24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વર્ણવ્યવસ્થા એટલે પોતાની પસંદગી પ્રમાણેનાં કાર્ય કરવાં તે

સમજણ-મુકેશ પંડ્યાઆપણે જોયુ કે સંસ્કૃતિ એટલે વ્યક્તિ જ્યાં રહેતી હોય એ સ્થળને અનુરૂપ ખાણીપીણી, રહેણીકરણી અને રીતરિવાજો. આ સંસ્કૃતિ સ્થળે સ્થળે કે સમય-સમયે બદલાઇ શકે, પણ ધર્મ તો સહુનો એક જ હોઇ શકે. વાણી, વિચાર અને વર્તનથી અન્ય કોઇને હાનિ ન પહોંચે એ જ આ દુનિયાના તમામ ધર્મોનો સાર હોઇ શકે. આ જ વાત કોઇને કોઇ રીતે તમામ ધર્મોમાં જોવા મળે છે, પછી એ હિંદુ હોય કે મુસ્લિમ, શીખ હોય કે બુદ્ધ, ખ્રિસ્તી હોય કે જૈન. જો આ તમામ ધર્મો પાળતા લોકોને એક જ પ્રકારનો પહેરવેશ પહેરાવીને ઊભા રાખ્યા હોય તો તમે પારખી શકો ખરા કે કોણ હિન્દુ અને કોણ મુસ્લિમ? તેમનો બાહ્ય પરિવેશ અને બાહ્ય આચારો જ આપણને જુદા હોવાનો આભાસ ઉત્પન્ન કરાવે છે. જેમ કોઇ પ્રજ્વલિત અગ્નિ રાખથી ઢંકાઇ જાય છે, તેમ વિભિન્ન સંસ્કૃતિની ચકાચૌંધ રોશની હેઠળ અસલી ધર્મ છુપાઇ ગયો છે. એમ પણ કહી શકાય કે સંસ્કૃતિરૂપી માયા હેઠળ ધર્મરૂપી સત્ય છુપાઇ ગયું છે. દુનિયામાં ક્યાંય પણ ઝઘડા, વેરઝેર કે જાતિભેદ ઉત્પન્ન થયા છે તે આ ભિન્ન સંસ્કૃતિને લઇને જ થયા છે. જે લોકો ધર્મ શું અને અધર્મ શું એ બરાબર ઓળખી ગયા છે તે કદી વાદવિવાદમાં પડતા જ નથી. જે લોકો પોતાની સંસ્કૃતિને જ ધર્મ માની બેઠા છે એ લડતા રહે છે, પણ જે લોકો ખરા ધર્મને ઓળખી શક્યા છે, પારખી શક્યા છે એ કોઇ પણ સંસ્કૃતિમાં ઉછરતા હોય લડતા નથી.

કોઇ ખાસ સમયમાં, ખાસ સ્થળે જીવન જીવવુ હોય તો જે-તે સમયની, જે-તે સ્થળની સંસ્કૃતિ જ કામ લાગે છે, પણ જો જીવન જીતવાની ઇચ્છા હોય તો સાચો ધર્મ જ કામ લાગે છે અને આ ધર્મ એટલે પોતાના તેમ જ સમગ્ર વિશ્ર્વના ઉત્થાન માટે કરાતું કર્મ અને બજાવાતી ફરજ. આ કર્મના આધારે જ ભારતમાં આખી વર્ણવ્યવસ્થા ઊભી થઇ. આ વ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર એવા ચાર પ્રકારના કર્મો પ્રમાણેના ભાગ પાડવામાં આવ્યા હતા. બ્રહ્મને જાણવાની જે કોશિશ કરે, જ્ઞાન પ્રાપ્ત કરીને સમાજને તેનો લાભ આપે તેને બ્રાહ્મણકર્મ કર્યું એમ કહેવાય તો સંસ્કૃત શબ્દ વૈશ્ય એટલે પૂરુવઠો પૂરો પાડનાર. મતલબ કે એવો વેપારી જે લોકોને જીવનજરૂરિયાતની ચીજો પહેંચાડે, વખત આવે સમાજ અને દેશને નાણાંકીય પીઠબળ પૂરુ પાડે. આ જ રીતે આપણે જ્યાં રહેતા હોઇએ એ ક્ષેત્રને ચોર-ડાકુ, હિંસક પ્રાણી કે બહારના દુશ્મનો સામે રક્ષણ આપતા લોકો ક્ષત્રિય કહેવાયા તો વળી આ ત્રણે પ્રકારના લોકોના નાન- મોટા કામ કરનાર વર્ગ શૂદ્ર કહેવાયો. કર્મ પ્રમાણે કામ કરનારાઓના પાડેલા આ ચાર વિભાગ ખરેખર આશીર્વાદરૂપ હતાં.

જો તમે ધ્યાનથી જોશો તો આજના કોઇ પણ વ્યવસાય કે ઉદ્યોગોમાં આ ચાર પ્રકારના કાર્યો જ થતાં હોય છે. કોઇ પણ ધંધો ચાલુ કરતા પહેલા તે બાબતનું પૂરતુ જ્ઞાન હોવું જોઇએ, જેને કહેવાય બ્રાહ્મણ કર્મ. હવે, આ જ ધંધાનો વિકાસ કરવા માટે નાણાંની વ્યવસ્થા ઊભી કરવી પડે જેને કહેવાય વૈશ્ય કર્મ. હવે, કોઇ પણ ધંધા-ઉદ્યોગની જગ્યા કે ગોડાઉનને પૂરતી સુરક્ષા આપવી પડે, પૂરતી સલામતી આપવી પડે, જેને કહેવાય ક્ષત્રિય કર્મ અને છેલ્લે આ ત્રણ પ્રકારના કાર્યો કરનારાને નાની-મોટી મદદની જરૂર પડતી હોય છે જે પૂરી પાડતા લોકો કહેવાયા શૂદ્રો. આ શુદ્રો જ મોટી સંખ્યામાં કોઇ પણ સમયે રહ્યા છે કારણ કે તેઓ બાકીના ત્રણેય પ્રકારના લોકોને મદદ કરતા હોય છે. કોઇ ફેક્ટરીની સાફ સફાઇ કરવી હોય કે પછી ચેક લાવવા કે લઇ જવા હોય કે પછી ઓફિસને લગતી કોઇ ચીજ વસ્તુઓ લાવવી હોય આ લોકો દ્વારા એ કાર્યો સંપન્ન થતાં. આમ કોઇ પણ વ્યવસાય ચલાવવો હોય આ ચાર પ્રકારના લોકોની જ જરૂર રહેતી.

ભગવદ્ગીતામાં પણ કર્મ કે ગુણના આધારે જ આખી વર્ણવ્યવસ્થા ઊભી થઇ હતી. હવે આ વર્ણ શબ્દ આવ્યો વરણ શબ્દ પરથી. વરણ એટલે વરણી કરવી,પસંદગી કરવી તે. જે લોકો પોતપોતાની ક્ષમતા અને રૂચિ પ્રમાણે જે કાર્યને પસંદ કરતા તે લોકો તે વરણના કહેવાતા. બ્રાહ્મણનો જ દીકરો જ્ઞાન લેવા- આપવાનું કાર્ય કરી શકે તેવું ન હતું, પણ ભણવું-ભણાવવું એવા કાર્યોની જે લોકોએ વરણી કરી હોય એ લોકો બ્રાહ્મણ કહેવાય. વેપારીનો દીકરો જ વેપારી બને તેવું ન હતું, પણ જીવન માટે જરૂરી પુરવઠો પૂરો પાડવાનું કામ પસંદ કરનાર તમામ લોકો વૈશ્ય કહેવાય. આ જ રીતે સૈનિકનો દીકરો જ સૈનિક ન કહેવાય,પરંતુ જે લોકોએ દેશની રક્ષા કરવાનું સ્વીકાયુર્ં છે એ તમામ લોકો સૈનિક કહેવાય. ચાકરનો દીકરો જ ચાકર બને એ જરૂરી નથી, પરંતુ જે લોકો ચાકરી કરવાનું કાર્ય કરે એ લોકો ચાકર કહેવાય.

કહેવાનો મતલબ એટલો જ કે દરેક માણસ પોતાના ગુણ કે સ્વભાવ પ્રમાણે કામની પસંદગી કરતો એ સારુ જ હતું, કારણ કે તેમ કરવાથી કાર્યની ક્ષમતા અને ગુણવત્તા બેઉમાં વધારો થતો. કમબખ્તી તો ત્યારે શરૂ થઇ જ્યારે કર્મની પસંદગી પ્રમાણેની આ વર્ણવ્યવસ્થા જન્મ પ્રમાણેની વ્યવસ્થામાં પલટાઇ ગઇ અથવા તો તેને કોઇ સ્થાપિત હિતોએ મધ્યયુગ(મહાભારત પછીનો કાળ) માં પલટી નાખી. આની પહેલા તો દરેક વરણના લોકો સુખી હતા. તેના બે કારણો હતા. એક તો તે વખતે પૈસાનું ચલણ હતું જ નહીં એટલે લોકોમાં સંગ્રહવૃત્તિ હતી જ નહીં. દરેક માણસ, પછી તે ઉપરોકત ચારમાંથી કોઇ પણ કાર્ય કરતો તેને પૂરતુ ખાવા-પીવા કે પહેરવા-ઓઢવા મળી રહેતું. આ એ સુવર્ણ્રકાળ હતો જ્યારે દેશમાં દૂધ-ઘીની નદીઓ વહેતી. કુખ્યાત અંગ્રેજ મેકોલે આ દેશમાં ઇંગ્લેન્ડનો પ્રતિનિધિ બનીને સંશોધન માટે ભારત આવ્યો ત્યાર પછી તેણે જે લેખ લખ્યો તેમાં તેણે જણાવ્યું હતું કે ભારતમાં એ સઘળે ફર્યો પણ કોઇ ભિખારી જોવા મળ્યો ન હતો. દરેક વરણના લોકોના કાર્યો ભલે અલગ અલગ હોય, પણ એકંદરે એ લોકો ખાધે-પીધે સુખી હતા. પૂજા પાઠ કે શિક્ષણનું કાર્ય કરનાર બ્રાહ્મણ હોય કે સુતાર, લુહાર, કુંભાર, વાળંદનું કામ કરતા લોકો હોય દરેકને પૂરતી રોજીરોટી મળી રહેતી. કોઇ કારીગરો બેકાર ન હતાં. એક ગામમાં એકથી વધુ વ્યાવસાયિકો હોય તો તેમને ગામના ગ્રાહકો વહેંચી દેવામાં આવતા.

દા.ત. ગામમાં ચાર વાળંદ હોય અને ૧૦૦ ઘર હોય તો દરેકને પચ્ચીસ ઘર વહેંચી દેવામાં આવતા. આ વાળંદ પ્રત્યેક પચ્ચીસ ઘરોનો ફેમિલી મેમ્બર બનીને રહેતો. આ ઘરમાં આવતા સારા કે નરસા પ્રસંગમાં

તેની હાજરી અવશ્ય હોય. આવું જ દરેક કારીગરોની બાબતમાં થતું.

હે ભગવાન! સંપી મળીને રહેતા, વર્ણવ્યવસ્થાને ખરા અર્થમાં પાળતા આ લોકોમાં વર્ણભેદ કેવી રીતે આવ્યો હશે જેણે આ વ્યવસ્થાને બદનામ કરી મૂકી?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

80yp26
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com