31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કેરળનું પ્રથમ કેમિકલરહિત ગામ

પ્રાસંગિક-નિધિ ભટ્ટએકવીસમી સદી માનવજીવનમાં જે કેટલાક લાક્ષણિક બદલાવ લાવી રહી છે એમાંનો એક છે પર્યાવરણ અંગેની જાગરુકતા. જનજીવન સુદૃઢ અને સમતોલ બનાવવું હશે તો પર્યાવરણના સંતુલનનો વિશેષ ખ્યાલ રાખવો પડશે એ વાત હવે સમજાઇ રહી છે. માત્ર સમજાઇ નથી રહી એ સ્વીકારાઇ પણ રહી છે અને એને અમલમાં મૂકવાના સંનિષ્ઠ પ્રયાસો પણ થઇ રહ્યા છે. ખેતીવાડી અને એને પગલે દૈનિક જીવન રસાયણમુક્ત કરવા એ આવો જ એક પ્રયાસ છે. આ સંદર્ભમાં કેરળનું એક ગામ ઊડીને આંખે વળગે એવું છે.

દક્ષિણ ભારતના શૈક્ષણિક બાબતે અસાધારણ વિકાસ ધરાવતા કેરળ રાજ્યના અલ્પુઝા જિલ્લાનું કાંજીકુઝી ગામ ન કેવળ કેરળ, પરંતુ સમગ્ર ભારતથી જુદું તરી આવે છે. રાજ્યનું આ દરિયાકાંઠાનું ગામ એવું છે જ્યાં પ્રવેશતા જ એક જુદા જ પ્રકારની સુગંધ મનને તરબતર કરી જાય છે. આ સુગંધ છે ગામમાં વિકસી રહેલા લહેરાતા શાકભાજીના બગીચાઓની. જી હા, ગામમાં શાકભાજીની વાડીઓની બગીચાની જેમ જ માવજતપૂર્વક ઉછેરવામાં આવે છે અને એ પણ ઑર્ગેનિક પદ્ધતિથી. આ પદ્ધતિમાં કેમિકલ એટલે કે રસાયણનો વપરાશ ટાળવામાં આવે છે. આમ કેરળનું કાંજીકુઝી ગામ કેમિકલ ફ્રી ગામ છે. અહીં વિપુલ માત્રામાં પાકતા શાકભાજીએ ગામને એ બાબતે એકદમ આત્મનિર્ભર બનાવી દીધું છે અને એના વ્યવહાર માટે એક પંચાયતની રચના કરવામાં આવી છે. રસપ્રદ અને નોંધવા જેવી વાત એ છે કે ઑર્ગેનિક પદ્ધતિથી ખેતીના પ્રમાણે તો આ દાયકામાં જોર પકડ્યું, પણ જે સમયે હજી ઑર્ગેનિક પદ્ધતિનો ફેલાવો દેશમાં પૂરતો નહોતો એ સમયથી એટલે કે ૧૯૯૪થી કાંજીકુઝા ગામ સેંદ્રિય એટલે કે ઑર્ગેનિક ખેતીની પદ્ધતિ અપનાવી રહ્યું છે.

ગામમાં ઑર્ગેનિક ખેતી અને શાકભાજીના વ્યવહાર માટેની પંચાયતના ઉદ્ભવ અંગેની કહાણી રસપ્રદ છે. એ વખતે ગામની જમીન ખેતી માટે સંપૂર્ણ અનુકૂળ નહોતી. ગામના લોકોએ શાકભાજીની જરૂરિયાત માટે રાજ્યાન અન્ય ગામ પર આધાર રાખવો પડતો હતો. શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન ખર્ચને કારણે એના આકરા ભાવ પણ ચૂકવવા પડતા. ગામ બિઝનેસની દૃષ્ટિએ બહુ સધ્ધર નહોતું. ગામના લોકોની આર્થિક પરિસ્થિતિ પણ ઠીક ઠીક હતી. શું કરવું એ સવાલ લોકોના મનમાં ઘૂમરાયા કરતો હતો. આખરે ગામની સમસ્યાનો ઉકેલ લાવવા પંચાયતના વડાએ બેઠક બોલાવી. આ બેઠકમાં ઑર્ગેનિક ખેતી શરૂ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. પંચાયત પ્રમુખ એમ.જી. રાજુ જણાવે છે કે અન્ય ગામો પર શાકભાજીનો આધાર નહીં રાખીને ગામમાં જ શાકભાજીનું ઉત્પાદન કરવું જરૂરી હતું. ઘણી ચર્ચા, દલીલો અને વિચાર-વિમર્શ પછી નક્કી કર્યું ત્યારે જ ખબર હતી કે ઘણાં પડકારોનો સામનો કરવો પડશે. એનાં કારણો એવા હતા કે ખેતીલાયક જમીન નહોતી તેમ જ લોકોને ખેતીનું જ્ઞાન પણ નહોતું. ઑર્ગેનિક શબ્દથી પણ લોકો અજાણ્યા હતા. ઉપરાંત ખેતીને લગતા સાધનોનો પણ અભાવ હતો. જોકે, આ પરિસ્થિતિમાં પણ ખેતીના મક્કમ નિર્ધાર સાથે પંચાયતે બસો-પાંચસો નહીં, પણ પૂરા ૮૬૦૦ પરિવારને શાકભાજીની ખેતી માટે આમંત્રણ આપ્યું. એક નવો સૂરજ ઊગ્યો અને એ સાથે ઘરની છત પર અને વાડામાં શાકભાજી ઉત્પન્ન કરવાનો ભગીરથ પ્રયાસ શરૂ થયો. દૂધી, પાલક, મૂળા, કોબી, ફ્લાવર, વટાણા જેવા શાકભાજી ઉગાડવાના શરૂ કરવામાં આવ્યા. નક્કી કર્યું હતું કે જેટલી પણ ખેતીના ઉપયોગમાં લઈ શકાય એવી જગ્યા છે ત્યાં તમામ જગ્યા પર વાવણી કરવી. પંચાયતે શાકભાજી વાવેતરની વ્યવસ્થા માટે ‘કાર્શિકા કર્મસેના’ નામની એક વિશેષ સમિતિની રચના કરી. આવા કામમાં મહેનતની સાથે પૈસા પણ જોઇએ. શરૂઆતમાં નાણાભંડોળ પણ પંચાયતે પૂરું પાડ્યું.

અથાગ મહેનત અને દેખરેખને અંતે જમીનની ગુણવતા અને પીએચ લેવલ એટલેે આમ્લ સ્તર સુધારવામાં ગ્રામજનો સફળ રહ્યા. ઑર્ગેનિક ફાર્મિંગને લગતી પેસ્ટ પ્રિઝર્વેશન પદ્ધતિની ટેક્નિક પણ વિકસાવવામાં આવી. પેસ્ટ પ્રિઝર્વેશન સિસ્ટમના અમલીકરણ બાદ પ્રત્યેક પરિવારના ખેતી સંભાળતા મુખ્ય સભ્યે જરૂરી ખાતર મેળવી પેસ્ટ ક્ધટ્રોલ પ્રોસિજર (શાકભાજીને જંતુમુક્ત રાખવાની પદ્ધતિ) કરવાની રહેતી. કેટલાક પ્રયાસોને અંતે કાંજીકુઝી ગામનો ખેડૂત ઑર્ગેનિક સિસ્ટમ અને પેસ્ટ ક્ધટ્રોલ પદ્ધતિથી વાકેફ થવા લાગ્યો. કાંજીકુઝી ગામનો એકમાત્ર સિદ્ધાંત રહ્યો છે કે ખેત ઉત્પાદનમાં કોઈ પણ કેમિકલનો વપરાશ નહીં કરવાનો. લોકો આવી પદ્ધતિ અપનાવતા થાય અને તેમનો ઉત્સાહ વધે એ માટે પંચાયત નિ:શુલ્ક બીજ અને રોપા તેમને પૂરા પાડે છે. એનું વાવેતર ગ્રીનહાઉસમાં કરવામાં આવે છે. અહીં વાવણીનું કામ સંભાળતા મહિલા સમુદાયને ‘કદંબશ્રી’નું નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે પંચાયત તરફથી ૫૦ લાખ રોપા આપવામાં આવ્યા હતા. લોકોનો રસ અને ઉત્સાહ જળવાઇ રહે એ હેતુથી પંચાયત વ્યાજબી ભાવે ઑર્ગેનિક ખાતર પણ પૂરું પાડે છે. પંચાયત ૧૪ કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે.

આ પ્રયાસોનાં મીઠાં ફળ એ મળ્યાં છે કે હવે કાંજીકુઝીએ અન્ય ઠેકાણેથી શાકભાજી મગાવવા નથી પડતા, પરંતુ ગામ પોતે જ આસપાસના ગામમાં તાજા ઑર્ગેનિક શાકભાજી અને ફળોનો વ્યવસાય કરી રહ્યું છે. કેરળમાં અન્ય જગ્યાએ શાકભાજીની અછત હોય ત્યારે પણ કાંજીકુઝીની શાકભાજી અને ફળની વખારો સમ્ાૃદ્ધ હોય છે. ગામના ખેડૂત હાઈવે પર પણ શાકભાજીનું વેચાણ કરતા નજરે ચડે છે. એક વાતનો તેમના હૈયૈ આનંદ છે કે જ્યારે તેઓ શાક અને ફળ વેચે છે ત્યારે ગ્રાહકને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરતા હોવાની લાગણી અનુભવે છે. ઉપરાંત ગ્રાહકોને આ શાકભાજી વ્યાજબી ભાવે મળવાને કારણે તેમના પૈસાની બચતમાં પણ સહયોગ આપે છે.

આ બદલાવને પગલે લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ઑર્ગેનિક ખેતી દ્વારા ગામ સમ્ાૃદ્ધ થતું ગયું છે. કેટલાક ખેડૂતો મહિને પચાલ હજાર રૂપિયા જેટલી આવક મેળવી લે છે. ૪૮ વર્ષના એક ખેડૂત જણાવે છે કે તેમણે બે ટકા જમીન પર ખેતી શરૂ કરી હતી. આજે એ પ્રમાણ વધી ગયું છે અને તેઓ ૨૫ ટકા જમીન પર ખેતી કરી રહ્યા છે. પરિવારની જરૂરિયાતો પૂરી પાડ્યાનો આનંદ ઘણાં ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે તેમણે જીવનભર ખેતી કરી છે. પોતે મહેનત કરીને શોધેલી અને વિકસાવેલી પદ્ધતિ દ્વારા તેઓ હવે વર્ષમાં ત્રણ ફાલ પાકના મેળવી રહ્યા છે.

આ વિચારધારા માત્ર વ્યક્તિગત ખેતીવાડી પૂરતી સીમિત ન રહે અને જનમાનસમાં કેળવાય એ દિશામાં પણ પ્રયત્નો થઇ રહ્યા છે. અહીંની સ્થાનિક શાળાઓમાં ખેતી ફરજિયાત વિષય તરીકે ભણાવાય છે. પંચાયતના વડા રાજુ જણાવે છે કે હવે કાંજીકુઝી ગામની જમીન ફળદ્રુપ થઈ છે. આવનારી પેઢી પણ કૃષિ ક્ષેત્રે વિકાસ કરી શકે તે માટે તેમને ખેતી વિશે જ્ઞાન આપવામાં આવે છે. એટલું જ નહીં ઑર્ગેનિક ખોરાકના ઉપયોગને કારણે કાંજીકુઝીની આગામી પેઢી વધુ સ્વસ્થ અને મજબૂત પણ હશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5r8N43p
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com