31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચમ્બાના ચમીનોમાં એક લટાર...

પ્રાસંગિક-મેધા રાજ્યગુરુઆપણે એવું તો ઘણી વખત સાંભળ્યું છે કે ગામવાસી નોકરી અને રોજગારીની શોધમાં ઘર-પરિવારથી દૂર શહેરમાં આવતા હોય છે. આ સમસ્યાથી આપણે બધા જ પરિચિત છીએ, પણ ક્યારેય આ સમસ્યાને ઉકેલવા માટે કોઈએ પ્રયાસ કર્યો ખરો? આ સવાલનો જવાબ નામાં જ હશે, એટલે પોતાની જાતને આ સવાલ પૂછવાનો કોઈ જ અર્થ નથી. પણ બે યુવાનો આ સમસ્યાને ઉકેલવા માટે પોતાની જુવાનીના અમૂલ્ય વર્ષો વેડફી (ખર્ચી) રહ્યા છે. આ બે યુવાનોના નામ છે મનુ શર્મા અને કુમાર અનુભવ. લોકો ગામડાને જોવા આવે, તેઓ ત્યાં રોકાય તો ગામવાસીઓને ઘરબેઠા જ આવક થાય અને તેમણે આવકની શોધમાં ક્યાંય દૂર ના જવું પડે. આટલો સીધો અને સરળ ઉપાય છે મોટી દેખાતી આ સમસ્યાનો. અત્યાર સુધી તમે કોઈએ હિમાચલ પ્રદેશના ચમ્બા જિલ્લાના ચમિનો વિશે સાંભળ્યું હતું? નહીં ને? પણ આ ગામવાસીઓએ પોતાના ગામની ખાસિયતો અને વિશેષતાઓને જ વધુ શાર્પ કરીને ટૂરિઝમનું એક માધ્યમ બનાવી લીધું છે. હવે તમને જણાવીએ આ ગામ વિશે. હિમાચલ પ્રદેશના ચમ્બા જિલ્લામાં આવેલું ચમિનો ગામ આમ તો બરૌર પંચાયતમાં આવેલું છે. આશરે ૩૦૦થી ૪૦૦ની વસતીવાળા આ ગામમાં ચમ્બા સ્ટાઈલમાં બનેલા ૨૦૦ વર્ષથી વધુ જૂનાં ઘરો આવેલાં છે. આટલાં જૂનાં હોવા છતાંય આ મકાનોમાં કોઈ પણ પ્રકારનું રિનોવેશન કે ફેરફાર નથી કરવામાં આવ્યા અને તેમની સુંદરતા જેમની તેમ જાળવી રાખવામાં આવી છે. આ ઘરને જ આધાર બનાવીને ચમિનો ગામમાં પર્યટન વિકસાવવામાં આવ્યું છે. ઘરને જ ટૂરીઝમમાં પરિવર્તિત કરી દીધાં છે. મજાની વાત તો એ છે કે લોકો આ ઘર જોવા માટે દૂર દૂરથી હવે જેનું નક્શા પર અસ્તિત્વ પણ નથી એવા ચમિનો ગામની મુલાકાત લેવા આવે છે. આને કારણે બે કામ થયા. એક તો હિમાચલની ગણી-ગાંઠી જગ્યાઓને બદલે કંઈક નવું જોયાનો આનંદ થયો પર્યટકોને અને બીજો ફાયદો એટલે કે ચમિનો ગામના રહેવાસીઓને ગામમાં જ ઘરેબેઠા રોજગારી પણ મળી રહી.

આ ઉપરાંત બીજું એક મહત્ત્વનું કામ કર્યું અનુભવ અને મનુએ. આ મહત્ત્વનું કામ એટલે તેમણે અહીં હિમાચલ પ્રદેશમાં જ જોવા મળતી ઘરાટ એટલે કે વોટર મિલ્સને બચાવવાનું. સતત પાણીમાં થઈ રહેલા ઘટાડાને કારણે આ વોટર મિલ્સની સંખ્યા અડધા કરતા પણ ઓછી થઈ ગઈ છે. હવે આ વોટર મિલ્સને બચાવવા માટે તેમણે તેની આસપાસ જ રહેવા માટેની વ્યવસ્થા કરી અને વોટર મિલ્સ પર જ બનાવવામાં આવેલા ઘરને નામ આપ્યું એચટુઓ હાઉસ.

ચમિનો ગામમાં આવેલા એચટુઓ હાઉસની વાત કરતાં ત્યાંના જ એક સ્થાનિક રહેવાસીએ વાત કરતાં જણાવ્યું હતું કે ‘આ વોટર મિલ્સ એ અમારા પૂર્વજોની નિશાની છે. બીજા શબ્દોમાં કહીએ તો આ તેમણે અમને આપેલો વારસો જ છે. અહીં વર્ષો જૂની ઘરાટ આવેલી છે. એક સમય હતો કે જ્યારે હિમાચલ પ્રદેશમાં ચાર-પાંચ લાખ ઘરાટ હતી, જ્યારે વર્તમાન સમયમાં તેની સંખ્યા ઘટીને અડધા કરતી પણ ઓછી થઈ રહી છે. જો અત્યારે જ તેમને બચાવવાના પ્રયાસ નહીં કરવામાં આવે તો એક સમય એવો આવી જશે આવનારી પેઢીને વોટર મિલ્સ એ માત્ર ફોટામાં જ જોવા મળશે. રહી વાત આવા ઘરને એચટુઓ હાઉસ નામ આપવાની તો, પાણી આ ઘરની નીચેથી પસાર થાય છે અને ચારેય દિશામાં ફેલાય છે. નીચેથી વહેતાં ખળખળ પાણીની વચ્ચે જ રહેવાનો અનુભવ એ નૈસર્ગિક આનંદની સાથે સાથે જ શાંતિનો અનુભવ પણ કરાવે છે.’ પહેલાં માત્ર મનુ અને અનુભવ જ આ દિશામાં કામ કરતા હતા, પણ હવે ધીરે ધીરે ગામના યુવાનો પણ તેમાં સહભાગી થઈ રહ્યા છે અને ગામનો અને ઘરનો ઉદ્ધાર થાય એ માટે રસ દેખાડીને આગળ આવી રહ્યા છે. હવે તેઓ પણ સોશિયલ મીડિયા અને અલગ અલગ માધ્યમોથી લોકોને તેમા ગામની ખાસિયતો અને ખૂબી વિશે કોઈ પણ પ્રકારના છોછ વિના ગર્વથી જણાવે છે. બે યુવકોની પહેલને કારણે આજે હિમાચલ પ્રદેશના કંઈ કેટલાય ગામડાઓના યુવાનો અને અનેક પરિવારોને રોજગારની તક ઊભી થઈ છે અને હજી તો આ શરૂઆત છે, આગળ જતાં ભવિષ્યમાં કદાચ આના વધારે સારા પરિણામો જોવા મળી શકે. ચમિનો ઉપરાંત હિમાચલ પ્રદેશમાં જ આવેલા ખજિયારની નજીક આવેલું ભલોલી નામનું ગામ. ખજિયારથી પણ આ ભલોલી જવા માટે એકાદ કલાક સુધી પગે ચાલીને જવું પડે છે. હવે તમે જ વિચારી લો કે જે ગામ સુધી ગાડી પણ ના જઈ શકતી હોય એ ગામમાં રોજગારની તક વિશેની કલ્પના પણ કઈ રીતે કરી શકાય? આ ગામના મોટાભાગના યુવાનો અને પુરુષો કામ-ધંધા માટે ગામની બહાર જ રહેતા હતા. આમ તો આ ગામથી બહાર પણ આ યુવાનો કોઈને કોઈ પ્રકારે ટૂરિઝમના બિઝનેસથી જ જોડાયેલા હતા, પણ બીજા ગામમાં. પોતાના ગામમાં રોજગારના નામે શૂન્ય સિવાય બીજું કશું જ નહીં, પણ મનુ અને અનુભવે આ ગામમાં જઈને પણ ગામના યુવાનોને ભેગા કર્યા અને તેમની અંદર રહેલી કળાને પારખીને તેને અનુરૂપ કામની વ્યવસ્થા કરાવી આપી. એક સમયે જે યુવાનો કામ-ધંધા માટે ઘરની બહાર રહેતા હતા અને નોકરી કરતા હતા, એ યુવાનો આજે પોતાના ઘરમાં માલિકની જેમ કામ કરીને ખુશીથી રહે છે. એટલું જ નહીં પણ આને કારણે તેમના ગામમાં પણ ટૂરીઝમમાં પણ યોગદાન આપી રહ્યા છે અને ઓફબીટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં ભલોલી ગામનું નામ પણ ઉમેરાઈ ગયું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k720NmH
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com