31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈના સુપરહીરો: લાલ બાગચા રાજા

કૅન્વાસ-અભિમન્યુ મોદીએકમાત્ર વિઘ્નહર્તા એવા ભગવાન છે જે જનસમાન્યની ક્રિએટીવીટીને બુસ્ટ કરે છે. લોકોની અંદરના કલાકારને જગાડે છે. બીજા બધા જ ભગવાનથી વધુ ગણપતિના વિવિધ આકાર વાળી પ્રતિમાઓ બની છે, ચિત્રો બન્યા છે અને સ્કેચ બન્યા છે. વળી રોજ બધા ભગવાન કોઈને કોઈ ચોક્કસ ઇમેજમાં ફિક્સ જોવા મળે.

કૃષ્ણ વિશે ખૂબ મનન-ચિંતન થાય અને લેખકો તેની ઉપર લખે પણ બહુ. પરંતુ કૃષ્ણની ઇમેજ તો બ્લ્યુ રંગ, મોરપીંછ, મુગટ, શંખ, વાંસળી વગેરેમાં જ જોવા મળે. જ્યારે ગણપતિ બાપા તો હિન્દુસ્તાનમાં જોવા મળતી વિવિધતાની જેમ અનેક સ્વરૂપોમાં જોવા મળે. સાત-આઠ લીટીથી કે થોડા પાંદડા ગોઠવીને પણ ગણેશનો આકાર બનાવી શકાય છે.

ગણેશની મૂર્તિ બાહુબલીના પોઝમાં પણ જોવા મળે અને કોઈ દરિયાખેડુના વેશમાં પણ જોવા મળે. ગણપતિના હાથમાં બેટ પણ હોય અને આ જ દુંદાળા દેવ સીક્સ પેકના અવતારમાં પણ જોવા મળે. મલ્ટીપલ ફોર્મ, વેરીયસ અપીયરન્સ એન્ડ સિંગલ આઇડેન્ટિટી. ગણપતિ બાપ્પા. એક રીતે જોવા જઈએ તો લગભગ દરેક ભગવાન કોઈને કોઈ ટાઈમ ફ્રેમમાં સમાઈ ગયા. જ્યારે ગણપતી બાપ્પા સમયને અતિક્રમીને ક્ધટેમ્પરરી બન્યા, સામાન્ય પ્રજા સાથે ભળી ગયા. ભગવાન બુદ્ધનો લગભગ એક જ પોઝ જોવા મળે જ્યારે ગણપતિ સુતા હોય, બેઠા હોય, ઊભા હોય, લખતા હોય, વાંચતા હોય, રમતા હોય, કોઈ સંગીતવાદ્ય વગાડતા હોય.

જગતના બધા જ દેવોમાં જમાના સાથે કદમ મિલાવનારા આ દેવ અનન્ય છે અને બધાથી નોખા પડે છે. ભક્તો બાપ્પા સાથે સીધું અનુસંધાન સ્થાપી શકે છે એ ગણપતિ દાદાની ખૂબી છે. કંકોતરીથી લઈને સ્કૂલના ચોપડા સુધી, ઘરના દરવાજાથી લઈને મોલના એન્ટ્રન્સ સુધી બધે જ ગણપતિને રાખી શકીએ છીએ. એ પ્રેસિયશ છે, એક્સક્લુઝીવ છે પણ રેર નથી. બધાની વચ્ચે, બધાની સાથે બધાના થઈને

રહે છે.

ગણપતિની પૂજા તો વર્ષોથી થતી આવી છે. મરાઠા સામ્રાજ્યના સુવર્ણ ઇતિહાસમાં પણ ગણપતિની ભક્તિની નોંધ છે. પણ ગણપતિના પંડાલ નાખવાની પ્રથા દેશ જ્યારે અંગ્રેજોની ગિરફતમાં હતો ત્યારે લોકમાન્ય તિલકે શરૂ કરેલી. ભારતીયોને એકજુથ કરવા, તેઓને દેશના ભવ્ય વારસા વિશે જાગૃત કરવા અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે. એ સમયના અંગ્રેજોના જોહુકમીભર્યા કાયદા મુજબ લોકોને જાહેર જગ્યા ઉપર ભેગા થવાની મનાઈ હતી. પણ ધાર્મિક કારણોસર ભેગા થતા લોકોને કોઈ ન અટકાવી શકે. દેશવાસીઓના મનમાં સ્વતંત્રતાના ખ્યાલના પ્રાણ ફૂંકવામાં પણ ગણપતિ નિમિત્ત બન્યા છે એવું કહી શકાય.

મુંબઇ તો દુનિયાનું પ્રસિદ્ધ શહેર છે. મુંબઈને વર્લ્ડ ફેમસ સિટી બનાવતા ઘણા કારણો છે. ઐતિહાસિક, રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક એવા ઘણા કારણોને લીધે મુંબઇ દેશ-વિદેશમાં ઓળખાય છે. ધાર્મિક કારણોસર મુંબઈની લોકપ્રિયતા પાછળ ત્યાંના મંદિરો કે દરગાહનો મુખ્ય ફાળો રહેલો છે. પણ ગણપતિ ફેસ્ટિવલે મુંબઇને એક નવી અને અલગ ઓળખ આપી છે. ગણેશ ચતુર્થીથી અગિયાર-બાર દિવસ સુધી ગણપતિની સ્થાપના કરવામાં આવે, જાહેરમાં તેના પંડાલ રાખવામાં આવે, હજારો-લાખો લોકો બાપ્પાના દર્શન કરે અને છેલ્લે વાજતે ગાજતે એનું વિસર્જન થાય. આખા મુંબઇ શહેરમાં ચાલીસ હજારથી પણ વધુ

પંડાલ હશે.

આ પ્રથાની શરૂઆતમાં પુણે શહેરનું યોગદાન ઘણું રહેલું છે પરંતુ હવે ગણેશ ઉત્સવ વખતે આખા દેશની નજર મુંબઇ પર હોય છે. મુંબઈમાં પણ લાલ બાગ ચા રાજા એટલે મુંબઇનો રાજા-સુપરહીરો.

છેલ્લા પંચ્યાશી કરતા પણ વધુ વર્ષોથી લાલ બાગમાં ગણેશ સ્થાપના કરવામાં આવે છે. જો કે કેશવજી લાલજી ચોક જેવા એરિયામાં ગણપતિ સ્થાપનાની પરંપરાને સવાથી દોઢ સદી જેટલો સમય થઈ ગયો. પરંતુ મુંબઇ ઉપર રાજ કરે લાલ બાગ ચા રાજા. લાલ બાગનો દબદબો આઝાદી સમયથી યથાવત્ છે. કાંબલી પરિવાર વીસેક ફૂટ ઊંચી પ્રતિમા બનાવે અને એ ગણેશના દર્શન કરવા ફક્ત દેશભરમાંથી નહીં પણ વિદેશમાંથી પણ લોકો આવે. ફકત મુખદર્શન કરવા માટે દસેક કલાક જેટલું લાઈનમાં ઊભું રહેવું પડે. ગણપતિની પ્રતિમાના ચરણસ્પર્શ કરવા માટે તો ગણેશ ચતુર્થીના બે દિવસ અગાઉથી લાઇન શરૂ થઈ જાય. ભક્તો કલાકોના કલાકો એમના શ્રદ્ધેય દાદાના ચરણસ્પર્શ માટે લાઈનમાં તપસ્યા કરે.

મહારાષ્ટ્રના રાજનેતાઓ, મોટા અધિકારીઓ, સેલિબ્રિટીઓ, સ્પોર્ટ્સમેન, કોઈ પણ મોટી હસ્તી લાલ બાગના રાજા સામે શીશ ઝુકાવે. એક રીતે જોઈએ તો લાલ બાગના ગણપતિ મહાન ઈકવિલાઈઝર છે. એ બધાને એકસમાન રીતે ટ્રીટ કરે, બધાને એક જ જગ્યાએ લાવી દે.

ઇતિહાસના અભ્યાસુઓ અને અમુક રેશનાલિસ્ટને કદાચ સવાલ થાય કે ભગવાન માટે થઈને આટલી બધી તામઝામ કેમ? ગણપતિના પંડાલની શરૂઆત તો એટલા માટે કરવામાં આવી હતી કે લોકોને દેશ માટે જાગૃત કરી શકાય અને દેશભક્તિની લાગણી જન્માવી શકાય તો હવે આવું કેમ? આવા સવાલો થઈ શકે. પણ જોવાનું એ છે કે ભારત જેવા મહાન દેશમાં ધાર્મિક તહેવારો ઇકોનોમીનો એક મહત્ત્વનો ભાગ છે.

આ પ્રકારે ઉજવણી કરવાના લીધે સંસ્કૃતિ અને પરંપરાનું સંવર્ધન તો થાય જ છે પણ સાથે સાથે અર્થતંત્રને પણ વેગીલો બુસ્ટર ડોઝ મળે છે. ફક્ત લાલ બાગચા રાજાને વર્ષે કરોડોનું દાન મળે છે. કિલોગ્રામમાં માપવું પડે એટલું સોનું અને અઢળક ચાંદી. કરોડો રૂપિયાની ચલણી નોટો. ઘણાં બધા કલાકારો, કેટરર્સના વર્ષનું મુખ્ય કામ ગણેશ ઉત્સવ વખતે હોય છે.

વધુમાં એક શહેરના લોકોને એક જગ્યાએ લાવવાનો, બધાને સાથે ડાન્સ કરાવવાનો, શહેરના સ્પિરિટને રિવાઇવ કરવાનો મોકો બીજો કોઈ નથી હોતો. ગણપતિ બાપ્પા એના બાળકોને ભેગા કરે છે, આનંદ કરાવે છે, આશાનું મજબૂત કિરણ બતાવે છે અને નિરાશામાંથી બહાર

કાઢે છે.

લાલ બાગચા રાજાની ગણપતિની પ્રતિમા ગણેશની ખરી પણ મોટા પેટ વાળી નહીં. સામાન્ય માણસના શરીર જેવું જ ગણેશનું શરીર એ પ્રતિમામાં જોવા મળે. એ પ્રતિમાએ સોનાપાવલા એટલે કે ગોલ્ડ પ્લેટેડ પગરખાં પણ પહેર્યા હોય. વીસ-પચ્ચીસ કિલોના ફૂલોના હાર ચડાવવામાં આવતા હોય.

લાલ બાગના રાજાના વિસર્જન વખતે તો મુંબઈ હિલોળે ચડ્યું હોય. હજારો લોકોની આંખમાં આંસુ હોય. પોતાના ઘરના સદસ્યને વિદાય આપવા જેવી લાગણી બધાને થતી હોય. વાજતેગાજતે તેમની મૂર્તિ શહેરમાંથી નીકળે અને હજારો લોકો એ વર્ષનું છેલ્લું ’ગુડબાય’ કહેવા આવે. લાલ બાગની નજીકનો એક ફલાયઓવર જ્યારે બનતો હતો ત્યારે તેને રી-ડિઝાઇન કરીને ઊંચો કરવો પડેલો જેથી વિસર્જન વખતે ગણેશની પ્રતિમા નીકળી શકે. હિન્દુસ્તાની મસ્જિદ પહોંચે ત્યારે ઉજવણી થોડી શાંત થાય અને બંને કોમના લોકો ગણપતિ માટે ભેગા થાય. ફાયરબ્રિગેડ પાસેથી પસાર થતી વખતે ફાયરબ્રિગેડના ટેન્કરો બધી લાઈટો ચાલુ કરીને અને સાઇરન વગાડીને બાપ્પાનું અભિવાદન કરે. કુંભારવાડાની સાંકડી ગલીમાંથી નીકળે ત્યારે તો ત્યાંના રહેવાસીઓ મૂર્તિને અડી પણ શકે.

રોજના દસથી પંદર લાખ લોકો દર્શન કરવા આવતા હોય અને વિસર્જન સમયે તો રોડ માનવમહેરામણથી ઓળખાય નહીં એવો બની ગયો હોય. પોલીસ પોતાની પૂરી તાકાતથી બધાની રક્ષા કરે. સ્પેશીયલ કમાન્ડોથી લઈને ટ્રાફિક પોલીસ સુધી હજારો કર્મીઓ દિવસ રાત ખડેપગે રહીને બાપ્પાના ભક્તોને કોઈ અડચણ આવવા ન દે. નિષ્ણાતો પાસેથી ભરતી-ઓટ વિશેની પાક્કી માહિતી લીધા પછી જ લાલ બાગના રાજાનું મધદરિયે વિસર્જન થાય. દરિયામાં પણ કોઈ અણબનાવ ન બને તેની તકેદારી પૂરતી રાખવામાં આવે. ધીમે ધીમે એ ગણેશની મૂર્તિ પાણીમાં અદ્રશ્ય થઈ જાય અને હજારો લોકોની આંખ પાણીથી ભરાય જાય. હવે આગલા વર્ષે બાપ્પા આવશે.

ગણેશ ઉત્સવ ભલે હિન્દુસ્તાનની આઝાદીની લડત માટે શરૂ થયો હોય પણ હવે તે ભારતીય સંસ્કૃતિનો એક મહત્ત્વનો હિસ્સો છે. લોકોમાં એકતા અને સદભાવના જગાવવાનું કામ હજુ પણ આ ગણપતિ બાપ્પા અને તેના સાચા ભક્તો કરે છે. બીજા બધા પંડાલો અને ગણપતિ બાપ્પાની વધુ વાત થઈ શકે પણ એટલું

ખરું કે લાલ બાગના રાજા ખરા અર્થમાં

સુપરહીરો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8805237
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com