6-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પોલીસની પાઠશાળા પહેલ

ફોક્સ-મૌસમી પટેલટ્રાફિક પોલીસની કરડાકી, તેમના રેઢિયાળ સ્વભાવનો અનુભવ તો આપણા બધામાંથી લગભગ મોટાભાગના લોકોને થયો જ હશે, પણ અમદાવાદની ઝૂંપડપટ્ટી અને ટ્રાફિક સિગ્નલ પર ફરતાં નાના-નાના ભૂલકાઓને આપણા બધાથી અલગ જ પરચો થઈ રહ્યો છે. તેમને ટ્રાફિક પોલીસની માણસાઈ, પરગજુ અને લોકો માટે કંઈ કરી છૂટવાની લાગણી પ્રદર્શિત કરતો અનુભવ થઈ રહ્યો છે.

‘અમે લોકો અહીં આવીએ છીએ અને દોઢેક વર્ષ થયું. હવે અમે હિંદી, ગુજરાતી, અંગ્રેજી ભાષા વાંચી શકીએ છીએ. સવારે અને સાંજે અમને અહીં જમવાનું પણ મળે છે. હમણાં થોડાક સમયમાં દીદી આવશે અને અમને બધાને ભણાવશે...’ શબ્દો છે અમદાવાદના પકવાન પોલીસ સ્ટેશનમાં ભણી રહેલાં નાના-નાના બાળકોના. આ ‘પોલીસ પાઠશાલા’માં આવનારા બાળકો મજૂર વર્ગના છે, તેમના માતા-પિતા મજૂરી કરવા જતા હતા, જ્યારે આ બાળકો સિગ્નલ પર આવતા જતાં વાહનચાલકો પાસેથી પૈસા માગતા હતા, કે પછી રમકડાં વેચતા હતા. તેમના માતા-પિતાને જાણ સુધ્ધાં નહોતી કે આખો દિવસ તેમના બાળકો ક્યાં સમય પસાર કરે છે, કે પછી શું કરે છે?

પણ છેલ્લાં દોઢેક વર્ષથી આખો સિનારિયો બદલાઈ ગયો છે. આ બાળકો હવે પોલીસ ચોકીમાં ભણવા આવે છે, જ્યાં તેમને બે ટાઈમ ભોજન આપવામાં આવે છે. ‘પોલીસ પાઠશાલા’ અમદાવાદ ટ્રાફિકિંગ પોલીસની એક સામાજિક પહેલ છે અને તે હેઠળ જ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે. સૌથી પહેલી વખત આ શરૂઆત અમદાવાદની પકવાન પોલીસ ચોકીથી થઈ હતી અને એ વખતે ચોકીની આંગણામાં જ આ બાળકો માટે બેન્ચ અને બ્લેક બોર્ડ લગાવવામાં આવ્યા હતા.

દરરોજ સવારે એક રિક્ષા ડ્રાઈવર આ બધા બાળકોને તેમના ઘરેથી પોલીસ સ્ટેશન સુધી લઈ અને આવે પછી શાળાનો સમય પૂરો થઈ ગયા બાદ ફરી તેમને ઘરે પણ મૂકી આવે છે. સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી ‘પોલીસ પાઠશાલા’ ચાલે છે. સવારે સૌથી પહેલાં તો આ બાળકોને નાસ્તો આપવામાં આવે છે અને પછી શાળા છૂટે એ પહેલાં આ બાળકોને લંચ આપવામાં આવે છે.

આ પ્રોગ્રામ સાથે સંકળાયેલા એક પોલીસ કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે ‘૨૦૧૮માં તત્કાલીન ટ્રાફિક પોલીસ એસપી નિરજા ગોત્રુ રાવ (આઈપીએસ) અને અમદાવાદ પોલીસ કમિશનર એ. કે. સિંહના પ્રયત્નોનું ફળ છે આ ઉપક્રમ. તેમનો જ વિચાર હતો કે શિક્ષણના માધ્યમથી આ બાળકોના જીવનને વધુ સુંદર બનાવી શકાશે અને એટલું જ નહીં આને કારણે તેમનું ભવિષ્ય પણ સુધરશે.’

જોકે, કોઈ પણ સારા કામની શરૂઆત આટલી સહેલી તો કઈ રીતે હોઈ શકે, બરાબરને? ભલે આ ઉપક્રમ પોલીસ દ્વારા ચલાવવામાં આવતો હોય તો પણ બાળકોને ક્લાસરૂમ સુધી લાવવા માટે પોલીસે ખૂબ મહેનત કરવી પડી. ઝૂંપડપટ્ટીઓમાં જઈ જઈને તેમના માતા-પિતાને પોતાની પાસે ભણવા માટે મોકલવાની ભલામણ કરવી પડી. પોલીસના ડરને કારણે માતા-પિતા બાળકોને શાળાએ તો મોકલવા લાગ્યા પણ બાળકોને ભણવામાં રૂચિ જાગે એ પણ તો જરૂરી છે ને? શરૂઆતમાં તો બાળકો અહીં આવતા ખાતા-પીતા અને રમતાં જ બસ, પણ ધીરે ધીરે રમત રમતમાં તેમને શિખવાડવાનું શરૂ કર્યું અને તેમને ભણવામાં રસ પડવા લાગ્યો, પણ આ બધામાં ચાર-પાંચ મહિનાનો સમય લાગી ગયો, પણ ધીરે ધીરે બાળકો રેગ્યુલરલી આવવા લાગ્યા અને એની સાથે જ આસપાસની કૉલેજ અને શાળામાંથી કેટલાક બાળકો પોતાની મેળે આ બાળકોને ભણાવવા માટે આવવા લાગ્યા.

આ આખા પ્રોગ્રામની કો-ઓર્ડિનેટર રિંકલ પટેલ બાળકોમાં આવેલા પરિવર્તન વિશે ખૂબ જ વિસ્તારથી વાત કરતાં કહે છે કે ‘બાળકોના વ્યવહારિક પરિવર્તન લાવવામાં પણ એકાદ વર્ષનો સમય લાગી ગયો, પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બાળકો ખૂદ જવાબદાર બન્યા છે અને સ્કૂલ આવવા માટે અહીંયા ત્યાં ભાગવાને બદલે આવીને સૌથી પહેલાં પોતાની બેન્ચ સરખી રીતે રાખે છે. ત્યાર બાદ બ્લેક બોર્ડ પર દિવસ-તારીખ લખે છે અને શિક્ષકની ખુરશી પણ સરખી રીતે ગોઠવીને શાંતિથી બેસે છે. આ ઉપરાંત જ્યારે કોઈ બહારથી આવે છે ત્યારે તેમની સાથે વાત કરતાં ખચકાવવાને બદલે ખૂબ જ આરામ અને આત્મવિશ્ર્વાસથી પોતાની દિનચર્યા જણાવે છે.’

ટ્રાફિક પોલીસનો પ્રયાસ આટલેથી જ નથી અટક્યો. ભણવા આવનારા બાવીસ બાળકોમાંથી તેમણે એવા ૧૭ બાળકની પસંદગી કરી કે જેમને હવે સત્તાવાર રીતે શાળામાં દાખલ કરી શકાય એમ હતા. નજીકની જ મ્યુનિસિપલ સ્કૂલમાં બાળકોનું એડમિશન કરાવ્યું.

પકવાન ટ્રાફિક પોલીસની સફળતા બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના વધુ ત્રણ વિસ્તારમાં દાનિલિમડા, કાંકરિયા અને કિશનપુરમાં પણ પોલીસ પાઠશાળા શરૂ કરરી છે. આ ચારેય જગ્યા પર ૧૦૦થી વધુ બાળકો ભણવા માટે આવે છે. પકવાન પોલીસ પાઠશાલામાંથી બાળકોનું નામ સરકારી શાળામાં દાખલ કરાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર ‘સ્પેશિયલ ટિચિંગ પ્રોગ્રામ’ હેઠળ આ સેન્ટર પર સરકાર તરફથી એક પ્રોફેશનલ શિક્ષકની પસંદગી પણ કરવામાં આવી છે, જ્યારે બાકીના સેન્ટર પર આજે પણ વોલિન્ટિયર જ બાળકોને શિક્ષાના પાઠ ભણાવે છે.

હવે સૌથી મુદ્દાની વાત એટલે કે બાળકોને ભણાવવામાં તો આવે છે, પણ એનો ખર્ચ કોણ ઉપાડે છે તો આ સવાલનો જવાબ છે કે મોટાભાગનો ખર્ચ પોલીસ વિભાગના અધિકારીઓ અને કેટલાક લોકો દ્વારા મળનારા ડોનેશનથી જ ચલાવવામાં આવે છે. આ શાળામાં ભણવા આવનારા બાળકોને સવારે નાસ્તો અને બપોરે ભોજન ઉપરાંત ફળ પણ આપવામાં આવે છે, જેથી તેઓને સરખું પોષણ મળી રહે.

ખરેખર અમદાવાદના પકવાન ટ્રાફિક પોલીસનો આ ઉપક્રમ સરાહનીય છે અને હંમેશા પોલીસના કડવા અને વરવા અનુભવોના સાક્ષી બનનારા આપણે કદાચ આ વાંચ્યા પછી પોલીસ પ્રત્યેનો પૂર્વગ્રહ ત્યજી દઈએ. ટ્રાફિક પોલીસનો આ

પ્રયાસ ચોક્કસ જ તેમની છબિ સુધારવામાં

નિમિત્ત બનશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1G27a0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com