31-March-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભાવના ગાંધીવાદી, કાર્ય સમાજવાદી

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લજાણીતું છે કે કૉંગ્રેસની અંદર જ એક ઠીક ઠીક મોટું સમાજવાદી જૂથ હતું જે લોકો પોતાને કૉંગ્રેસ સોશિયાલિસ્ટ કહેતા. જયપ્રકાશ નારાયણ, લોહિયા બધા એની અંદર જ હતા. છેક સુધી, છેક આઝાદી સુધી એ સૌ કૉંગ્રેસમાં જ રહેલા. એમને લાગ્યું કે હવે નેહરુ સરકાર દેશમાં અસમાનતાનો ભોગ બનતા વંચિતો ઉપર મુખ્ય ફોકસ નહીં રાખે તેથી અને અન્ય રાજનૈતિક કારણોને લીધે આઝાદી પછી એ લોકો છૂટા પડી ગયા. છેક સુધી જો કે એમણે ગાંધીજીને પ્રેરણારૂપ ગણ્યા અને રાષ્ટ્રીયતા તરીકે સ્વીકાર્યા. આજે પણ દેશમાં ગાંધી વિરુદ્ધ અને ગોડસેની તરફેણમાં એવા અનેક દ્રષ્ટિકોણથી જાહેર અને છૂપી પ્રવૃત્તિઓ ચાલે છે ત્યારે પણ ગાંધીજીને ફારગતી આપી શકાતી નથી. એવું નથી કે એમની દ્રષ્ટિ ક્યાંય ખૂટતી નહોતી કે ક્યાંક એમની રણનીતિ ખોટી હતી; પણ આટલા મોભાનો, આટલો વિચક્ષણ અને આટલા વ્યવહારિક અધ્યાત્મને સમજવાવાળો નેતા દુનિયામાં ભાગ્યે જ પાકે છે. મહાન અશ્ર્વેત નેતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કે દ.આફ્રિકાના રાષ્ટ્રપિતા નેલ્સન મંડેલા એમના નામે સોગંદ ખાય અને એવા તો કેટલાય આંતરરાષ્ટ્રીય પ્રજા એમનામાંથી પ્રેરણા લે ત્યારે ભારતમાં એમનું નામ બદનામ કરનારા કે ઓછા મહત્ત્વના ગણવાની પેરવીઓ જલદી સફળ થવાની નથી. વીસમી સદીમાં રાષ્ટ્રીય લડત દ્વારા એ સ્ત્રીઓને જાહેર જીવનમાં લાવી રહ્યા હતા ત્યારે કેટલાંયે જૂથો કે પક્ષ સ્ત્રીને સભ્યપદ પણ આપતાં નહોતાં.

પૂર્ણિમા બેનરજી

વીસમી સદીના પ્રારંભમાં જન્મેલાં પૂર્ણિમા બેનરજી હતાં બંગાળી પણ પિતાએ વસવાટ કરેલો ઉત્તર પ્રદેશમાં. એ એક હોટેલ ચલાવતાં હતા અને એ બ્રાહ્મો સમાજ પરિવાર હતો. બ્રાહ્મો કે બ્રહ્મ સમાજી આપણે જાણીએ છીએ કે એક સુધારક અને પ્રગતિશીલ ધર્મપંથ હતો. સનાતન ધર્મમાં પેઠેલી તર્કહીન વિધિઓ, અંધવિશ્ર્વાસ, બ્રાહ્મણોની ધાર્મિક એજન્સી, જ્ઞાતિભેદ અને અન્ય બદીઓથી સુગાઇ ગયેલા અને આધુનિક કાળમાં પ્રવેશી ગયેલા બંગાળીઓએ બ્રાહ્મો સમાજની સ્થાપના કરેલી. રાજા રામમોહન રાય એના સ્થાપક ગણાય છે. રવીન્દ્રનાથ ટાગોરના દાદાના સમયથી એમનો પરિવાર બ્રાહ્મો હતો. એમના પિતાને દેવર્ષિ કહેવામાં આવતા. બંગાળમાં નવજાગૃતિ કાળ વહેલો આવ્યો, કારણ કે ૧૭૫૭માં પ્લાસી (પલાશી) મેદાનના યુદ્ધમાં બંગાળના નવાબ હારી ગયા પછી ત્યાં સીધું અંગ્રેજ રાજ આવેલું. આમ તો અંગ્રેજો એમની નાલાયકી અનુસાર આની આગળથી પણ એક એક સંધિ પછી વધુ ને વધુ મહેસૂલ લઇ રૈયતને ચૂસી નાખે તેવા કરવેરા લેતા જ હતા. તે છતાં એમની હકૂમત હેઠળ જ પેલા ધાર્મિક સડાઓ વિશે પુનર્વિચાર કરી કાંઇક પગલાં તો લેવાયાં. કોઇ કોઇ પાદરીઓનાં ભાષણ સાંભળીને કે પોતાના ધર્મની બદીઓ જોઇને ખ્રિસ્તી થઇ ગયેલા વટલાવું ન હોય તેવાઓએ ધર્મની અંદર રહી સુધારા લાવવાના પ્રયાસ કર્યા. એ લોકો પણ અલબત્ત આ સુધારકોને ખિસ્તી જેવા જ ગણતા. અરે એ તો બ્રાહ્મો થઇ ગયા... એટલે વટલાઇ ગયા. બંગાળમાં ભાગ્યે જ જોવા મળે એવા રવીન્દ્રનાથના દાદા મોટા વેપારી હતા અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં કમાયેલા. બીજા કોઇક વળી અંગ્રેજ અદાલતમાં વકીલ-બેરિસ્ટર હોય, કોઇક અંગ્રેજોની શાળા-કોલેજમાં ભણેલા હોય. રવીન્દ્રનાથ બ્રાહ્મો હતા, એમની પ્રાર્થનાઓ માત્ર ઇશ્ર્વરને સંબોધતી હોય છે અને લય, જણવિષાદ વગેરે દૂર થાય નંદિત ચિત્ત બને એવી અરજી કરતી હોય છે. આ કે પેલા દેવદેવીઓની નહીં શરદચંદ્રની નવલકથાઓમાં બ્રાહ્મો પરિવારોના ઉલ્લેખ આવે છે, જેમ કે ‘પરિણીતા’ કથાનાયિકાના મામાને ઘરે ઉછરી છે અને એ પરિવાર હવે બ્રાહ્મો થઇ ગયો છે. ગુરુદત્તની ‘સાહેબ, બિબી ઔર ગુલામ’ જુઓ તો એમાં મીનાકુમારી પરંપરાગત જમીનદાર પરિવારની છે અને પતિના પ્રેમ અને સાથ માટે કકળે છે પણ પતિની ભૂમિકામાં રહેમાન એ સમજતો પણ નથી. તે વખતે અને હજી ઘણે સ્થળે પત્ની એટલે સમાજમાં પોતાના મોભા અને જ્ઞાતિમાં ફિટ બેસે અને પોતાનાં કાનૂની બાળકો જણે અને પરિવાર સાચવે એવી પ્રથા હતી.

મોજશોખ તો દોસ્તારો જોડે અને ગાનારી નાચનારી જોડે કશીયે પ્રતિબદ્ધતા વિના કરવાનાં હોય. આ સામે વહીદા રહેમાનની ભૂમિકા આધુનિક નાયિકાની છે. બ્રાહ્મોસમાજની અસરમાં ક્ધયાશિક્ષણ, જ્ઞાતિબંધનની નાગચૂડમાંથી છૂટ વગેરે આવેલાં બહુ કોઇ મોટી ક્રાંતિ નહોતી થઇ ગઇ પણ ‘પ્રિયદાસ’ કે ‘સુહાસચંદ્ર’ નવલકથાઓમાં પણ આવી નવીનતાના અને પ્રાચીનતાના ભેદ દેખાય.

પેલી પંદર સંવિધાન નિર્માણસભામાં હતી તેમાં પૂર્ણિમા બેનરજી પણ આવે, એમના નાનાં બહેન અરુણા અસફઅલી વધુ વિખ્યાત છે, કારણ કે ૧૯૪૨ના ગામદેવી મેદાનમાં (હવે ઑગસ્ટ ક્રાંતિ મેદાન)એમણે પહેલો ઝંડો ઉઠાવ્યો એમ નોંધાયું છે. જોકે ઉત્કર્ષ મઝુમદાર અને મેં સ્વાતંત્ર્યવીર મથુરા લોટલીકરનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે એમણે વિસ્તારપૂર્વક બતાવ્યું કે કઇ રીતે એમણે ઝંડો ઉઠાવ્યો સૌ પહેલાં. એમને કહ્યું કે તમારું નામ તો એમાં નથી તો ગિરગામની ચાલીમાં ત્રીજે માળે રહેતા અપંગ થઇ ગયેલાં મથુરાબાઇએ કહ્યું કે મોટા પથ્થર તો પાયામાં જતા રહે. તમને દેખાય નહીં. તમને તો સુંદર ઇમારત જ દેખાય ને! પૂર્ણિમા બેનરજીની વાત કરીએ તો એ પણ મીઠાના સત્યાગ્રહથી ગાંધીકાર્યમાં જોડાયેલાં અને ‘હિંદ છોડો’ ચળવળમાં પણ અગ્રણી હતાં. જેલમાં ગયા હોય તેની નવાઇ શી? ૧૯૪૬ થી ૧૯૫૦ સુધી એ અલાહાબાદમાં ઇન્ડિયન નેશનલ સંગઠનો કૉંગ્રેસના સેક્રેટરી હતાં એ વખતે એમણે મઝદૂર સંગઠનો જોડે કામ કર્યું, કિસાન સભાઓમાં જોડાયા અને પક્ષને વધુ ગ્રામીણ સમાજની આવશ્યકતા તરફ વાળ્યો. એક મોટા પક્ષમાં તરહ-તરહના લોકો હોય કોઇ મજૂર તરફી, કોઇ માલિક તરફી, કોઇ ધીમે ચાલે, તો કોઇ આકરી ભાષા વાપરે. પૂર્ણિમા બેનરજી ધરાર કૉંગ્રેસને ગ્રામીણ ગરીબો અને શહેરી મઝદૂરો માટે કામ કરવાની માંગ કરતાં હતાં. ગાંધીજીમાં પાછી શ્રદ્ધા તો ખરી જ. હિંસક પદ્ધતિ બિલકુલ નહીં. ૧૯૩૦ના દાયકામાં આવી સમાજવાદી વિભાવનાઓ કૉંગ્રેસ પક્ષમાં ઘણી દેખાય છે.

સુભાષચંદ્ર, નેહરુ તો એ માટે જાણીતા હતા પણ સરદાર પણ આથી અલિપ્ત નહોતા, પૂર્ણિમાબહેન આવી એમની રાજનીતિ તરીકે કહેવાયાં કે પ્રેમે ગાંધીવાદી ને કર્મે સમાજવાદી. થોડો સમય સામ્યવાદ તરફ પણ ઝુકાવ હતો પણ ત્યાં એમને ફાવ્યું નહીં. શહેરી શિક્ષિત વર્ગમાંથી આવેલી નેહરુની બહેન, વગેરેની જેમ પૂર્ણિમા બેનરજીના પણ ટૂંકા બોબ્ડ હેર હતા. મહત્ત્વનું એ નથી પણ જોવાનું છે કે સંવિધાનના અગ્રલેખમાં જ એમણે ભોજન અધિકારની વાત કરી છે કે કોઇ ભારતવાસી ભૂખ્યાં ના મરે શિક્ષણાધિકાર તો ઘણાંની જેમ એમણે પણ માગેલો પણ ત્રીજો એમણે માંગેલો કે પ્રત્યેક નાગરિક સન્માનપૂર્વક સવેતન કામ મેળવી શકે. એમનો આગ્રહ હતો કે સરકારી સહાયથી ચાલતી બધી જ શાળાઓમાં એવી રીતે પ્રાર્થના અને ધાર્મિક શિક્ષણ હોવાં જોઇએ જેમાં બધા ધર્મોની ફિલોસોફીનાં તુલનાત્મક તત્ત્વો હોવાં જોઇએ અને નહીં કે ભેદભાવ વધારતી સામગ્રી. એમની એક વાત તો વિરોધીઓએ એવી રીતે બહેકાવેલી કે ડૉ.આંબેડકરે શાણપણ વાપરી વિરોધીની વાત પર છેકો મારેલો. વિરોધી હતા એક એચ.વી.કામત એ હતા મધ્ય પ્રાંત અને બેરારના પ્રતિનિધિ. પૂર્ણિમા બેનરજી પણ સ્ત્રી માટે અનામત સીટોના વિરોધી હતા. આ સૌને લાગતું કે સોનેરી પગલે આઝાદી આવી છે તેમાં સાહજિક રીતે સમાનતા આવી જશે. છતાં સ્ત્રી પ્રતિનિધિઓની સંવિધાન સભામાં ખોટ હતી (૨૯૯ પુરુષો અને ૧૫ સ્ત્રીઓ) ત્યારે ત્રણ સ્ત્રી સભ્યોના જતા રહેવાથી પડેલી ખોટ એ જ બેઠકો પર નવાં સ્ત્રી પ્રતિનિધિઓથી ભરવી જોઇએ (માલતી ચૌધરી અને સરોજિની નાયડુ અવસાન પામેલાં અને વિજયાલક્ષ્મી પંડિત યુનાઇટેડ નેશન્સમાં ગયેલા) તો કામત સાહેબ ઉઠ્યા કહે કે સ્ત્રીઓ હૃદયથી કામ કરે છે અને પુરુષ બુદ્ધિથી, સરકારી કાર્યોમાં લાગણીપ્રધાન ન થવું જોઇએ એવી સ્થિતિ વારંવાર આવે. આથી વધુ સ્ત્રીઓ સામેલ હોય એવી સભા કે સમિતિ યોગ્ય રીતે કામ ન કરી શકાય, સ્ત્રીઓને મોટા મંડળો કે ટ્રસ્ટી સમિતિ વગેરેથી દૂર રાખવા વગર બોલે પણ આવું જ દોઢડાહ્યાપણું ચાલતું હોય છે. મને યાદ છે કે ‘સુબહ’ ફિલ્મ આવી તે અગાઉ એના નિર્માતા સ્મિતા પાટીલ સાથે મને અને ફ્લેવિયા એગ્રિસને પણ તાજમહાલ હોટેલમાં મીડ ટાઉન રોટરીની મિટિંગમાં લઇ ગયેલા. એ વખતે ઇન્દિરા ગાંધી પંતપ્રધાન હતા પણ સ્ત્રીઓને અહીં સભ્યપદ મળતું નહીં, પત્ની તરીકે એમનું વર્તુળ હોય પણ સભ્યની યાદીમાં એમનું નામ નહીં. તે વખતે તો આ મોભાદાર સંસ્થા હતી તે શ્રી કામત જેવા અને એમના ચેલાઓ આજે એમે નહીં તો એમે હવે બધે સ્ત્રીઓને સભાઓમાં સામેલ કરે છે, આમ તો અંગ્રેજો ભારતીયોને એમની કલબોની બહાર રાખતા હતા ને! સત્તાશીલ આવું જ કરે, તો ભારતીય પુરુષોની કોની પર સત્તા હતી? સ્ત્રીઓ પર એટલે પોતાના જેટલી જ કે ક્યારેક વધુ તેજસ્વી વીર સ્ત્રીઓ સંવિધાન સભામાં પાંચ ટકા જેટલા પ્રમાણમાં આવી ગઇ હતી એય બાપડાઓને ખૂંચ્યું હશે.

એની મસ્કરિના

સંવિધાન સભાના આ સભ્યના નામ જોડે તરત જ લખાય છે કે લેટિન ખ્રિસ્તી હતી. કેરળમાં ખ્રિસ્તી ઉચ્ચનીચના ભેદ માટે આ મહત્ત્વનું હતું. ટૂંકમાં એ પ્રથમ સદીમાં ખ્રિસ્તી ધર્મ સ્વીકારનાર ઊંચી કોટિના સિરિયન ખ્રિસ્તી નહોતા પણ પોર્ટુગીઝ શાસન દરમ્યાન રોમન કેથોલિક બનેલા. બેબે વાર એમ.એ. કરી પછી કોલેજ અને શાળામાં શિક્ષક બનેલા. દેશી રિયાસત ત્રાવણકોરના રહેવાસી, દેશી રજવાડાં અંગ્રેજોના ચમચા હોય પણ બાઇઓમાં હિંમત ઘણી, આવડત ઘણી અને ભાષા પ્રભાવકારી. એમણે આઝાદી પછી ત્રાવણકોર રાજ્યને ભારતમાં જોડી દેવા ઘણું કરેલું. એમની પર અને એમની મિલ્કત પર ઘણા હુમલા થયેલા પણ એ અડગ હતા. આ વિસ્તારમાં કૉંગ્રેસના આઝાદી કાર્યમાં જોડાનારા એ પ્રથમ મહિલા, જેલમાં ગયા તો ત્યાં પણ કેદીઓના હકોની માગ કરે, બોલવા બેસે તો રોક્યા રોકાય નહીં. સંવિધાન સભામાં કેરળના એ એક માત્ર પ્રતિનિધિ. મોંફાટ બોલે તેથી ગાંધીજીએ પણ એક વાર રોકેલા. સૌને લાગતું કે આવી જલદ ભાષા સ્ત્રી વાપરે? ભલે ને સ્થિતિ બહુ જ જલદ હોય! એમાં આપણે શું કહી શકીએ?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

15Am66
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com