17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તમાકુને તિલાંજલિ આપો
જે ઘરમાં વડીલો વ્યસનીઓ હોય ત્યાં બાળકો પર ખરાબ અસર પડે...

ગ્રાહક સુરક્ષા - ચંદ્રકાંત આનંદપરાતમાકુનું વ્યસન હોય એનો ત્યાગ કરવો સહેલો નથી. ભલેને એનાં દુર્ગણો વિશે ઉપદેશ સાંભળ્યો હોય એ છોડી શકાતા નથી એ નશો છે. આ લેખકે ૫૦ વર્ષ સુધી ધૂમ્રપાન કર્યું હતું. વારંવાર છોડાવવા પ્રયત્ન કર્યા હતાં. બન્યું એવું કે મારે જૂહુ - સ્થિત હેલ્થ-કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ થવાનું હતું ત્યારે મારા દીકરી સમાન ડો. અસ્મિતાએ કહ્યું ‘કાકા જુઓ તમને કેટલી ખાંસી થાય છે! તમે કેન્દ્રમાં સારવાર માટે જાઓ છો ત્યારે મારા માથા પર હાથ મુકો. મારા તમને સોગંદ છે. ત્યાં તમે સિગારેટ ધૂમ્રપાન સદંતર છોડીને જ આવજો’ ખરેખર એ શુભ અને સોનેરી દિવસ મારા જીવનનો હતો. મેં મક્કમ નિર્ણય કર્યો ધૂૂમ્રપાનનો ત્યાગ. આજ આ વાતને ૧૨ વર્ષ થઈ ગયા છે - સિગારેટને હાથ લગાવ્યો નથી. એટલું જ નહીં, મારી બાજુમાં કોઈ ધૂમ્રપાન કરે એ પણ મને હવે ગમતું નથી. ને એટલે જ આ લેખ લખવાનો અધિકારી છું. ધૂમ્રપાનની તિલાંજલિ આપવી હોય તો મક્કમ મનોબળ અને નિર્ણય આવશ્યક છે.

તમાકુ વ્યસન મુક્તિના નિષ્ણાત જાગૃતિ ચશ્માવાલાનું કહેવું છે કે ‘તમાકનું વ્યસન છોડવું અઘરું છે પણ અશક્ય નથી. તમાકુ છોડવા માટે વ્યસન મુક્તિ ઈચ્છુકોને યોગ્ય સલાહ, માર્ગદર્શન અને દવા આપવામાં આવે તો સફળતા મળે છે.’

ક્વિટ ટોબેકો પ્રોગ્રામઃ ડો. ચશ્માવાલા સંચાલિત કાર્યક્રમમાં શરૂઆતમાં વ્યસનીને સચિત્ર સાદી ભાષામાં તમાકુ આપણા શરીરમાં કેટલું નુકસાન કરે છે એ સમજાવવામાં આવે છે. આથી સમજીને છોડનારી વ્યસનીનું વ્યસનમુકત થવાની શકયતા ઘણી વધી જાય છે. પરિવારનો ટેકો હોય તો સરળતા રહે અને સફળતા મળે. તમાકુ બંધ કરવાની સાથે જ કલાકોમાં વ્યસનીને જાતજાતની તકલીફો થાય છે. કામમાં ચિત્ત ન લાગવું, તલપ લાગવી, માથું ભારે થવું, બેચેની થવી વગેરે અનુભૂતિ થાય છે અને તે કંટાળીને, નિરાશ થઈને પાછો તમાકુને વળગી રહે છે.

સારવારના પ્રથમ બે દિવસો અઘરા હોય છે વ્યસનીને સંપૂર્ણ માર્ગદર્શન અને પછી સમજાવવામાં આવે છે અને ઉક્ત તકલીફોમાં ઓછામાં ઓછો ૮૦ ટકા સુધારો વર્તાય છે.

વ્યસન-મુક્ત થવા માટે માત્ર મનોબળ પૂરતું નથી. તમાકુ બંધ કરવાની સાથે જ રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ઉત્પન્ન થાય છે એને સમજી કાબૂમાં રાખીએ તો વ્યસન-મુક્તિમાં સફળતા મળે છે. તમાકુ છોડવાથી થતી તકલીફોને નીવારવા દવાનો એક ડોઝ આપવામાં આવે છે. આ દવાથી ટોબેકોથી થતી તલપ અને એમાંથી મળતો વ્યસનીને આનંદ તે ઘણે અંશે કાબૂમાં રાખી શકાય છે. એક જ દવા લાગુ ન પડે તો વિવિધ દવા અને તેની માત્રાને સંયોજિત કરવામાં આવે છે. કયુટીપી આશરે ૪ થી ૬ અઠવાડિયાં ચાલે છે. વ્યસનમુક્ત થવાના લક્ષણો દેખાય છે આદતથી લાચાર વ્યસની પાછુ તમાકુ તરફ ના વળે તેની કાળજી રાખવી પડે છે. બે વર્ષ સુધી ચેક-અપ, સંપર્ક અને માર્ગદર્શન આપવામાં આવે છે. જો કોઈ બે વર્ષ સુધી વ્યસનમુકત રહે તેને આદત પાછી લાગવાની શકયતા ઓછી છે.

સમાજમાં તમાકુ નિષેધ ઝુંબેશ માટે ડો. જાગૃતિ ચશ્માવાલા છેલ્લાં ૭ વર્ષ થયાં કાર્ય કરી રહ્યાં છે અને આશરે ૧,૦૦૦ વ્યક્તિને વ્યસનમુક્ત કર્યા છે. એમનું કહેવું છે કે આપણા સમાજમાં ટોબેકો સેવનથી થતા પ્રત્યક્ષ અને પરોક્ષ નુકસાનને લક્ષમાં લેવામાં આવતું નથી. પરિણામે આ વ્યસનને ગંભીરતાથી લેવામાં આવતું નથી. ઈચ્છુકો સંપર્ક સાધી શકે છે. ડો. જાગૃતિ ચશ્માવાલા ફોન નં. ૨૪૩૦૪૮૧૩. ૧૦૨, વિક્રમ એપાર્ટમેન્ટ, ભગત રોડ, માટુંગા (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૧૬.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

sd5RUg
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com