયુંં છે એ એટલું બધું હૃદયસ્પર્શી બની રહે છે કે એને કારણે કહેવાની રીતના કૌશલ્યની પ્રભાવક્તાનો ખ્યાલ આવે છે.

કવિ અહીં પ્રિય પાત્રની ઉપસ્થિતિ અને અનુપસ્થિતિને વિષ્ાય બનાવીને જે કહે છે તે ભારે બળૂકું ઉદાહરણ છે.

‘પ્રિય-સંગમી કઉ નિદડી પિઅહો પરોકખહો ર્ક્વે;

મઈ વિન્નિ-વિ વિન્નસિઆ નિંદ ન એમ્બ ન તેર્વે.’

નાયિકા ચમત્કૃતિભરી બાનીમાં કહે છે તે ભારે આસ્વાદ્ય છે. તે કહે છે કે, પ્રિયના સંગમાં એની સાથે વળી નિદ્રા ક્યાંથી? અને પ્રિયપાત્ર આંખથી દૂર હોય ત્યારે પણ નિદ્રા તે વળી કેવી? મેં તો બંને પરિસ્થિતિમાં નિદ્રા ગુમાવી, એની સંગતમાં એના સહવાસને કારણે વાતોથી અને એની અનુપસ્થિતિમાં વિરહને કારણે ઊંઘ જ ન આવી.

નિદ્રા તો છે જ નહીં. પ્રિયપાત્ર હોય ત્યારે અને ન હોય ત્યારે પણ. આવી વાતને જે કાર્ય-કારણ સાથે સાંકળીને મૂકી છે તે આપણને રસાનુભૂતિનો અનુભવ કરાવે છે. આવી જ એક બીજી ગાથા છે તેને આસ્વાદીએ:

‘ઓહે મેહ પિઅંતી જલુ તોહે વડવાણલુ આવટ્ટઈ ;

પેકખુ ગહીરિમ સાયરહો એક-વિ કણિઅ નાહિ ઓહટ્ટઈ.’

જે સાગરપેટા મહામાન છે, સ્થિર, સ્વસ્થ અને સ્થિતપ્રજ્ઞ છે એનો મહિમા ગાતા અહીં સાગરને ઉદાહરણ તરીકે ખપમાં લઈને આખી વાત કહેવાઈ છે. નાયિકા કહે છે કે, અહીં મેઘ સાગરનું જળ પીએ છે, અને સાગરમાં ઉદ્ભવેલ વડવાનળ જળનો વિનાશ કરે છે. પણ તેમ છતાં સાગરની ગંભીરતા(તો) જુઓ. એક કણી પણ ઓછી થતી નથી સાગરની અફાટ જળરાશિમાં જરા પણ વધઘટ થતી નથી તેમને કોઈ ચૂસી લે, કે શોષ્ાણ કરે, તેમને કોઈ પરેશાન કરે પણ તમારે તો સાગરની માફક ધીર-ગંભીર જ રહેવાનું છે. માનવ વ્યક્તિત્ત્વની આદર્શપ્રતિમા અહીં દૃષ્ટિગોચર થાય છે.

‘કહિં સસહરુ કહિં મયરહરુ કહિં વરિહિણું કહિં મેહુુ;

દૂર - ઠિયાહં - વિ સજજણહં કોઈ અસડઢલુ નેહુ.’

પ્રેમના-સ્નેહના સંદર્ભમાં ઉદાહરણ રજૂ કરીને એમાં સમીપતાની-નિકટતાની આવશ્યક્તા નથી તે સમજાવવા માટે કવિએ અહીં જે રૂપકો-દૃષ્ટાંતો પ્રયોજયા છે તે ભારે કાવ્યાત્મક છે, કવિ કહે છે કે આકાશમાં તો ક્યાં ચંદ્ર ને વળી ધરતી ઉપરનો ક્યાં સાગર? ક્યાં મોર ને ક્યાં મેઘ? સજજનો-પ્રેમીઓ દૂર રહેલા હોય તો પણ તેમના વચ્ચે અસાધારણ સ્નેહ તો હોય જ છે.

અહીં સાગરમાં પૂર્ણિમાના અંકથી જે ભરતી ચઢે છે અને આકાશમાં વાદળા ચઢે-મેઘાડંબર રચાય અને મયર-મોર-મા બને ને કેકારવ કરી મૂકે. આમ જોઈએ તો કેટલી દૂરતા છે પણ આ સ્થૂળ પ્રકારનું દૂરત્વ સ્નેહીઓને-સજજનોને-પ્રેમીઓને નડતું નથી. અવરોધરૂપ બનતું નથી. બીજી એક ગાથામાં પ્રેમીની પીડા જોઈએ:

‘સંદેસેં કાંઈ તુહારેણ જં સંગહો ન મિલિજજઈ;

સઈણંતરિ પિઅં પાણિએણ પિઅ પિઆસ કિં છિજજઈ.’

પ્રિયતમાની સાથેના મિલનના સંદર્ભે ભારે આકર્ષ્ાક ઉક્તિ પ્રસ્તુત ગાથામાં છે. મૂળભૂત વસ્તુ તો પ્રિયપાત્ર સાથેના પ્રત્યક્ષ્ા મિલનની હોય છે અને એટલે નાયિકા કહે છે કે, જો સંગે-પ્રત્યક્ષ્ા-ન મળાય તો તારા સંદેશાથી શું(વળે)? હે પ્રિયતમ, સ્વપ્નામાં પાણી પીએ પ્યાસ છીપે ખરી? જે રીતે સ્વપ્નમાં પાણી પીવાથી તરસ છીપાતી નથી, મટતી નથી એ જ પ્રકારનું કોઈ સાથે મોકલેલા સંદેશાનું છે. અહીં જે કહેવા માટે છે તે તો સંદેશો નહીં તું જ માત્ર તું જ સાક્ષ્ાાત મને સદેહે મળવા આવ. તો જ મારા હૃદયની તરસ છીપશે. સાહિત્યમાં ગોપનનો મહિમા વિશેષ્ા છે. અહીં પણ કવિને જે કહેવાનું છે એ ગોપિત રહ્યું છે અને તેમ છતાં તે પ્રગટ તો થાય જ છે.

‘સિરિ ચડિઆ ખંતિ ફલઈ પુણુ ડાલઈ મોડંતિ;

તો - વિ મહદમ સઉણાહં અવરાહિઉ ન કરંતિ.’

જે મહાન છે, મોટેરા છે તેઓ કેવા સહનશીલ અને મોટા મનવાળા હોય છે તેની વાત અહીં ગાથામાં કહી છે. વિશાળ હૃદયભાવવાળા બનવાનું સૂચવતી આ ગાથા આવા કારણે અત્યંત મહત્ત્વની છે. આ કહેવા માટે જે માધ્યમ પસંદ ર્ક્યું છે એ ભારે કલાત્મક છે. કવિ વક્ષ્ૃાના ઉદાહરણથી કહે છે કે, પક્ષ્ાીઓ માથે ચડીને ફળ ખાય છે, (ને) ડાળીઓ તોડે છે - તોયે મહાન વૃક્ષ્ાો પક્ષ્ાીઓને શિક્ષ્ાા કરતા નથી.

પક્ષ્ાીવૃંદ વૃક્ષ્ાની ઉપર બેસે છે, હગાર કરે છે, એના ફળ ખાય છે, ફેંકે છે, ડાળીઓ-પાંદડા-કૂંપળો બધું તોડે-ફોડે છે તો પણ વિશાળ હૃદયભાવના વૃક્ષ્ાો આ પક્ષ્ાીઓને કંઈ પણ શિક્ષ્ાા કરતા નથી. પ્રેમથી પોતાના ઉપર સવાર થવા દે છે.

આપણે પણ આપણી સમકક્ષ્ા ન હોય અને સાવ નાના હોય, અકારણ, સહજ રીતે ટિખળ-તોફાન કરતા હોય એના પ્રત્યે દ્વેષ્ાભાવ ન રાખવો. જેમ પક્ષ્ાીપ્રકૃતિ છે એમ માનવપ્રકૃતિ પણ હોય છે અને એ પ્રકૃતિ અનુસાર એ ભલે વ્યવહાર કરે પણ આપણે તો વૃક્ષ્ા જેવાં થઈને હંમેશા પ્રેમભાવ-સહનશીલતાનો ભાવ જ પ્રદર્શિત કરવાનો હોય.

આ બધી પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓમાં ભારોભાર કલાત્મક અભિવ્યક્તિ જોવા મળે છે. ઊંચી કવિતા અહીં સિદ્ધ થઈ છે. કવિ જીવનવાદી હોય તો પણ કલાનું માધ્યમ એને કેવું મદદમાં આવે એનું ઉદાહરણ આ બધી ગાથાઓ છે. જીવનબોધ, મૂલ્યબોધ અને સૌંદર્ય કલાબોધનો એકસાથે અનુભવ કરાવતી આ ગાથાઓને આવા કારણે અમૃતધારા સાથે સરખાવવામાં આવી છે. એમાંથી દ્રવે છે અમૃત્વ, મૈત્રેયીએ કહ્યું હતું કે, યેન અહં ન અમૃતસ્યામ્ તેન અહં કિમ્ કૂર્યામ્ જેમાંથી મને અમૃતવ ન મળતું હોય એને લઈને હું શું કરું ? મહિમા આવા અમૃતત્વબોધનો છે. જે અહીં ઉદાહૃત ગાથાઓમાં છલકાતો દૃષ્ટિગોચર થાય છે અને એટલે એનું મૂલ્ય આજ સુધી અકબંધ રીતે જળવાઈ રહ્યું છે.

ભારે લાઘવથી, ચોટદાર રીતે અસકારક રીતે કથનની ત્રેવડના આ બધા ઉદાહરણો આપણી બળકટ સાહિત્ય પરંપરાનો ઉજળો પુરાવો છે. પરંપરાનું રસપાન કરીને સમૃદ્ધ કવિ પોતીકી સજજતા પ્રગટ કરવા ઉદ્યુક્ત હોય છે. આ પરંપરાને આવી રીતે જો સુલભ બનાવીએ તો કોઈ સમાનધર્મા પરંપરામાં ઉમેરણરૂપ સર્જન માટે સમર્થ બને. ભારતીય સાહિત્યના ભવ્ય અને તેજોધવલ વીજળી જેવા લિસોટા રૂપ આવી ગાથાઓને ભંડાર-ખજાનો છે એને કોઈ ખોલે, જુએ તો અવશ્ય એના મુખની ક્રાંતિ પણ આવી તેજોધવલ ગાથાથી ઝળકી ઉઠે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

mt30o4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com