27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

ઉમદા વાનગી પીરસવા બદલ તંત્રીને અભિનંદન

વાચકોનો રસ વધે અને ઇંતેજારી જળવાઇ રહે તે માટે આપે થોડા મહિનાથી બે માતબર નજરાણા ‘ફન વર્લ્ડ’ અને ‘હૈયાનો દરબાર’ શરૂ કર્યા છે, તેથી ખાસ કરીને સિનિયર સિટિઝનોની યાદદાસ્ત વધે છે અને આખો દિવસ સાહિત્ય અને પઝલમાં ડૂબેલા રહે છે.

એક વિભાગમાં નવેનવ અને બીજામાં એક માત્ર ઉકેલ સાચા મોકલવાની શરતોને લીધે હરીફાઇ જામે છે. સાચા જવાબ મોકલનાર વાચકોની સંખ્યા ૧૦૦નો આંક ટૂંક સમયમાં વટાવી જશે. દેશ-પરદેશથી રોજ રોજ આટલા બધા સાચા ઉકેલ આવે છે તેનાથી તેની લોકપ્રિયતા જોઇ શકાય છે. બંને નજરાણાના સંપાદકોની મેમરી, મહેનત અને રસને વધાવું છું અને ઝાઝા કરીને અભિનંદન આપું છું. તંત્રી મહાશય નીલેશ દવેને આવી ઉમદા વાનગી પીરસવા બદલ ખોબો ભરીને અભિનંદન. - જીવનભાઇ જે. શાહ

નરનારાયણ મંદિર, કાલબાદેવી, મુંબઇ- ૪૦૦ ૦૦૨.

રિઝર્વ બૅન્કના પરિપત્રનો પણ અનાદર

રાષ્ટ્રીયકૃત બૅંકોની અને ખાનગી બૅંકોની એન.પી.એ. માં થઇ રહેલા જંગી વધારાને ઘટાડવા માટે બૅંકો થાપણદારોને માથે જુદા જુદા ચાર્જનો બોજો સતત વધારી રહી છે.

આમ આ બૅંકો તેમની વધી રહેલી એન.પી.એ. સામે પ્રોવિઝન કરવા એટલે કે બૅંકની ફસાયેલી મૂડીને ગયા ખાતે ગણી લેવા માટે ખાતેદારો (ગ્રાહકો)ની પાસેથી વિવિધ ચાર્જ વસૂલી રહી છે. પેમેન્ટ ઍપથી અને ડિજિટલ મોડથી તમામ ખાતાધારકો પેમેન્ટ કરતાં થાય તે માટે આરટીજીએસ અને એનઇએફટીથી પેમેન્ટ કરનારાઓ પાસેથી ચાર્જ ન લેવાની રિઝર્વ બૅંકે ગત ૧૧મી જુલાઇએ પરિપત્ર કરીને સૂચના આપી હોવા છતાંય ખાતેદારો પાસેથી ઘણી રાષ્ટ્રીયકૃત બૅંકો અને ખાનગી બૅંકોએ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટથી અને એનઇએફટીથી પેમેન્ટ કરનારાઓ પાસેથી ચાર્જ લેવાનું ચાલુ રાખ્યું હોવાથી ખાતેદારોમાં આક્રોશ વધ્યો હોવાના તાજેતરના અખબારી અહેવાલને લક્ષમાં લઇ રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ યોગ્ય ઘટતાં પગલાં તાકીદે લેવા રહ્યા.

- મહેશ. વી. વ્યાસ

આકેસણ ફાટક પાસે, મુ-પો. પાલનપુર- ૩૮૫ ૦૦૧.

સન્માનનીય સુષમાજીની ચિર વિદાય

હિન્દી ભાષાનાં પ્રખર પુરસ્કર્તા અને ઓજસ્વી વક્તા સ્વ. સુષમાજીએ એક હિન્દુ સંમેલનમાં કહ્યું હતું કે, ગાય વિ. પશુઓને બચાવવાં હશે તો ‘ચરિયાણો’ અને પાણીની સગવડ, એ પાયાની અને અત્યંત જરૂરી બાબતો છે.

૧ હેક્ટર જમીન અને ૧ કે બે દેશી ગાય ગરીબ ગ્રામવાસીઓને આપી ગાયના માધ્યમથી ગરીબી ઉન્મુલન સાથે ગાયની રક્ષા થઇ શકે.

સુષમાજીની આ વાત કેટલી સચોટ હતી કે, ભારતીય અર્થ વ્યવસ્થામાં ગાય વિ.પશુઓ અર્થશાસ્ત્રની ધરી રૂપ છે. ભારતીય અર્થવ્યવસ્થા માટે ‘ચરિયાણો’ એ પાયાનો પ્રશ્ર્ન એટલા માટે કે જ્યાં સુધી ‘ચરિયાણો’ પૂરબહારમાં ફરીથી વિકસે નહીં ત્યાં સુધી ઘર ઘરમાં ગાય વિ. પશુધનને કુટુંબના સભ્ય તરીકે રાખી શકાશે નહીં. જેમ માતા કુટુંબનું રક્ષણ કરે છે તેમ પશુધન વિશ્ર્વકુટુંબનું અને સંસ્કૃતિનું માતાના સ્વરૂપમાં રક્ષણ કરે છે-જતન કરે છે. દુષ્કાળના વર્ષોમાં ઊભી થતી સમગ્ર પરિસ્થિતિનું મૂળ કારણ છે ‘ચરિયાણ’ (ઘાસચારો)નો નાશ. એમનું આ નિરીક્ષણ તદ્દન સાચું હતું. ઔદ્યોગિકરણે અને કહેવાતા વિકાસે ‘ચરિયાણ’ની જમીન હડપ કરી લીધી છે. તેથી અર્થતંત્રની કરોડરજ્જુ સમાન પશુધન રસ્તે રઝળી રહ્યું છે. વળી ઘાસચારા તથા પાણીના અભાવે આ પશુધનને સાચવવું દુષ્કર બની રહ્યું છે. ઉપરાંત સુષમાજીનું વ્યક્તિત્વ સૌમ્ય અને સરળ હતું. ભારતીય નારીને શોભે એ રીતનો એમનો પહેરવેશ હતો. કુશળ રાજનેતાની સાથે એમની નિષ્ઠા-ગરીમા-સાહસ અને વિચારધારા તથા મંત્રમુગ્ધ કરી દેતી તેમની વાણીની ખોટ રાજકારણનો ક્ષેત્રમાં પુરાવી મુશ્કેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

- સેવંતી મ. સંઘવી (થરાદ)

જૂના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઇ- ૪૦૦ ૦૬૯.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

VJ81OF
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com