22-August-2017

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જીવનમાં આંતરિક વળાંક જ મહત્ત્વનાં રહ્યાંઃ કેખુશરૂ નવરોઝ દસ્તૂર મહેરજીરાણા

દિવ્યાશા દોશીપારસી કોમમાં હાલના છ ધર્મગુરુઓમાં પવિત્ર પ્રાચીન આતશ ધરાવતા નવસારીના વડા ધર્મગુરુ કેખુશરૂ નવરોઝ દસ્તૂર આજે ૮૫ વર્ષના છે પણ તેમના જીવન અને ધર્મ પ્રત્યેની આસ્થા અકબંધ છે. બીએસસી એલએલબીની ડિગ્રી ધરાવતા કે. એન. દસ્તૂર અત્યાર સુધી હુસેની ડૉકટર એન્ડ કંપનીમાં એડવોકેટ તરીકે સક્રિય હતા, પણ વડા ધર્મગુરુ બન્યા બાદ તેઓ કામ માટે ઓછો સમય ફાળવી શકતા હોવાથી હવે તેમણે લગભગ નિવૃત્તિ લીધી છે. આ પહેલાં તેમણે બેંકમાં ઉચ્ચ હોદ્દો પણ સંભાળ્યો છે. એલઆઈસીમાં પણ કામ કર્યું છે. યુનિવર્સિટીમાં એલએલએમના લેકચરર તરીકે પણ કામ કર્યું છે. તેમણે બેંકિંગ લો અંગે પુસ્તક પણ લખ્યું છે. જોકે આ બધી માહિતી તેમની પાસેથી કઢાવતાં નાકે દમ આવે. તેમને આધ્યાત્મિક વાતો કરવાનું કહો તો તેઓ કલાકો સુધી આ ઉંમરે પણ બોલી શકે. તેમનો જન્મ સંજાણ પાસેના નાનકડા ગામ કરોંદામાં થયો હતો. ત્યાર બાદ તેમનું કુટુંબ નવસારીમાં સ્થાયી થયું અને ત્યાં તેમનો શાળાનો અભ્યાસ પૂરો થતાં સુરતમાં એમબીટી કોલેજમાંથી તેમણે બીએસસીની ડિગ્રી લીધી. પછી ૧૯૪૯ની સાલમાં તેઓ મુંબઈમાં એલએલબીનો અભ્યાસ પૂર્ણ કરવા તથા કારકિર્દી વાસ્તે આવ્યા. ૧૯૫૬ની આસપાસ તેમના લગ્ન દોલતબાનુ સાથે થયાં. તેમના સુખી સંસારમાં ત્રણ સંતાનોનો ઉમેરો થયો. બે દીકરા અને એક દીકરી બે આજે તેમાંથી એક દીકરો અને દીકરી અમેરિકામાં સ્થાયી થયાં છે. બે વરસ પહેલાં દસ્તુરજી મહેરજીના અવસાન બાદ નવસારીના ૧૭મા ગાદી વારસ તરીકે તેઓ વડા ધર્મગુરુ નિમાયા. આમ તો મહેરજીરાણાના વંશજ ગાદી વારસ બને એટલે કે. એન. દસ્તુરજી જેઓ તેમના નજીકના સગા હોવાથી અને પારસી માતેન વાદ ઈલ્મે ક્ષ્નૂમના અભ્યાસુ હોવાને લીધે પણ તેઓ ધર્મગુરુ બનવાને માટે યોગ્ય વ્યક્તિ છે. તેમણે દેશ-વિદેશમાં લગભગ ચારેક હજાર વક્તવ્યો ઈલ્મે ક્ષ્નૂમ (ગુહ્યવાદ ને પારસી ધર્મની સમજણ) અંગે આપેલાં છે. અમેરિકામાં તેમણે પારસીઓ માટે અનેક આઠ દિવસના કેમ્પ પણ કીધાં છે.

જેમાં તેઓ રોજના છ કલાક સુધી જરથુસ્ત ધર્મ વિશે ઊંડાણથી સમજ આપતા. તેમનું દઢપણે માનવું છે કે જીવન અને ધર્મ એકબીજા સાથે વણાયેલાં છે. તમે જીવનમાંથી ધર્મની કે ધર્મમાંથી જીવનની બાદબાકી કરી શકો નહીં. જીવન એ તો ઈશ્વર તરફ જતી મુસાફરી છે અને આ આત્માની સફરમાં એક તબક્કો એવો છે કે આત્મા શરીર ધારણ કરીને પૃથ્વી પર જન્મ લે છે. આપણે તે ભૂલીને જીવન જીવીએ તે યોગ્ય નથી. દરેક ધર્મમાં આ વાત એક યા બીજી રીતે કહી છે એવું કહેતાં તેઓ આછું હસીને ચમકતી આંખો વડે બોલતા હોય તેમ તાકી રહે છે. તેમનો અન્ય ધર્મના મિસ્ટિસિઝમનો પણ ઊંડો અભ્યાસ છે. આજે પણ તેઓ અધ્યાત્મના અનેક પુસ્તકોનો અભ્યાસ કરે છે.

તેમના જીવનમાં આવેલા યાદગાર વળાંક વિશે વાત કરતાં તેઓ અચકાય છે. ખૂબ જ સરળ રીતે કહે છે, માઈ, મારા જીવનમાં બાહ્ય વળાંકો કરતાં આંતરિક વળાંકો મહત્ત્વના રહ્યા છે તેને શબ્દોમાં મૂકવાનું અઘરું છે... છતાં અમારા આગ્રહને વશ થઈ કહે છે કે હું પ્રયત્ન કરું છું કારણ કે આ ગુહ્યવાદની વાત છે. આમ કહીને મૃદુ અવાજે તેઓ વાત માંડે છે.

મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલે હું જ્યારે બાર વરસનો હતો ત્યારે મિસ્ટિસીઝમ (ગુહ્યવાદ) સાથે મારો સંબંધ બંધાયો તે. ઘરમાં ધાર્મિક વાતાવરણ તો હતું જ પરંતુ, મારા કાકા પારસી ધર્મના સ્કોલર હતા. તેમનું નામ રુસ્તમજી દિનશાજી દસ્તુર મહેરજીરાણા (તેઓ પારસીઓમાં બાપાજી તરીકે જાણીતા હતા) તેમણે મને આ પથ પર ચાલવાની પ્રેરણા આપી એવું કહી શકાય. તેમણે મને ગુહ્યવાદનો રસ્તો દર્શાવ્યો તેની વાત કરીને ઈલ્મે ક્ષ્નૂમ એ પારસી ધર્મનો ગુહ્યવાદ છે એમ જણાવ્યું હતું. દરેક ધર્મના ગુહ્યવાદ હોય. યહૂદીનો કબાલા, મુસ્લિમોનો સુફીઝમ, હિન્દુનો વેદાંત છે એમ પારસીઓના વાતેન વાદ ઈલ્મે ક્ષ્નૂમ વિશે વધુ જાણકારી, અનુભવ મેળવવાની પ્રેરણા મને કાકાજીની વાતોમાંથી મળી.

કાકાજીએ મને પરિચય કરાવ્યો સુરતના એક પારસી બહેરામ શાહ નવરોજી શ્રોફ સાથે. ઈસવીસન ૧૯૨૭માં ગુજરી ગયેલા આ પારસીનું બાળપણ ઘણું જ વિચિત્ર હતું. ફક્ત ચાર ચોપડી ભણેલા, ખૂબ ગુસ્સાવાળા અને તોતડા હતા. ગુસ્સો કરે ત્યારે વધારે તોતડાતા. પણ સત્તરમા વરસે તેમના જીવનમાં અચાનક સંજોગો બદલાયા કે વળાંક આવ્યો તેમ કહી શકાય. ઈરાનમાં દેવમાવંદ પહાડમાં કોઈક અગુહ્ય જગ્યાએ કેટલાક આબેદ એટલે કે જરથુસ્ત સંતોની સાથે લગભગ ત્રણેક વરસ રહેવા ચાલ્યા ગયા. ત્યાંથી પાછા આવ્યા ત્યારે તેમનું તોતડાપણું ચાલ્યું ગયું હતું પણ ત્યાં શું બન્યું તેના વિશે વાત કરવાની મનાઈ હતી એટલે ૨૫ વરસ સુધી તેઓ કંઈ જ બોલ્યા નહીં ત્યાર બાદ તેમને ઈલ્મે ક્ષ્નૂમનો પ્રચાર કરવાનો આદેશ મળ્યો. અને ઈલ્મે ક્ષ્નૂમ વિશે તેમણે અનેક ગ્રંથો લખાય તેટલી ગુહ્ય વાત કરી. તે તેમના શાર્ગિદ શિષ્યો ફિરોઝ મસાણી અને દિનશા મસાણીએ એક મેગેઝિન દ્વારા પણ પ્રગટ કરી. તેમનો પરિચય મને કાકાજીએ કરાવ્યો. મેં ખૂબ વાંચ્યું અને રિસર્ચ પણ કર્યું તો બહેરામ શ્રોફના કેટલાક પુરાવાઓ પણ મને આ ઈશ્વરપ્રેરણાથી મળ્યા. આ ગુહ્યવાદના જ્ઞાનને સમજવામાં પામવામાં ઓપ્થેલ્મોજિસ્ટ ડૉ. ફરામરોઝ ચીનીવાલા ને એડવોકેટ જહાંગીર ચીનીવાલાએ પણ સહાય કરી. આજે હું એટલું કહી શકું કે ગુહ્યવાદ આધુનિક વિજ્ઞાનની સમજથી પર છે. તેમાં અનેક ડાયમેન્શન છે. તેનો કોઈપણ સવાલ-જવાબ કર્યા વગર માની જ લેવાના હોય. જીવનના આ મોટા વળાંક બાદ શું ફરક પડ્યો તે તો ન કહી શકું પણ એટલું કહી શકું કે કુદરત પર શ્રદ્ધા રાખીને જીવી શકાય. સંસારમાં રહીને પણ અધ્યાત્મયાત્રા કરી શકાય. જોકે હું નસીબદાર હતો કે મારા પત્ની જે હાલ હયાત નથી તેમણે ક્યારેય મારા અભ્યાસ અંગે ટીકાઓ નથી કરી. તેમને સમજાતું હતું કે હું અધ્યાત્મના અગમ્ય પથને રસ્તે ચાલી રહ્યો છું. અધ્યાત્મ જીવન જીવતા શિખવાડે છે. સુખને આનંદથી આવકારવાનું અને દુઃખનું પણ સ્વાગત કરવાનું. જરથુસ્તે લગ્ન કરવાનું

જરૂરી છે એટલે અધ્યાત્મ ભણવા માટે સંસારનો ત્યાગ કરવાનો નથી જ એ સમજી લેવું જરૂરી છે. ધર્મ એ વિજ્ઞાનનું વિજ્ઞાન છે. તેને યોગ્ય રીતે સમજીને અનુસરે તેનું જીવન ભૌતિકવાદથી ઉપર ઊઠે છે. ધર્મને બુદ્ધિથી માપવા જઈએ તો ખોટા પડવાનો સંભવ છે ખાલી બુદ્ધિથી ધર્મ કે ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. શ્રદ્ધાથી કદાચ ઈશ્વરની અગમ્યતા પામી શકાય ખરી. આટલું બોલ્યા બાદ તેઓ જરાક અટકીને તેઓ મુલાકાતનું સમાપન કરતા કહે છે કે આજે પારસીઓ પોતાના ધર્મને, ક્રિયાકાંડને સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન નથી કરતા કે પોતાના સંતાનોને તેનું જ્ઞાન નથી આપતા તેનો મને અનહદ અફસોસ છે.

આ ઈલ્મે ક્ષ્નૂમ ઈશ્વર પ્રેરિત જ્ઞાન છે અને તેની કૃપા હોય તો જ તેનો અભ્યાસ કે અનુભવ થઈ શકે. જોકે દરેક જીવને એક કાળ સ્પિરિચ્યુઅલ ઈમરજન્સી ઊભી થતી જ હોય છે અને ત્યારે તે અધ્યાત્મ તરફ વળે છે. મને અધ્યાત્મના ગુહ્ય પથનો પરિચય થયો એટલે હું મારી જાતને નસીબદાર માનું છું. બાહ્ય જગતનો સ્વીકાર અને આંતરિક જગતનો પ્રવાસ કરવાની પ્રેરણા મળી તે જ મારો ટર્નિંગ પોઈન્ટ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7I6H4d3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com