31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લીલાછમ જંગલનો જન્મદાતા

એક તરફ જ્યાં આડેધડ જંગલોના થઈ રહેલા વિનાશને કારણે ગ્લોબલ વૉર્મિંગનાં માઠાં પરિણામો આપણે ભોગવી રહ્યા છે, ત્યાં જ બીજી બાજુ દેશના જ એક ખૂણામાં કોઈ વ્યક્તિ જંગલ બચાવવા માટે છેલ્લાં ૧૮ વર્ષથી પ્રયાસો કરી રહી છે. આ જ વ્યક્તિ આપણી આજની સ્ટોરીનો હીરો છે. ભારતના મણિપુરમાં રહેનારા ૪૫ વર્ષીય મોઈરંગથેમ લોઈયા આમ તો ઈમ્ફાલના રહેવાસી છે, પણ તેમણે પુનશિલોક નામના જંગલને ફરી હર્યુંભર્યું કરવાનું બીડું ઉઠાવ્યું છે. પુનશિલોક શબ્દનો અર્થ ‘જીવનની વસંત’ એવો થાય છે. બાળપણમાં લોઈયા હંમેશાં મણિપુરના સેનાપતિ ડિસ્ટ્રિક્ટમાં આવેલા કૌબ્રુ શિખરની મુલાકાત લેતા હતા. પણ ૨૦૦૦માં જ્યારે કોલેજ પૂરી કરીને લોઈયા પાછા આવ્યા અને તેમણે જે દૃશ્ય જોયું તે જોઈને તેમને પોતાની આંખો પર વિશ્ર્વાસ જ નહીં થયો. તેમણે જોયું કે બાળપણમાં તેમણે જોયેલી હરિયાળીનું નામોનિશાન નહોતું એ કૌબ્રુ શિખર પર. દુ:ખી થયેલાં લોઈયાએ પરિસ્થિતિ બદલવાનું નક્કી કર્યું અને ચાલી નીકળ્યા પોતાની અવિરત ચાલનારી આ સફર પર.

૨૦૦૨થી લોઈયાએ પોતે વિચારેલું જંગલ ઉગાડવા માટે જગ્યા શોધવાનું શરૂ કર્યું અને આ કામમાં સ્થાનિકોએ તેને ખૂબ જ મદદ કરી અને તેમને મારુ લાંગોલ હિલ્સ વિશે જણાવ્યું. લોઈયાએ આ જગ્યાની મુલાકાત લીધી અને તેમને પણ લાગ્યું કે હા, તેમણે જે સપનું જોયું છે એના માટે આ એકદમ પરફેક્ટ જગ્યા છે. આ જગ્યા પર એક પણ ઝાડ નહોતું, કારણ કે આસપાસના લોકોએ ચોખાની ખેતી માટે બધી હરિયાળીને બાળી નાખી હતી.

ચાલો, હવે જગ્યા પણ મળી ગઈ પોતાના સપનાને સાકાર કરવા માટે એટલે આપણા લોઈયા સાહેબ તો બેગ પેક કરીને, મેડિકલ રિપ્રેન્ઝિટિટીવની જોબ છોડીને નીકળી પડ્યા થોડાં કપડાં અને ખાવાની વસ્તુઓ લઈને પુનશિલોક. અહીં તેમણે સૌથી પહેલાં તો આવીને પોતાના માટે એક નાનકડી ઝૂંપડી બનાવી અને તેમાં જ રહેવાનું શરૂ કર્યું. છ વર્ષ સુધી આ નાનકડી ઝૂંપડીમાં રહ્યા લોઈયા અને એ દરમિયાન તેમણે બામ્બુ, ઓક, ફિકસ, મેગ્નોલિયન, સાગ અને ફણસના ઝાડ વાવ્યા. જોકે, તમે ધારો છો એટલું સહેલું નહોતું આ. શરૂઆતમાં તો લોઈયાએ માત્ર ત્રણ જ પ્રકારના બીજ ખરીદ્યા હતા. કેટલાક મિત્રો અને સંબંધીઓની મદદથી તેમણે પહેલાં તો પર્વત પરના ઝાડી ઝાંખરા સાફ કરાવ્યાં અને ત્યાર બાદ બીજ રોપવાનું શરૂ કર્યું. અહીં વૃક્ષો ઝડપથી ઉગવા લાગ્યાં કારણે કે અહીંનું વાતાવરણ અને જમીન આ માટે એકદમ માફક હતી.

લોઈયા તો જંગલ ખાતાની જમીન પર પોતાના સપનાનું જંગલ ઉગાડી રહ્યા હતા એટલે જંગલ ખાતાએ તેમની સામે કોઈ કાર્યવાહી કરી ન તો તેની સામે વાંધો પણ ઉઠાવ્યો. આવું કેમ એ વિશે વાત કરતાં વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘જંગલની અંદર કરવામાં આવેલું કોઈ પણ બાંધકામ આમ તો ગેરકાયદે જ ગણાય. પણ લોઈયા અમારું જ કામ કરી રહ્યા હતા, પર્યાવરણને બચાવી રહ્યા હતા એટલે તેમની સામે વાંધો લેવાનો તો કોઈ જ સવાલ જ નથી ઊભો થતો. એટલું જ નહીં પણ તેમના આ કામને ગેરકાયદે પણ ના ગણી શકાય.’ આનાથી વિપરીત વન વિભાગે જંગલમાં સ્થાનિકો દ્વારા બનાવવામાં આવેલાં મકાનો તોડી પાડ્યા. ભારતીય બંધારણના આર્ટિકલ ૫૧- એ (જી) હેઠળ પર્યાવરણ કે જેમાં નદી, જંગલ, તળાવો અને વન્યજીવોનો સમાવેશ થાય છે તેની રક્ષા કરવાની દરેક ભારતીય નાગરિકની ફરજ છે. આજે ૨૦૧૯માં પુનશિલોકમાં જંગલ વિસ્તાર ૩૦૦ એકરનો થઈ ગયો છે.

માત્ર જંગલ વિસ્તાર જ વધ્યો છે એવું નથી પણ આ જંગલમાં જીવ સૃષ્ટિની સાથે સાથે જ વનસ્પતિઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. જેમાં ઔષધી વનસ્પતિનો સમાવેશ પણ થાય છે. ૨૫૦થી વધુ પ્રજાતિના વૃક્ષ, ૨૫થી વધુ પ્રજાતિના બામ્બુ તમને આ જંગલમાં જોવા મળશે. હરિયાળી વધવાને કારણે જ અહીં સાપ, પક્ષીઓ અને બાર્કિંગ ડિયર, મંગુસ, દીપડો, હરણ સહિતનાં જંગલી પ્રાણીઓને પોતાનું હકનું ઘર મળ્યું છે.

એટલું જ નહીં પણ સ્થાનિકો ખુદ પણ આ પરિવર્તનને અનુભવી રહ્યા છે અને તેનો આનંદ ઉઠાવી રહ્યા છે. એટલું જ નહીં પણ જંગલને કારણે વાતાવરણમાં આવેલું પરિવર્તન પણ આંખે ઊડીને વળગી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં અહીંના ઉષ્ણતામાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને એ સિવાય પણ સતત પક્ષીઓનો કલરવ કાન પર પડી રહ્યો છે. જંગલ તો ઊભું કરી દીધું પણ લોઈયા અને વનવિભાગના અધિકારીઓ હવે જંગલમાં ગેરકાયદેસર કાપવામાં આવતાં વૃક્ષો અને શિકારને રોકવા માટે કામ કરી રહ્યા છે.

‘જ્યારથી લોકોના ધ્યાનમાં આ જગ્યા આવી છે, ત્યારથી અહીં આવનારા લોકોની સંખ્યા વધી ગઈ છે, જેમાં સ્થાનિક અને ભારતીય પર્યટકો ઉપરાંત વિદેશી પર્યટકોનો સમાવેશ પણ થાય છે. તેમનો અહીં આવવાનું મુખ્ય કારણ જંગલની સુંદરતા નિહાળવાનો અને તેને માણવાનો જ હોય છે.’ એવું કહે છેે લોઈયા. પુનશિલોક એ લોઈયા માટે એક લાઈફ લોન્ગ મિશન જ છે, પણ એની સાથે સાથે પાપી પેટ કા ભી તો સવાલ હૈ ના? બસ એ માટે જ લોઈયા તેમના ભાઈના જ દુકાનમાં ફાર્માસિસ્ટ તરીકે કામ કરે છે અને ઓર્ગેનિક ખેતી પણ કરે છે. પણ આજે પણ તેમના જીવનનો એક જ હેતુ છે કે જેમ બને એમ વધુમાં વધુ વૃક્ષો વાવવા.

વાતના અંતિમ દોરમાં લોઈયા કહે છે કે ‘હું મારી જાતને એક પેઈન્ટર તરીકે જ માનું છું. બાકીના કલાકારો બ્રશ અને કેન્વાસ પર પેઈન્ટિંગ કરે છે જ્યારે મારું કેન્વાસ એ પર્વતો છે અને તેના પર ઉગેલા ઝાડ અને ફૂલો એ જ મારી પેઈન્ટિંગ છે.’ ખરેખર જો દરેક જ લોઈયાની જેમ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગરૂક થઈ જાય તો ચપટીમાં જ આ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા ઉકેલાઈ જશે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

53006lE
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com