24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જેટલીએ સત્તાનો મોહ છોડી દીધો એ મોટી વાત હતી
એકસ્ટ્રા અફેર - રાજીવ પંડિત

સુષમા સ્વરાજની વિદાયને વીસ દિવસ પણ થયા નથી ત્યાં જન્માષ્ટમીના સપરમા દાડે ભાજપને બીજો મોટો આંચકો લાગી ગયો અને અરૂણ જેટલીજીએ પણ વિદાય લઈ લીધી. ભાજપના ધુરંધર નેતા મનાતા જેટલી લાંબા સમયથી બીમાર હતા. કિડનીની તકલીફના કારણે શરીરે સાથ આપવાનું છોડવા માંડેલું. જેટલીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવી હતી. તેના કારણે થોડા દિવસ બધું સરખું ચાલ્યું ને પછી પાછી તકલીફો શરૂ થઈ જતાં જેટલીએ કમને પણ ફરજિયાતપણે કામથી અલિપ્ત રહેવું પડતું હતું. એ પછી તબિયત બગડતી જ ગઈ ને છેલ્લાં પંદરેક દિવસથી તો એ એઈમ્સમાં સાવ પથારીવશ હતા. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા. શનિવારે એ સિસ્ટમ પણ કામ કરતી બંધ થઈ ને જેટલીએ દેહ છોડી દીધો.

જેટલીના નિધનથી ભાજપે તેના પાયાના પથ્થર સમા એક નેતાને ગુમાવ્યો છે. જેટલી ભાજપની વિચારધારાને વરેલા પાયાના લોકોમાં એક હતા ને આજીવન એ વિચારધારાના પ્રસાર માટે મથતા રહ્યા. જેટલી કદી લોકોની ભીડ એકઠી કરનારા કે મતબેંકના નેતા ના ગણાયા પણ ભાજપનો વફાદાર વર્ગ ઊભો કરવામાં જેટલીનું યોગદાન બહુ મોટું છે. ખાસ કરીને શિક્ષિત અને મધ્યમ વર્ગનાં લોકોને ભાજપની વિચારધારા સાથે સંમત કરવામાં, ભાજપના વિચારોને સમર્થન આપતા કરવામાં જેટલીએ બહુ મોટો ફાળો આપ્યો છે.

જેટલી પોતે વિદ્યાર્થી કાળથી રાજકારણમાં આવી ગયેલા ને દિલ્હી યુનિવર્સિટીની ચૂંટણી જીતીને સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ બનેલા. આ કારણે યુવા વર્ગ પર તેમનો પ્રભાવ પહેલેથી હતો. વ્યવસાય તરીકે તેમણે વકીલાતને અપનાવ્યો કેમ કે તેમનામાં જબરદસ્ત વક્તૃત્વ શક્તિ હતી. હિંદી અને અંગ્રેજી બંને ભાષા પર તેમનું જોરદાર પ્રભુત્વ હતું. વકીલ હોવાના કારણે જેટલી અભ્યાસુ પણ હતા. કૉંગ્રેસ સામે બોલવા માટે નવા નવા મુદ્દા એ સતત શોધી લાવતા. કૉંગ્રેસનો દબદબો હતો એ સમયમાં પણ એ સતત હાર્યા વિના બોલ્યા જ કરતા. એ સંસદમાં તો બહુ પછી આવ્યા પણ ભાજપના જ્યારે ચણાય નહોતા આવતા ત્યારે એ વિદ્યાર્થી સંમેલનો કરતા ને શિક્ષિત વર્ગોનાં સંમેલનો ભરતાં. તેમાં પોતાની આ ક્ષમતાનો તેમણે ભરપૂર ઉપયોગ કર્યો. કૉંગ્રેસનાં કૃત્યોથી દુભાયેલાં લોકોને ભાજપ તરફ વાળવામાં તેમણે બહુ મોટું યોગદાન આપ્યું.

જેટલીની આ શક્તિઓના કારણે જ વિશ્ર્વનાથ પ્રતાપસિંહ સરકારે ૧૯૮૯માં તેમને એડિશનલ સોલિસિટર જનરલ નિમેલા. વી.પી. બોફોર્સ કાંડના કારણે સત્તામાં આવેલા. તેમણે આ કૌભાંડના મૂળ લગી પહોંચવા બોફોર્સ કેસની તપાસ ઝડપી થાય એ માટેનું પેપરવર્ક કરવાની જવાબદારી જેટલીને સોંપેલી. વી.પી.ની સરકાર પછીથી મંડલ પંચના આડે પાટે ચડી ગઈ એ અલગ વાત છે પણ જેટલીએ એ વખતે બોફોર્સ કૌભાંડ અંગે મજબૂત કેસ તૈયાર કરવામાં કોઈ કસર છોડી નહોતી. આ કેસના કારણે તેમને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી ને તેના કારણે તેમને પછીથી ભાજપના પ્રવક્તા બનાવાયેલા. ટીવી ચેનલો નવી નવી આવી હતી ત્યારે જેટલી ટીવી ચેનલોની ચર્ચાઓમાં છવાઈ જતા.

જેટલીની રાજકીય કારકિર્દી બહુ ઝળહળતી નથી કેમ કે એ લોકોને આકર્ષે એવા નેતા નહોતા. ભાજપના સંગઠનમાં મહામંત્રી ને પ્રવક્તા જેવા હોદ્દા ભોગવનારા જેટલી અટલ બિહારી વાજપેયી સરકારમાં પહેલાં રાજ્ય કક્ષાના ને પછી કેબિનેટ કક્ષાના પ્રધાન બનેલા. એ વખતની તેમની કામગીરીમાં યાદ રાખવા જેવું કશું નથી. વાજપેયી સરકારની કામગીરીમાં જ વખાણવા જેવું ઝાઝું નથી એ જોતાં તેમાં જેટલીનો વાંક ના કાઢી શકાય.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં જેટલી નાણાં મંત્રી બન્યા એ તેમની કારકિર્દીમાં પીક પોઈન્ટ હતો. મોદીના એ ખાસ વિશ્ર્વાસુ હતા તેથી લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં હારી ગયા હોવા છતાં મોદીએ તેમને નાણાં મંત્રી બનાવીને પોતાની સરકારમાં નંબર ટુ બનાવેલા. મોદી માટે એ મેન ઑફ ઓલ સિઝન હતા ને મોદી જ્યારે પણ ભીડમાં આવે ત્યારે તેમને દોડાવતા. મોદીને તેમના પર કેવો ભરોસો હશે તેનો પુરાવો એ છે કે, એક સમયે તો નાણાં અને સંરક્ષણ એમ બબ્બે મહત્ત્વનાં મંત્રાલય જેટલી પાસે હતાં. જેટલીએ પછીથી સંરક્ષણ મંત્રાલય છોડેલું ને માત્ર નાણાં મંત્રાલય પોતાની પાસે રાખેલું.

નાણામંત્રી તરીકે જેટલીની કામગીરી બહુ યશસ્વી નહોતી. તેમના સમયમાં જીએસટીનો અમલ શરૂ થયો એ ક્રાન્તિકારી ઘટના કહેવાય, પણ તેનો જશ જેટલીને ના આપી શકાય. કૉંગ્રેસના શાસનમાં તેનો તખ્તો તૈયાર કરી દેવાયેલો. જેટલી એ વખતે તેનો વિરોધ કરતા એ જોતાં ખરેખર તો જીએસટીના અમલનો જશ લેવાની વાત જ તેમને શોભે એવી નથી. જીએસટીના અમલમાં ડખા અને વારંવાર કરના દર સુધારા કરવા પડ્યા તેના કારણે તેમની ટીકાઓ તો થઈ જ, પણ નાણાં મંત્રી તરીકેની તેમની મર્યાદાઓ પણ છતી થઈ ગઈ. નોટબંધી જેવો મોટો નિર્ણય તેમના સમયમાં લેવાયો ને તેનાં શું પરિણામ આવ્યાં તે આપણા નજર સામે છે. રિઝર્વ બૅંક સાથે સતત સંઘર્ષના કારણે પણ વિવાદો પેદા થયા. ઊર્જિત પટેલે રિઝર્વ બૅંકનું ગવર્નરપદ છોડ્યું તેના માટે પણ તેમને જવાબદાર ગણવામાં આવતા હતા. ઈન્સોલ્વન્સી ઍન્ડ બેંકરપ્સી કોડ નાણામંત્રી તરીકે જેટલીએ કરેલું નોંધપાત્ર કામ છે.

જેટલી વિશે બે વાતોની નોંધ લેવી જરૂરી છે. પહેલી વાત એ કે, નરેન્દ્ર મોદી ભાજપને દેશમાં સ્પષ્ટ બહુમતી અપાવીને સત્તા સુધી પહોંચાડી શકે છે એ સમજનારા જેટલી પહેલા નેતા હતા. જેટલીએ બહુ પહેલાં જ મોદીની આ શક્તિને ઓળખી લીધી હતી ને મોદીને આગળ વધવામાં તમામ મદદ કરી. મોદીના ખરાબ સમયમાં એ સતત સાથે રહ્યા ને એક રાજકીય સાથીના બદલે મિત્ર વધારે સાબિત થયા. અમિત શાહ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ફસાયા ત્યારે પણ જેટલી સતત તેમની પડખે રહ્યા ને તેમની કાનૂની લડાઈમાં સાથ આપ્યો.

બીજી વાત એ કે, ભાજપને સોશિયલ મીડિયા ફ્રેન્ડલી જેટલીએ બનાવ્યું. જેટલી સોશિયલ મીડિયાની તાકાત પણ બહુ પહેલાં સમજી ગયેલા. સોશિયલ મીડિયા લોકો સુધી આપણી વાત પહોંચાડવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે એ વાત સમજી ગયેલા જેટલી સોશિયલ મીડિયા પર સૌથી સક્રિય નેતા હતા. સતત બ્લોગ લખીને કૉંગ્રેસનાં છોતરાં ફાડવાં અને ભાજપની સિદ્ધિઓની વાત લોકો સુધી પહોંચાડવી એ તેમનો જીવનમંત્ર બની ગયો હતો. તેમની ઉંમરના બીજા નેતા સોશિયલ મીડિયાથી દૂર ભાગતા ત્યારે જેટલી છેલ્લા દિવસો લગી તેના પર સક્રિય હતા. ખરાબ તબિયત હોવા છતાં તેમણે સુષમા સ્વરાજના નિધનના દિવસે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને પોતાની સક્રિયતાની સાબિતી આપી હતી.

જેટલી વિશે એક ત્રીજી પણ મહત્ત્વની વાતની નોંધ લેવી જરૂરી છે. બીમારી વધી પછી એ સામેથી ખસી ગયા હતા ને મોદી સરકારની જીત છતાં ફરી પ્રધાન ના બન્યા. આપણે ત્યાં લોકો મરી જાય ત્યાં લગી હોદ્દાનો મોહ નથી છોડી શકતા ત્યારે જેટલી બહુ આસાનીથી સત્તાથી અલિપ્ત થઈ ગયા એ મોટી વાત કહેવાય. જેટલી એ રીતે છેક લગી પોતાનું ગૌરવ જાળવીને જીવ્યા. પોતે સત્તા માટે નહીં પણ સિદ્ધાંતો માટે જીવે છે એ વાત તેમણે સાબિત કરી.

વિધિની વક્રતા એવી છે કે, ભાજપ આજે દેશમાં સૌથી મોટો અને તાકાતવર પક્ષ બની ગયો છે ને ત્યારે જ તેને આ કક્ષાએ પહોંચાડવા માટે જાત ઘસી નાખનારા નેતા એક પછી એક વિદાય લઈ રહ્યા છે. છેલ્લાં એક વર્ષમાં ભાજપે આવા અડધો ડઝન કરતાં વધારે નેતા ગુમાવ્યા છે. અટલ બિહારી વાજપેયી ગયા વર્ષે ૧૬ ઑગસ્ટે વિદાય થયા તેનાથી શરૂઆત થઈ હતી. એ પછી મદનલાલ ખુરાના, અનંત કુમાર, મનોહર પર્રિકર, સુષમા સ્વરાજ, બાબુલાલ ગૌર વિદાય થયા. હવે જેટલીજી પણ આપણી વચ્ચે નથી રહ્યા.

આ પૈકી મોટા ભાગના નેતા જનસંઘ સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા. સુષમા, પર્રિકર, અનંત કુમાર, જેટલી વગેરે જનસંઘ વખતે યુવા હતાં તો ભાજપની યુવા પાંખ સાથે જોડાયેલાં હતાં, પણ તેમના લોહીમાં ભાજપની વિચારધારા હતી. આ વિચારધારાને આગળ ધપાવવામાં તેમણે મોટું યોગદાન આપ્યું ને એ વિચારધારાને દેશવ્યાપી બનાવીને ભાજપને એક અછૂત મનાતા પક્ષમાંથી સર્વસ્વીકૃત પક્ષ બનાવ્યો. જ્યોર્જ ફર્નાન્ડિઝનું નામ પણ તેમાં લેવું પડે. જ્યોર્જ ફર્નાન્ડિઝ ભાજપના નેતા નહોતા, પણ ભાજપ તરફ દોસ્તીનો હાથ ફેલાવીને તેના તરફની સૂગની ભાવના દૂર કરનારા પહેલા નેતા હતા. આ એક વર્ષના ગાળામાં જ્યોર્જ ફર્નાન્ડિઝ પણ વિદાય થયા.

જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ર્ચિત છે. જેટલી પણ એ ક્રમને અનુસર્યા છે. તેમની વય બહુ નહોતી ને મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે એ જોતાં તે લાંબી જીવી શક્યા હોત. એક ખાધેપીધે સુખી પરિવારની અને શિક્ષિત વ્યક્તિ માટે ૬૭ વર્ષની વય મરવાની વય નથી, પણ બીમારીએ તેમનો ભોગ લઈ લીધો તેનો અફસોસ થાય. જો કે, જેટલીએ આટલી જિંદગીમાં પણ પોતાની એક છાપ છોડી દીધી એ કબૂલવું પડે. ભવિષ્યની પેઢી તેમને યાદ કરે એવું યોગદાન ચોક્કસ આપતા ગયા.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6C6u2725
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com