31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાળ વાસ્તવિકતાને યાદગીરીમાં ફેરવે છે

બ્રહ્માંડ દર્શન-ડો. જે. જે. રાવલ



બ્રહ્માંડ શબ્દજ બ્રહ્મ ઉપરથી આવ્યો છે. બ્રહ્માંડ એટલે બ્રહ્મનું ઈંડું, હિરણ્યગર્ભ. બ્રહ્માંડ એટલે જ્યાં બ્રહ્મ પથરાયેલું છે, જે બ્રહ્મનો વિસ્તાર છે. બ્રહ્મ એટલે ચેતના, ઊર્જા. બ્રહ્માંડ એટલે ચેતનાનો ગોળો. ઊર્જાનો ગોળો, ચેતના, ઊર્જા, અંતરીક્ષ, સમય, પદાર્થ, પરિમાણ બધા એકના એક છે. બ્રહ્મ - ઊર્જા - ચેતના નિરંજન નિરાકાર છે અને બધાં જ રૂપો ધરવા શક્તિમાન છે. આ બ્રહ્માંડમાં જે બધી વસ્તુઓ છે, દરેકેદરેક પદાર્થ, ચેતના-ઊર્જા-બ્રહ્માંડનાં જ રૂપો છે. બ્રહ્માંડ - અંતરીક્ષ જ ચેતના-ઊર્જા અને બ્રહ્મનું સ્વરૂપ છે. સૂક્ષ્મ બ્રહ્માંડનું તળિયું આપણે જાણતા નથી અને વિસ્તૃત બ્રહ્માંડની લિમિટ પણ આપણે જાણતા નથી. તે ચેતના છે. લાર્જ હેડ્રોન કોલાઈડરનો ૧૦૦૦ અબજ રૂપિયાનો જે જીનિવામાં પ્રયોગ ચાલે છે, તેમાં વિજ્ઞાનીઓને છેવટે ચેતના - ગોડ પાર્ટિકલ મળી આવી છે. જો બ્રહ્માંડના દરેક પદાર્થ ઈલેકટ્રોન, પ્રોટોન્સ, ન્યુટ્રોન, ન્યુટ્રિનો, ક્વાર્ક્સ, ગ્લુઓન વગેરે પદાર્થકણોને ઉત્પન્ન કરે છે, જેને આ બ્રહ્માંડનો દરેક પદાર્થ બનાવ્યો છે. વેદોમાં અદ્વૈતવાદની વાત કરી છે જેને આદ્ય જગદ્ગુરુ શંકરાચાર્યે પ્રસરાવ્યો હતો. આ બ્રહ્માંડ છેવટે અદ્વૈત છે. તેમાં પછી દ્વૈત ઉત્પન્ન થાય છે જે બ્રહ્માંડને, બ્રહ્માંડની બધી વસ્તુઓને ઉત્પન્ન કરે છે. પ્રાચીન ભારતીય મનીષીઓએ બ્રહ્માંડને પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એમ પંચમહાભૂતોનું બનેલું કહ્યું છે જે હકીકતમાં છેવટે અંતરીક્ષનાં જ રૂપો છે, અંતરીક્ષમાંથી જ આવિર્ભાવ પામેલાં છે.

અંતરીક્ષમાં દિશાઓ કે સમય જેવું કાંઈ જ નથી. આ તો સ્થાનિક વિચારો છે. અલગ અલગ જગ્યાએ તે અલગ અલગ રૂપ ધારણ કરે છે અને સમય તો બહુ ઉચ્ચ વિચાર છે જે અંતરીક્ષ છે, ઊર્જા છે, સ્પેસ એન્ડ ટાઈમ, છેવટે પરિમાણ છે જે અંતે બ્રહ્મન છે. એક આશ્ર્ચર્યની વાત એ છે કે જેને આપણે અભણ કહીએ છીએ તે નરસિંહ મહેતા બ્રહ્માંડનું ગૂઢ રહસ્ય જાણતા હતા અને કહી છે કે ઘાટ ઘડિયા પછી, નામ-રૂપ ઝૂઝવાં અંતે તો હેમનું હેમ હોયે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ઝૂઝવે રૂપે અનંત ભાસે. સમય માટે ભર્તૃહરિએ ઘણી ઊંચી વાત કરી છે. ભર્તૃહરિ કહે છે કે સર્વંયસ્ય વસાદગાત સ્મૃતિપદં કાલાયતસ્મૈ નમ: અર્થાત્ હું એ કાળને નમન કરું છું જે વાસ્તવિક્તાને યાદગીરીમાં ફેરવતો જાય છે. એક કાળે મહાવીર, બુદ્ધ, ચાણક્ય, આર્યભટ, શંકરાચાર્ય, ન્યુટન, ગાંધીજી, આઈન્સ્ટાઈન વગેરે હતા. હાલમાં તે આપણી યાદગીરીમાં છે. આજે આપણે હયાત છીએ, વાસ્તવિક્તામાં છીએ, પણ પાંચ, પચ્ચીસ, પચાસ વર્ષ પછી આપણી પેઢી માટે યાદગીરીમાં ફેરવાઈ જશું. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે અહં કાલોસ્મિ અર્થાત્ હું કાળ છું. કાળ જ અંતરીક્ષ છે, ઊર્જા છે, બ્રહ્મન છે. કાળમાં બધું જ સમાય છે, અંતરીક્ષ-પરિમાણમાં બધું જ સમાય છે.

આપણા પ્રાચીન ભારતીય મનીષીઓનું કહેવું છે કે સુખ-દુ:ખ, તડકો-છાંયો, ઠંડી-ગરમી વગેરે મનની સ્થિતિ છે, સાપેક્ષ છે, સુખ-દુ:ખ જેવું કાંઈ છે જ નહીં. એક માટે સુખ હોય તે બીજા માટે દુ:ખ પણ હોઈ શકે છે અને એક માટે દુ:ખ હોય તે બીજા માટે સુખ પણ હોઈ શકે છે. પૂર્ણિમાની રાત પ્રેમીયુગલ માટે આનંદ અને ઉલ્લાસની રાત હોઈ શકે, જ્યારે જેના કુટુંબમાં મૃત્યુ થઈ ગયું હોય તેના માટે તે ગમગીનીની રાત હોઈ શકે છે. રાત તો એક જ છે, પણ અલગ અલગ માનવી માટે તે અલગ અલગ રૂપ લઈને આવે છે. હિમાચલ પ્રદેશના છેવાડે ખીણમાં એક નાની ઝૂંપડીમાં રહેતી એક ગરીબ વૃદ્ધ માતાના બ્રહ્માંડની કલ્પના કરો. ગુજરાતની કોઈ આઈએએસ મહિલા સેક્રેટરીના બ્રહ્માંડથી તદ્દન અલગ જ હોય છે. દરેકે દરેક માનવીનું પોતાનું બ્રહ્માંડ અલગ જ હોય છે. એક યુવતી કોઈ યુવાનને પરણે ત્યારે યુવતીનું બ્રહ્માંડ અને તે યુવાનનું બ્રહ્માંડ તે બંનેના સંબંધીઓ સાથે મળે છે. તે જામે તો જામે નહીં તો પ્રોબ્લેમ થાય. આપણા મૃત્યુ પછી આ બ્રહ્માંડને આપણા માટે કોઈ અર્થ નથી.

આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ કહે છે કે વસ્તુ જો ગતિમાં હોય ત્યારે વસ્તુની લંબાઈ ઘટે છે અને તેથી વસ્તુનો આકાર બદલાય છે. ગતિમાં રહેલી ઘડિયાળ ધીમી ચાલે છે અને જો વસ્તુ પ્રકાશની ગતિ પકડે તો સમય સ્થગિત થઈ જાય છે. વસ્તુ ગતિમાં આવે તો તેનો પદાર્થ વધે છે, જ્યારે તે પ્રકાશની ગતિ પકડે ત્યારે તેનો પદાર્થ અસીમિત થઈ જાય છે. અસીમિત એટલે શું? તેની વ્યાખ્યા થઈ શકતી નથી. હવે તો સાપેક્ષવાદ કહે છે કે પદાર્થ જગ્યા બદલે તો પણ તેનો પદાર્થ વધે ઘટે છે. ગતિ કરતા લાલ તારા હકીકતમાં લાલ હોતા નથી, તેનું લાલ દેખાવું એ એક માયા છે, દૃષ્ટિભેદ છે.

હકીકતમાં બ્રહ્માંડ જેવું કાંઈ છે જ નહીં. તમે બ્રહ્માંડને કયા પ્લેટફોર્મ પરથી જુઓ છો તેના પર બ્રહ્માંડના દેખાવાનો આધાર છે. નર્મદા, ગંગા, સિન્ધુ વગેરે નદીઓ કેટલી વિશાળ છે. તમે તેમને વિમાનમાંથી જુઓ તો તે માત્ર પાતળી દોરી જેવી દેખાય. આકાશગંગામાં અબજો તારા છે, તે એકબીજાથી અબજો કિલોમીટર દૂર છે, પણ આપણને આકાશગંગા દૂધિયા પટ્ટા જેવી દેખાય છે. હિમાલય, આલ્પ્સ જેવા પહાડો ઊંચા છે. હજારો ફૂટ ઊંચા છે, પણ વિમાનમાંથી તે નાની ઢગલી જેવા દેખાય છે.

મંગળનો પહાડ ઑલિમ્પસ મોન્સ હિમાલય કરતાં ત્રણ ગણો ઊંચો છે, પણ દૂરથી તે નાની ઢગલી જેવો દેખાય છે. ચંદ્ર, ગુરુ, શનિ જેવા આકાશીપિંડો કેટલા મોટા છે, પણ તે નાના નાના દેખાય છે. યુરેનસ, નેપ્ચ્યૂન અને પ્લુટો તો આપણને નરી આંખે દેખાતા જ નથી. બ્રહ્માંડમાં દૂર દૂર શું છે તેની આપણને ખબર નથી. તો બ્રહ્માંડનું ચિત્ર આપણે કેવી રીતે મેળવવું?

આપણા માટે માથાનો વાળ પાતળો છે, પણ બેકટેરિયને તે વિશાળ નળાકારરૂપી બુગદા જેવો લાગે. આપણા માટે એક મિલિમીટર નગણ્ય છે, પણ ન્યુકલીઅર ડાયમેન્શનની વાત કરીએ તો તે એક અબજ ગણું મોટું છે, તો આ નાનું અને મોટુંનો કોઈ અર્થ નથી. બધું જ સાપેક્ષ છે, કોઈ ન તો નાનું, ન તો મોટું. સોક્રેટિસે કહ્યું છે કે નાનાને જોઈને અભિમાન કરવું નહીં અને મોટાને જોઈને ગરીબડું થવું નહીં. આ બ્રહ્માંડનો સંદેશ છે. અહીં ન તો કોઈ નાનું છે, ન તો કોઈ મોટું છે. નાનું છે તેય મોટું છે અને મોટું છે તેય નાનું છે. આપણને નદીનો પાણીનો પ્રવાહ સળંગ લાગે છે. હકીકતમાં તે પાણીના નાના નાના કણો, રેણુઓ, અણુઓનો બનેલો છે. ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી જોઈએ તો જ એનો ખ્યાલ આવે. પીક અવર્સમાં ચર્ચગેટમાંથી નીકળતો માનવીઓનો પ્રવાહ વિમાનમાંથી જોતાં બિલકુલ નદીના પાણીના પ્રવાહ જેવો લાગે પણ માનવીઓના ્રઆ પ્રવાહમાં માનવી અલગ અલગ હોય છે. આપણું શરીર કે લાકડાનું કે લોખંડનું ટેબલ ટોય આપણને સઘન લાગે પણ તે હાઈ પાવર (શક્તિશાળી) ઈલેકટ્રોન માઈક્રોસ્કોપમાં જોઈએ તો તે જાળી જેવું લાગે. આપણી પૃથ્વી પણ અણુઓનો બનેલો ગોળો જ છે. છેવટે બધામાં અંતરીક્ષ છે, ચેતના છે. વૃક્ષના પાન કેવા સઘન લાગે છે, તે પણ કાણાથી બનેલા જાળી જેવા જ છે. મહાસાગર કેવડો વિશાળ અને સઘન દેખાય પણ તે પણ પાણીના રેણુઓ-અણુઓનો સમૂહ જ છે. અંતરીક્ષ કેવું સરળ લાગે છે તે પણ અંતરીક્ષકણોનું બનેલું છે જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ પ્લાંકલેન્થ છે જેને આપણે જોઈ શકતા નથી. તે લંબાઈનો અંતિમ છે, આપણે સમયનો પ્રારંભ કે અંતરીક્ષનો પ્રારંભ જોઈ શકીએ નહીં. તે પ્લાંકટાઈમ અને પ્લાંકલેન્થ પ્રકાશનું કિરણ કેટલું સઘન લાગે પણ તે પણ ફોટોનના કણોનું બનેલું છે. આમ લાગે છે કે છેવટે બધું ક્વોન્ટમનું બનેલું છે. માટે જ ક્વોન્ટમ ફિઝિક્સ મહત્ત્વ ધરાવે છે. બ્રહ્માંડની છેવટની ક્વોન્ટમ ઈંટ ચેતના જ છે. પ્રાચીન ભારતીય મનીષીઓએ બહુ સુંદર વાત કરી છે. તેમણે કહ્યું છે કે બધું જ અંતરીક્ષ (ચેતના)માંથી ઉત્પન્ન થાય છે અને અંતરીક્ષમાં સમાય છે. અંતરીક્ષ જ બધી વસ્તુઓનું ઉદ્ગમ સ્થાન છે અને અંતિમસ્થાન છે. તે જ બ્રહ્મન તેમ તેમણે કહ્યું છે. બ્રહ્માંડનું આ ગહન રહસ્ય છે જે તેમણે પ્રકાશમાં આણ્યું છે. બ્રહ્માંડમાં જન્મ-મૃત્યુનો કોઈ અર્થ જ નથી, તે સતત આવતી કુદરતી પ્રક્રિયા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

66ja42I1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com