26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અકલમંદ એટલે શું? બુદ્ધિશાળી કોને કહેવાય?

મુખ્બિરે ઈસ્લામ-અનવર વલિયાણીકોઇ ઇન્સાન પોતાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરે તો લોકો તેને બુદ્ધિશાળી કહે છે, પરંતુ એ સાચું નથી. ઊંચી પદવી, માલોદોલત, સત્તા, નામના વગેરે સફળતાના શિખર સર કરીને માનવી ગમે તેટલો કામિયાબ થાય પણ જો તે વ્યથા અને તાણમાં જીવતો હોય તો તેને અકલમંદ કઇ રીતે કહી શકાય? પયગંબર હઝરત મુહમ્મંદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમનું કથન છે કે-‘પરવરદિગારે સૌ પહેલાં અકલને પેદા કરી.’ બુદ્ધિ માનવજાતને કુદરત તરફથી મળેલ સૌથી મહાન નેઅમત કૃપા છે. જો અકલનો ઉપયોગ યોગ્ય દિશામાં કરવામાં ન આવે તો ઇન્સાનનું જીવન દુ:ખદાયી થઇ જાય છે. તેના જીવનમાંથી આનંદ લૂંટાઇ જાય છે. બલ્કે એમ કહીએ તો ખોટું નહીં લેખાય કે વ્યક્તિના જીવનમાંથી બુદ્ધિને બાદ કરો તો તે મનુષ્ય મટીને માત્ર પ્રાણી બની રહે છે. અલ્લાહતઆલાએ તેના રસુલ (સલ.)ને આ ધરતી પર રહેમત બનાવીને મોકલ્યા અને આપના દ્વારા કુરાને મજીદ મારફત માનવજાતને સુખી અને સંતોષી જીવન જીવવાના માર્ગો દાખવી દીધા હોવા છતાં જો તેના પર અમલ કરવામાં આવે નહીં તો તેમાં કસૂર કોનો?

જિંદગી શાંતિમાં ગાળવી છે? માનસિક શુકુન મળે અને જીવન આનંદમય બને એવું ઇચ્છો છો? આવા સંતોષી જીવન માટે મઝહબે ઇસ્લામે તેની ઉમ્મતને જે હિદાયત, શીખામણો અને ઉપદેશો આપ્યા છે, તે આ મુજબ હોઇને તેના પર અમલ કરવામાં આવે તો ક્યાંય દુ:ખ રહે નહીં. પોતાના અને સંપર્કમાં આવનારા સૌના જીવનમાં સુખ જ સુખ બની રહે:-

૧- અલ્લાહ સિવાય કોઇથી ડરો નહીં, ૨- દુ:ખ અને અશાંતિ માત્ર ખોટી રીતે વિચારવાથી જ અનુભવાય છે એટલે જે સ્થિતિમાં રબ રાખે તેને હસતા મુખે કબૂલ રાખો, ૩- ઉડાવ નહીં, પરંતુ ઉદાર બનો. લોભી ઇન્સાન હંમેશાં દુ:ખી રહે છે, ૪- સુખ માત્ર માલ, દોલત, સત્તા અને નામના મેળવી લેવાથી મળી જતું નથી પણ તંદુરસ્તી અને અકલમંદીના વિચારો અને તેના અમલમાં છે, ૫- ‘એક હાથે આપો અને બીજા હાથે લ્યો’નો સિદ્ધાંત સફળતા, સુખ અને શાંતિ અપાવે છે, ૬- તમારું કામ માત્ર પ્રયત્ન કરવાનું છે, ફળ અને પરિણામ અલ્લાહની મરજી મુજબ મળે છે. જ્યારે પરિણામ તમારી ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થવાનું ન હોય અને છતાં ફિકર ચિંતા કરો તો તમે બુદ્ધિશાળી કઇ રીતે થયા? ૭- સાચા મોમીનની ઓળખ એ છે, કે તે યોગ્ય દિશામાં મહેનત કરે છે અને માલિક માલોદોલતથી નવાજે તો તેનો ઉપયોગ હકના માર્ગે કરે છે.

જીવનમાં અત્યંત ઉપયોગી એવી ઉપરોક્ત સાત બાબતો પર વિચાર્યા પછી પણ તમે સુખી છો કે, દુ:ખી અને કેટલી હદ સુધી પરવરદિગારની અજોડ નેઅમત અકલનો ઇસ્તેમાલ કરો છો તે નક્કી કરવું હોય તો આ ફોર્મ્યુલાને અજમાવી જુઓ તેમ જ દર્શાવેલા પ્રશ્ર્નોની બાજુમાં તેના ઉત્તર તમારા હૃદયના ઊંડાણમાંથી શોધીને પ્રામાણિકપણે ‘હા’ અથવા ‘ના’માં લખો: ૧- અલ્લાહના વજુદમાં તો તમે માનતા હશો, પરંતુ તમારી શાંતિ માટે એ પૂરતું નથી. તમે દિલથી એમ માનો છો, કે હું રબની રહેમતથી કદી નિરાશ નહીં થાઉં અને અલ્લાહ મને જે સ્થિતિમાં રાખશે તે પર હું રાજી ખુશીથી રહીશ? ૨- ધર્મને તમારા વેપાર-ધંધા કરતા વધુ આગળ રાખો છો? એટલે વધારે મહત્ત્વ આપો છો? ૩- તમારા સગા-સંબંધી, મિત્રો-દોસ્તો, હરીફોની તરક્કી જોઇને તમો ઇર્ષા-અદેખાઇને રોકી શકો છો? ૪- વ્યવહારમાં લોકોની ભૂલોને શોધી ટીકા કરવાની તમારી ટેવને અટકાવી શકો છો? ૫- જરૂરતમંદ-હાજતમંદ કોઇ સમયે તમારા આંગણે આવી કંઇ આપવાની દરખાસ્ત મૂકે તો તમે તેને યથાશક્તિ રાજીખુશીથી કંઇ આપી શકો છો? ૬- માનવ-સેવા, સામાજિક કાર્ય માટે તમારા સ્વાર્થનો ત્યાગ કરી શકો છો? ૭- દિવસ દરમિયાન સઘળા કામ તમે હસતા મુખે-હળવાસથી કરી શકો છો? ૮- તમે જે કમાણી કરો છો તેમાંથી ગરીબોની ભલાઇ માટે મઝહબે દર્શાવેલ આવકનો ચોખ્ખો હિસ્સો ઇમાનદારીપૂર્વક જુદો કાઢો છો? ૯- તમારા માતા-પિતા, ભાઇ-બહેન, પત્ની-બાળકો અને સગાં-સંબંધીઓને પ્રેમ સન્માન આપી શકો છો? અને ૧૦- તમે કંજુસ-લોભી સ્વભાવને નાથવા તૈયાર છો?

ઉપરોક્ત દસ સવાલોના જવાબ જો ૫૦ ટકાથી ઓછા ‘હા’ ના હોય તો તમારા જીવનમાં સુખ-શાંતિ અદૃશ્ય હશે અને તમે અકલનો ઉપયોગ કર્યા વગર જીવો છો એટલે હાથે કરીને દુ:ખી હશો. ૫૦ થી ૭૫ ટકા જવાબ ‘હા’માં હશે તો સુખ-શાંતિની ઝલક કોઇક વખત અનુભવી લેતા હશો અને ૭૫ થી ૯૦ ટકા જવાબ ‘હા’માં આવે તો તમને બુદ્ધિશાળી જરૂર કહી શકાય. તમે જીવનના આનંદને માણવા સમર્થ હશો.

- કબીર.સી.લાલાણી

* * *

નેક જીવનની નિશાની

અલ્લાહ પર ઇમાન લાવનાર બંદાનું જીવન નેક માર્ગે હશે તો તેને જ્યારે કોઇપણ બાબતની ખુશખબરી આપવામાં આવે છે, તો તે પ્રથમ અલ્લાહનો શુક્રિયા (આભાર)અદા કરે છે. - રસુલે કરીમ(સ.અ.વ.)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Hn058h7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com