24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્યાર હો યા પોલિટિક્સ: પીછા કરો, બસ પીછા કરો

મિજાજ મસ્તી-સંજય છેલટાઇટલ્સ: પ્રેમ અને પડછાયાના પીછા કરવામાં થાકી જવાય (છેલવાણી)

હમણાં સરકાર જૂની સરકારના નેતાઓની પાછળ પડી ગઇ છે. સી.બી.આઇ. હોય કે લોકલ પોલીસ,સરકારની આંખો સહુનો પીછો કરી રહી છે. તમે કયું પુસ્તક ઘરે રાખો છો એથી પણ પોલીસ તમને આતંકવાદી કે નક્સલવાદી ગણી શકે છે. હમણાં પૂનામાં એક એક્ટિવિસ્ટ ભાઇને પોલિસે એટલે જ અરાજકતાવાદી ઘોષિત કર્યા કારણ કે એમની પાસે નક્સલવાદ વિશેનું પુસ્તક હતું. એ ભાઇ આતંકી છે કે નથી એ વિશે મારી કોઇ કોમેંટ નથી પણ એનો અર્થ એ થયો ધારો કે તમારા ઘરમાં શોલે કે ગંગા જમના ફિલ્મની ડીવીડી કે સીડી હોય તો તમને પોલિસ ડાકુ ગણી શકે. કોઇ મર્ડર મિસ્ટ્રીવાળી કિતાબ પડી હોય તો ખૂની ગણી શકે? ભૂતકથાની ચોપડી મળી આવે તો તમને શું ભૂત ગણીને મરેલ માની લેવામાં આવશે?

જોકે દરેક સરકારને પ્રજા પર, વિરોધીઓ પર નજર રાખવાની આદત છે. અમેરિકાની જાસૂસી કંપની સી.આઈ.એ.નો એક જાસૂસ, સિક્રેટ એજન્ટ મર્ફી ખોવાઈ ગયો. ત્યારે સી.આઈ.એ.ના અધિકારીએ નવા જાસૂસને કહ્યું, ‘આપણો જાસૂસ ‘મર્ફી’ ખોવાઈ ગયો છે. છ મહિનાથી એની કોઈ ભાળ નથી. આપણી પાસે એના નામથી વધારે કોઈ જ માહિતી નથી. એને શોધવો પડશે કારણ કે એ બહુ બધાં રહસ્યો જાણે છે. આયર્લેન્ડના ફલાણાં ગામમાં છેલ્લે દેખાયેલો. ત્યાં જઈને તરત શોધો!

‘પણ કેવી રીતે હું ઓળખી શકું? કોઈ ફોટો કે નિશાની કે માહિતી કંઈક તો આપો!’

સિનિયર ઓફિસરે કહ્યું, "મર્ફીને જઈને તું કહીશ કે ‘મોસમ ઠંડી છે’ તો એ વાક્ય

પૂરું કરશે કે ’હા પણ બપોરે તડકો નીકળશે!’ - જો એ આમ કહે તો એને પકડીને અહિં લઈ આવ.

પેલો નવો ઓફિસર આયર્લેન્ડના એ ગામમાં પહોંચ્યો, એણે સલૂનમાં મર્ફી વિશે પૂછ્યું. દાઢી કરનારાએ કહ્યું, ‘મર્ફી તો અહિં કેટલાય રખડે છે. એક મર્ફી ઝાડુવાળો છે, બીજો મર્ફી ધોબી છે, ત્રીજો મર્ફી સ્કૂલમાં પ્યૂન છે અને મારું નામ પણ મર્ફી જ છે!’

પેલા સી.આઈ.એ.ના જાસૂસને થયું કે કદાચ આ જ પેલો ‘મર્ફી’ જાસૂસ હોય તો? એટલે ચેક કરવા ધીમેકથી કોડવર્ડ બોલ્યો: "મોસમ આજે ઠંડી છે... આટલું સાભળતાં જ સલૂનવાળો બોલ્યો. "ઓહ! તમારે મર્ફી જાસૂસનું કામ છે? એમ કહોને, એ તો ત્યાં પાછળ દારૂના અડ્ડામાં બેઠો હશે!

જાસૂસી બહુ સિરિયસ પ્રક્રિયા છે. તમે એક જ સેક્ધડ વિચારો કે કોઈક સતત તમારા પર નજર રાખી રહ્યું છે કે તમે શું કરો છો, કોને મળો છો, એકલા હો ત્યારે શું કરો છો, માત્ર વિચારીને તમે ધ્રૂજી જશો, તમારી પ્રાઈવસી, તમારું એકાંત પરપોટા જેવું હોય છે, સહેજ કોઈ અડે કે બસ ખતમ! અમારા એક સિનિયર લેખક મિત્ર સ્વ. ઈનાયત અખ્તર, કોમ્યુનિસ્ટ પાર્ટીના મેમ્બર હતા. ભારત-ચીન યુદ્ધ વખતે કોણ જાણે કેમ પણ સરકારને એવું લાગ્યું કે કોમ્યુનિસ્ટ પાર્ટીના મેમ્બરો, ચીન માટે કામ કરે છે એટલે પેલા ઈનાયતભાઈ પાછળ જાસૂસો મૂકવામાં આવ્યા, ઈનાયતભાઈ સ્ટુડિયોમાં જઈને કોઈ બી-સી ગ્રેડની ફિલ્મોમાં આસિસ્ટન્ટનું કામ કરતા, જાસૂસે ત્રણ મહિના સુધી એનો પીછો કરીને રિપોર્ટ બનાવેલો કે ઈનાયત સવારે કેટલીવાર ચાલીના જાજરૂ પાસે લાઈનમાં ઊભો રહે છે, કઈ બસમાં બેસીને સ્ટુડિયો પર જાય છે,ત્યાં કઈ રીતે ફિલ્મ ડાયરેક્ટરની વઢ સાંભળે છે, ફિલ્મની હીરોઈન કઈ રીતે ઈનાયત પાસે ચાનો કપ ઉપાડાવે છે! સાંભળવામાં વાત હસવા જેવી લાગે પણ આની પાછળ એક ટ્રેજેડી છે કે એક સ્ટ્રગલ કરનારો ગરીબ માણસ કઈ રીતે જીવે છે! આમાં ટિવસ્ટ એ આવે છે કે ઈનાયત અખ્તરને એક પોઈન્ટ પર સમજાઈ જાય છે કે કોઈક એનો પીછો કરી રહ્યું છે! એટલે આખી વાતની મજા લેવા માટે જાસૂસને ગુમરાહ કરવા જાણી જોઈને ગલીમાં આંટા મારીને ટાઈમપાસ કરવા માંડતો. એકને એક રેલવે બ્રિજ પર ચાર-પાંચ વાર ચઢ-ઊતર કરીને એને થકવી નાખતો. પબ્લિક ફોન પરથી મિત્રને ફોન કરીને અટપટી શાયરી સંભળાવતો, જેથી જાસૂસ બોર થાય!

ઇન્ટરવલ:

દો જાસૂસ, કરે મહેસૂસ

કિ દુનિયા બડી ખરાબ હૈ

(દો જાસૂસ ફિલ્મ)

ગુજરાતી લેખકો કે ટિપિકલ નિબંધકારોની શૈલીમાં કહીએ કે જાસૂસી ક્યાં નથી? ભમરો, પુષ્પની જાસૂસી કરે છે! કોયલનો ટહુકો, ગ્રીષ્મની જાસૂસી કરે છે, જુવાન છોકરીની ઊછળતી આંખો પર આખું ગામ જાસૂસી કરે છે. ચંદ્ર પર વાદળાં જાસૂસી કરે છે અને માટે ચંદ્ર જ્યારે વાદળામાં છુપાઈ જાય છે ત્યારે વધારે સુંદર થઈ જાય છે. કવિઓ લાગણીઓની જાસૂસી કરે છે. વિવેચકો કવિઓની જાસૂસી કરે છે. કવિસંમેલનોના સંચાલકો, શ્રોતાઓ પર જાસૂસી કરીને એમને વારંવાર તાળી પાડવા માટે, દાદ આપવા માટે ધમકાવે છે. જાસૂસી ક્યાં નથી? જન્મ્યા પછીનો પહેલો શ્ર્વાસ, મૃત્યુ સુધીના છેલ્લા શ્ર્વાસની જાસૂસી કરે છે. જ્યોતિષો, કુંડળી કે હાથ જોઈને ઈશ્ર્વરે બનાવેલા પ્લાનની જાસૂસી કરે છે. વૈજ્ઞાનિકો કે ડોક્ટરો તમારા બ્લડગ્રૂપમાંથી ડી.એન.એ. વગેરે જાણી લઈને તમારા હોવા ન હોવા, મરવા-જીવવા વિશે જાસૂસી કરે છે(બસ નિબંધકારોની આટલી જાસૂસી કરીને હું થાકી ગયો!)!

એક પતિને શક થઈ જાય છે કે એની પત્ની રોજ કોઈકને મળવા બહાર જાય છે, પતિ એક ડિટેક્ટિવને રોકે છે. ડિટેક્ટિવ સાવ બેકાર છે, નકામો છે. આજ સુધી એક પણ કેસ સુલઝાવી શક્યો નથી. પતિના કહેવા પર થોડાક પૈસા લઈને પેલી પરિણીત સ્ત્રીનો પીછો કરે છે. પીછો કરવામાં એવા લોચા મારે છે કે સ્ત્રીને ખબર પડી જાય છે, કોઈક એની પાછળ છે, પણ ડિટેક્ટિવ કબૂલ નથી કરતો. બેઉ વચ્ચે રોજરોજનાં આ પીછા-પુરાણને લીધે દોસ્તી થઈ જાય છે! નિર્દોષ દોસ્તી! આ બાજુ શક્કી પતિ વારંવાર ડિટેક્ટિવને પૂછે છે કે શું થયું? શું ખબર મળી? કોણ છે મારી પત્નીનાં જીવનમાં? કોને મળવા એ જાય છે? ડિટેક્ટિવ દર વખતે વાત ટાળ્યા કરે છે. એક દિવસ ગુસ્સામાં પતિ, ડિટેક્ટિવના માથા પર બંદૂક મૂકી દે છે અને પૈસા પાછા માગે છે. પેલો બેકાર ડિટેક્ટિવ પતિને કહે છે, તમારે જાણવું જ છે ને કે તમારી પત્ની રોજ ક્યાં જાય છે? કોને મળે છે? ચાલો મારી સાથે... ડિટેક્ટિવ પતિને એક અવાવરુ કિલ્લામાં લઈ જાય છે અને દૂરથી દેખાડે છે કે પેલાની પત્ની એકલી બેઠી છે અને કોઈકની રાહ જોઈ રહી છે! પતિ પૂછે છે કે મારી પત્ની કોની રાહ જોઈ રહી છે? ડિટેક્ટિવ જવાબ નથી આપતો. થોડીવાર પછી બીજી કોઈ હોટલમાં પેલા શક્કી પતિને લઈ જાય છે અને ફરી ત્યાં પણ પેલી સ્ત્રી કોઈની રાહ જોઈ રહી છે! આમ ત્રણ ચાર રોમેન્ટિક સ્થળે ડિટેક્ટિવ પેલાને ફેરવે છે. કંટાળીને પતિ પૂછે છે: હવે તો કહે એ કોને મળે છે?

ત્યારે ડિટેક્ટિવ કહે છે, એ તમને મળવા આવે છે, આ બધી જગ્યાએ સાવ એકલી. તમે લગ્ન પહેલાં એને જ્યાં જ્યાં મળ્યાં હતાં, જ્યાં જ્યાં તમે પ્રેમની ક્ષણો ગુજારેલી, ત્યાં ત્યાં એ રોજેરોજ એકલી બેસે છે અને રોજ પોતાનો સમય ગુજારે છે! આ છે મારો રિપોર્ટ! ડિટેક્ટિવ, શક્કી પતિના મોં પર પૈસા ફેંકીને જતો રહે છે... જાસૂસી બહુ ખતરનાક વાત છે. એક વાર તમે તમારી જાતની જાસૂસી કરવાનું શરૂ કરી જોજો! આઈનો ફોડી નાંખવાનું મન થશે! ચેલેન્જ છે આપણી!

એન્ડ ટાઇટલ્સ:

છોકરી: તું મારી પાછળ કેમ પડ્યો છે?

છોકરો: એવું હોય તો તું મારી પાછળ પડ, મને વાંધો નથી!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

v02xF167
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com