24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મગ ચલાવે પગ

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિક‘મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું, બે-ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદું... મગ કહે હું લીલો દાણો મારે માથે ચાંદું.’ ‘મગ અને ગમ’ ખાવાથી જીવન તંદુરસ્ત બને છે. માહિતીના આ યુગને સ્ક્રીન યુગ કહીએ તો કાંઈ ખોટું નથી. પ્રત્યેક વ્યક્તિ મોબાઈલની સ્ક્રીનમાં ગળાડૂબ જોવા મળે છે. કેમ જાણે જ્ઞાનનો ખજાનો તેમને હાથ લાગી ગયો ન હોય. વળી સ્વાસ્થ્ય સંબંધિત તો એટલા બધા સંદેશાઓ આવતા હોય છે કે પ્રત્યેક વ્યક્તિ મળેલા સંદેશાને અન્યને મોકલવા ઉતાવળીઓ બની જતો હોય છે.

તંદુરસ્તીને ટકાવી રાખવી હોય તો યોગ્ય આહાર વિશેની જાણકારી તો હોવી જ જોઈએ. ભારતીય ભોજનમાં શાકભાજી પછી બીજો નંબર કઠોળનો આવે છે. ત્રીજો નંબર વિવિધ દાળનો તો ચોથા નંબર છે દૂધ-દહીંં-છાસ. પાંચમા ક્રમાંકે આવે છે અથાણાં. બજારમાં મળતી થાળી હોય કે ટિફિનમાં અપાતું ભોજન હોય શાકની સાથે કઠોળ તો મોટેભાગે પીરસવામાં આવે છે. ગુજરાતી પરિવારોમાં તો બુધવારે કઠોળમાં મગ જ બને તેવો ચીલો વરસોથી જોવા મળે છે. લીલોછમ પણ નાનો અમથો મગનો દાણો સ્વાસ્થ્યની જાદુઈ છડીનો માલિક છે. તેથી જ તો માંદગીમાં મગનું પાણી પીવાનું, મગની દાળની ઢીલી ખીચડી ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે. પર્યુષણ પર્વમાં કરવામાં આવતી ટૂંકી કે લાંબી તપસ્યા બાદ ઉપવાસના પારણાં કરાવતી વખતે પણ ચમચી મગનું પાણી પીવડાવવામાં આવે છે. અમદાવાદમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પણ ફણગાવેલા મગનો હજારો કિલોના પ્રસાદનો ભાવિક ભક્તોને લહાવો મળે છે. વાસ્તવમાં હજારો કિલો મગને ફણગાવવાનું કામ પણ ઘણું અઘરું છે. મગને ચોકસાઈપૂર્વક સાફ ર્ક્યા બાદ તેને ફણગાવવામાં આવે છે. એશિયા તથા યુરોપમાં મગની ખેતી તથા વપરાશ મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે. પ્રકૃતિના વરદાન સમા મગમાં સમાયેલા સ્વાસ્થ્યવર્ધક ગુણોને પણ જાણી લઈએ:

યુવાની ટકાવવામાં મદદરૂપ: ભારતીય લગ્ન પ્રથામાં એક એવો રિવાજ એવો છે કે જેમાં વર-ક્ધયાની સુંદરતા લગ્ન સમયે નીખરી ઊઠે તે માટે તેમને પીઠી ચોળવામાં આવે છે. પીઠીમાં મુખ્ય હિસ્સો મગના પાઉડરનો જોવા મળે છે. મગમાં કોપરની માત્રા મોટા પ્રમાણમાં સમાયેલી છે. નિયમિત મગના પાઉડરનો ઉપયોગ કરવાથી ચહેરો નિખરી ઊઠે છે. મગનો આહારમાં ઉપયોગ નિયમિત કરવાથી કોઈપણ વ્યક્તિ તેની તંદુરસ્તી જાળવવામાં સફળ થાય છે. તેની વય આશરે ૧૦ વર્ષ ઓછી લાગે છે. ચહેરાની સુંદરતા વધારવા માટે પણ મગનો પાઉડર રામબાણ ઈલાજ મનાય છે. મગનો ફેસપૅક ચહેરા ઉપર થોડો સમય લગાવ્યા બાદ હળવે હાથે રગડીને ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો. ચહેરાની ત્વચા ચમકીલી બની જશે.

વાળની તંદુરસ્તી માટે પણ ઉપયોગી: મગમાં કૉપરનું પ્રમાણ મોટા પ્રમાણમાં સમાયેલું છે. કૉપરનું પ્રમાણ શરીરમાં પૂરતાં પ્રમાણમાં હોય તો તે શરીરને ઉપયોગી અન્ય ઘટકો જેવા કે કૅલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમના જરૂરી સત્ત્વો પણ શરીરને પૂરતાં પ્રમાણમાં મળી રહે છે.

મગજને પૂરતાં પ્રમાણમાં ઑક્સિજન મળી રહેવાથી મગજની કાર્યશક્તિ પ્રબળ બને છે. મગને વાટીને તેનો પાઉડર બનાવી તેમાં દહીં ભેળવીને વાળમાં લગાડવાથી બરછટ વાળની સમસ્યાથી બચી શકાય છે. વળી આ ઉપાય કુદરતી હોવાથી વાળને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી.

પેટની ગરબડમાં લાભદાયી: આજકાલ અનેક લોકો પેટની ગરબડની તકલીફની ફરિયાદ કરતાં હોય છે. મગમાં ફાઈબરની માત્રા ભરપૂર સમાયેલી છે. પેટની બીમારીમાં મગનું સેવન થોડા સમય સુધી કરવાથી ફાયદો થાય છે.

હળવા આહારની પસંદગીમાં અવ્વલ: તંદુરસ્ત સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવો આગ્રહ રાખનાર વ્યક્તિએ મગને પ્રથમ પસંદ કરવા જોઈએ. અતિસાર, તાવ, વારંવાર પેટમાં ચૂક આવવી કે માથાનો દુખાવો લાંબા સમયથી રહેતો હોય તેમણે સપ્તાહમાં બે-ત્રણ વખત બાફેલાં મગ કે બાફેલાં મગના પાણીનું સેવન કરવું. પાણીમાં સીંધવ તથા લીંબુના રસને ભેળવવાથી સ્વાદિષ્ટ લાગશે તથા સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત બની જશે.

શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ : ૧૦૦ ગ્રામ મગમાં ફક્ત ૩૩૦ કેલરી સમાયેલી હોય છે. બેડોળ બની ગેયલાં શરીરને આકર્ષક બનાવવા માટે બાફેલાં મગ અક્સીર ઈલાજ ગણાય છે.

આંખોની રોશની વધારવામાં ગુણકારી: આંખોને માટે ઉપયોગી વિટામિન એટલે કે વિટામિન સી અને વિટામિન એની માત્રા મગમાં ભરપૂર છે, વિટામિન એ કુદરતી ઍન્ટિ ઑક્સિડન્ટનું કામ કરે છે.વિટામિન સી રેટિનાની કાર્યક્ષમતા વધારવામાં ઉપયોગી છે.

લિવરની તંદુરસ્તી માટે ગુણકારી: મગમાં પ્રોટીનનો ખજાનો સમયેલો છે. વળી પ્રોટીનની જરૂર શરીરના પ્રત્યેક અંગોની કાર્યક્ષમતા વધારવા માટે પડે છે. હાડકાંની મજબૂતાઈ તથા મસલ્સની તંદુરસ્તી જાળવવા પ્રોટીનવાળો આહાર ખાવાની ખાસ આહાર નિષ્ણાતો સલાહ આપે છે. શાકાહારી માટે મગ પ્રોટીનનું શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. લિવરની તંદુરસ્તી જાળવવા માટે પણ પ્રોટીન આવશ્યક છે. લિવરમાં બિલિરૂબીન તથા બિલીવરડિનનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે. કમળા જેવા રોગથી બચાવી શકે છે.

સર્ગભાવસ્થામાં ફાયદેમંદ: મગમાં વિટામિન બી ૯, ફોલેટ કે ફોલિક એસીડનું પ્રમાણ ભરપૂર સમાયેલું છે. શરીરમાં રેડ સેલ બનવામાં મદદ કરે છે. સગર્ભાવસ્થામાં ફોલેટથી ભરપૂર આહાર ખાવો જોઈએ. પૂરતું પોષણ મેળવવા શરીરમાં વિટામિન બી ૯ તથા ફોલેટની માત્રા જળવાય તે માટે મગનું સેવન આહારમાં કરવું જોઈએ.

ફાઈબરથી ભરપૂર: ૧ કપ મગમાં ૪૩ ટકા ફાઈબર સમાયેલું હોય છે. જે વ્યક્તિની રોજની જરૂરિયાત માટે પૂરતું છે. ફાઈબર ખાવાથી લાંબો સમય પેટ ભરાયેલું લાગે છે. આથી વારંવાર ભૂખ લાગતી નથી કે આચર-કૂચર પેટમાં પધરાવવાની ટેવ ધીમે ધીમે ઘટી જાય છે.

આખા મગ, ફણગાવેલા મગ, છોતરાંવાળી મગની દાળ (લીલી) છોતરાં વગરની મગની દાળ (પીળી) વગેરેનો આહારમાં નિયમિત ઉપયોગ કરવો આવશ્યક છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, મોટાપો, કેન્સર જેવી તકલીફોથી બચવાની સાથે ત્વચાને ચમકીલી, વાળને મજબૂત બનાવી, શરીરની રોગપ્રતિકારક

શક્તિ વધારવાનું કામ નાનકડા મગના દાણામાં સમાયેલું છે.

ભારતમાં મુખ્યત્વે મગના ઉત્પાદનમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, બિહાર તથા ગુજરાતમાં મોટા પ્રમાણમાં થાય છે. અન્ય રાજ્યો જેવા કે તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશમાં પણ મગનું વાવેતર થવા લાગ્યું છે.

રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં ૪૫ ટકા મગનું ઉત્પાદન થાય છે. આંધ્ર પ્રદેશમાં ૧૦ ટકા, ગુજરાત તથા બિહારમાં મળીને કુલ ૧૩ ટકા મગનું ઉત્પાદન થાય છે.

મગ ફણગાવવાની રીત: એક વાટકી મગને બરાબર સાફ કરીને પાણીમાં ૫-૬ કલાક પલાળી રાખવા. ત્યારબાદ તેને મલમલના કપડાંમાં ઘટ્ટ બાંધીને ઉપર ચારણીથી ઢાંકી દેવું. બીજા દિવસે સવારે મગ અંકુરિત બનશે. વધુ મોટા અંકુર ન આવે તેનું ધ્યાન રાખવું. બજારમાં આજકાલ ખાસ પ્રકારનું વાસણ પણ મગને ફણગાવવા મળે છે. તેનો પણ ઉપયોગ કરી શકાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5fR0i4v
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com