24-June-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સામાન્ય જ્ઞાન

અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગરસામાન્ય જ્ઞાન એટલે આકાશ, પ્ાૃથ્વી ને પાતાળની તમામ બાબતો વિશેની અદ્યતન માહિતીનું જ્ઞાન, એમ આપણે સમજીએ છીએ અને આવું જ્ઞાન ધરાવનારા તરફ અત્યંત અહોભાવ ધરાવીએ છીએ. સામાન્ય જ્ઞાન વગરના માણસને સામાન્યમાં સામાન્ય નોકરી પણ મળતી નથી. (હવે છોકરી પણ ન મળે તેવા દિવસો આવતા જાય છે !)

વર્ષો પહેલાંની વાત છે. એક મોટા શહેરના મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જકાત-કારકુનો લેવાના હતા. હું એ નોકરી માટેનો એક ઉમેદવાર હતો. મને સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર બરાબર આવડતાં હતાં અને પ્રામાણિકતાથી કામ કરવાની હોંશ હતી એટલે આશા હતી કે આ નોકરી માટે હું લાયક ઠરીશ. ઇન્ટરવ્યૂનો દિવસ આવ્યો. હું ઇન્ટરવ્યૂ માટેના ઓરડામાં દાખલ થયો ત્યારે વીસ મહાનુભાવો એક ઉત્તમ જકાત-કારકુનની શોધ માટે બેઠા હતા. ડાઘિયા કૂતરાંઓના ટોળામાં એકવાર ફસાઈ ગયેલો ને જેવી ગભરામણ થયેલી તેવી ગભરામણ મને થવા માંડી. શરીર કંપન અનુભવવા માંડ્યું, લલાટપ્રદેશે પ્રસ્વેદનાં બિંદુઓ બાઝ્યાં, મગજ ઘેર મૂકીને આવ્યો હોઉં એવી શૂન્યતા વ્યાપી રહી. જેમતેમ નમસ્તે કરીને મેં ખુરશીમાં બેઠક લીધી. ખુરશીમાં હમણાં જ વિદ્યુતપ્રવાહ વહેવા માંડશે એવો ભય લાગ્યો. ‘તમારું નામ શું ?’ એક સજ્જને પરીક્ષા લેવાનો પ્રારંભ કર્યો. હું એટલો બધો ગભરાઈ ગયેલો કે ઘડીભર મારું નામ ભૂલી ગયો. ઇન્ટરવ્યૂ લેનારા બીજા એક સજ્જને રજિસ્ટરમાં જોઈને મારું નામ કહ્યું ત્યારે મેં ડોકું હલાવી એમના કથનને અનુમોદન આપ્યું.

‘ભારતનું સૌથી મોટું સરોવર કયું ?’ પહેલા પ્રશ્ર્નની કળ નહોતી વળી ત્યાં બીજો પ્રશ્ર્ન ફેંકાયો. હોડીમાં બેસી જકાત ઉઘરાવવા જવાનું હશે કે શું એવી શંકા મને થઈ. ભારતના નાના કે મોટા કોઈ સરોવર વિશે કશું જાણવાની મારે આજ સુધી જરૂર પડી નહોતી. આ સજ્જનને પણ આ માહિતી શા ખપમાં આવશે તે હું સમજી શક્યો નહિ. નાનપણમાં કથા-વાર્તાઓ સાંભળેલી એટલે ‘માનસરોવર’નું નામ સાંભળેલું. શંકર ભગવાન જેવા મોટામાં મોટા દેવ જ્યાં રહેતા હોય તે જ સૌથી મોટું સરોવર હોય એવી શ્રદ્ધાથી પ્રેરાઈને મેં માનસરોવરનું નામ આપ્યું. વીસ જણામાંથી ચાર-પાંચ જણા મારા જવાબથી પ્રસન્ન થયા હોય એમ લાગ્યું. પણ સવાલ પૂછનાર સજ્જને હળવેથી એક ચોપડીમાં જોયું ને મારો જવાબ ખોટો હોવાની ઘોષણા કરી.

‘ભારતનો સૌથી ઊંચો જળધોધ કયો ?’ એક સજ્જન જળધોધની જેમ જ મારા પર ખાબક્યા. આજ સુધીમાં મેં માત્ર નાયગરાના ધોધનું નામ સાંભળેલું પણ એ ભારતમાં આવ્યો છે કે દુનિયાના બીજા કોઈ દેશમાં તે વિશે હું ચોક્કસ નહોતો. પણ મને થયું કે નાયગરાનો ધોધ ભારતમાં આવ્યો હશે તો મારો જવાબ સાચો પડશે ને ભારતની બહાર આવ્યો હશે તો સંકુચિત રાષ્ટ્રભાવનાના સીમાડા ઓળંગી ‘જય જગત’ની ભૂમિકા પર પહોંચેલો વિશ્ર્વમાનવી છું એવું પરીક્ષકોને લાગશે અને આવા વિશાળ હૃદયનો માણસ તો જકાત-કારકુન હોવાને બદલે યુનોનો મહામંત્રી હોવો જોઈએ એવું પણ આ લોકોમાંથી કોઈને લાગે તો નવાઈ નહિ એવું માની મેં નાયગરાના ધોધનું નામ આપ્યું. મારી નજીક બેઠેલા સજ્જને મારો જવાબ ખરો છે કે કેમ તે વિશે એમની બાજુમાં બેઠેલા સજ્જનને પૂછી જોયું, પણ પોતે આ વિશે જાણતા નથી એમ એમણે ઇશારાથી સમજાવ્યું. પેલા પ્રાશ્ર્નિક સજ્જનને ચોપડીમાં જવાબ જલદી જડ્યો નહિ એટલે બીજા સજ્જનને ‘ખો’ આપી પોતે જવાબ શોધવામાં ગૂંથાયા.

ત્રીજા સજ્જને પૂછ્યું, ‘એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે ?’ એ સજ્જનનો વિશાળ દેહ જોતાં તેઓ સત્તર પગથિયાંનો દાદરો પણ માંડમાંડ ચડીને આવ્યા હશે એવું લાગતું હતું. એમને એવરેસ્ટ પચાસ ફૂટ ઊંચો હોય તોય કામનું નહોતું. તેઓ બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દી હોય તેવું એમના દેખાવ પરથી લાગતું હતું એટલે એવરેસ્ટ પર ચડવાનો વિચાર એમના માટે હિતાવહ નથી એવી સલાહ એમને આપવાનું મને મન થયું; પરંતુ એ અવિવેક લાગશે એમ માની એમ કરવાનું માંડી વાળ્યું. હું ભણતો ત્યારે ભૂગોળના વિષયમાં એવરેસ્ટની ઊંચાઈનો પ્રશ્ર્ન ખાસ પુછાતો. એટલે મને ૨૯,૦૦૦ ફીટ એવો જવાબ યાદ હતો. અમારા શિક્ષકે ભૂગોળના પાઠ્યપુસ્તકમાંથી વાંચીને અમને એવરેસ્ટની ઊંચાઈ કહી બતાવી હતી ત્યારે મારી સાથે ભણતા એક છોકરાએ પૂછેલું કે આ માપ કેમ લીધું હશે - લાકડાની ફૂટપટ્ટીથી કે મેઝરટેપથી ? - ત્યારે ત્રીસ વર્ષથી ભૂગોળનો વિષય ભણાવતા અમારા શિક્ષક બિચારા સારી પેઠે મૂંઝાઈ ગયેલા. આ કારણેય મને એવરેસ્ટની ઊંચાઈ યાદ રહી ગયેલી. મેં ૨૯,૦૦૦ ફીટ કહ્યું ને પેલા સજ્જન પ્રસન્નતાથી ‘કરેક્ટ-કરેક્ટ’ એમ બોલી ઊઠ્યા. આ એક પ્રશ્ર્નનો સાચો ઉત્તર મને આવડ્યો; પરંતુ એવરેસ્ટ પર એ લોકોનું જકાતનાકું હતું નહિ, એટલે મને નોકરી ન મળી. તે પછી મેં ઘણા જકાત-કારકુનોને ‘ભારતનું મોટામાં મોટું સરોવર કયું ?’ ‘ભારતનો મોટો જળધોધ કયો ?’ એવા સવાલો પૂછ્યા છે, પણ કોઈને એ જવાબો આવડ્યા નથી. આ જ્ઞાન વગર એ લોકો જકાત બરાબર કેમ ઉઘરાવી શકતા હશે એ હું સમજી શકતો નથી.

નોકરીની જેમ જ લગ્નમાં પણ હવે સામાન્ય જ્ઞાનનો મહિમા વધવા માંડ્યો છે એનાથી મને ચિંતા થાય છે. જોકે મારાં લગ્નનો પ્રશ્ર્ન તો ઊકલી ગયો છે, પણ સમાજના વિશાળ હિતમાં મને ચિંતા થાય છે.

અમારા એક સ્નેહી છે. એ પોતે પ્રૉફેસર છે. એમને પોતાના વિષયમાં હજુ ઘણો અભ્યાસ કરવાનો બાકી છેે, પણ વર્ષોથી તેઓ સામાન્ય જ્ઞાનની પાછળ પડ્યા છે. વિવિધ જ્ઞાનકોશો અને માહિતી ગ્રંથોથી એમનાં કબાટ ભરેલાં છે. એમનાં પોતાનાં લગ્ન ઘણાં વહેલાં થઈ ગયેલાં એટલે પત્નીના સામાન્ય જ્ઞાનની ચકાસણી કરવાનું એમનાથી બની શકેલું નહિ; પરંતુ પુત્રનાં લગ્ન કરવાનો વખત આવ્યો ત્યારે તેમણે ઘોષણા કરેલી કે પ્રથમ પોતે ક્ધયાના સામાન્ય જ્ઞાનની ચકાસણી કરશે અને એમાં ઉત્તીર્ણ થનાર ક્ધયા જ આ કુટુંબની કુળવધૂ બનશે. પિતા સામાન્ય જ્ઞાનવાળી છોકરી શોધતા હતા ત્યારે છોકરાએ સામાન્ય બુદ્ધિ વાપરીને પડોશમાંથી જ પત્ની શોધી લીધી ને પોતાનાં લગ્નનો પ્રશ્ર્ન ઉકેલી નાખ્યો. છોકરો આજે સુખી છે, પરંતુ સામાન્ય જ્ઞાનવાળી કુળવધૂ ન લાવી શકાયાના વિષાદમાંથી સ્નેહી હજુ સુધી મુક્ત થયા નથી.

જીવન સામાન્ય જ્ઞાનથી નહિ, સામાન્ય સમજથી જીવવાનું હોય છે, એટલું જ સામાન્ય જ્ઞાન જીવનમાં જરૂરી છેે. દુનિયાનું વધુમાં વધુ વસ્તીવાળું શહેર કયું એ યાદ રાખવા કરતાં આપણું કુટુંબ ઓછામાં ઓછી વસ્તીવાળું રાખવાની સમજ કેળવવી એ વધુ સારી બાબત છે. જગતના નકશામાં કોઈ પણ સ્થળ કહેતાંની સાથે જ શોધી આપનાર અમારા એક મિત્ર કોઈના ઘેર ગમે તેટલી વાર ગયા હોય પણ જો છેલ્લે ગયાને ઝાઝો સમય થઈ ગયો હોય તો પોતાની મેળે એ ઘર શોધી શકતા નથી. અમારા બીજા એક મિત્ર છાપામાં સામાન્ય જ્ઞાનની કૉલમ લખે છે. ન્યૂયૉર્ક અમદાવાદથી કઈ દિશામાં આવેલું છે એટલું જ નહિ, કયા ખૂણામાં, કેટલા અક્ષાંશે આવેલું છે એની પણ એમને ખબર છેે. એમને મેં એકવાર અમાસની રાત્રે પાલડી બસ સ્ટૅન્ડ પર ઊભાં ઊભાં પૂછ્યું કે નવરંગપુરા અહીંથી કઈ દિશામાં આવેલું છે, ત્યારે એ એકદમ મૂંઝાઈ ગયેલા. શાકભાજીનાં નામ, પ્રકાર, કયાં શાકભાજીને કેટલો વરસાદ જોઈએ, કેવી જમીન જોઈએ, કયાં શાકભાજી કઈ ઋતુમાં થાય, કયાં શાકભાજીમાંથી કયાં વિટામિન મળે વગેરેની અદ્યતન માહિતી જીભને ટેરવે રાખનાર અમારા એક મિત્રને શાક લેતાં આવડતું નથી. કેટલાંક શાક તો એ જોયે ઓળખતા પણ નથી. ઘરમાં કોઈક વાર જ બનતું શાક ખાધા પછી એમનાં પત્ની પૂછે છે કે આજે કયું શાક ખાધું તો એ ભાગ્યે જ સાચો જવાબ આપી શકે છે. બ્લેડ વિશે ઝીણામાં ઝીણી વિગતોની માહિતી ધરાવતા અમારા એક સ્નેહીને હાથે દાઢી કરતાં હજુ નથી આવડતું. દાઢીના ભાવ આટલા બધા વધી ગયા તોય એમને વાળંદની સહાય લેવી પડે છે. અલબત્ત, અસ્ત્રા વિશે એ વાળંદ કરતાંય વધુ ઊંડાણથી જાણે છે ! ઘઉંની જુદી-જુદી જાતો વિશે યુનિવર્સિટી વિદ્યાવિસ્તાર વ્યાખ્યાન માળામાં વ્યાખ્યાન આપી ચૂકેલા એક વિદ્વાન અધ્યાપકનાં પત્ની ઘઉં ખરીદવામાં ક્યારેય પતિની મદદ લેતાં નથી.

મુદ્રણકળા વિકસી નહોતી ત્યારે વેદ ને ઉપનિષદ પણ મોઢે રાખવાં પડતાં, પણ હવે જેને આપણે ‘સામાન્ય જ્ઞાન’ કહીએ છીએ તે તમામ વિગતો જરૂર પડ્યે કમ્પ્યુટરની કળ દબાવવાથી આપણી આંખ સામે રજૂ થતી હોય તો એ મોઢે યાદ રાખવાનો વ્યાયામ કરવાની કોઈ જરૂર નથી એટલું જ્ઞાન આપણને બધી દિશાએથી પ્રાપ્ત થાઓ એવી અભિલાષા વ્યક્ત કરું છું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6270552
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com