31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એફએટીએફ બ્લેક લિસ્ટેડ કરે તેનાથી પાકિસ્તાનને ફરક ના પડે

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિતપાકિસ્તાનની હમણાં બરાબરની બુંદ બેઠેલી છે ને ઠેર ઠેરથી ફટકા પડી રહ્યા છે. ભારતની નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીર મુદ્દે લીધેલા બે ઐતિહાસિક નિર્ણયોના કારણે બઘવાયેલું પાકિસ્તાન કાશ્મીર મુદ્દો ચગાવવા ઠેર ઠેર રઝળી રહ્યું છે ત્યાં ગુરૂવારે તેને વધુ એક ફટકો પડી ગયો. વિશ્વમાં આતંકવાદને કરાતી નાણાકીય સહાય રોકવા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) નામે સંઘઠન કામ કરે છે. આ સંઘઠને પાકિસ્તાનને ‘એનહેન્સ્ડ બ્લેક લિસ્ટ’માં મૂકી દીધું છે. પાકિસ્તાન અત્યાર લગી ગ્રે લિસ્ટમાં હતું, પણ પાકિસ્તાને આતંકવાદને નાથવા કાંઈ ના કર્યું તેમાં હવે તેને ‘એનહેન્સ્ડ બ્લેક લિસ્ટ’માં મૂકી દેવાયું છે.

એફએટીએફની હવે પછીની મિટિંગ ઑક્ટોબરમાં મળવાની છે ને એ પહેલાં પાકિસ્તાન આતંકવાદને મળતી આર્થિક મદદ રોકવા નક્કી કરાયેલાં પગલાં નહીં લે તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી દેવાશે એવી ચીમકી પણ અપાઈ છે. પાકિસ્તાન માટે આ મોટો ફટકો છે કેમ કે બ્લેક લિસ્ટમાં મુકાય તો પાકિસ્તાનની હાલત બગડી જાય. એફએટીએફ આતંકવાદીઓને મળતું ભંડોળ રોકવા માટે કામ કરતું ૩૮ દેશોનું બનેલું સંઘઠન છે. અમેરિકા, જાપાન સહિતનાં દુનિયાના માલદાર દેશો આ સંઘઠનના કર્તાહર્તા છે. આ સંઘઠન કોઈ પણ દેશને બ્લેક લિસ્ટમાં મૂકે તેનો અર્થ એ થાય કે, એ દેશને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ કોઈ પણ પ્રકારની લોન કે આર્થિક સહાય ના આપે. એટલું જ નહીં પણ વર્લ્ડ બૅંક, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ, એશિયન ડેવલપમૅન્ટ બૅંક વગેરે તગડી ને માલદાર નાણાં સંસ્થાઓ એ દેશના નામ પર ચોકડી મારી દે. યુરોપિયન યુનિયન પણ તેની સાથે વાટકી વહેવાર બંધ કરી દે. ટૂંકમાં દુનિયાભરમાં ચપણિયું લઈને ફરો તોય ક્યાંયથી ભીખ ના મળે ને આર્થિક હાલત પતલી થઈ જાય.

એફટીએફએ લીધેલો નિર્ણય મોટો છે. ભારત બહુ લાંબા સમયથી પાકિસ્તાનને એફએટીએફના બ્લેક લિસ્ટમાં મુકાવવા મથે છે એ જોતાં આપણે એવું આશ્ર્વાસન પણ લઈ શકીએ કે, આપણા દબાણના કારણે પાકિસ્તાન પર તવાઈ આવી. પુલવામામાં પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ આપણા ૪૦ જવાનોની હત્યા કરી એ પછી આપણે પાકિસ્તાનને એકલું પાડવા મચી પડેલા. તેના ભાગરૂપે પાકિસ્તાનને ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના બ્લેક લિસ્ટમાં મૂકવા દબાણ શરૂ કરેલું. એફએટીએફ પર દબાણ લાવવા માટે આપણી મોદી સરકારે બધું જ જોર લગાવી દીધેલું પણ આપણો પનો ટૂંકો પડી ગયો હતો. આ સંઘઠનની દર ત્રણ મહિને બેઠક મળે છે ને છેલ્લા નવેક મહિનાથી આપણે મથતા હતા પણ મેળ નહોતો પડતો. બે વાર તો આ સંઘઠને પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકવાની ઘસીને ના પાડી હતી. પાકિસ્તાન ગયા વરસના જૂન મહિનાથી આ સંઘઠનના ગ્રે લિસ્ટમાં છે ને આવતા ઑક્ટોબર મહિના લગી ગ્રે લિસ્ટમાં જ રહેશે એવું એ વખતે સંઘઠને કહેલું.

જો કે, ભારતે જોરદાર દબાણ પેદા કરેલું ને પાકિસ્તાનની આતંકવાદમાં સંડોવણીના નક્કર પુરાવા પણ મૂકેલા. તેના કારણે ભારતને સારું લગાડવા આ સંઘઠને એવું પણ જાહેર કરેલું કે, જૂન મહિનામાં પાકિસ્તાને આતંકવાદી સંઘઠનોને મળતું ભંડોળ રોકવા શું કર્યું તેનો હિસાબ માગવામાં આવશે ને પછી ઑક્ટોબરમાં ફરી બેસીશું ત્યારે હિસાબ કરીશું. એ વખતે લાગે કે પાકિસ્તાન આતંકવાદી સંઘઠનોને મળતાં નાણાંનો પ્રવાહ રોકવા કાંઈ નથી કરતું તો પછી પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકી દઈશું. એફએટીએફએ એ હિસાબ માંડ્યો ને તેમાં ખબર પડી કે, પાકિસ્તાને આતંકવાદને મળતી મદદ રોકવા કશું કર્યું નથી.

એફએટીએફએ આતંકવાદને મળતી મદદ બંધ કરવાના મુદ્દે ૪૦ ધારાધોરણ નક્કી કર્યાં છે ને તેમાંથી ૩૨ મોરચે પાકિસ્તાને કશું કર્યું નથી. આ સિવાય આતંકવાદને નાણાકીય સહાયને મની લોન્ડરિંગના ૧૧ ધારાધોરણમાંથી ૧૦મા પાકિસ્તાન નાપાસ થઈ ગયું છે. પાકિસ્તાને પોતે આતંકવાદને મળતી મદદ રોકવા શું કર્યું તેનો હિસાબ આપવા સાડા ચારસો પાનાંનું આખું થોથું એફએટીએફને આપેલું પણ પાકિસ્તાનની કોઈ ગોળી એફએટીએફના કારભારીઓને ગળે ઊતરી નથી. તેમણે એ બધાંનો ડૂચો કરી નાખ્યો ને પાકિસ્તાનને સાફ શબ્દોમાં ચીમકી આપી દીધી કે, ઑક્ટોબર લગીમાં નહીં સુધર્યા તો બ્લેક લિસ્ટમાં મૂકી દઈશું.

એફએટીએફના આ નિર્ણયના કારણે પાકિસ્તાનની હાલત બગડશે એ કહેવાની જરૂર નથી. દુનિયામાં મોટા ભાગનાં સંઘઠનો અમેરિકા સહિતના માલદાર દેશોના ઈશારે બને છે. એફએટીએફ પણ એ રીતે જ બનેલું છે. યુએસ, યુકે, કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી અને જાપાન એ સાત દેશોનું ગ્રુપ જી સેવન તરીકે ઓળખાય છે. આ સાતેય દેશ દુનિયાના સૌથી માલદાર દેશોમાં સ્થાન પામે છે. તેમણે ભેગા મળીને ૧૯૮૯માં એફએટીએફ બનાવેલું. એ વખતે જી સેવનના સાત દેશો ઉપરાંત બીજા ૯ દેશો મળીને કુલ ૧૬ દેશો તેના સભ્ય હતા ને પેરિસ તેનું હેડક્વાર્ટર હતું. મૂળ તો કાળાં નાણાંને ધોળાં કરવાનો કારોબાર એટલે કે મની લોન્ડરિંગને રોકવા આ સંઘઠન બનાવાયેલું. એ માટે શું કરવું તે અંગે ૪૦ ધારાધોરણો જાહેર કરાયાં હતાં

જો કે પછી નવા નવા મુદ્દા આવતા ગયા. આતંકવાદને પોષવા માટે મની લોન્ડરિંગ કારોબારનો ઉપયોગ થાય છે એ ધ્યાનમાં આવ્યું, પછી ૨૦૦૧માં ટેર્રિઝમ ફાયનાન્સિંગનો પણ ઉમેરો કરાયો. અમેરિકામાં થયેલા નાઈન ઈલેવનના હુમલા પછી અમેરિકા સહિતના દેશોને ભાન થયું કે, આપણે અહીં મની લોન્ડરિંગની પત્તર ખાંડ્યા કરીએ છીએ ને દુનિયામાં આતંકવાદનો ખતરો તેનાથી પણ મોટો થઈ ગયો છે. અમેરિકાના પગ તળે રેલો આવ્યો એટલે પછી ટેર્રિઝમ ફાયનાન્સિંગ પર પણ આ સંઘઠને નજર રાખવા માંડી. એ પછી જે દેશો આતંકવાદને રોકવામાં સહકાર ન આપે એવા દેશોને એકલા પાડી દેવા ને તેમને દુનિયામાં ક્યાંયથી આર્થિક સહાય ના મળે એવી હાલત કરી નાખવા માટે આ સંઘઠન કામ કરવા માંડ્યું, જે દેશ સાવ જ ઉઘાડ કાઢીને બેસી જાય ને ગાઠે જ નહીં તેને બ્લેક લિસ્ટમાં મૂકવાનું ચલણ શરૂ કર્યું. ઉત્તર કોરિયા ને ઈરાન એ બે દેશો અત્યારે બ્લેક

લિસ્ટેડ છે.

પાકિસ્તાન અત્યાર લગી ગ્રે લિસ્ટમાં હતું. જેમનો રેકોર્ડ શંકાસ્પદ હોય ને બીજા દેશો આતંકવાદને નાણાકીય મદદ કરવાનો આક્ષેપ કરે એવા દેશોને ગ્રે લિસ્ટમાં મુકાય છે. પાકિસ્તાન સામે ભારત સિવાય અફઘાનિસ્તાન સહિતના બીજા દેશો પણ આતંકવાદને પોષવાનું આળ મૂકી ચૂક્યા છે તેથી પાકિસ્તાન ગયા જૂન મહિનાથી ગ્રે લિસ્ટમાં હતું. કોઈ દેશ સળંગ ૧૫ મહિના લગી ગ્રે લિસ્ટમાં રહે ને છતાં એફએટીએફનાં ધારાધોરણોનું પાલન ના કરે તો તેને બ્લેક લિસ્ટમાં મૂકી દેવાય છે. પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સુધરી જવા ચેતવણી અપાયેલી પણ પાકિસ્તાન એ ચેતવણી ના સમજ્યું. પાકિસ્તાન પાસે હવે ઝાઝો સમય નથી ને સમય હોય તો પણ એ કાંઈ કરી શકે તેમ નથી તેથી એ બ્લેક લિસ્ટમાં આવી જશે એ નક્કી છે. પાકિસ્તાન બ્લેક લિસ્ટેડ થાય એ ભારત માટે મોટી જીત હશે એ કહેવાની જરૂર નથી.

પાકિસ્તાન સામે આર્થિક પ્રતિબંધ સહિતનાં પગલાં ભરવાનો ઝાઝો અર્થ નથી. પાકિસ્તાન અત્યારે ચીનના ખોળે બેઠેલું છે તેથી એ બહાર ભલે ગમે તે દેખાવ કરે પણ અંદરખાને તેને વાંધો નથી. ચીન તેને તન, મન, ધનથી મદદ કરે જ છે. સઉદી અરેબિયા સહિતના મુસ્લિમ દેશો પણ તેને ભરપૂર મદદ કરે છે. આ સંજોગોમાં પાકિસ્તાનને દબાવવું હોય તો આર્થિક પ્રતિબંધોના બદલે બીજી વ્યૂહરચના વિચારવી પડે.

જો કે, તેના કારણે પાકિસ્તાન સુધરી જશે એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. વાસ્તવમાં પાકિસ્તાન સામે આર્થિક પ્રતિબંધ સહિતનાં પગલાં ભરવાનો ઝાઝો અર્થ નથી. પાકિસ્તાન અત્યારે ચીનના ખોળે બેઠેલું છે તેથી એ બહાર ભલે ગમે તે દેખાવ કરે પણ અંદરખાને તેને વાંધો નથી. ચીન તેને તન, મન, ધનથી મદદ કરે જ છે. ચીનનાં આર્થિક હિતો પાકિસ્તાન સાથે સંકળાયેલાં છે તેથી એ પાકિસ્તાનનો હાથ સાવ છોડી દે એવું બનવાનું નથી. અમેરિકા સહિતના માલદાર દેશો પણ પાકિસ્તાનને સાવ કોરાણે મૂકે એવું તો ના બને પણ એવું બને તો પણ ચીન પડખે છે ત્યાં લગી તેને વાંધો નથી.

પાકિસ્તાનને મુસ્લિમ રાષ્ટ્રોનો પણ ટેકો છે. સઉદી અરેબિયા સહિતના મુસ્લિમ દેશો પણ તેને ભરપૂર મદદ કરે છે. પાકિસ્તાન છીંડે ચડેલું ચોર છે, પણ આ બધા દેશો અંદરખાને આતંકવાદને પાકિસ્તાન કરતાં પણ વધારે મદદ કરે છે. આ દેશો પાસે બેસુમાર નાણાં છે ને પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર છે તેથી તેને થોડુંક આપી દેવામાં તેમને કાંઈ વાંધો નથી. ટૂંકમાં આર્થિક પ્રતિબંધોથી પાકિસ્તાનને દબાવી ના શકાય ને તેને ઝાઝો ફરક ના પડે પણ આપણને રાજી થવા માટે એક કારણ ચોક્કસ મળે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

C8fwS745
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com