31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ભડલી’: જેનું સાહિત્ય સચોટ, પણ વાસ્તવિક જીવનના નામે નરી દંતકથા!

ભાતભાત કે લોગ-જ્વલંત નાયકવિતેલા સપ્તાહમાં વરસાદે મુંબઈને ફરી એક વાર ડૂબકી મરાવી. જો રોજ સવારે કોઈ જ્યોતિષી તમને સચોટ આગાહી કરી આપે, કે સર્વે જાતકોએ આજે પર્સનલ હોડી લઈને જ ઓફિસે જવું, તો મુંબઈગરાઓને કેવડી મોટી રાહત થઇ જાય! ખેર, આ તો બે ઘડી ગમ્મત, પણ દુનિયાના તમામ પ્રદેશોમાં વસતા લોકોને પ્રાચીનકાળથી માનવીને હવામાન વિષે ધારણાઓ બાંધવાની જરૂરિયાત જણાઈ છે. ભારતમાં જ્યારે આધુનિક વિજ્ઞાન નહોતું એ સમયે ખેડૂતો પાકની વાવણી કયા આધારે કરતા હશે? જવાબ છે જ્યોતિષીઓની આગાહી!

પ્રાચીન ભારતમાં પણ તત્કાલીન જ્યોતિષીઓએ (એ સમયે જ્યોતિષી અને ખગોળશાસ્ત્રી વચ્ચે ભેદરેખા નહિ હોય, કેમ કે બંને ગ્રહોનો અભ્યાસ કરતાં!) હવામાનની આગાહી માટે અનેક ગૃહિતો સ્થાપિત કર્યાં. પશ્ર્ચિમ ભારતમાં ‘ભડલી’ નામક વિદ્વાન, જે જ્યોતિષ અને ખગોળશાસ્ત્રના નિષ્ણાત હતા, તેમણે વાદળ, વીજળી, વાયુ, તાપ, મેઘગર્જના કે મેઘધનુષ વગેરે ચિહ્નો જોઈને ચાર-છ માસ અગાઉથી વરસાદ ક્યારે અને કેવો પડશે તેની આગાહી કરવા માટેનું શાસ્ત્ર વિકસાવ્યું! ભડલીએ પોતાની કોઠાસૂઝ કામે લગાડીને વિકસાવેલા આ શાસ્ત્ર દ્વારા હવામાનને લગતા જે ગૃહિતો સ્થાપિત કર્યાં, તે ‘ભડલી વાક્ય’ નામે પ્રખ્યાત છે! આ ભડલી વાક્યો કાવ્યાત્મક સ્વરૂપે હતાં. હજી આજે પણ ખેડૂતોનો મોટો વર્ગ ચોમાસાની આગાહી બાબતે ‘ભડલી વાક્ય’ને આદર્શ માને છે. ભડલી માત્ર ગુજરાતમાં જ નહિ પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પણ જ્યોતિષ તરીકે પ્રખ્યાત હતાં. એમણે પોતાનો અનુભવ, અવલોકનો અને ખગોળશાસ્ત્ર-જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરીને રચેલા ભડલી વાક્યો દ્વારા હવામાનના સચોટ વરતારા માટેની જે પદ્ધતિ આપી છે, એ છક્કડ ખવડાવી દે એવી છે. જુઓ કેટલાક ઉદાહરણો.

કારતક સુદ બારસે દેખ, માગશર સુદ દશમી તું પેખ,

પોષ સુદ પાંચમ વિચાર, માઘ સુદિ સાતમ નિરધાર;

તે દિન જો મેઘો ગાજંત, માસ ચાર અંબર વરસંત.

ફાગણી પાંચમ ચૈત્રી ત્રીજ, વૈશાખી પડવો ગણી લીજ;

એહ દિન જો ગાજે મેહ, લાભ સવાયો નહિ સંદેહ.

આ ચોપાઈમાં ભડલી જણાવે છે કે આ ચાર દિવસો - કારતક સુદ બારસ, માગશર સુદ દશમ, પોષ સુદ પાંચમ અને મહા સુદ સાતમ - દરમિયાન જો મેઘગર્જના થાય, તો ચોમાસું પૂરા ચાર મહિના લાંબું ચાલે છે. તેવી જ રીતે ફાગણની પાંચમ, ચૈત્રની ત્રીજ અને વૈશાખના પડવાને દિને મેઘ-ગર્જના થાય તો વરસાદનો ગર્ભ બંધાયો એમ સમજવું. આ તિથિઓ મારવાડી મહિના પ્રમાણે કૃષ્ણપક્ષની સમજવી. જેવી રીતે વરસાદનો ગર્ભ બંધાય છે, તેવી જ રીતે અમુક કારણો પેદા થતાં તે ગળી પણ જાય છે. આ પ્રકારની બીજી એક ચોપાઈ જુઓ :

અશ્ર્વિની ગળતાં અન્નનો નાશ,

રેવતી ગળતાં નવ જળ આશ;

ભરણી નાશ તૃણનો સહી,

વરસે જો કદી કૃત્તિકા નહીં.

આ ચોપાઈ દ્વારા ભડલી જણાવે છે કે જો અશ્ર્વિની નક્ષત્રમાં વરસાદ પડે તો અન્નનો નાશ થાય, રેવતી નક્ષત્રમાં પડે તો પાણીની તંગી પેદા થાય અને ભરણી નક્ષત્રમાં પડે તો બહુ ખરાબ સમય આવે. અહીં બીજી પણ એક કહેવત છે, "જો વરસે ભરણી, તો નાર મેલે પરણી અર્થાત ભરણી નક્ષત્ર દરમિયાન વરસેલો વરસાદ એવો ખરાબ સમય લાવે, કે માણસ પોતે જેને પરણીને લાવ્યો છે, એ નારીને પડતી મેલીને ઉચાળા ભરી જાય! પણ જો કૃત્તિકા નક્ષત્રમાં વીજળીનો ચમકારો માત્ર પણ થાય, તો અગાઉ જણાવેલા ત્રણેય નક્ષત્રોની વિનાશી અસરમાંથી બચી ગયા, એમ જાણવું!

તમે જુઓ, ભડલીએ પોતાની સાખીઓ-ચોપાઈઓમાં કાવ્યાત્મક સ્વરૂપે જે સચોટ જ્ઞાન રજૂ કર્યું છે, એ સૈકાઓ બાદ પણ લોકજીભે રમતું રહ્યું છે. પરંતુ કમનસીબે ભડલીનો પોતાનો ઇતિહાસ સચવાયો નથી. એમના જન્મ-મૃત્યુ વિષે કોઈ પ્રમાણો મળતા નથી. અરે, આપણને તો એય નથી ખબર કે ભડલી સ્ત્રી હતા કે પુરુષ! જે વ્યક્તિએ પશ્ર્ચિમ ભારતમાં હવામાનશાસ્ત્ર બાબતે પાયાની કામગીરી કરી, એના વિષે ભાગ્યે જ કોઈ નક્કર માહિતી મળે છે. જે કંઈ છે તે દંતકથાઓ સ્વરૂપે છે, અને આ દંતકથાઓના પાછા અનેક વર્ઝન્સ છે.

સૌથી પહેલા ભગવદ ગોમંડળનું વર્ઝન વાંચો. એ મુજબ ભડલી ગુજરાત-રાજસ્થાનના પ્રખ્યાત હુદડ જોશી નામક જ્યોતિષીની દીકરી હતી. હુદડ જોષી મારવાડનો વતની હતો અને એનો સમયગાળો ઇસ. ૧૧૦૦ થી ઇસ ૧૨૦૦ની આસપાસનો માનવામાં આવે છે. એ સમયે ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું. હુદડ જોશી અને સિદ્ધરાજ જયસિંહની એક લોકકથા બહુ જાણીતી છે. આજનું સિદ્ધપુર એ સમયે ‘શ્રીસ્થલ’ તરીકે જાણીતું હતું. છેક ઇસ. ૯૪૩માં સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલય મંદિર બનાવવાની શરૂઆત કરી, પણ એ કામ અપૂર્ણ જ રહ્યું. છેક ઇસ. ૧૧૪૦માં સિદ્ધરાજ જયસિંહે આ મંદિર પૂર્ણ કરાવ્યું. પરંતુ જ્યારે રુદ્રમાળ તરીકે ઓળખાતા આ મંદિરના બાંધકામનું અધૂરું કામ સિદ્ધરાજે હાથ પર લીધું, ત્યારે એની ઈચ્છા એવી હતી કે કોઈ સારા જ્યોતિષી પાસે ચોઘડિયું જોવડાવીને કાર્ય શરૂ કરવામાં આવે, જેથી કોઈ વિઘ્ન ન નડે. જેના જ્ઞાનની વાયકા દૂર દૂર સુધી ફેલાયેલી હતી, એવા હુદડ જોષીને મુહૂર્ત કાઢવાનું કામ સોંપવામાં આવ્યું. હુદડ જોષીએ મુહૂર્ત તો કાઢી આપ્યું અને ઠરાવેલા સમયે જમીનમાં ખીલી મારીને મુહૂર્ત કરી પણ દેવાયું. પરંતુ કોઈકની કાનભંભેરણીથી દોરવાઈને સિદ્ધરાજ જયસિંહે જમીનમાં મારેલી પેલી ખીલી પાછી ખેંચી કાઢી, એ સાથે જ જમીનમાંથી લોહીનો ફુવારો ઉડ્યો અને રાજાના વસ્ત્રો એમાં ભીંજાયા. રાજાને પોતાના જ્ઞાન પર વિશ્વાસ નથી એવું જાણીને હુદડ જોશી પણ ક્રોધે ભરાયા, અને એમણે ભવિષ્ય ભાખ્યું કે રાજા જયસિંહ તો અજેય રહેશે, પણ રુદ્રમાળના મૂહુર્ત માટે જમીનમાં ધરબાયેલી ખીલી જયસિંહે ખેંચી કાઢી હોવાથી આ મંદિર સુરક્ષિત નહિ રહે! અને ઇતિહાસ સાક્ષી છે કે ખરેખર એવું જ થયું! ભારત પર ચડી આવેલા અલ્લાઉદ્દીન ખીલજીએ રુદ્રમાળને ખંડેર બનાવી દીધું! આવા આ ભવિષ્યવેત્તા હુદડ જોષીનું એકમાત્ર સંતાન એટલે ભડલી નામક પુત્રી.

હુદડ જોશી ભલે જ્યોતિષી હતા, પરંતુ એમનો મોટા ભાગનો સમય ઘેટાં-બકરા ચરાવવામાં જતો. આ જ્ઞાની માનવ દિવસ-રાત વનવગડામાં ભટકતો રહેતો. પરિણામે વીજળી, વરસાદ, વાદળ, આકાશી નક્ષત્રો વગેરેનું સતત અવલોકન એની આદત બની ગયું. આ અવલોકનો પરથી એણે જે જ્ઞાન તારવ્યું, એ જ્ઞાન પોતાની પુત્રી ભડલીને પણ આપ્યું. અને ખગોળની સાથે સાથે કાવ્યશાસ્ત્રમાં પારંગત એવી ભડલીએ આ જ્ઞાનને લોકબોલીની સાખીઓ અને ચોપાઈઓમાં ઢાળીને લોકસ્મૃતિમાં અમર કરી દીધું!

બીજી એક કથા મુજબ હુદડ જોષીએ પંડિતાઈ કરવા માટે કાશીમાં ધામા નાખેલા. ત્યાં એક દિવસ ગ્રહોનો અભ્યાસ કરતા એમને જણાયું કે જો અમુક ચોક્કસ સમયે ગર્ભાધાન કરાય, તો તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતો જ્ઞાની પુત્ર જન્મે એવી શક્યતાઓ છે. આથી તેઓ તરત જ પોતાના ગામ, પોતાની પત્ની પાસે પહોંચવા માટે ચાલી નીકળ્યા. (આજના આઈવીએફ યુગમાં આ વાત કદાચ માનવામાં ન આવે, પરંતુ એ યુગ પ્રમાણે વિચારજો.) જોષીને માર્ગ કાપતા વાર લાગી અને સમયસર પત્ની પાસે નહિ પહોંચી શકાય એ નિશ્ર્ચિત થઇ ગયું. આથી જોષી એક ગામમાં થાકીને બેસી પડ્યા. ત્યાં એક યુવાન આહીરાણીએ જોષીને નિરાશ વદને બેઠેલા જોઈને દુ:ખનું કારણ પૂછ્યું. જોષીએ ગ્રહોની સ્થિતિ અને ગર્ભાધાનની વાત કહી. આ જાણીને આહીરાણીને થયું કે જો ખરેખર ગ્રહોનો આવો સંયોગ રચાયો હોય, તો શા માટે પોતે જ આ સમયે ગર્ભાધાન કરીને બુદ્ધિશાળી પુત્ર ન મેળવે?! આહીરાણીએ જોષી સમક્ષ પોતાનો વિચાર રજૂ કર્યો અને ગર્ભાધાન માટે તૈયારી દેખાડી! (બોલીવૂડની મસાલા ફિલ્મને ટપી જાય એવો ટ્વિસ્ટ છે ને!) જોષી અને આહીરાણી થકી જે જ્ઞાની પુત્ર જન્મ્યો, એ જ ભડલી (અથવા ભડ્ડરી). આગળ જતા ભડલીએ રાજાના વિશ્ર્વાસુ જ્યોતિષી તરીકેનું માન મેળવ્યું. અહીં ભડલીના જીવનનું એક ત્રીજુંય વર્ઝન છે. એ મુજબ ભડલી એક નીચી જ્ઞાતિની ક્ધયા હતી, પરંતુ એની જ્ઞાનપિપાસા બહુ ઊંચી. એની મુલાકાત ડંક નામના એક જ્ઞાની જ્યોતિષી સાથે થઇ. એ બંને એકબીજા સાથે જુદા જુદા વિષય અંગે વિચાર વિનિયમ કરતા રહેતા. પાછળથી તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહેવા માંડ્યા. લોક સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ લખે છે કે આ દંપતીના જે સંતાનો થયા એ ‘ડાકોત’ તરીકે ઓળખાયા. ઉત્તર પ્રદેશમાં જે ભડ્ડરિયા જ્ઞાતિ જોવા મળે છે, એ પણ ભડલીના વંશજો હોવાની વાત છે. આ પ્રજાતિના લોકો આજે ય જૂની કહેવત (એટલે કે ભડલી વાક્યો?) ઉપરથી વરસાદની આગાહીઓ કરતા હોય છે.

અહીં અચરજ એ વાતનું છે, કે જે ભડલી વાક્યો ઉપર આંધળો વિશ્ર્વાસ મૂકીને આપણા ખેડૂતો સદીઓથી ખેતી કરતાં આવ્યા છે, એ ભડલીના પોતાના જીવનની એક્કેય વિશ્ર્ચાસપાત્ર વાત જડતી નથી, જે છે એ બધી દંતકથાઓ જ છે. સામાન્ય રીતે આગાહીઓમાં ગપગોળા હોવાની શક્યતા વધુ હોય છે, અને ઐતિહાસિક પાત્રોના જીવન વિષે સચોટ ઐતિહાસિક તથ્યો મળી આવે એમ બને. પરંતુ ભડલી બાબતે આ વાત સદંતર ઊંધી સાબિત થઇ છે. અહીં ભડલીનું સાહિત્ય સચોટ છે, પણ એના વાસ્તવિક જીવન વિષે દંતકથાથી વિશેષ કોઈ માહિતી મળતી નથી!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

n46fa584
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com