24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચંદ્રયાનના ઝળહળાટમાં હળવદનું હીર

હેન્રી શાસ્ત્રીગણિત અને ગણતરી સાથે ગુજરાતીઓને કાયમ સારું બન્યું છે. એટલે શાળાનો ઉંબરો વટાવ્યા પછી ગુજરાતી વિદ્યાર્થીઓ મોટેભાગે કૉમર્સમાંં ઍડ્મિશન લેવું પસંદ કરતા જોવા મળ્યા છે. સાયન્સ સાથે આપણને બહુ નથી ફાવ્યું. અલબત્ત અપવાદો જોવા મળ્યા છે ખરા. સ્મૃતિને સહેજ ઢંઢોળીએ એટલે ડૉ. વિક્રમ સારાભાઇનું નામ તરત યાદ આવી જાય. તાજેતરમાં ઇસરો તરીકે ઓળખાતા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના ‘ચંદ્રયાન-૨’ના સાહસમાં સારાભાઇનું પાયાનું યોગદાન છે. હરખાવાની વાત તો એ છે કે આ અપવાદોમાં ઉમેરો એવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં જન્મેલા ૩૮ વર્ષના લલિત ઠાકરનું પણ તાજેતરના મૂન મિશનમાં યોગદાન છે. લલિતભાઇ મિતભાષી છે અને પોતાના કાર્યને અલાયદી રીતે જોવામાં નથી માનતા. આ એક ટીમવર્ક છે અને પોતે એના એક સભ્ય છે એવું તેઓ સ્પષ્ટપણે જણાવે છે. નમ્રતા વૈજ્ઞાનિકોના સ્વભાવનું આગવું લક્ષણ ગણાયું છે અને લલિતભાઇમાં પણ એ સ્વાભાવ ઊડીને આંંખે વળગે છે.

લલિત ઠાકરનો જન્મ ભલે ધ્રાંગધ્રામાં થયો હોય, એમના મૂળિયા હળવદ સાથે જોડાયેલા છે. એના માતુશ્રી નીરુબહેનનું પિયર ત્યાં છે એ ન્યાયે લલિતભાઇનું મોસાળ હળવદમાં કહેવાય. હળવદનું નામ પડે એટલે સૌપ્રથમ નામ યાદ આવે ડૉ. જિતેન્દ્ર જટાશંકર રાવળ એટલે કે જે. જે. રાવળનું. રાવળ સાહેબ ખગોળવિજ્ઞાનના ઊંડા અભ્યાસુ છે અને મુંબઇના નહેરુ પ્લેનેટેરિયમના ડિરેક્ટર તરીકે વર્ષોથી કાર્યરત રહ્યા છે અને તેમના બે ડઝનથી વધુ રિસર્ચ પેપર દેશ-વિદેશની પ્રખ્યાત સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા છે. હળવદની એ પરંપરા લલિત ઠાકરે આગળ વધારી છે.

તાજેતરના ચંદ્રયાન-૨ મિશન સંદર્ભે ઇસરોની કામગીરીની ટેક્નિકલ વિગતોમાં પડ્યા વિના કહી શકાય કે લલિત ઠાકર બૅન્ગલોર સ્થિત ઇસરોની ‘ચંદ્રયાન-ર’ લૅન્ડર ડેવલપમેન્ટ ટીમમાં કાર્યરત છે. ઇસરોના ડિજિટલ સિસ્ટમના કામકાજમાં તેમના માર્ગદર્શન હેઠળ ઉલ્લેખનીય કામ થયું છે. ગુજરાતીઓ માટે આ ગૌરવ લેવા જેવી વાત છે.

પિતા જગદીશ ઠાકર અને માતા નીરુબહેનનું સંતાન લલિત એક ઠેકાણે અભ્યાસ નથી કરી શક્યો. એનું કારણ પિતાની નોકરી. ‘મુંબઇ સામચાર’ સાથેની વાતચીતમાં લલિતભાઇ જણાવે છે કે ‘પિતા બૅન્ક મૅનેજર હતા. એટલે ત્રણ વર્ષ થાય એટલે એમની બદલી થયા કરતી. હું પહેલું અને બીજું ધોરણ ૧૯૮૮-૮૯માં ધ્રાંગધ્રામાં ભણ્યો. ત્રીજું અને ચોથું ધોરણ વળી બીજા શહેરમાં અને પછી પિતાશ્રીની બદલી દ્વારકા પાસે આવેલા ઓખા શહેરમાં થઇ હતી. પાંચથી સાત ધોરણ સુધી ઓખામાં અભ્યાસ કર્યો. આ શહેર ગમવા લાગ્યું ત્યાં જ ફરી પિતાશ્રીની બદલી થઇ અને અમારો રસાલો પહાંચ્યો મોરબી. આ શહેરની એમ. જી. મહેતા હાઇસ્કૂલમાં આઠથી દસ ધોરણ સુધી ભણતર થયું.’ આમ ચલકચલાણું ઓલે ઘેર ભાણું જેવી લલિતભાઇની શિક્ષણયાત્રા બની રહી હતી. જોકે, દરેક સ્થળે તેમનો પાયો મજબૂત બની રહ્યો હતો. વિજ્ઞાન માટે વિશેષ પ્રીતિ કેળવાઇ રહી હતી. કરિયર તો સાયન્સ ક્ષેત્રે જ બનાવવું એ ઇરાદો મક્ક્મ બની ગયો હતો. મોરબીમાં પિતાશ્રીની નોકરી પણ લાંબો સમય ટકી. એટલે દસમું ધોરણ પાસ કર્યા પછી લલિત ઠાકરે વી.સી. ટેક્નિકલ હાઇસ્કૂલમાં ઍડ્મિશન લઇ લીધું.

સમજણા થયા પછી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન માટે થયેલો લગાવ હવે દૃઢ બનીને દિલ-દિમાગમાં આસનસ્થ થઇ ગયો હતો. ‘મહાભારત’માં અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ સિવાય કંઇ નજરે નહોતું પડી રહ્યું એમ લલિતભાઇને પણ પોતાની પસંદગીના ક્ષેત્ર સિવાય બીજો કોઇ વિચાર નહોતો આવી રહ્યો. એમાં કઇ રીતે આગળ વધી શકાય એના વિચારો જ ઘેરો લઇ રહ્યા હતા. ૧૧-૧૨ ધોરણ મોરબીની ટેક્નિકલ હાઇસ્કૂલમાં ભણી લીધા પછી ફરી પિતાશ્રીની બદલી થઇ. હવે ભણવાનું હતું ભાવનગર શહેરમાં. અહીં સરકાર દ્વારા સંચાલિત શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડ્મિશન લઇ લીધું અને એ પણ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં. અહીંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી મહત્ત્વના ઉચ્ચ શિક્ષણનો તબક્કો શરૂ થયો.

ભણતર વિશેની વાત કરતી વખતે લલિતભાઇના અવાજમાં એક રણકો, ઉત્સાહ વર્તાઇ આવતા હતા. આ પ્રકારનું એકધ્યાન જ મહાન કારકિર્દી ઘડવામાં પીઠબળ સાબિત થતું હોય છે. એન્જિનિયરિંગની ડિગ્રી હાથમાં આવ્યા પછી પોતાના લક્ષ્ય તરફ કઇ રીતે આગળ વધ્યા એની વાત કરતા લલિતભાઇ જણાવે છે કે ‘એન્જિનિયરિંગ પાસ કર્યા પછી મારે એમ. ટેક. કરવું હતું. સદ્નસીબે એ જ સમયે ગાંધીનગરમાં ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નોલૉજીની શરૂઆત થઇ હતી. મેં આ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. ૨૦૦૪થી ૨૦૦૬ સુધી અહીં અભ્યાસ કર્યો અને એ દરમિયાન મારા ભણતરની સાથે મારું ઘડતર પણ થયું.’

મનગમતા વિષયની ઉચ્ચ ડિગ્રી મેળવી લીધા પછી હવે મહત્ત્વનનું હતું એને સંબંધિત સંસ્થા સાથે સંકળાવું અને એમાં આગળ વધવું. આ સંદર્ભમાં પણ લલિત ઠાકરના વિચારો એકદમ સ્પષ્ટ હતા. તેમને ઍસ્ટ્રોનોમી ક્ષેત્રમાં આગળ વધવાની બહુ ઇચ્છા હતી, એનો ઉમંગ હતો. એમ. ટેક. થયા પછીના પ્રવાસ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે ‘સારી વાત એ હતી કે એ જ વખતે ઇસરો અને ડીઆરડીઓ (દિલ્હી સ્થિત ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન)માં નોકરી ખાલી હોવાની જાણ થઇ. મેં બેઉ જગ્યાએ અરજી કરી દીધી. ડીઆરડીઓમાં સિલેક્ટ ન થયો, પણ ઇસરોમાં પાસ થઇ ગયો અને નોકરીએ લાગી ગયો.’

અત્યારે બૅન્ગલોરના ઇસરોના કાર્યાલયમાં લલિતભાઇ સિવાય બીજા બે ગુજરાતીઓ પણ કાર્યરત છે, પણ લલિત ઠાકર એમાં સૌથી સિનિયર છે. સતત બદલાતી રહેતી અને જવાદારીભરેલી નોકરી કરતા પિતાશ્રી પુત્રના અભ્યાસ પર સરખું ધ્યાન નહોતા આપી શકતા. લલિતભાઇ કહે છે કે ‘હું સરખી રીતે ભણી શક્યો એનો મુખ્ય શ્રેય મારા માતુશ્રીને જાય છે. દિવસ-રાત ઉજાગરા કરીને ભણતર દરમિયાન મારી જરૂરિયાતોનું સતત ધ્યાન તેમણે રાખ્યું છે, કાળજી રાખી છે. એમના આશીર્વાદથી જ હું આટલી મજલ કાપી શક્યો છું.’ લલિતભાઇ હાલ બૅન્ગલોરમાં માતા-પિતા સાથે રહે છે. તેમનાં લગ્ન થઇ ગયાં છે અને પત્ની માનસી અને મોટી દીકરી હિયા અને નાનકડા પુત્ર શિવાન સાથે તેમનો સંસાર સુખેથી ચાલી રહ્યો છે. માની જેમ પત્ની પણ લલિતભાઇની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.

શાળાનું સંપૂર્ણ ભણતર લલિતભાઇએ માતૃભાષાામાં લીધું છે. અંગ્રેજી માધ્યમમાં ભણીને જ આવા ક્ષેત્રોમાં આગળ વધી શકાય એ માન્યતાનો હળવદના આ હીરે છેદ ઊડાડી દીધો છે. ‘મન મેં હો વિશ્ર્વાસ પૂરા હો વિશ્ર્વાસ, હમ હોંગે કામિયાબ’ એ ઉક્તિને એમણે સાચી ઠેરવી છે. ૨૦૧૧માં ઇસરો તરફથી તેમને યંગ સાયન્ટિસ્ટનો અવૉર્ડ પણ મળ્યો હતો. ગુજરાતીઓ સાયન્સમાં પણ આગળ વધી શકે એનું વિશિષ્ટ ઉદાહરણ લલિત ઠાકર છે અને એમની આ કથા અન્ય લોકોને અને ખાસ કરીને ગુજરાતીઓને વિજ્ઞાન જેવાં ક્ષેત્રોમાં આગળ વધવા પ્રેરણારૂપ બનશે એવી આશા બળવત્તર બનાવે છે.

----------------------

ડૉ. જે. જે. રાવળે ઉત્સાહ વધાર્યો

લલિત ઠાકરનું મોસાળ હળવદમાં છે. નગરનો ભાણેજ ઊંચાઇઓ સર કરે તો લોક હરખાય એ સમજી શકાય એવી વાત છે. અલબત્ત ભણતર અને પિતાશ્રીની સતત થતી બદલીને કારણે ભાઇ લલિતને મોસાળે જવાની બહુ ઓછી તક મળી છે. લલિતભાઇની સિદ્ધિને બિરદાવવા માટે હળવદ યુવા સમિતિએ ૨૦૧૩માં તેમનું સન્માન કર્યું હતું. જે. જે. રાવળ પણ હળવદના જ છે અને એટલે તેમને પણ એ પ્રસંગે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાવળ સાહેબ ખાસ એ પ્રસંગે હાજર રહ્યા હતા અને લલિત ઠાકરને અભિનંદન આપીને એને આગળ વધવા પ્રોત્સાહિત કર્યો હતો. લલિતભાઇ ઇસરોના ડેટા હૅન્ડિલિંગ સેક્શનમાં કામ કરે છે અને એનું કામ કેટલું મહત્ત્વનું અને સાથેે કેટલું જવાબદારીવાળું છે એ વાતથી રાવળ સાહેબ વાકેફ છે. એટલે આવા ક્ષેત્રમાં વઘુ ગુજરાતીઓ આગળ વધે એ વાત પર તેમણે જોર મૂક્યું હતું.

-----------------------

માતા-પિતા તેમ જ પત્ની અને બાળકો સાથે લલિત ઠાકર

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1mI05H
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com