31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગીર ગાય અને ઑર્ગેનિકના નામે રૂપિયા રળવાની પ્રવૃત્તિ: ફુગ્ગો ફૂટતા વાર નહીં લાગ

ગ છલકે-કિન્નર આચાર્યગીર ગાય અને ઑર્ગેનિકના નામે રૂપિયા રળવાની પ્રવૃત્તિ: ફુગ્ગો ફૂટતા વાર નહીં લાગે

એક સિમ્પલ વાત સમજાતી નથી: જે વસ્તુ બનાવવાની કાચી સામગ્રી જ કેમિકલ્સ અને ઝેરી તત્ત્વો હોય, એ વસ્તુ ઓર્ગેનિક કેવી રીતે હોઇ શકે? ભારતમાં બધું જ શક્ય છે. અહીં ઓર્ગેનિક શેમ્પુ પણ મળે છે અને ઓર્ગેનિક સાબુ પણ ઉપલબ્ધ છે! સાબુ-શેમ્પુનું રૉ મટિરિયલ જ કેમિકલ્સ છે. પછી તેમાં શિકાકાઇ કે અરીઠાનો અર્ક નાંખો કે ચંદનનું તેલ...શો ફર્ક પડે છે? કશો જ નહીં.

જ્યાં-જ્યાં નજર તમારી અને મારી ઠરે ત્યાં બધું ઓર્ગેનિક દેખાય છે આજકાલ. એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે. સારું છે. ઝેર ઠાલવ્યા વગરના ખાદ્યપદાર્થો અને પ્રસાધનોનો લોકો ઉપયોગ કરે તો સારું જ ગણાય. તેમાં કશું ખોટું નથી. પણ ઓર્ગેનિક પ્રોડક્ટ પ્રત્યેની લોકોની ઘેલછામાંથી રાતોરાત રોકડી કરવા માટે અનેક લેભાગુઓ પણ ઉતરી પડ્યા છે. ઓર્ગેનિક કઠોળ, અનાજ, દૂધ-ઘી, તેલનાં નામે ગુજરાતમાં બહુ ધુપ્પલ ચાલે છે. ગુજરાતમાં પલકબેન પટેલ, પરષોત્તમ સિદપરા, નિતુબેન પટેલ, ઘનશ્યામ દાસ, દર્શન ભાલારા, જેવાં અનેક પ્રતિબદ્ધ ઉત્પાદકો છે. હજારો લોકોને આ બાબતે ઢંઢોળનાર મનસુખ સુવાગિયા જેવાં ગૌઋષિ પણ છે. પરંતુ સત્ય એ છે કે, બહુ બધા લેભાગુઓ પણ છે.

એક તરફ કેટલાંક જાગૃત લોકો આપણી પ્રજાને ઓર્ગેનિક ઉત્પાદનોના ફાયદા સમજાવવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહ્યાં છે, બીજી તરફ બજારમાં એવી સ્થિતિ ઊભી કરવામાં આવી છે કે લોકો ઓર્ગેનિક પ્રોડક્ટ્સથી દૂર ભાગવા માંડે. ગીર ગાયનાં ઘી-દૂધનું જ ઉદાહરણ લો: ગૌઋષિ મનસુખભાઇ સુવાગિયાએ વર્ષો પહેલાં ઝુંબેશ ઉપાડીને અ-૨ દૂધ-ઘીનું અને ગીર ગાયનું મહત્ત્વ સમજાવ્યું. આજે ગોપાલકોએ ગીર ગાયનાં ઘીનો ભાવ કેસરના ભાવ જેવો કરી નાંખ્યો છે. ગાયના દૂધમાં ફેટ ઓછી હોય, ભેંસની સરખામણીએ ગાયો દૂધ ઓછું આપે, સારો ચારો આપવો પડે...આ બધું ગણતરીમાં લઇએ તો પણ ગીર ગાયનું ઘી ૧૦૦૦-૧૨૦૦નું કિલો વેચવું પરવડે. આ ભાવે વેંચાય તો પણ પૈસા સવાયા કરતા વધુ થાય. પણ, ગીર-કાંકરેજ અ-૨ વગેરેનું ઘી આજે ૧૦૦૦-૧૫૦૦થી શરૂ કરીને ૩૦૦૦ કે ૩૩૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેંચાય છે! કોઇને આ બાબતે જાગૃતિ કેળવાઇ હોય તો પણ આ દામ સાંભળીને બેહોશ થઇ જાય!

આ ભાવ અવાસ્તવિક છે. ટ્રેન્ડનો ગેરલાભ લેવાની ગુસ્તાખી ગણાય આ તો. એક તરફ ઓર્ગેનિક ઉત્પાદનોના ઉત્પાદકો અને ખેડૂતો રોદણાં રડે છે કે, લોકોમાં આવી પ્રોડક્ટ્સ બાબતે જાગૃતિ નથી, બીજી તરફ ખુદ આવા લોકો જ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. દેશી નસ્લની ગાયના ઘી-દૂધ બેશક લાભદાયક છે. પણ, તેની કિંમત સાંભળીને છાતીના પાટિયાં બેસી જાય તો એવા ઉત્પાદનોનો કોઇ અર્થ નથી.

હમણાં રાજકોટની એક સંસ્થાએ ગીર ગાયના દૂધનો પ્રોજેક્ટ હાથ ધર્યો. દેખાડો એવો કર્યો કે, જાણે કોઇ મહાન પ્રકલ્પ સિદ્ધ કરવાનો સંકલ્પ લીધો હોય. મોટા પાયે ઉદ્ઘાટનો કર્યા અને ધમાલ કરી. દૂધનો ભાવ રાખ્યો ૮૦નું લિટર. હવે, અત્યારે પણ ૬૦ રૂપિયા પ્રતિ લિટરના ભાવે હોમ ડિલિવરી થાય જ છે! તો આ આખી કસરતનો શો અર્થ? ઓર્ગેનિક અને અ-ટુ ઘી-દૂધના નામે મોટા ભાગે તમાશો અને કૌભાંડ ચાલે છે. હમણાં ગુજરાતમાં a-ટુ ઘીનાં અનેક સેમ્પલ ફેઇલ થયા. બે-અઢી હજારનું કિલો લેખે મળતું ઘી નકલી છે, એવું જાણીએ ત્યારે આંચકો જ લાગે.

ઓર્ગેનિક પ્રોડક્ટ્સનાં નામે પણ ઓછાં તૂત નથી ચાલતાં. જવારાનાં પાવડર વિશે ખૂબ પ્રચાર થાય છે. તેનાં ગુણ અંગે શંકા નથી. પણ, લેવા જાઓ તો ખ્યાલ આવે કે, એ લગભગ પાંચથી સાત હજાર રૂપિયાનો કિલો લેખે વેંચાય છે! આમાં કોઇ પ્રાકૃતિક ચીજવસ્તુઓ કે ફૂડ સપ્લિમેન્ટ તરફ કેવી રીતે વળે? હૉલસેલમાં ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો મળતો મોરિંગા પાવડર (સરગવાના પાનનું ચૂર્ણ) સામાન્ય ગ્રાહકને ૩૦૦થી ૫૦૦ રૂપિયાનો ૧૦૦ ગ્રામ મળે છે! બધાંને લૂંટી લેવું પડે છે. ગાયનાં છાણાનાં નામે પણ લૂંટ-ચલાવી લેવી છે અને ખિરુ પણ નથી મૂકવું. આ બધું જોઇને સ્પષ્ટ થાય છે કે, ફુગ્ગો ફૂટતાં વાર નહીં લાગે. જેટલી ઝડપથી આવા ઉત્પાદનોનો પ્રચાર વધ્યો, તેટલી જ ગતિથી આવાં લૂંટારુઓ અને નફાખોર લોકોના વળતાં પાણી થવાનાં છે.

નવા ટ્રાફિક નિયમો: નબળી

ગાયો ને બગાઇઓ ઝાઝી

જાતજાતનાં સમાચારો આવી રહ્યાં છે. એક સ્કૂટી ચાલકને ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ ૨૩ હજારનો દંડ થયો, હરિયાણામાં એક ટ્રેક્ટર ચાલકને અલગ અલગ નિયમો તોડવા બદલ ૫૯ હજાર રૂપિયા દંડ થયો. ટ્રાફિક નિયમો કડક હોવા જ જોઇએ. દંડ સખત હોય તેનો પણ વાંધો નહીં. પરંતુ નિયમો અને કાયદાઓ હંમેશાં વ્યવહારું હોવા જોઇએ. આપણે પશ્ર્ચિમના દેશોની નકલ કરવામાં પાવરધાં છીએ. સિલેક્ટેડ નકલ. બધી બાબતોની નહીં. જ્યાં-ત્યાં પાર્કિંગ બદલ હવે આપણે દંડ આકરો કર્યો. પણ પશ્ર્ચિમના દેશોની જેમ પે એન્ડ પાર્કની સુવિધા કેટલી જગ્યાએ ઊભી કરી?

હું યુરોપ પ્રવાસે ગયો ત્યારે નિહાળ્યું કે લગભગ દરેક શેરીમાં પાર્કિંગની પાવતીના મશીન છે. કાર્ડ સ્વાઇપ કરાવી લેવાનું, રસીદ રાખવાની. કલાક મુજબ પાર્કિંગ ચાર્જ. આપણે પાર્કિંગ ઝોન જ નથી બનાવ્યા. બસ, દંડ સંહિતા ઘડી નાંખી. લોકો પોતાના વાહન ક્યાં પાર્ક કરે? પોતાના માથા પર?

આવા નિયમો ભ્રષ્ટાતિભ્રષ્ટ પોલીસતંત્ર સિવાય કોઇને લાભકારક ન હોય. શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવાનો નિયમ એકદમ વાહિયાત અને પશ્ર્ચિમની મૂર્ખામીભરી નકલ છે. આપણે ત્યાં આખું વર્ષ ૪૦ ડિગ્રી આસપાસ તાપમાન રહે છે, લોકોનું માથું આમ પણ ફાટી જતું હોય. લટકામાં હેલ્મેટ. જ્યાં ૨૦-૩૦ કિલોમીટરથી વધુ સ્પીડે વાહન ચલાવી શકાતાં ન હોય ત્યાં હેલ્મેટની શી આવશ્યકતા?

સરકાર કહે છે કે, તેમને લોકોના પ્રાણની ચિંતા છે. એકદમ ખોટ્ટી વાત. હળાહળ જૂઠાણું. સરકારને જો ખરેખર લોકોની ચિંતા હોય તો આખા દેશમાં સૌપ્રથમ રખડતાં-રઝળતાં ઢોરને હટાવવાનું કામ કરવા જેવું છે. હેલ્મેટ ન હોવાથી જેટલાં લોકો શહેરી વિસ્તારમાં મોતને ભેટે છે, તેનાં કરતાં અનેકગણાં વધુ લોકો ખૂનખાર ખૂંટિયાઓને કારણે મરી જાય છે. દેશનાં ઓલમોસ્ટ દરેક નગર, મહાનગર અને મેટ્રોમાં ગાયો-ખૂંટિયાઓનો ભયાનક ત્રાસ છે. અસહ્ય.

વસૂકી ગયેલી ગાયો અને ખૂંટિયાઓ વર્ષે હજારો-લાખો અકસ્માતો માટે કારણરૂપ બને છે. લોકોના હાથ-પગ ભાંગે છે અને અનેક લોકો જીવ ગુમાવે છે. આવું કશું જ ન થતું હોય તો પણ રઝળતાં ઢોરને લીધે ભયાનક ગંદકી, દુર્ગંધ અને અવ્યવસ્થા સર્જાય છે. જો તમારી પાસે લાયસન્સ ન હોવાનાં કારણે પાંચ હજારનો દંડ થતો હોય તો ખૂંટિયાને છૂટ્ટાં મૂકતા ગોપાલકોને દસ હજારનો દંડ શા માટે નહીં? જે વિસ્તારમાં આવા ઢોર રખડતાં હોય તે પાલિકાનાં ચિફ ઑફિસરને કે મહાનગરપાલિકાનાં કમિશનરને પચાસ હજારનો દંડ કેમ ન થવો જોઇએ?

અમદાવાદ જેવાં શહેરમાં વર્ષે દહાડે ૫૦ હજાર કરતાં વધુ લોકોને રખડતાં શ્ર્વાન કરડે છે. મુંબઇમાં આંકડો એક લાખ કરતાં વધુ હશે. સ્ટ્રીટ ડોગ્સને કારણે શહેરોમાં અને હાઇ-વે પર અગણિત અકસ્માતો થાય છે. આવા કિસ્સામાં પ્રતિ બટકું ૨૫-૫૦ હજારનો દંડ જે-તે અધિકારી પાસેથી વસૂલાય તો છ મહિનામાં સમસ્યા હલ થઇ જાય. પશ્ર્ચિમમાં તો પડોશીનો પાલતું ડૉગ વધુ ભસતો હોય તો પણ તમે ઑથોરિટીને ફરિયાદ કરી શકો છો. ત્રણ ફરિયાદ આવે તો સરકારી ડૉક્ટર્સ આવા શ્ર્વાનની સ્વરપેટી કાઢી નાંખીને ડૉગ પરત કરે છે. આવા કાયદાઓમાં શું આપણે પશ્ર્ચિમી રાષ્ટ્રોનું અનુકરણ નથી કરવું?

સગવડિયો ધર્મ છે. કોઇ તરંગી જજ સાહેબે ચુકાદો આપ્યો છે કે, કૂતરાંઓને ચિપિયાથી ન પકડવા! પકડીને પછી દૂર ન મૂકવા. જ્યાંથી પકડ્યા હોય ત્યાં જ પાછા છોડવા! ન્યાયાધીશોને સવારની ચા ન મળી હોય ત્યારે આવા હાસ્યાસ્પદ ચુકાદાઓ આપતા હોય છે. કેટલાંક તો સેડિસ્ટ હોય - પરપિડન વૃત્તિથી ગ્રસ્ત હોય. સવાલ એ છે કે, જે સરકારો પ્રજાની સલામતીનું બહાનું આગળ ધરીને આવા આકરાં નિયમો લાવે છે, તેને પ્રજાની અસલી પીડા કેમ દેખાતી નથી?

અસલી સમસ્યા લાયસન્સ વગરનો કે ટોપા વગરનો વાહનચાલક નથી, વાસ્તવિક સમસ્યા ઓવરલોડેડ ટ્રક, પાછળ રિફ્લેકટર લગાવ્યા વિનાનાં વાહનો, બેફામ દોડતાં અને ટનબંધ પ્રદૂષણ ઓકતાં છકડાઓ, મીટર વિના દોડતી રિક્ષાઓ, રઝળતાં ઢોર, મોટા ભાગે બંધ રહેતા ટ્રાફિક પોઇન્ટ્સ હપતાં આપીને ચાલતાં પ્રાઇવેટ પેસેન્જર વાહનો વગેરે છે. હાલ અમલમાં આવેલી દંડસંહિતા એટલે ઠાલી કડકાઇ દાખવવાનું બિનજરૂરી પગલું. સરકારનાં પ્રાયોરિટી લિસ્ટમાં હાથી જેવડી સમસ્યા અગ્રતાક્રમે હોવી જોઇએ. માથે ફાઇબરના ટોપાં પહેરવાથી શું ખૂંટિયાઓ અને બેફામ દોડતાં પેસેન્જર વાહનોથી બચી શકાશે?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ih3I64
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com