31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પુરુષ ક્યારેય શાશ્ર્વત નથી...

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યનામ : ચંદ્રાવતી

સ્થળ : મેમેનસિંઘ, બંગાળ (હવે બાંગ્લાદેશ)

સમય : ઈ.સ. ૧૬૦૦

ઉંમર : ૫૦ વર્ષ

‘એ ભયાનક મૂર્ખ છે, જો હું કહુ તો, ખોટું નથી.

આટલાં બધાં પુસ્તકો કોઈ વાંચે? બાપની દીકરી, તદ્દન મૂર્ખ.

તમે એને એના સોનાનાં ઘરેણા ઉતારીને, એના પાલવને ઘસડતી બેચેન જોઈ છે?

એણે જ બનાવેલી બધી અલ્પનાઓ એના પોતાના જ પગેથી ભૂંસી એણે.

મૂર્ખ છોકરી. એ માને છે કે પુરુષ શાશ્ર્વત છે, જીવનમાં!

જયદેવ મુસ્લિમને પરણી ગયો. પરંપરાના દેવતાઓને ત્યાગીને.

આ બધાની ઉપર

મેં તો કહેલું એને, આમ જ થશે.

તને ખબર હતી? એણે પૂછેલું, કઈ રીતે?

પ્રેમમાં પડતા જ સમજાય છે કેટલીક વાતો.

એ અપશુકનિયાળ વીંટીની કથા ખબર નથી તને?

અરે, બીચારી ચંદ્રાવતી, હવે એ શું કરશે? કોણ રાખશે એને?

મૂર્ખ છોકરી. એ માને છે કે પુરુષ શાશ્ર્વત છે, જીવનમાં!

ચારસો વર્ષ પહેલાં એક સ્ત્રીએ બંગાળમાં આ કવિતા લખી, તમે સમજી શકો છો એનો સમય? એ સમયની એની મજબૂરીઓ અને મર્યાદાઓ? ૧૮૬૧માં ટાગોર જન્મ્યા, એના પણ ૨૦૦ વર્ષ પહેલાં... એક સ્ત્રી આવો અવાજ ઉઠાવે અને એ પણ બંગાળમાં! સમજાય છે કોઈને? હું, ચંદ્રાવતી. બ્રાહ્મણ પરિવારમાં જન્મી છું. અમારા સમયમાં કઈ તારીખ-વાર નહોતા. ચંદ્ર જોઈને તિથિ નક્કી કરવામાં આવતી પણ ૧૫૫૦ની આસપાસ ક્યાંક મારો જન્મ થયો હશે એમ માનું છું...

ભારતમાં વિવિધ ભાષાઓ ઈ.સ. ૧૦૦૦માં બોલાતી થઈ. ભાષાને કારણે પ્રાદેશિક સાહિત્ય રચાતું થયું. એક વાર સાહિત્યની રચના શરૂ થઈ એ પછી ઈતિહાસ અને એની સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજીકરણની પણ શરૂઆત થઈ. ભાષાની શરૂઆતના ૫૦૦ વર્ષ પછી હું જન્મી એમ કહીએ તો ચાલે.

મારા પિતા દ્વિજ બંસીદાસ ભટ્ટાચાર્ય એમના સમયના પ્રસિદ્ધ કવિ હતા. પતુયારી નામના ગામમાં સિરસા પાસે અમે રહેતા હતા. ફુલ્લેશ્ર્વરી નદીના કિનારે કિશોરગંજમાં મારા બાળપણના દિવસો વિત્યા. મારા પિતા ઈચ્છતા હતા કે હું ભણગણીને ખૂબ આગળ વધુ. બ્રાહ્મણની દીકરી તરીકે એમને ખૂબ પ્રતિષ્ઠા અપાવું. એ વારંવાર મને ગાર્ગીનો દાખલો આપતા. નાની ઉંમરે યાજ્ઞવલ્ક્યના જ્ઞાનને પ્રશ્ર્ન પૂછીને શાસ્ત્રાર્થ કરનાર ગાર્ગી વચકનુ ૠષિની પુત્રી તરીકે ખૂબ પ્રતિષ્ઠા પામી, માટે મારા પિતાને લાગતું હતું કે હું પણ એમને પ્રતિષ્ઠા અપાવીશ. અમારા સમયમાં તો માત્ર દેવપૂજાના અને શ્રદ્ધાના ગીતો લખાતાં. આ એવા કાવ્યો હતા જેમાં શેતાન અને રાક્ષસી તત્ત્વોથી પીડાઈ રહેલા લોકો કઈ રીતે શ્રધાળુ રહી શકે અને પોતાના દેવતાને પૂર્ણ શ્રદ્ધાથી પૂજી શકે એની કથા વણી લેવામાં આવી હતી. એને ‘મંગળ કાવ્ય સાહિત્ય’ કહેવાતું. આમ જોવા જાઓ તો મંગળ કાવ્યમાં ખાસ સાહિત્ય નહોતું. તેરમી સદીના પ્રારંભમાં આ કાવ્યો રચાયાં. લગભગ સોળમી સદીમાં હું જન્મી ત્યાં સુધી આ કાવ્યોનું મહત્ત્વ જળવાઈ રહ્યું. મારા પિતા ઈચ્છતા કે હું કવિતા કરું, બંગાળી ભાષાનાં ઉત્તમ ગ્રંથો હું રચું એ એમનું સ્વપ્ન હતું. ૧૫૭૫માં અમે પિતા-પુત્રીએ મળીને ‘માનસ મંગળા’ની રચના કરી. આના કારણે મને યુવાનવયમાં જ કીર્તિ અને લોકપ્રિયતા મળ્યા. જોકે, આ કીર્તિ અને લોકપ્રિયતાનો મારી માટે કોઈ અર્થ નહોતો. મારું મન તો ક્યાંક બીજે જ ભટક્તું હતું!

અમારે ત્યાં ભણવા-ભણાવવાનું વાતાવરણ રહેતું. અનેક દ્વિજ વિદ્યાર્થીઓ અમારે ત્યાં આવીને ભણતા. મારા પિતા તેમને કાવ્યશાસ્ત્ર, વ્યાકરણ, બંગાળી અને સંસ્કૃત શીખવતા. હું પણ એ છોકરાઓ સાથે બેસીને ભણતી. જયચંદ્ર પણ એ જ છોકરાઓની સાથે આવતો. મને જયચંદ્ર માટે અપાર આકર્ષણ હતું. એ ખૂબ જ તેજસ્વી અને દેખાવડો હતો. હું એને જોઈને અનેક કવિતાઓ લખતી. જોકે, સોળમી સદીનો એ સમય, મધ્યયુગ નારી સર્જકો માટે દુર્ભાગ્યપૂર્ણ સમય કહી શકાય. એમને એમના જ સમાજે તિરસ્કૃત કરી મીરાંબાઈ, અક્કા, લલ્લેશ્ર્વરી જેવી સ્ત્રીઓને એમના સર્જનની પ્રક્રિયા દરમિયાન અત્યંત પીડામાંથી પસાર થવું પડ્યું. મારા સમયમાં અંગત કવિતા જેવું કંઈ લખવાનું કોઈને સૂઝે એય નવાઈની વાત છે. પ્રેમનું નામ અમારા સમયમાં તો લેવાય એમ જ નહોતું. જયચંદ્ર તરફ મારી આસક્તિની વાત હું મારા પિતાને કહી શકું એમ નહોતી. ભોજપત્રમાં લખેલી કવિતાઓને હું સંતાડીને રાખતી. એક કવિતામાં મેં લખ્યું હતું,

"હું નથી જાણતી,

એક સ્ત્રી શું વહન કરે છે,

શું નહીં.

એના ઘરમાં, કે વિશ્ર્વના તમામ હિસ્સામાં.

હું જીવી જ ન શકી હોત, જો મેં તને ન જોયો હોત.

ત્યાં એક નદી પણ છે,

તું આવજે

આપણે વહી નીકળીશું.

સ્ત્રી મધુર, શાંત, તુલસી જેવી નાજુક અને પતિની પૂજા કરનારી

પુત્રને જન્મ આપનારી, એક પતિની ઈચ્છાપૂર્ણ કરનારી હોય છે.

હું એના તરફ જોઉં છું ત્યારે હું શ્ર્વાસ લઉં છું,

જીવું છું,

મૃત્યુ પામુ છું.

તારી છું, જયદેવ!

આવી કવિતા પિતાના હાથે ચડે તો શું થાય? એ સમયમાં તો સ્ત્રીએ માતા-પિતાની આજ્ઞાને અનુસરવાનું. મસ્તક નીચું રાખવાનું. આંખ નહીં ઊંચકવાની. ઓષ્ટદ્વય બીડેલા રાખવાના... કોઈને પ્રેમ કરું છું એમ તો કેમ કહેવાય? લજ્જા અને પીડાથી મારું જીવન દુષ્કર બની ગયું હતું. જયચંદ્રને જો ન કહું તો એ બીજી બ્રાહ્મણ ક્ધયા સાથે લગ્ન કરી લે એમ બને, જો એમ બને તો મારું જીવન અશક્ય!

મારી બધી લજ્જા, પીડા, તૃષા અને પ્રાર્થનાને મેં મારી કવિતામાં ઉતારી. જયચંદ્ર અને હું કવિતા લખવામાં એકમેકની સ્પર્ધા કરતા. એકબીજાની સ્પર્ધા કરતા, ભાષા, સાહિત્ય, કલા અને સૌંદર્યનો પ્રેમ અમને એકબીજાની ખૂબ નજીક લઈ આવ્યો હતો. મને લાગતું હતું કે જયચંદ્ર મારા પ્રગાઢ પ્રેમમાં છે. મારા પિતા બંસીદાસે એક દિવસ મારી લખેલી કવિતાઓ વાંચી. એમને પણ જયચંદ્ર ગમતો હતો. એમણે જયચંદ્ર સાથે મારા લગ્ન નક્કી કર્યા.

મને લાગ્યું કે જીવન હવે સુખમય અને શાંત બની જશે. અમારા વિવાહના દિવસે જ્યારે અમે સહુ મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમારા ગામના ન્યાયાધીશ અને બ્રિટિશ સરકારના સ્થાનિક કારકૂન ત્યાં આવ્યા. એમણે અમને રોક્યા. જયચંદ્રની પૂછપરછ કરવી પડશે એમ કરીને એને ન્યાયાધીશના ઘેર લઈ જવામાં આવ્યો.

અમે સહુ ફફડતા જીવે બેસી રહ્યા... છેક સાંજે જયચંદ્ર પાછો ફર્યો ત્યારે એના હાથમાં સરકારી ફરમાન હતું.

"જયચંદ્ર ચટ્ટોપાધ્યાયને સરકારી ફરમાનથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરી આસ્માની નામની છોકરી સાથે લગ્ન કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આમ નહીં કરે તો જયચંદ્રને દેહાંત દંડની સજા થશે. અમારા સૌ પર વીજળી તૂટી પડી. ખાસ કરીને, મને તો લાગ્યું કે મારું જીવન એ જ ક્ષણે પૂર્ણ થઈ જતું હતું. મારા પિતાએ જયચંદ્ર સાથે શાંત મને એકાંતમાં ચર્ચા કરી ત્યારે એમને જાણ થઈ કે મારી સાથે વિવાહ નિશ્ર્ચિત થયા હોવા છતાં, મને પ્રગાઢ પ્રેમ કરતો હોવાનો દાવો કરતો જયચંદ્ર આસ્માની નામની મુસલમાન યુવતીના પ્રેમમાં પડ્યો, એટલું જ નહીં એણે એને પ્રેમ પત્ર લખ્યો. આસ્માનીની સાથે પણ એ નદી કિનારે સમય વિતાવતો. આસ્માનીના પિતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એ પ્રેમ પત્ર લઈને સ્થાનિક ન્યાયાધીશ પાસે પહોંચ્યા. એમની પુત્રીને ગેરમાર્ગે દોરવા બદલ, એની પ્રતિષ્ઠા અને પવિત્રતા સાથે રમત કરવા બદલ એને સજા થવી જોઈએ એવી એમણે માગણી કરી...

ન્યાયાધીશે જયચંદ્રને આસ્માની સાથે લગ્ન કરવાનો આદેશ કર્યો. જયચંદ્ર પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે એણે પણ એ આદેશને સ્વીકારી લીધો...

જાણે કે મારા જીવનનો અંત થઈ ગયો હોય, એવું મને લાગ્યું! (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

05u1511
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com