24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સમયની કટોકટીની ગતાગમ શહેરી પાસે હોય એવી બીજા કોઈ પાસે નથી હોતી

કવિતાની કેડીએ-નલિની માડગાંવકરભાવેશ શાહ ‘શહેરી’ આપણા યુવાન નવોદિત ગઝલકાર. એમના સંગ્રહ ‘શહેરીયત’ને એવૉર્ડઝ પણ અર્પિત થયો છે. ભાવનાસભર આ ગઝલકાર નગર સંસ્કૃતિને નિહાળે છે અને એને અનુરૂપ જીવન રેખાંકિત કરવાનો પ્રયત્ન કરે છે, પણ ભીતરનો ગઝલકાર અવનવાં દૃશ્યો જોઈ પોતાની ખિન્નતા ગઝલમાં મૂર્તિમંત કરે છે. ધીરે ધીરે આ રચના સંગ્રહ પણ ગઝલની એવી અવનવી વસ્તી સર્જે છે કે જેમાંથી શહેરનો ચહેરો પોતાની અસલિયતને છુપાવી શકતો નથી. ગઝલની પરિભાષા ભલે અનેક અપાઈ હોય, પણ આ શહેરીયત ગઝલ વૃક્ષની ટોચે એવા અમૃત ફળને રાખે છે કે જેને માટે કઠિન સાધના કરવી પડે.

આ રચનામાં નગરની ઉતાવળથી ટેવાતો માનવી છે. સમસ્યાથી ભરેલો માણસ કરે પણ શું? સમયની કટોકટી કેવી હોય એની ગતાગમ શહેરી પાસે હોય એવી બીજા કોઈ પાસે નથી હોતી. નગર કરતાં શહેર અને શહેરી શબ્દથી આપણે વધુ પરિચિત છીએ. આ શબ્દનો ‘ઈકાર’ જાણે આખા શહેરમાં ફરી વળે છે. સમય એને રસ્તામાં ઊભા રહી બે શબ્દો બોલવાની રજા પણ નથી આપતો. ઘણી વખત ‘ચાર મળે અને ચોસઠ હસે’ (બે આંખો તમારી અને બે આંખો સામેવાળીની, બત્રીસ તમારા દાંત અને બત્રીસ સામેની વ્યક્તિના દાંત)ની જેમ વગર બોલ્યે આપણે આગળ વધીએ છીએ, આ છે આપણી શહેરીજનોની વિવેકસીમા. એકવાર શહેરમાં વસ્યા પછી પ્રગતિની પરિસીમા જ બદલાઈ જાય છે. અને તોય સફળતાનું કાયમી સરનામું મળતું જ નથી. એને શોધવામાં જ જિંદગી પસાર થઈ જાય છે.

"ઉતાવળ, આગળ, અટકળ, મૃગજળ, પાછળ, ઝાકળ, પેન કાગળ... સર્જન એ સાચો કસોટીનો પથ્થર બને છે. અને ઓછા વપરાતા ‘ળ’ ને પણ આગળ ને આગળ ગતિમાન કરે છે. તોયે ગઝલકાર પોતાની કલમને તેજીલી કે બુઠ્ઠી બનાવ્યા વગર શહેરી રસ્તાની બંને બાજુની ગતિને સાચવી શકયા છે. એ જ વસ્તુ ગઝલકારના ઉજ્જવળ ભાવિનો સંકેત આપી જાય છે. શહેરમાં વસતા માનવીઓ સફળતા-નિષ્ફળતાનો ભેદ સારી રીતે જાણે છે. અને નિષ્ફળતાને સુધ્ધાં કપાળ પરનાં પસીનાનાં ટીપાંની જેમ ખંખેરી આગળ વધે છે.

ખુશીનો સંબંધ પણ આપણી પળ સાથે હોય છે, કારણ એના નક્કર સ્વરૂપો ઓળખીએ ન ઓળખીએ ત્યાં તો એ ભીડમાં ખોવાઈ જાય છે. દૂરથી જેને જળ માનેલું એ તો છેતરામણું મૃગજળ નીકળ્યું - જાણે કે એક પછી એક શહેરી અનુભવ પોથીનું પાનું ખોલે છે. આવી સંવેદના છે, જે છેતરામણી છે એના પરિચય પછી પણ એની પાછળ શહેરમાં વસતો માનવી પડે છે.

સપનાં જોવાનો જન્મસિદ્ધ અધિકાર દરેક માણસનો છે, પણ શહેરમાં વસતો માનવી તો જાણે છે કે સપનાં કદી સાચાં પડવાનાં નથી. એ તો સપનાંમાં પણ બીજા માણસોની ઉતાવળો ઉતાવળો ચાલી મંજિલને પહોંચવા ઈચ્છે છે, પણ શહેરી માણસ પાસે તો આ મંજિલ નથી; ક્ષિતિજ છે. એ જેટલો આગળ વધે છે એટલી એ વધુને વધુ દૂર થતી જાય છે. અને એ માણસ પણ નિરાશ થયા વગર આવનાર ખુશી માટે આસન તૈયાર રાખે છે. સપનાંનો સ્વભાવ છે કે એ ઊંચી ડાળીએ ઝૂલતું ફળ દર્શાવે પણ હાથમાં ન આપે. ‘સપનાં પાછળ પડી જાય’ - અનેક પરાજય વચ્ચે પણ વિજયનાં સપનાંને પંપાળે. આ જ છે માણસનો સ્વભાવ અને ઈજારો. આવી લાક્ષણિકતા જ એને માનવજન્મ તરફ વાળે છે.

‘સફળતાનું સરનામું’, ‘નક્કર ખુશી’, ‘પાછળ પડતાં સપનાં’ આ અપેક્ષાઓ કવિની સંવેદનાની જ છે. બાકી નગરમાં વસતો માનવી તો ખરેખર અબુધ છે નહીં તો જળ અને મૃગજળ વચ્ચેનો ભેદ સમજી શકે નહીં! શહેરમાં તો જાણવા છતાં અજાણ રહેવામાં જ માલ છે, કારણ ફૂલો કંઈ આંસુ વહાવે! અને જો એ વહાવવા ધારે તો પણ ઉનાળામાં વહાવી ન શકે. ઝાકળ સમજવાની જે ભૂલ ઉનાળાના આંસુ કરાવે છે એવી ભૂલ તો જિંદગીમાં અનેક થાય છે એ બધી જ વણઝારની જેમ અનુભવનો કડવો ઘૂંટડો પીવડાવે છે.

ફૂલો પોતાના અલ્પાયુષ્યમાં સૌરભ વેરે કે આંસુ વહાવે એનો નિર્ણય ફૂલોએ કે પછી કવિઓએ કરવાનો છે. અબુધ માનવી જગતની વાંકી ચાલને ક્યાં ઓળખી શકે છે, જેમ ફૂલ અલ્પજીવી છે તેમ ઝાકળ પાસેય લાંબુ આયુષ્ય નથી. ફૂલો પર ટગમગતાં બિંદુઓને જોઈ કોઈક એનાં વહેતાં આંસુ ધારે છે તો કોઈક ઝાકળબિંદુ, પણ અનુભવે તો આપણને એનું ક્ષણજીવીપણું જ શીખવ્યું છે.

શહેરમાં આવા બંને પ્રકારનાં માનવીઓ હોય છે. છેલ્લો ગઝલનો શેર તો ખરેખર શિરમોર જેવો છે. શહેરની ગલીઓ સાંકડી છે એનાથીયે સાંકડી જગ્યામાં સુવિધાને સાચવનારા માનવીઓ છે. ગઝલમાં શરૂઆતથી જ વ્યાકુળતા છે. શહેરીઓ પળને સાચવી જાણે છે. અને એમાં જ સફળતાનો નકશો આંકે છે, જેમ એને નક્કર સ્વરૂપની ખુશી જોઈએ છે તેમ સુવિધા આપનાર સ્થાનને સ્વર્ગ માનવાની અપેક્ષા હોય છે.

આનંદ અને સ્વર્ગ શહેરીઓ માટે તો આ પૃથ્વી પર જ જન્મેલા છે, જ્યાં મનની મૂડી ખર્ચાય, ક્ષણની ખુશી મળે એને જ સ્વર્ગ માનવાની ભૂલ તેઓ કરી રહ્યા છે, પણ ગઝલકારને મન સુવિધાની વ્યાખ્યા જ જુદી છે, જ્યાં જ્યાં પેન-કાગળ મળવાની સુવિધા છે એ સ્થાન ગઝલકાર માટે તો સ્વર્ગનું સુખ આપનારું છે, કારણ જે પુણ્યને લીધે સ્વર્ગ મળ્યું છે એ ક્ષીણ થતાં ફરી પાછું મર્ત્યલોક તરફ વળવાનું છે પણ આવી સમસ્યા અ-ક્ષર સર્જન માટે જોડાયેલી નથી જ.

અહીં ગઝલકાર સફળતા, ખુશી, સપનાં, ઝાકળ અને પેન-કાગળનો અર્થ... અક્ષરોના સાન્નિધ્યથી નહીં; જીવનના સાન્નિધ્યથી આપે છે. શહેરમાં વસીને પણ જીવનની સમજદારીથી ગઝલકાર અળગા નથી થયા, જેમ કક્કો આવડવાથી વિદ્યા નથી આવતી તેમ ગઝલનું બંધારણ જાણવાથી સાચા ગઝલકાર નથી બની જવાતું. શહેરી જીવન જીવતાં જીવતાં પણ માણસને હૃદય-મન વગરનો કલ્પી ન શકતાં આ ગઝલકાર છે. એટલે નગર કેન્દ્રી ગઝલો પણ આપણને જીવનની અનેક અણજાણી દિશાઓનો પરિચય કરાવે છે.

મુંબઈ જેવા શહેરમાં વસીને, બંધ મકાનમાં વ્યવસાય કરીને પણ શહેરની લાક્ષણિકતાનો જડબાતોડ જવાબ આપનાર ગઝલકાર છે. દરેક ગઝલ જાણે ગઝલકારના ધબકતા અસ્તિત્વની સાક્ષી પૂરે છે. અને માનવ-માનવ વચ્ચેના સંબંધોનું નવું પરિમાણ આપે છે. મુંબઈના જનજીવનનું એક રૂપાળું દૃશ્ય...

"બાજુની સીટ પરના મુસાફરને જોઈ લો

શહેરી પૂછે છે શું કશે વર્તાય છે દીવાલ.

બીજી ગઝલનો શેર છે...

"શહેરીકરણને કારણે ગગડયા છે એના ભાવ

માણસ નહીં તો આટલો સસ્તો નહીં મળે.

ગઝલકાર તરફથી આગલો સંગ્રહ જલદી મળે એ જ અપેક્ષા.

------------------

ગઝલ

ન અટકાવો શહેરીને રસ્તામાં છે પહોંચવાની ઉતાવળ

સફળતાનું સરનામું શોધ્યા કરે છે એ આગળ ને આગળ

મળી જાશે નક્કર સ્વરૂપે ખુશી એવી રાખે છે અટકળ

ગણી લે છે શહેરી ઘણે દૂરથી જેને જળ એ છે મૃગજળ

કશીયે નથી શક્યતા કે પડી જાય ક્યારેક સાચાં

છતાં જીદમાં આવે સપનાં તો કેવાં પડી જાય પાછળ

ખરેખર અબુધ છે કે હાથે કરીને સમજતાં નથી એ

ઘણાં છે જે ફૂલોનાં આંસુ ઉનાળેય સમજે છે ઝાકળ

સુવિધા બધી હોય એવી જગાને ગણે સ્વર્ગ લોકો

છે શહેરીને માટે એ ત્યાં એને જ્યાં જ્યાં મળે પેન કાગળ

- ભાવેશ શાહ ‘શહેરી’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

M1a82pQ
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com