31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પોતાના કૌશલ્યમાં શ્રદ્ધા હોય તેમણે લોકોની ટિપ્પણીની પરવા ન કરવી જોઈએ

સુખનો પાસવર્ડ-આશુ પટેલ



ગઈ સદીના મધ્ય સમયના દિગ્ગજ ફિલ્મ સર્જક કેદાર શર્મા ફિલ્મ દિગ્દર્શક બન્યા એ અગાઉ એ સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યંત પાવરફુલ વ્યક્તિઓમાંના એક દેવકી બોઝ સાથે લેખક-ગીતકાર તરીકે કામ કરતા હતા. કેદાર શર્માને લેખક અને ગીતકાર તરીકે જ તક મળી રહી હતી, પણ એમની મહત્ત્વાકાંક્ષા ફિલ્મ - દિગ્દર્શક બનવાની હતી. એ સમય દરમિયાન એક વાર કેદાર શર્માનો દેવકી બોઝ સાથે ઝઘડો થઈ ગયો અને તેમણે દેવકી બોઝની કંપનીમાંથી રાજીનામું આપી દીધું.

દેવકી બોઝ સાથે ઝઘડો થયો એ પછી કેદાર શર્મા બેકાર હતા અને બીજું કામ શોધવા મથામણ કરી રહ્યા હતા. બહુ કોશિશ પછી તેમને ફિલ્મ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માટે એક ફિલ્મ બનાવવાની તક મળી. ફિલ્મ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વિખ્યાત લેખક ભગવતીચરણ વર્માની નવલકથા ‘ચિત્રલેખા’ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.

જો કે કેદાર શર્મા માટે દિગ્દર્શક બનવાનો રસ્તો સરળ નહોતો. ભગવતીચરણ વર્માની ‘ચિત્રલેખા’ નવલકથામાં જે વિષય હતો એ જ વિષય પર બીજી બે ફિલ્મ બની રહી હતી અને એ બે ફિલ્મ્સ પૈકી એક ફિલ્મ ‘નર્તકી’ ખુદ દેવકી બોઝ બનાવી રહ્યાં હતાં. કેદાર શર્માએ ‘ચિત્રલેખા’ ફિલ્મ સ્વીકારી ત્યારે ફિલ્મજગતમાં બધાને લાગ્યું કે કેદાર શર્મા બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. તેમની નજરે જે વિષય પર દેવકી બોઝ ફિલ્મ બનાવી રહ્યાં હોય એ જ વિષય પર ફિલ્મ બનાવવી એ નરી મૂર્ખાઈ જ હતી.

બીજી બાજુ દેવકી બોઝ પણ કોઈ કારણથી કેદાર શર્માને ફિલ્મ બનાવતા રોકવા ઈચ્છતાં હતાં. તેમણે પોતાનાથી નારાજ કેદાર શર્માને મળવા બોલાવ્યા. કેદાર શર્મા તેમને મળવા ગયા ત્યારે દેવકી બોઝે તેમને સમજાવ્યા કે તમે આ ફિલ્મ છોડી દો અને મારી ફિલ્મ ‘નર્તકી’ લખવાનું કામ હાથ પર લઈ લો. તમે બહુ સારા લેખક અને ગીતકાર છો, આ દિગ્દર્શનનો આઈડિયા બાજુએ રહેવા દો અને મારી ફિલ્મના લેખક તરીકે આવી જાઓ. પરંતુ કેદાર શર્મા પોતાના નિર્ણય પર મક્કમ હતા. તેમણે દેવકી બોઝની ઓફર નકારી કાઢી અને ‘ચિત્રલેખા’ના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

કેદાર શર્મા દેવકી બોઝના હાથ નીચે કામ કરીને ઘડાયા હતા અને હવે તેમણે પોતાની પહેલી ફિલ્મમાં જ તેમની સામે ટક્કર લેવાની હતી. દેવકી બોઝનું નામ બહુ મોટું હતું અને કેદાર શર્માની તેમની સાથે કોઈ પ્રકારની સરખામણી શક્ય નહોતી. ઘણા મિત્રો પણ કેદાર શર્માને પાગલ ગણી રહ્યા હતા પણ કેદાર શર્માને કોઈની પણ પરવા નહોતી. તેમને પોતાની જાત પર શ્રદ્ધા હતી.

કેદાર શર્મા અને તેમના ગુરુ દેવકી બોઝે એક જ વિષય પર ફિલ્મ બનાવવાની શરૂઆત કરી. દેવકી બોઝ પાસે ન્યૂ થિયેટર્સની તોતિંગ બ્રાન્ડ અને એ વખતના આધુનિક ઉપકરણો તથા ફિલ્મજગતના મોટાં નામોનું પીઠબળ હતું. દેવકી બોઝ મોટા બાપનું સંતાન હતાં અને તેમની સાથે એ વખતના ખ્યાતનામ સંગીતકાર પંકજ મલિક હતા અને નામાંકિત ફિલ્મ કલાકારો તેમની ફિલ્મમાં અભિનય કરવા આતુર રહેતા હતા.

તેમને માટે ‘નર્તકી’ વધુ એક ફિલ્મ હતી, પણ કેદાર શર્મા માટે ‘ચિત્રલેખા’ ફિલ્મ બહુ મોટા પડકાર સમાન હતી. તેમને ફિલ્મ દિગ્દર્શનની પહેલી તક મળી હતી અને ફિલ્મસર્જક તરીકે તેમના અસ્તિત્વનો દારોમદાર એ ફિલ્મ પર હતો.

કેદાર શર્માએ બહુ દોડધામ પછી ‘ચિત્રલેખા’ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં મહેતાબને કરારબદ્ધ કરી. મહેતાબને હીરોઈન તરીકે એ સમયમાં બહુ પ્રસિદ્ધિ મળી નહોતી. મહેતાબે કોઈ મોટા બેનરની ફિલ્મમાં ક્યારેય અભિનય કર્યો નહોતો. કેદાર શર્માએ મહેતાબને સમજાવી કે આ ફિલ્મ તારી અને મારી જિંદગીમાં મોટો વળાંક લાવી શકે એમ છે એટલે તારી પૂરી અભિનયક્ષમતા આ ફિલ્મમાં લગાવી દેજે.

કેદાર શર્માએ પોતાનું અસ્તિત્વ રેડીને ‘ચિત્રલેખા’ ફિલ્મ બનાવી. તેમણે ફિલ્મ બનાવી તો નાખી પણ પછી તેમના માટે નવો સંઘર્ષ શરૂ થયો. તેમણે કલકત્તામાં ન્યૂ સિનેમામાં એ ફિલ્મ રિલીઝ કરી.

કેદાર શર્મા દિગ્દર્શક તરીકે નવા હતા અને મહેતાબ પણ બી ગ્રેડની ફિલ્મોની અભિનેત્રી ગણાતી હતી એટલે કોઈ મોટા બેનરની ફિલ્મ રિલીઝ થાય ત્યારે પ્રેક્ષકોમાં જે ઉત્સાહ હોય એવો ઉત્સાહ સ્વાભાવિક રીતે ન હતો. એમ છતાં ઘણા પ્રેક્ષકો એક વાર ફિલ્મ જોઈ નાખવા માટે ન્યૂ સિનેમામાં જતા તો ફિલ્મના બુકિંગ માટે બેઠેલા કર્મચારીઓ તેમને એવું કહીને પાછા રવાના કરી દેતા હતા કે આ ફિલ્મ બહુ બકવાસ છે અને ફિલ્મ જોયા પછી તમે પૈસા વેડફ્વા માટે પસ્તાશે!

ન્યૂ સિનેમાના કર્મચારીઓ પ્રેક્ષકોને પાછા ધકેલી દેતા હતા એટલે ‘ચિત્રલેખા’ ફિલ્મનો ધબડકો થઈ ગયો અને એક અઠવાડિયામાં તો એ ફિલ્મ ન્યૂ સિનેમામાંથી ઊતરી ગઈ (બાય ધ વે, ન્યૂ સિનેમા થિયેટરની માલિકી એ વખતની પ્રખ્યાત નિર્માણ કંપની ન્યૂ થિયેટર્સની માલિકીની હતી અને ન્યૂ થિયેટર્સ માટે દેવકી બોઝ ‘નર્તકી’ ફિલ્મ બનાવી રહ્યા હતા!).

કેદાર શર્માની ‘ચિત્રલેખા’ ફિલ્મનો ધબડકો થઈ ગયો એટલે ‘ચિત્રલેખા’ નવલકથાના લેખક ભગવતીચરણ વર્મા કેદાર શર્મા અને ‘ચિત્રલેખા’ ફિલ્મ સામે આક્રોશ ઠાલવવા માંડ્યા. તેમણે એક લેખ લખીને કેદાર શર્મા પર આરોપ મૂક્યો કે તેમણે મારી મહાન નવલકથાને અન્યાય કર્યો. (અધૂરામાં પૂરું, મહેતાબે ‘ચિત્રલેખા’ ફિલ્મમાં નિર્વસ્ત્ર બનીને સ્નાનનું એક દૃશ્ય પણ આપ્યું હતું!) ફિલ્મ સાથે સંકળાયેલા બીજા બધા અને પત્રકારો પણ કેદાર શર્મા પર માછલાં ધોવા માંડ્યા હતા, પણ કેદાર શર્માને ‘ચિત્રલેખા’ના નિર્માણ માટે સહેજ પણ અફસોસ નહોતો.

કેદાર શર્માની ‘ચિત્રલેખા’ ફિલ્મનો કલકત્તામાં બહુ ખરાબ રીતે ધબડકો થઈ ગયો, પણ એ ફિલ્મ દેશના બીજાં શહેરોમાં રિલીઝ થઈ અને અણધાર્યું પરિણામ આવ્યું. પ્રેક્ષકો ઉમળકાભેર એ ફિલ્મ ફરીવાર જોવા જવા લાગ્યા અને જેમણે ફિલ્મ જોઈ હોય એવા પ્રેક્ષકો પોતાના મિત્રો - પરિચિતોને એ ફિલ્મ જોવા માટે આગ્રહ કરવા લાગ્યા. એ સમયમાં વર્તમાન સમયની જેમ પબ્લિસિટીના ગંજાવર સાધનો હતાં નહીં એટલે માઉથ પબ્લિસિટી એટલે કે મોઢામોઢ પ્રચારને કારણે ફિલ્મો ઊંચકાઈ જતી કે પછી પિટાઈ જતી.

જે કેદાર શર્માની ચિત્રલેખા ફિલ્મ માટે તેમના પર માછલાં ધોવાયાં હતાં અને કેદાર શર્માને નકામા ફિલ્મસર્જક ગણી દેવાયા હતા એ ફિલ્મ દેશના બીજાં શહેરોમાં સુપરહિટ સાબિત થઈ ગઈ.

‘ચિત્રલેખા’ની સફળતાને પગલે અખબારોએ એ ફિલ્મના અને કેદાર શર્માના ગુણગાન ગાવાનું શરૂ કરી દીધું અને ઘણાં અખબારોએ તો એ ફિલ્મને મહાન ફિલ્મ જાહેર કરી દીધી! જે ફિલ્મને કારણે ફિલ્મજગતના લોકો કેદાર શર્માને મૂર્ખ ગણી રહ્યા હતા એ જ ફિલ્મને કારણે તેમની ઓળખ પ્રતિભાશાળી ફિલ્મસર્જક તરીકે અપાવા લાગી.

માણસને પોતાના કૌશલ્યમાં શ્રદ્ધા હોય તો તેણે ઘેટાં જેવા લોકોની ટિપ્પણીની પરવા ન કરવી જોઈએ.

----------------------

(ડાબેથી) ફિલ્મ દિગ્દર્શક કેદાર શર્મા અને ‘ચિત્રલેખા’નું દૃશ્ય

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8VK068
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com