24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લોટનો વિચાર પહેલી નજરે આવકાર્ય

ટ્રાફિક જામ અને આડેધડ ગેરકાયદે પાર્કિંગ એ જાણે મુંબઇની ઓળખ બની રહ્યાં છે. સતત વધતા વાહનોની સંખ્યા ૩૫ લાખ સુધી પહોંચી ગઇ છે, ત્યારે એને પાર્ક કરવા માટેની સગવડ ઊભી કરવામાં સ્થાનિક વહિવટીતંત્ર સરિયામ નિષ્ફળ નીવડ્યું છે.

વાહનો ટો કરીને લઇ જવાથી આકરો દંડ કરવા સુધીના પગલાં ધાર્યા પરિણામ લાવી શક્યા નથી. જેણે ગાડી ખરીદી છે એ બહાર કાઢશે એટલે ક્યાંક પાર્ક કરે ને કરે. પાર્કિંગની જગ્યા ન મળે તે મન-કમને નિયમોનો ભંગ કરવો પડે. આની વચ્ચે પાલિકાએ બે માળના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ લોટ બાંધવાની દિશામાં પાલિકા આગળ વધવા માગે છે.

રાજ્ય સરકારે સ્વીકારેલા ડેવલપમેન્ટ પ્લાન ૨૦૧૪-૨૦૩૪ અનુસાર આ દિશામાં કામગીરી હાથ ધરાશે.

પ્રવર્તમાન કલ્પના મુજબ ડેવલપર્સને આવા પાર્કિંગ લોટ બાંધવા દેવાશે. આના બદલે તેમને

ટી.ડી.આર. (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટસ)

અપાશે. જો કે આનું પ્રમાણ હજી નિશ્ર્ચિત કરાયું

નથી. એક વાર રાજ્ય સરકાર આ યોજના પર

મંજૂરીનું મતું મારે પછી પાલિકા વધુ વિગતો જાહેર કરશે.

પહેલી નજરે આ પહેલ શહેરના લાભમાં લાગે છે. શહેરના રિક્રિએશન ગ્રાઉન્ડ, રમતગમતના મેદાન અને બગીચા જેવા જાહેર સ્થળોની નીચે આ બે માળના પાર્કિંગ લોટ બાંધવાની દરખાસ્ત છે. જો કે મહાનગરના ઘણાં ખાલી પ્લોટ વિવિધ યોજનાના નામે વિતરિત કરાયેલા છે. હવે જો આવા પ્લોટ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ

લોટ બાંધવા માટે છૂટા કરાય તો ઊહાપોહ થવાની

વકી છે.

હકીકતમાં તો પ્રવર્તમાન બાગબગીચા અને રમતના મેદાન નીચે પાર્કિંગ લોટ બાંધવાની સાથોસાથ પાલિકાએ વધુ કંઇક કરવા વિચારવાની જરૂર છે. અમુકતમુક યોજના માટે ફાળવાયેલા પ્લોટ પર નિશ્ર્ચિત સંખ્યાના વર્ષમાં કામકાજ ન થયું હોય તો પાલિકાએ એ ફરી હસ્તગત લઇને ઉપર બાગબગીચા અને નીચે પાર્કિંગ લોટ

બાંધવા જોઇએ. આને લીધે શહેરમાં લીલોતરી

વધશે, પર્યાવરણમાં સુધારો થશે અને વધુ પ્રાણવાયુ મળશે.

વિકાસની અંધાધૂંધ ગતિની સાથોસાથ માળખાકીય સુવિધાનું વિચારવું પડશે. અત્યાર સુધી થયેલી ભૂલ-ઢીલ હવે નહીં પાલવે. સમસ્યાઓ ઊગીને જંગલી ઘાસની જેમ માનવ-જીવનને ભરડામાં ન લે એ જોવું પડશે. આના માટે આઉટ ઑફ બૉક્સ અર્થાત્ બિનપરંપરાગત વિચારણાવાળા માણસોની જરૂર પડશે. એમના વ્યવહારુ સૂચનોના અમલ માટે નિષ્ઠા, પ્રામાણિકતા

અને પારદર્શકતાની જરૂર પડશે આ બધી બહુ દુર્લભ જણસો છે પણ સત્વરે ક્યાંકથી શરૂઆત ન કરી તો સમસ્યાઓ ડાયનાસોરની જેમ આપણા સુખ-શાંતિને ગળી જશે.

જાગ્યા ત્યારથી સવાર, પણ જાગીશું ક્યારે?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

O15Yv2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com