23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાકિસ્તાનની અમેરિકાને ધમકી, ભારતને શું ફરક પડે?

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિત



કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ હટાવી તેના કારણે રઘવાયા થઈ ગયેલા પાકિસ્તાને ભારતને દબાવવા બધાં વાનાં કરી જોયાં પણ ક્યાંય મેળ પડતો નથી. પાકિસ્તાને અમેરિકા સહિતના બધા દેશોને ભારતને રોકવા કહી જોયું પણ બધા દેશોએ હાથ ખંખેરી નાખ્યા પછી પાકિસ્તાન છેલ્લા પાટલે બેઠું છે. એક તરફ પાકિસ્તાને યુનાઈટડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલને કાગળ લખીને કાશ્મીર મામલે તાકીદની બેઠક બોલાવવા અરજ કરી છે તો બીજી તરફ ઈમરાને અમેરિકાનું નાક દબાવવા માટે છેલ્લો દાવ ખેલીને અફઘાનિસ્તાન કાર્ડ પણ ખેલી નાખ્યું છે. પાકિસ્તાને અમેરિકાને આડકતરી ધમકી આપી છે કે, કાશ્મીર મામલે અમારા પડખે રહો નહિંતર અફઘાનિસ્તાનમાં તમારી હાલત બગડી જશે.

ઓસામા બિન લાદેને અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવીને કાળો કેર વર્તાવ્યો પછી અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કરેલો. અમેરિકાએ મુલ્લા ઉમરની આગેવાની હેઠળના તાલિબાનને સત્તામાંથી તો ખદેડી મૂક્યા પણ તાલિબાનનો સફાયો ના થઈ શક્યો. અમેરિકા હજુ એ માટે મથ્યા કરે છે ને અફઘાનિસ્તાનમાં લડ્યા કરે છે. પાકિસ્તાન અમેરિકાના લશ્કરને મદદ કરવાના નામે ખંખેર્યા કરે છે. અમેરિકાના લશ્કરે અફઘાનિસ્તાનમાં ધામા નાખ્યા જ છે પણ પાકિસ્તાનમાં પણ છાવણીઓ નાખી છે. આ છાવણીઓ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે છે. પાકિસ્તાને અમેકિકાના લશ્કરને મદદ કરવા પોતાની પશ્ચિમમાં એટલે કે અફઘાનિસ્તાન સાથેની સરહદ પર લશ્કરનો

ખડકલો કર્યો છે. પાકિસ્તાન લાભ વિના લોટતું નથી ને અહીં વપણ એ જ ખેલ છે. આ રીતે લશ્કર ખડકવામાં પાકિસ્તાનનો ફાયદો છે કેમ કે એ બહાને અમેરિકાને ખંખેરી શકાય છે.

અમેરિકા વરસોથી અફઘાનિસ્તાનમાં લડ્યા કરે છે તેથી કંટાળ્યું છે ને હવે તેનેય શાંતિ જોઈએ છે. અફઘાનિસ્તાનમાં ૧૮ વર્ષ લગી લડ્યા પછી અમેરિકાએ ૪૦૦૦ સૈનિકો ખોયા છે ને અબજો ડોલરનું આંધણ કર્યું છે. એ પછી પણ તાલિબાન ખતમ થયા નથી ને હજુ લડ્યા જ કરે છે તેથી અમેરિકા પણ હાંફી ગયું છે. અમેરિકાએ ઓસામા બિન લાદેન સામે જંગ શરૂ કરવા અફઘાનિસ્તાન પર હલ્લાબોલ કરેલું. મુલ્લા ઉમરે ઓસામાને સંતાડ્યો તેમાં અફઘાનિસ્તાનનો વારો પડી ગયેલો. ઓસામા બિન લાદેન પતી ગયો છે ને મુલ્લા ઉમર ખખડી ગયો છે તેથી તેને બાજુ પર મૂકી દેવાયો છે. આ કારણે તાલિબાન સાથે અમેરિકાને સીધું વેર નથી.

બીજી બાજુ તાલિબાન પણ વરસો લગી લડી લડીને ને પહાડોમાં રઝળપાટ કરીને થાક્યા છે. તાલિબાનમાં હવે નવા નેતા આવી ગયા છે ને તેમને અમેરિકા સામે ઓસામા કે મુલ્લા ઉમર જેવો ખાર નથી. અત્યારે મવલાવી હિબતુલ્લાહ અખુંદઝાદા તાલિબાનનો કર્તાહર્તા છે. અખુંદઝાદા આતંકવાદી ઓપરેશન્સમાં સીધો સામેલ નહોતો. તેની ગણના વિદ્વાન તરીકે થાય છે. ઓસામા ને ઉમરે અમેરિકાના હુમલા પછી ભાગવું પડેલું જ્યારે અખુંદઝાદા પાકિસ્તાનના ક્વેટામાં જ રહ્યો ને તેના કારણે અમેરિકા સહિતના રાજદ્વારીઓ સાથે પણ તેના સંબંધો રહ્યા. અમેરિકાએ બીજા તાલિબાન નેતાઓને પતાવી દીધા પણ અખુંદઝાદાને મારવાની કદી કોશિશ નહોતી કરી. અખુંદઝાદાના કારણે તાલિબાન હવે પહેલાં જેવું કટ્ટરવાદી નથી મનાતું. આ બધાં કારણોસર અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતી નક્કી મનાય છે. અમેરિકા પોતાના લશ્કરને હટાવી લે ને તાલિબાનને સત્તા સોંપી દે તેનો તખ્તો

તૈયાર છે.

જો કે અમેરિકા રાતોરાત પોતાના લશ્કરને હટાવી ના શકે. અમેરિકાએ લાંબોચોડો પથારો અફઘાનિસ્તાન ને પાકિસ્તાનમાં કરીને મૂક્યો છે. એ બધાનો સંકેલો કરવા માટે સમય જોઈએ. એક સમયે અમેરિકાના એક લાખ સૈનિકો આ વિસ્તારમાં હતા પણ અત્યારે માંડ દસેક હજાર સૈનિકો છે. એ બધા સૈનિકોએ સલામતીપૂર્વક પાછા ફરવું હોય તો પાકિસ્તાની લશ્કરનું પીઠબળ જોઈએ. પાકિસ્તાની લશ્કરની છત્રછાયામાં અમેરિકાના સૈનિકો સલામત ઘરભેગા થઈ શકે. પાકિસ્તાની લશ્કર ના હોય તો બીજા આતંકવાદીઓ અમેરિકાના લશ્કરની હાલત બગાડી નાખે. તાલિબાન સાથે સમજૂતી હોય તેથી અખુંદઝાદાનું જૂથ કંઈ ના કરે પણ તાલિબાનમાં પણ ફાંટા છે જ. મુહમ્મદ રસૂલનું જૂથ તેમાં સૌથી મોટું છે ને બીજાં જૂથ પણ છે. એ સિવાય બીજાં આતંકવાદી સંગઠનો પણ છે કે જેમને અમેરિકા પર બહુ ખુન્નસ છે. આ બધાં અમેરિકાના લશ્કરને પીંખી નાખવા ટાંપીને જ બેઠાં છે. પાકિસ્તાની લશ્કર પૂર્વ સરહદેથી હટે એટલે એ બધાં મચી જ પડે. આ બધાં પાછાં પાકિસ્તાનનાં પીઠ્ઠુ છે તેથી અંદરખાને સંતલસ થઈ જ હોય તેથી અમેરિકાને પાકિસ્તાનની ભોં ભારે પડી જાય.

પાકિસ્તાને આડકતરી રીતે અમેરિકાને ધમકી આપી છે કે, કાશ્મીર મામલે અમારા પડખે નહીં ઊભા રહો તો અમે તમારી હાલત બગાડી નાખીશું ને અફઘાનિસ્તાનમાંથી પાછા ફરતાં પહેલાં કેટલાય અમેરિકનોની કબરો અહીં બની જશે. અખુંદઝાદાનું જૂથ પણ પાકિસ્તાનનું પાલતું જ છે કેમ કે અમેરિકાના કેર વખતે પાકિસ્તાને જ અખુંદઝાદાને બચાવેલો. તેના કારણે એ પણ પાકિસ્તાનનો કહ્યાગરો જ છે. પાકિસ્તાનના ઈશારે અમેરિકા સાથેની સમજૂતીની વાતનું એ પડીકું કરી નાખે એવું પણ બને. એવું થાય તો આખી દુનિયામાં અમેરિકાનું નાક વઢાઈ જાય. અમેરિકાએ માંડ માંડ અફઘાનિસ્તાનમાંથી આબરૂભેર બહાર નિકળવાનો તખ્તો તૈયાર કર્યો છે ને પાકિસ્તાન તેમાં ફાચર મારી દે તો અમેરિકા પાછું ભેરવાઈ જાય. આબરૂ બચાવવા પણ અમેરિકાએ જખ મારીને અફઘાનિસ્તાનમાં રહેવું પડે. એ તો અમેરિકા માટે ખોટનો સોદો છે જ પણ તેના કારણે અમેરિકામાં કકળાટ વધે. અમેરિકાને એ બધું પરવડે એમ નથી તેની પાકિસ્તાનને ખબર છે તેથી ઈમરાને આ દાવ રમી નાખ્યો છે.

આ ધમકી સામે શું કરવું એ હવે અમેરિકાએ નક્કી કરવાનું છે. અમેરિકાને અફઘાનિસ્તાનમાંથી નિકળવાની ઉતાવળ છે તેથી એ પાકિસ્તાનને પંપાળી પંપાળીને પોતાનું કામ કઢાવી લેવાનો રસ્તો અપનાવે એવું પણ બને. અથવા અમેરિકા પણ પાકિસ્તાનને તેની ઔકાત બતાવી દેવાની સામે ધમકી આપે એવું પણ બને.

અમેરિકાનો મિજાજ પકિસ્તાન જેવાં પ્યાદાંને ભાવ આપવાનો તો નથી પણ ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે એ જોતાં અમેરિકા ભારત પર દબાણ લાવે એ પણ શક્ય છે. જો કે એ અમેરિકાનો પ્રશ્ન છે ને તેનાથી આપણને કોઈ ફરક પડતો નથી. ભારતે જે કરવાનું હતું તે કરી લીધું ને એ માટે ભારતે કોઈને પૂછવાની જરૂર નથી કે કોઈની સાડા બારી રાખવાની જરૂર નથી. હવે પાકિસ્તાને જેના દરવાજા ખખડાવવા હોય તેના દરવાજા ખખડાવે ને જ્યાં ભીખ માગવી હોય ત્યાં ભીખ માગે, ભારત નચિંત છે. કાશ્મીર ભારતનું છે ને ભારતને કાશ્મીર અંગે જે નિર્ણય લેવો હોય તે નિર્ણય લેવાનો અધિકાર છે. ભારતે એ જ કર્યું છે.

જો કે પાકિસ્તાનનો આ રઘવાટ જોઈને મજા ચોક્કસ આવે છે. પાકિસ્તાને વરસો લગી કાશ્મીર મુદ્દે આપણી મેથી મારી છે ને આપણને કનડ્યા છે. હવે ભારતને પાકિસ્તાનને બરાબરનો બૂચ લગાવ્યો છે તેથી પાકિસ્તાનની હવા ટાઈટ થઈ ગઈ છે. પાકિસ્તાન વરસો લગી જેના જોરે કૂદાકૂદ કરીને આપણી બજાવતું હતું એ અમેરિકા તેની વાત સાંભળવા પણ તૈયાર નથી. બીજાં બધાં પણ પાકિસ્તાનને હડધૂત કરે છે ને ધૂતકારીને કાઢી મૂકે છે એ જોઈને દરેક ભારતીયને આનંદ થાય જ.

આ ઘટનાક્રમ પાકિસ્તાન માટે મોટો બોધપાઠ છે. પાકિસ્તાને સમજવાની જરૂર છે કે, જણનારીમાં જોર હોય તો જ છોકરાં થાય, બાકી દાયણને ભરોસે છૈયાં ના જણાય. પાકિસ્તાને અત્યાર લગી બીજાંના જોરે કૂદાકૂદ બહુ કરી, હવે કોઈ તેની પડખે નથી ત્યારે પાકિસ્તાને પોતાની ઔકાત સમજી જવાની જરૂર છે. આપણા શાસકોની નબળાઈ અને અમેરિકા જેવા જોરાવર દેશોની આળપંપાળને કારણે પાકિસ્તાન વરસો લગી કાશ્મીરના ત્રીજા ભાગ પર કબજો કરી રાખ્યો. હવે ભારત જાગ્યું છે ત્યારે પાકિસ્તાને પણ જાગી જવાની જરૂર છે. ભારત અત્યારે જે મિજાજમાં છે એ જોતાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને તો પાછું લઈ જ લેવાનું છે પણ પાકિસ્તાન હજુ નહીં સુધરે તો તેણે બીજું પણ ઘણું ખોવું પડશે.

ભૂતકાળમાં ભારતે પાકિસ્તાનનાં ઊભાં ફાડિયાં કરીને બાંગ્લાદેશનું સર્જન કરેલું. હવે પછી પણ એ જ સ્થિતી થશે ને ભારત જે દાડે પીઓકે પાછું લેવા મેદાનમાં આવશે એ દાડે પાકિસ્તાનના બીજા બે-ત્રણ ટુકડા પણ થઈને રહેશે. તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં. પાકિસ્તાન સાનમાં સમજે તો ઠીક, બાકી ડફણાં પડવાનાં જ છે. ને એ ડફણાં પડશે ત્યારે કોઈ પાકિસ્તાનને બચાવવા નથી આવવાનું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Gi4f2S2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com