31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બ્લેડરમાં પથરી: પેટનો ઘેરાવો

આરોગ્ય વિજ્ઞાન-ડૉ. મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુરનવી મુંબઈથી એક દરદીનો પત્ર આવ્યો છે તેઓ લખે છે કે મને પેશાબમાં વારંવાર બળતરા થઈ આવે છે. યુરિન રિપોર્ટ કઢાવતાં તેમાં કેલ્શિયમ એક્ઝેલેટ આવે છે. ઉપરાંત થોડાક લોહી અને પરુના કણ પણ હોય છે. એક્સ-રે કઢાવતા બ્લેડરમાં નાની સોપારી જેટલી સાઈઝની પથરી છે. મારે ઓપરેશન કરાવવું નથી. મારે ત્રણ બાળકો છે. ઉંમર ૩૪ વર્ષની છે. માસિક બરાબર આવે છે. ખોરાકમાં ટામેટાં, ભાજી વગેરે બંધ કર્યાં છે. ફક્ત દેશી ઉપચારથી ફાયદો થવા સંભવ છે. એવું સાંભળ્યું છે તો એનો ઉપચાર સૂચવવા વિનંતી.

આવી પરિસ્થિતિમાં એમને ગોક્ષુરાદિ ગુગળ અને ચંદ્રપ્રભા નંબર-૧ની બબ્બે ગોળી સવારે અને રાત્રે લેવાનું સૂચવ્યું. ગોખરું, સાટોડી (પુનર્નવા), પાષાણ ભેદ, ગળો, ત્રિફળા અને વાયવરણાની છાલ આ પાંચ ચીજ ગાંધીને ત્યાંથી લાવી (સમભાગે) ખાંડી તેમાંથી ૨૫ ગ્રામ ભૂકો એક ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવી રાખવું. સવારે ધીમે તાપે ઉકાળી ચોથો ભાગ બાકી રહે ત્યારે ગાળી લેવું અને નવશેકું હોય ત્યારે જવખાર ચપટી અને હજરલયહદ ભસ્મ એક ચપટી એમાં નાખી એની સાથે ચંદ્રપ્રભા અને ગોક્ષુરાદિ ગુગળ લઈ લેવા સૂચવ્યું. સવારે ઉકાળો કરતી વખતે જે કંઈ વધે તેમાં ફરી એકથી બે ગ્લાસ ગરમ પાણી રાખી મૂકવું અને રાત્રે ધીમે તાપે ઉકાળી જે કંઈ શેષ વધે તે ચોથો ભાગ સવારે જેમ ઔષધ લીધેલા તે પ્રમાણે લઈ લેવા સૂચવ્યું. આનાથી પેશાબ છૂટથી આવે છે. વળી પથરી, મૂત્રાશય એટલે કે બ્લેડરમાં છે. તે પુરુષ કરતાં સ્રીઓને સરળતાથી નીકળી જાય છે. ખાનપાનમાં દૂધ અને દૂધના પદાર્થ ઓછા લેવા. જવખારને બદલે મૂળાનો ક્ષાર, અય્યા માર્ગનો ક્ષાર કે એખરાનો ક્ષાર વગેરે જુદા જુદા ક્ષાર દરદીની પ્રકૃતિ જોઈને આપવામાં આવે છે. ત્રણથી છ માસમાં સારો એવો લાભ થવાનો અંદાજ છે.

અન્ય એક દરદીની ફરિયાદ એવી હતી કે તેમની ભૂખ ઓછી થઈ ગઈ છે અને ઓછું ખાવા છતાં પણ વજન વધતું જ રહ્યું છે. તેમને પાચન બરાબર થતું ન હતું. બગાસાં આવતા રહેતા. પેટ નાનું અને મોટું થતું રહેતું. કોઈક વાર ફાંદનો ઘેરાવો વધી જતો તો કોઈ વાર ઘટી જતો. પડખામાં દુ:ખાવો રહેતો. શરીરના ભારે અંગો તૂટતા, મળસંચય, ચામડી ઉપર કાળાશ, પેટમાં ઝીણો મંદ દુ:ખાવો અને અવાજ સાથે વાયુ સંચરતો રહેતો. તેમણે બધા રિપોર્ટ કઢાવેલા અને બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. પેટમાં કોઈ બીમારી ન હતી. પેટ ફૂલી જતું. પહેલા યોગ અને વોકિંગ કરતાં પણ પછીથી એમણે એ છોડી દીધું હતું. કબજિયાત જણાય ત્યારે ફ્રૂટસોલ્ટ જેવો રેચ લેતાં. પેટ હલકું થઈ જતું. પણ એ ત્રણ દિવસ પછી હતા ત્યાંને ત્યાં જ જેવી સ્થિતિ સર્જાતી. જાતીય જીવનમાં પણ પહેલા જેવો આનંદ કે ઉત્સાહ રહેતો ન

હતો. આ માટે તેઓ આયુર્વેદિક સારવાર ઈચ્છતા હતા.

આયુર્વેદમાં દરદીની પરીક્ષા દર્શન, પ્રશ્ર્ન અને સ્પર્શથી થઈ શકે છે. બીજું એમણે આખી કથની જણાવી એટલે બધા પ્રશ્ર્નોના ઉત્તર પણ મળી જાય છે. આવા રોગને આયુર્વેદમાં ‘ઉદર રોગ’ કહ્યો છે. સામાન્ય રીતે પેટના તમામ દરદો માટે ઉદર રોગની સંજ્ઞા વપરાય છે. પરંતુ અહીં ઉદર રોગની વ્યાખ્યા જુદી કરવામાં આવી છે. કારણમાં જઠરાગ્નિની મંદતા મુખ્ય છે. અર્જીણ, દૂષિત અન્ન અને મળનો સંચય એ ત્રણ, બીજા મુખ્ય કારણ છે. દૂષિત અન્ન એટલે પરસ્પર વિરોધી આહાર વગેરે કારણોથી ઉદર રોગ થાય છે.

આમ તો ઉદરમાં જઠર, આંતરડા, બરલ, લિવર, પેન્ક્રિયાસ આ બધા અવયવોનો વિચાર કરવો પડે છે. એટલે ડિસિઝીસ ઓફ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ગણાય, પણ એકંદરે બધા જ ઉદર રોગને આપણે મુખ્યત્વે વાયુજન્ય ઉદર રોગ, પિત્તજન્ય ઉદર રોગ અને કફજન્ય ઉદર રોગ એ ત્રણ ભેદમાં પાડી શકીએ. તમને વાયુ અને કફ, બંનેના લક્ષણ છે. કફને કારણે અંગ ભારે એટલે શરીરમાં ગ્લાનિ થાય છે. ઊંઘ આવે, મોળ, અરુચિ અને ખાલીપણું થાય છે. એટલે ક્યારેક પેટ સ્થિર અને શીતળ હોય છે. જ્યારે ક્યારેક એ હલકું, નરમ અને સરળ હોય છે. આ બંને પરિસ્થિતિ પરસ્પર વિરોધી છે. કયારેક તમને પેટ એકદમ અક્કડ થઈ જાય છે. મોટું થઈ જાય છે. આ ફાંદના ઘેરાવાની વધઘટ ઉદર રોગની ચાડી ખાય છે.

સારવારમાં પહેલાં તો જઠરાગ્નિ પ્રદિપ્ત કરવું જરૂરી છે. દીપક, પાચક અને પચવામાં હળવું ભોજન સૌથી અગત્યનું છે. આ રોગમાં સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ પંચસકાર ચૂર્ણ, મળશુદ્ધિ ચૂર્ણ, દીવેલ કે ગૌમૂત્રના પ્રયોગ લાભદાયક નીવડે છે. યોગ્ય વૈદ્ય દ્વારા ઉપચાર જરૂરી બને છે. ચવક, ચિત્રક, સૂંઠ, મરી, પીપર, પંચલવણ, અજમો, હિંગ, જવખાર, જીરું, સાજીરું આ બધા સમભાગે લઈ ખાંડી તેમાંથી ત્રણથી છ ગ્રામ ચૂર્ણ જમીને લેવાનું સૂચવ્યું. આવું જ એક ખૂબ જ પ્રશસ્ત ચૂર્ણ સાયુદ્રાધ્ય ચૂર્ણ છે. એ એકથી બે ચમચી લઈ શકાય. જમ્યા પછી અગ્નિતુંડીવટી, કલ્પતરુવટી, નવજીવનવટી, બૃહત શંખવટી જેવા દીપક, પાચક, યોગમાંથી પોતાની પ્રકૃતિને અનુકૂળ હોય તેની બબ્બે ગોળી લેવી. આ રોગમાં નક્ષવોમિકા ખૂબ અક્સીર કામ કરે છે. જમીને પંચકોલાસવ અથવા પીપલાધ્યરિષ્ટ, બબ્બે ચમચા તેટલા જ પાણી સાથે લેવાનું કહ્યું.

આવી અવસ્થામાં બેઠાડું જીવનનો સદંતર ત્યાગ કરવો જોઈએ. એક દરદીને રોજ સવારે સાત વાર ગાળેલું ગૌમૂત્ર અડધો કપ સવારે પીવા આપ્યું. નયણે કોઠે બીજું કંઈ જ નહીં અને મોર્નિંગ વોકે ત્યાંથી પાછા ફર્યા બાદ જ્યારે ભૂખ લાગે ત્યારે ખાખરા, મગનું ઓસામણ અને બાફેલા મગ, બપોરે હલકું ભોજન, તેલવાળા શાક સદંતર વર્જ્ય. એ ઉપરાંત રાત્રે સૂતી વખતે હિમેજ, ફળમાં પપૈયાની છૂટ, કેળા બંધ, મોસંબી, સંતરા નહીં. વખતોવખત ખાટા ઢોકળા, હાંડવો, ખાંડવી જેવી ચીજ પ્રસંગોપાત લેવાની છૂટ આપી. તમાકું ઓછું કરાવ્યું. ધીમે ધીમે પછી ઉપરના સૂચવેલા ચૂર્ણો ઔષધો અને દીપક-પાચક અને ઉદર પૌષ્ટિક ગોળીઓનો પ્રયોગ કરાવ્યો. આવા દરદીઓમાં ચિકિત્સા ચાલુ હોય ત્યારે ફેરફાર કરતા રહેવું પડે છે.

અજમો, હિંગ, સૂંઠ, સંચળ, જીરું, શાહજીરું, મેથી વગેરે આપણા રસોડાના ઔષધરત્નો છે. એ સ્વાદ માટે તો છે જ પણ દીપન-પાચક મસાલાનો પ્રમાણસર ઉપયોગ હિતાવહ બને છે. આવા ઉદર રોગમાં સંભાળ રાખવામાં ન આવે તો ધીમે ધીમે જટિલ, હઠીલા અને છેવટે જલોદરમાં પરિણમે છે. એટલે શરૂઆતથી જ ઉદર રોગમાં જઠર, હોજરી, ગ્રહણી, આંતરડા નાના મોટા, લિવર, બરલ, અગ્નાશય, પેન્ક્રિયાસ તથા આ વિભાગમાં મુખ્ય સ્થાન વાયુનું છે અને અપાનવાયુ અને સપાનવાયુ, પાચક પિત્ત અને કફ આ બધાનો વિચાર કરવો જરૂરી છે અને અંતમાં એ નોંધવું રહ્યું કે ઉદર રોગ દરમિયાન આરોગ્યવર્ધની તથા પુનર્નવામંડુર એ સારવાર દરમિયાન કે પછી આપતા સોજા, એનિમિયા અને થાક મટી ઉત્સાહ અને ઉમંગ વધે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

v15A268
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com