31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વાહ ભાઈ વાહ!-એમ. એસ. ટીમ

વાહ ભાઈ વાહ!-એમ. એસ. ટીમજબ પ્યાર કરે કોઇ, તો દેખે કેવલ મન

તમે જો રાજ કપૂર અને સાયરાબાનોની ફિલ્મ ‘દીવાના’ જોઈ હશે તો એમાં નાયક અને નાયિકા બાપ-દીકરી જેવા લાગે છે એવી તમારી પ્રતિક્રિયા હોઈ શકે છે. સાદી ભાષામાં કહીએ તો પડદા પર એ કજોડું લાગતું હતું. જોકે, દિલના મામલામાં દિલ જ જોવાતું હોય છે, ચહેરા પરની કરચલીઓ કે માથા પરના ધોળા વાળને કે એવી બધી બાબતોને નજરઅંદાઝ કરવામાં આવતી હોય છે. જો તમે ઇન્ડોનેશિયાની આ લવસ્ટોરી વાંચશો તો છક થઇ જશો અને ગાઈ ઊઠશો કે ‘ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કે હો બંધન, જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન.’ આ અનોખી અને અમુક અંશે વિચિત્ર લાગે એવી પ્રેમકથામાં ૨૭ વર્ષની યુવતીએ ૮૩ વર્ષના દાદાજી સાથે લગ્ન કર્યાં છે અને ચોંકી જવાય એવી વાત એ છે કે બેઉ જણ આ સંબંધને પહેલી નજરના પ્રેમની ફળશ્રુતિ ગણાવે છે.

આ અજીબોગરીબ કથાના આગળના પ્રકરણ પણ રસપ્રદ છે. દાદાજીનો મોટો દીકરો એની નવી મમ્મી કરતાં મોટો એટલે કે ૫૧ વર્ષનો છે. યુવતીના પિતાશ્રી પણ જમાઈ કરતા ઉંમરમાં નાના છે.

વાત એમ છે કે ૨૭ વર્ષની આ યુવતી નોકરી મેળવવાના ઈરાદા સાથે ૮૩ વર્ષના વડીલ પાસે ગઈ હતી. જોકે, મળ્યા ત્યારે નોકરીની અરજી એક તરફ રહી ગઈ અને આંખો દ્વારા પ્રેમની અરજી થઇ ગઈ. પછી કોઈ ને કોઈ કારણસર બેઉ મળતા રહ્યા અને પ્રેમ પાંગરતો ગયો અને મામાલો ચોરીના ચાર ફેરા સુધી પહોંચીને જ રહ્યો. અલબત્ત બેઉના કેટલાક સંબંધીઓને આ રિલેશનશિપ સ્વીકારતા તકલીફ થઇ, પણ બેઉની એક્બીજા માટેની લાગણી જોઈને હવે બધું થાળે પડી રહ્યું છે.

---------------------

પ્રેમ પારાવાર

પ્રેમ આંધળો છે, લવ કે લિયે કુછ ભી કરેગા વગેરે વગેરે ઉપમાઓ આપણે વર્ષોથી વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. પ્રેમ મેળવવા કે પ્રેમી-પ્રિયતમાને પામવા અનહદ વટાવી જતા કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા છે. એમાં અનોખો ઉમેરો કરતો એક કિસ્સો ઑસ્ટ્રેલિયામાં બન્યો છે. વાંચીને તમે પણ છક થઈ જશો અને બોલી ઊઠશો કે અરે બાપરે.

વાત ઑસ્ટ્રેલિયાના ફ્રેન્કટાઉન શહેરની છે. અહીંની એક યુવતીએ પોતાના ઍક્સ-બૉયફ્રેન્ડ એટલે કે પુરાણા પ્રેમીને મળવા જે ધમપછાડા કર્યા છે અને જે કારનામા કર્યા છે એ જોઈને સ્થાનિક રહેવાસીઓ દંગ રહી ગયા છે. પોતાના ભૂતપૂર્વ પ્રેમીની એક ઝલક જોવા, એની સાથે બે ઘડી ગોઠડી કરવા માટે તેણે સંદેશાઓનો રીતસરનો ધોધ વહાવ્યો છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આ યુવતીએ યુવકને મળવાની વિનવણી કરતા મેસેજીસ શહેરની કેટલીક ભીંતો પર લખ્યા છે. એમાં તેણે જણાવ્યું છે કે ‘આપણું બાળક જગતમાં અવતરે એ પહેલા તારી સાથે એક વાર નિરાંતે વાત કરવી છે, બસ એક વાર. પછી તું ક્યારેય નહીં મળે તોય વાંધો નથી.’ આ વાંચીને લાગણીશીલ થઈ ગયેલા લોકોએ આ મેસેજ સોશ્યલ મીડિયા પર શેર કરતા એ વાઇરલ થઇ ગયો છે.વળી કેટલાકે તો જવાબ આપ્યો છે કે ‘ભાઈ ક્રિસ (ઍક્સ બોયફ્રેન્ડનું નામ), શહેરની બધી ભીંતો પર આ મેસેજીસ ફરી વળે એ પહેલા એક વાર તો મળી લે મારા ભાઈ.’

જોકે, યુવતીની આ આજીજીની અને લોકોની વિનવણીઓની ક્રિસ પર કોઈ અસર નથી થઇ અને ફરકવાની વાત તો જવા દો, ભાઇએ એક જવાબ સુધ્ધાં નથી આપ્યો. બીજી તરફ યુવતી પોતાના કારનામાને કારણે કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. સાર્વજનિક સંપત્તિને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા બદલ પોલીસે એની ધરપકડ કરી છે. અલબત્ત એને જામીન મળી ગયા છે અને હવે તેણે પોતાના ભૂતપૂર્વ પ્રેમી સાથેની એક તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી છે જે જોઈને લોકો ભાવુક થઈ ગયા છે. હવે લોકોને ઉત્સુકતા થઈ રહી છે કે આ ક્રિસ છે કોણ અને કેમ પોતાની પ્રેમિકાને મળવાનું ટાળે છે. વાત સ્પષ્ટ છે કે બ્રેકઅપ થયા પછી બાળક આવવાનું હોવાથી યુવતી ચિંતામાં છે.

----------------------

સપનાં સળિયા પાછળ

સપનાંનાં વાવેતર હોય, ખ્વાબ હો તુમ ય કોઈ હકીકત, દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ વગેરે વગેરે તમે જરૂર સાંભળ્યું હશે જો તમે સપનાં જોવાના શોખીન હશો. તમારું પણ એક અલાયદું સપનું હશે જેને સાકાર કરવા તમે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હશે અથવા કરી રહ્યા હશો. જોકે, અહીં આપણે એક એવા ભાઈની વાત કરવી છે જેમણે સપનું તો જોયું અને એને વળી કેદ પણ કરી લીધું, બોલો.

સપનાંની વિગતો પરથી માણસના સ્વભાવનો અમુક અંશે પરિચય મળે એવું મનાય છે. આ ૧૯ વર્ષના યુવાનના સપનાં વિષે જાણ્યા પછી તમારા મનમાં કેવા અનુમાન બંધાય છે એ જાણવું રસપ્રદ રહેશે. આ ભાઈએ પોતાના ખ્વાબોને તસવીરોમાં કેદ કરી લીધા છે. એના એક સપનામાં કાચબાને ઊંચે આકાશમાં ઊડતો દેખાડવામાં આવ્યો છે. કાચબો મુખ્યત્વે જળચર પ્રાણી છે અને જમીન પર પણ આંટાફેરા કરતો જોવા મળે છે, પણ એની હલનચલનની ગતિ અત્યંત ધીમી હોય છે. હવે આ સપનાનો અર્થ તમે એવો કાઢી શકો કે જમીન સરકતા કાચબાને ગગનમાં વિહરવાની અને દુનિયાની અલગ રીતે જોવાની તક મળે એવું આ યુવાનનું સપનું છે.

એક સપનાની તસવીરમાં ચંદ્ર ધરતી પર જોવા મળે છે. મતલબ કે ચંદ્ર પર પહોંચવાની કડાકૂટ ન કરવી પડે એટલે એણે જ અહીં ઉતરાણ કર્યું. આ સાથે ચંદ્રના રહસ્યો બહુ જલદી ઉકેલાઈ જશે અને વસવાટની સમસ્યાનું પણ નિરાકરણ આવી જશે એવી આ યુવાનની ગણતરી હોઈ શકે છે.

------------------

સ્માર્ટ બંગડી કરશે મહિલાઓની સુરક્ષા

અવારનવાર મહિલાઓ સાથે દુવર્યવહારની ઘટનાઓ પ્રકાશમાં આવતી જ હોય છે, કંઈ કેટલાય પ્રયાસો કરવા છતાં કેમેય કરીને આસમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી, પરંતુ હવે હૈદરાબાદના ૨૩ વર્ષીય હરીશે એવી સ્માર્ટ બંગડી બનાવી છે કે મહિલાઓ જો મુશ્કેલીમાં હશે તો તેના પરિવારને તેની જાણ થઈ જશે.

આ સ્માર્ટ બંગડી કઈ રીતે કામ કરશે, એ વિશે વાત કરતાં હરીશ કહે છે કે દેખાવમાં તો આ બંગડીઓ સામાન્ય જ છે. પણ મહિલાનો જ્યારે પણ લાગે કે તે મુસીબતમાં છે ત્યારે એક વિશેષ કોણમાં ફરાવશે એટલે તરત જ બંગડીમાં રહેલું ડિવાઈસ એક્ટિવ થઈ જશે અને મહિલાના પરિવારજનોને લોકેશનની સાથે મદદ માટેનો મેસેજ પણ મોકલાવશે. આ ઉપરાંત જો કોઈ મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કરશે તો તે વ્યક્તિને એક જોકદાર આંચકો પણ લાગશે. આજે બજારમાં મહિલાઓની સુરક્ષા માટેનાં અનેક ઉપકરણો હાજર છે, પણ એ બધામાં આ સ્માર્ટ બેંગલ્સ એકદમ અલગ છે.

આ બંગડી બનાવવાનો મુખ્ય હેતુ મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાનો છે અને બંગડી મહિલાઓને સંપૂર્ણપણે સુરક્ષિતતાનો અનુભવ કરાવે છે. હરીેશ અને તેના મિત્ર સાઈએ ભેગા મળીને આ ડિવાઈસ તૈયાર કર્યું છે. હરીશે પોતાના આ પ્રોડક્ટને સરકાર માન્યતા આપે અને મહિલાઓની સુરક્ષા માટે તેને પ્રોત્સાહન આપે એવી માગણી પણ કરી છે.

-------------------

લવ સ્પેશ્યલ ટ્રેન

જીવનસાથી માટે આજનો યંગસ્ટર્સ જાતે પ્રયત્નો કરતો થઈ ગયો છે. મા-બાપ ક્ધયા શોધે અને વરરાજા ઘોડે ચડી જાય એ દિવસો હવે નથી રહ્યા. મૈં ઔર મેરી ગર્લફ્રેન્ડનો જમાનો છે.

જો ગર્લફ્રેન્ડ ન મળતી હોય તો મંદિરના ચક્કર લગાવવામાં એને વાંધો નથી આવતો અને ત્યાંથી જો કામ ન પતે તો મેટ્રિમોનિયલ વેબસાઈટ તો હાથવગી છે જ. બેટર હાફને મામલે એકદમ ચોકસાઈ રાખવામાં એ લોકો માને છે.

આ બાબતે ચીનમાં એક અનોખો પ્રયોગ નજર સામે

આવ્યો છે.

મજેદાર વાત એ છે કે ચીનમાં કુંવારા લોકો માટે ખાસ ટ્રેનસેવાની શરૂઆત કરવામાં આવી છે. એને લવ સ્પેશ્યલ ટ્રેન નામ આપવામાં આવ્યું છે. ૧૦ ઑગસ્ટને દિવસે આ ખાસ સર્વિસ શરૂ કરવામાં આવી હતી અને પહેલે જ દિવસે હમસફરની શોધ માટે એમાં એક હજાર કુંવારા યુવક-યુવતીઓએ સફર કરી હતી.

લાઈફ પાર્ટનરની તલાશ માટેની આ લવટ્રેનની સફર બે દિવસ અને એક રાતની છે. નોંધવા જેવી વાત એ છે કે ચીનમાં કુંવારા યુવકોની સંખ્યા ખૂબ છે. ૧૯૭૦ના દશકમાં અપનાવાયેલી એક બાળકની નીતિને કારણે દેશમાં પુરુષ=સ્ત્રીના રેશિયોમાં ગજબની અસમાનતા આવી

ગઈ છે.

એને કારણે મનગમતા જીવનસાથીની શોધમાં મુશ્કેલી આવી રહી છે. છલ્લા આંકડા મુજબ આજની તારીખમાં ચીનમાં ૨૦ કરોડ લોકો કુંવારા છે. પહેલા વીસ દિવસમાં ઘણા ઘર વસી ગયા છે. પ્રયાસને પ્રારંભિક સફળતા મળતા સરકાર આ ટ્રેન અઠવાડિયામાં બે વાર દોડાવવા વિચારી રહી છે.

---------------------

બેક્ટેરિયા બેમિસાલ

બેક્ટેરિયાની ઘણી જાત માનવજીવનમાં પરેશાનીને નોતરું આપનારી સાબિત થઇ છે, પણ ઘણા જીવ તો માણસજાત માટે આશીર્વાદ સાબિત થયા હોવાના પણ દાખલા છે. અનેકવિધ ભૂમિકાઓ આ એકકોષી જીવ નિભાવી ચૂક્યો છે, નાયકથી માંડીને ખલનાયક સુધીની. નવા સંશોધન મુજબ આ સૂક્ષ્મ જીવ ધાતુને શુદ્ધ કરીને તેને નવા સ્વરૂપમાં ફેરવવાની આવડત ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. ક્યા અદા ક્યા જલવે તેરે બેક્ટેરિયા એવું ગીત હોવું જોઈએ. અહીં બેક્ટેરિયાની કમાલ વાંચશો તો તમે પણ સહમત થઈ જશો એટલું નક્કી.

પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઇ એ સમયથી બેક્ટેરિયાનું અસ્તિત્વ હોવાનું વિજ્ઞાન કહે છે. આ છે અતિ સૂક્ષ્મ જીવ, પણ મહાકાય પ્રાણી એના કરતબ સામે વામણાં લાગે એવી કમાલ કરવાની ક્ષમતા આ નાનો અમથો જીવ ધરાવે છે. પૃથ્વી પરના દરેક પ્રકારના વાતાવરણમાં આ એકકોષી જીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યો છે.

અમેરિકાથી પ્રસિદ્ધ થતા એક સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે ધાતુને કોતરી ખાતી બેક્ટેરિયાની એક જાત ટૉક્સિક મેટાલિક કમ્પાઉન્ડ (ધાતુના વિષારી સંયોજનો) આરોગીને હેમખેમ તો રહે જ છે, પણ આડ અસરરૂપે એ ધાતુમાંથી નાનકડો સોનાનો ગઠ્ઠો પણ તૈયાર કરે છે. ૨૦૦૯માં સૌપ્રથમ વૈજ્ઞાનિકોને આ અચરજની જાણકારી મળી હતી. જોકે, એ સમયે સંશોધકો કોઈ ચોક્કસ તારણ પર નહોતા પહોંચી શક્યા.

જોકે, હવે લગભગ દસકાના સંશોધન પછી બેક્ટેરિયા આ અનોખી કમાલ કઈ રીતે કરી શકે છે એ સમજવામાં તેઓ સફળ રહ્યા છે. આ અજબ ગજબ સંશોધન પછી હવે આ પ્રયોગ વિશાળ સ્વરૂપે સફળ સાબિત થાય છે કે કેમ એ દિશામાં વિચાર થઈ રહ્યો છે.

--------------------

વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ

કથીરમાંથી કંચન કરનારા કલાકારોથી ભરી પડી છે આખી દુનિયા. આજે આપણે વાત કરીશું કે કઈ રીતે રેલવેએ પોતાના નકામા પડી રહેલાં કોચ વેડફાઈને ભંગાર ના બની જાય એ માટેના પગલાં લીધાં એ વિશે. વાત દિલ્હીના ચાણક્યપુરીની છે. રેલવે ઑફિસરોએ ત્યાં પડી રહેલાં બે કોચ પડ્યા પડ્યા ભંગાર ના થઈ જાય એટલે એમાં જ ઓફિસ બનાવી દીધી. ૨૫ વર્ષ જૂના પડી રહેલાં કોચનો ઉપયોગ કરીને અધિકારીઓએ તેમાં જરૂરી ફેરફારો કરાવ્યા, સુંદર મજાનું ઈન્ટિરિયર કરાવી લીધું અને નેશનલ રેલવે મ્યુઝિયમની નવી ઑફિસ તરીકે તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે. મ્યુઝિયમનો મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અહીં બેસીને કામ કરે છે, એટલું જ નહીં પણ મ્યુઝિયમના ડિરેક્ટર પણ ખુદ આ જ ઑફિસમાં બેસીને કામ કરે છે. ડિરેક્ટર ઑફિસની સાથે સાથે જ આ કોચમાં વિઝિટર રૂમ પણ બનાવવામાં આવ્યો છે. મ્યુઝિયમના ડિરેક્ટર કહે છે કે પહેલાં જૂની ઑફિસમાં કેબિન નાની નાની હતી અને બધા અલગ અલગ બેસીને કામ કરતાં હતાં. પણ હવે આ નવી કોચ ઑફિસને કારણે કેબિનો મોટી મોટી થઈ ગઈ છે અને બધા સાથે બેસીને કામ કરે છે. કોચને જ ઑફિસમાં પરિવર્તિત કરવાનો મુખ્ય હેતુ કોચને ભંગાર થતાં અટકાવવાના હતા. આ આખો આઈડિયા રેલવે બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન અશ્ર્વિની લોહાનીનો હતો. રેલવેના બે કોચ છેલ્લાં ૨૫ વર્ષથી સર્વિસ બાદ એમને એમ પડી રહ્યા હતા. પણ હવે તેને ઑફિસમાં ક્ધવર્ટ કરાવી દેતાં ઑફિસને એક ડિફરન્ટ લૂક પણ મળી ગયો છે અને રેલવેને એકદમ ઓછી કિંમતે નવી ઑફિસ પણ મળી ગઈ છે.

---------------------

આત્મહત્યા કરવા ટુથબ્રશ ગળી ગયો

આત્મહત્યા કરનારાઓ આત્મહત્યા કરવાના અલગ અલગ કારણો અને પદ્ધતિઓ શોધી જ લેતા હોય છે, પણ આપણે આજે જે પદ્ધતિ વિશે વાત કરવાના છીએ એ પદ્ધતિ વિશે તો તમને સાંભળ્યું પણ નહીં હોય.

જી હા, ચીનમાં એક વ્યક્તિ આત્મહત્યા કરવા માટે ટુથબ્રશ ગળી ગયો અને વીસ વર્ષ બાદ આખરે ડૉક્ટરોએ તેના પેટમાંથી એ ટુથબ્રશ કાઢી લીધું હતું.

૫૧ વર્ષીય આ મહાનુભવનું નામ લી છે, એવું ડૉક્ટરોનું કહેવું છે. લીને જૂન મહિનામાં પેટમાં સખત દુ:ખાવો થયો અને તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો. ડૉકટરોએ લીનું સિટીસ્કેન કર્યું ત્યારે તેના પેટમાં વિચિત્ર વસ્તુ જોવા મળી.

જ્યારે ડૉક્ટરોએ લીને આ વસ્તુ શું હોઈ શકે એવું પૂછ્યું તો લીએ કહ્યું કે કદાચ આ ૨૦ વર્ષ પહેલાં તેણે ગળી લીધેલો ટુથબ્રશ હોઈ શકે.

એટલું જ નહીં લીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ ટુથબ્રથ ગળીને તેણે આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

વાત જાણે એમ હતી કે લીને એચઆઈવી થઈ ગયો હતો અને તાણમાં આવીને તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હવે થયું એવું કે આ ટુથબ્રશને કારણે લીનું મૃત્યુ તો નહીં થયું, પણ એથી ઉલટું જાણે એ ટુથબ્રશ તેના પેટમાં સેટલ થઈ ગયો એમ ૨૦ વર્ષ પડી રહ્યો.

આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ જતાં લીએ પોતાની બીમારીની સારવાર કરાવવાનું શરૂ કર્યું. એકદમ નિરોગી થઈ જતાં લીએ લગ્ન કર્યા અને આજે તે બે બાળકોનો પિતા છે. ફેમિલીમાં લી એટલો વ્યસ્ત થઈ ગયો કે તે ટુથબ્રશને સાવ ભૂલી જ ગયો. ડૉક્ટરોએ ઓપરેશન કરીને લીના પેટમાં રહેલો ટુથબ્રશ કાઢી લીધું.

આખરે ૨૦ વર્ષ બાદ ટુથબ્રશે લીને પોતાની યાદ અપાવીને પોતાની મુક્તિ કરાવી લીધી

ખરી! ડૉક્ટરોએ આ વિશે જણાવ્યું હતું કે ઘણાં વર્ષો સુધી લીના પેટમાં ટુથબ્રશ પડી રહ્યું હશે

અને ધીરે ધીરે તે તેના નાના આંતરડા સુધી

પહોંચી ગયું. જો સમયસર લીને સારવાર ના મળી હોત તો આ બ્રશ તેના લિવર સુધી પહોંચી

ગયું હોત.

-------------------

મથરાવટી મેલી હોય ત્યારે

કેરળના ત્રિચુર સ્થિત કૅથલિક સિરિયન બૅન્ક હવેથી સીએસબી બૅન્ક તરીકે ઓળખાવા લાગી છે. બૅન્કમાંથી ઘટી રહેલા એનઆરઆઇ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બૅન્ક દ્વારા નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મૂળ મુદ્દે બૅન્ક સાથે જોડાયેલા સીરિયા નામને કારણે એનઆરઆઈ એકાઉન્ટ ઘટી રહ્યા હોવાનું બૅન્ક સત્તાધીશોએ જણાવ્યું હતું. યુદ્ધગ્રસ્ત સીરિયાની હાલતને કારણે વિશ્ર્વના કેટલાક મહત્ત્વના દેશોએ સીરિયા પર પ્રતિબંધ જાહેર કર્યો હોવાને કારણે એનઆરઆઈના નાણાં સીરિયા નામ સાથે જોડાયેલી બૅન્કમાં ટ્રાન્સફર કરવામાં તકલીફ પડી રહી છે. એ જ કારણ છે કે કૅથલિક સીરિયન બૅન્કના નામમાં રહેલ સીરિયન શબ્દને કારણે વિદેશી બૅન્કના કમ્પ્યુટર તેને આપોઆપ ફિલ્ટર કરી નાખે છે. બૅન્કના એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે સીરિયા શબ્દને કારણે આયાત-નિકાસના વ્યવસાયમાં સંકળાયેલા લોકોને પણ નાણાકીય હેરફેરમાં તકલીફ આવી રહી છે. બૅન્ક દ્વારા નામમાંથી સીરિયન શબ્દ હટાવી લેવામાં આવ્યો છે. નવું નામ ૧૦ જૂનથી અમલમાં આવ્યું છે. કૅથલિક સિરિયન બૅન્કના જૂના નામ સીએસબીથી જનતા વિશેષ પરિચિત છે. કૅથલિક શબ્દને કારણે પણ લોકો બૅન્કને કોઈ ખાસ સમુદાય સાથે સંકળાયેલી બૅન્ક માની રહ્યા છે. હકીકતમાં સીએસબી બૅન્ક અન્ય બૅન્ક જેવી છે અને તે દરેક ધર્મ-જાતિના લોકો માટે ઉપલબ્ધ છે અને તેને સીરિયા સાથે કોઈ સંબંધ નથી.

----------------------

સરકાર-સર્કસ-સલામતી

માનવ-માનવ વચ્ચેના પ્રેમ અને લાગણીના સંબંધોમાં ઓટ આવી રહી છે અને અનુકંપા ઘટતી રહી છે એ હકીકત છે, પણ બીજી તરફ મનુષ્યના પ્રાણી પ્રત્યેના વહાલમાં ઊભરો અને ઉછાળો આવી રહ્યો છે. આપણા આનંદ પ્રમોદ માટે પ્રાણી પર અત્યાચારી વર્તન ન કરવું જોઈએ એ સભાનતા કેળવાઈ રહી છે. આ સંદર્ભમાં તાજેતરમાં ડેનમાર્ક સરકારે લીધેલું પગલું સરાહનીય અને અનુકરણીય છે. સર્કસમાં સેવા આપતા દેશના છેલ્લા ચાર હાથીને ખરીદી લઇ એમને નિવૃત્ત કરવાની ડેનમાર્કની સરકારે ગયા અઠવાડિયે જાહેરાત કરી છે. વધુ ને વધુ દેશો સર્કસમાં પ્રાણીઓનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે એમાં હવે ડેનમાર્કનું નામ પણ ઉમેરાયું છે.

આજની તારીખમાં ડેનમાર્કના સર્કસમાં હાથી, ઝેબ્રા અને સી-લાયનના જ ખેલ કરાવવામાં આવે છે. જોકે, હવે સંસદમાં નવો ખરડો દાખલ કરવામાં આવશે જેના દ્વારા બધા જ પ્રાણીઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ચાર હાથીની ખરીદી માટે સરકાર એક કરોડ દસ લાખ ક્રોન (આશરે ૧૧ કરોડ રૂપિયા) ચૂકવશે. ત્યાર બાદ આ પ્રાણીઓને પ્રાણીસંગ્રહાલયમાં મોકલી દેવામાં આવશે જેમાં આ ગજરાજો તેમના અંતિમ દિવસો આનંદ-પ્રમોદથી વિતાવી શકશે. દુનિયાના ૪૦ દેશમાં પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન અર્થે કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

---------------------

રક્ષાબંધન અને બંગભંગ

એક કાચો સૂતરનો દોર ભાઈબહેનના પ્રેમનું પ્રતીક છે. ભારતમાં સદીઓથી રક્ષાબંધનની પરંપરા રહી છે. એક ખાસ દિવસ જે દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધી રક્ષાની મંગલકામના કરે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનું અણમોલ વચન આપે છે. આમ તો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર માનવ-માનવ વચ્ચેના પ્રેમ અને કાળજીનું પ્રતિક છે. આ તહેવારને પ્રતિષ્ઠિત કવિ રવિન્દ્રનાથ ટાગોરે બંગાળની એકતા અને અખંડિતા જાળવી રાખવા ઉમદા સ્વરૂપ આપ્યું હતું.

બંગભંગની ઘોષણાને દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો. ટાગોરે બંગાળની પ્રજાને રક્ષાબંધનની ઉજવણી માટે પ્રોત્સાહિત કરી. ટાગોરે પ્રજાને જણાવ્યું કે ધર્મ માનવતાનો આધાર ન હોઈ શકે. તેમણે હિન્દુ-મુસલમાન વચ્ચે ભાઈચારો સ્થાપવા રક્ષાબંધનની ઉજવણી શરૂ કરાવી. બંગભંગ સમયે રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો જ તહેવાર નથી રહેતો સાર્વજનિક તહેવારના રૂપે બહાર આવ્યો. બંગાળમાં ઠેરઠેર નાના-મોટા પાયે રાખીબંધનની ઉજવણીનો દોર શરૂ થયો જેણે હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોને વધુ આત્મીયતા આપી અને પ્રજાએ એક અવાજે બંગભંગનો વિરોધ કર્યો. ટાગોર પ્રજા વચ્ચે ભાઈચારો અને એકતા સ્થાપવામાં સફળ રહ્યા. કાચા સૂતરના દોરાને હથિયાર બનાવી ટાગોરે અંગ્રેજોની કૂટનીતિને પરાસ્ત કરી. બંગભંગ સમયે દેશભરમાંથી ઉઠેલા પ્રચંડ વિરોધની સામે આખરે અંગ્રેજ સરકારે નમતું જોખવું પડ્યું અને ૧૯૧૧માં બંગભંગ રદ જાહેર કરવામાં આવ્યું. ‘ટાગોર બાય ફાયરસાઇડ’ પુસ્તકમાં આ વાત જણાવાઇ છે. આમ રક્ષાબંધનના તહેવારને બિનસાંપ્રદાયિક સ્વરૂપ આપી ટાગોરે બંગભંગનો વિરોધ જણાવી વિવિધતા વચ્ચે એકતા જાળવી રાખવામાં ટાગોર સફળ રહ્યા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

fk468X7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com