5-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યુપીની દાદીઓનું ઊંચું નિશાન

ફોકસ-કલ્પના મહેતા‘ઉડાન પંખો સે નહીં હોંસલો સે હોતી હૈ’ આ એકદમ જાણીતી ઉક્તિનેે ઉત્તર પ્રદેશના જાણીતા બાગપત જિલ્લાના જોહરી ગામના ‘શૂટર દાદી’ સાર્થક કરી રહ્યા છે. જોહરી ગામના શૂટર દાદી ચન્દ્રો તોમર અને તેમની નણંદ પ્રકાશી તોમર એ બંને જણે ભેગા થઈ શૂટિંગની દુનિયામાં એક પછી એક મેડલ મેળવી ધૂમ મચાવી છે. જોહરી ગામની આ બંને મહિલા ઉપર ફિલ્મ પણ બની રહી છે, જેમાં સક્ષમ અભિનેત્રી તાપસી પન્નુ ચન્દ્રો તોમરનો અને ભૂમિ પેડણેકર પ્રકાશીનો રોલ કરી રહી છે. ફિલ્મને કારણે પણ આજકાલ જોહરી ગામ અને બંને મહિલા શૂટર વિશેષ હાઈલાઈટ થઈ રહ્યા છે.

ઘરમાં પ્રવેશતા જ ફળિયામાં પારંપરાગત પોશાક સફેદ શર્ટ અને બ્લુ ઘાઘરામાં બેઠેલા ચન્દ્રો નજરે પડે છે. તેમના માથે ઓઢેલી ગુલાબી ઓઢણીમાં તેમનું વ્યક્તિત્વ વધુ નિખરી આવે છે. મીડિયા સાથે પ્રાથમિક વાતચીત અને મહેમાનગતિ બાદ ફોટો શેસન માટે ચન્દ્રો ઘરમાં જાય છે. ઘરની હરિયાળી દીવાલો ચન્દ્રોને મળેલા અવૉર્ડ અને ટ્રૉફીથી સુશોભિત છે. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સાથેના એનાં ફોટોગ્રાફ ચન્દ્રોની ખ્યાતિની ઓળખ આપી રહ્યા છે.

ક્યાંથી શરૂ થઈ ચન્દ્રોની શૂટિંગયાત્રા એ પણ રસપ્રદ કિસ્સો છે. ચન્દ્રો કહે છે કે ૧૯૯૮માં રાજપાલસિંઘ દ્વારા જોહરીમાં શરૂ કરવામાં આવેલી શૂટિંગ રેન્જમાં પૌત્રી શેફાલીને મોકલવામાં આવી રહી હતી. એ સમયે દીકરીઓને એકલી મોકલવામાં ન આવતી તેથી જોહરી રાયફલ એસોસિયેશન દ્વારા શરૂ કરવામાં આવેલી શૂટિંગ કલબમાં પોતે શેફાલી સાથે જતા. હવે તો શેફાલી ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટર બની ગઇ છે. પણ એ સમયે શરૂઆતમાં તેને ફાવતું નહીં ત્યારે એક દિવસ દાદીમા ચન્દ્રોએ તેને કહ્યું કે, ‘મેં બતાતી હું કૈસે કરતે હૈં.’ અને તેમણે ટાર્ગેટને શૂટ કરી બતાવ્યું. આ જોઇને નવાઇ પામી ગયેલા ટ્રેઇનરે ચન્દ્રોને ફરીવાર શૂટ કરવા કહ્યું. ફરીવાર પણ તેમને સફળતા મળી અને તેમની શૂટિંગની ખાનગી તાલિમ શરૂ થઈ. ખાનગી એટલે કે ઘર કે ગામમાં કોઈને એ વાતની જાણ ન હતી. દાદી-પૌત્રી બંને ચૂપચાપ પોતાની દિશામાં આગળ વધતાં રહ્યાં. જોકે, એક દિવસ વાત જાહેર થઇ ગઇ. સ્થાનિક સમાચાર પત્રમાં ફોટા સાથે વાત બહાર આવતા ઘર-કુટુંબ અને સમાજમાં ચન્દ્રોની વાતની જાણ થઈ ગઈ. વિરોધ ઉઠ્યો, જે સ્વાભાવિક હતો, પણ ૧૫ વર્ષની ઉંમરે લગ્ન કરીને આવેલી ચન્દ્રોની આગળ વધવાની ઇચ્છા વિરોધ કરતાં પણ વધારે તીવ્ર થઈ ચૂકી હતી. વિરોધની સંપૂર્ણ ઉપેક્ષા કરી તેમણે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. દરમિયાનમાં તેમની નણંદ પ્રકાશી તોમર પણ આ શૂટિંગની દુનિયામાં પ્રવેશી. તેમને પણ તેમની પુત્રી સીમા તોમરે પ્રોત્સાહન પૂરું પાડ્યું, નણંદ-ભાભીની જોડીએ જોર જમાવ્યું અને પ્રિ-નેશનલ ટુર્નામેન્ટથી શરૂ કરી વૈશ્ર્વિક કક્ષાની સ્પર્ધામાં ઝંપલાવવાનું શરૂ કર્યું. ઉંમરના તમામ બંધનો ફગાવી બંને જણે સાબિત કરવા લાગ્યા કે કંઈ પણ શીખવા કોઈ પણ ઉંમરનો બાધ હોતો નથી. તેમની સફળતાએ રાજપાલ સિંહની શૂટિંગ રેન્જને પણ ખ્યાતિ મળવા લાગી, તેમનું નામ પણ ઠેરઠેર ચર્ચાવા લાગ્યું અને બાગપત જિલ્લો શૂટર્સ ગ્રાઉન્ડ તરીકે ઊભરી આવ્યો.

બંને દાદી ચન્દ્રો અને પ્રકાશનું પોતાનું સૂત્ર છે કે ‘લડકી બચાઓ, લડકી પઢાઓ, લડકી ખિલાઓ’. ચંદ્રો જણાવે છે કે તેમણે ઘેરઘેર જઈ લોકોને તેમની દીકરીઓને શૂટિંગ રેન્જમાં મોકલવા અભિયાન આદર્યું હતું. ક્યારેક પુરુષોના વિરોધ વચ્ચે મહિલાઓ તેમની દીકરીઓને ચૂપચાપ શૂટિંગ રેન્જમાં મોકલવા લાગી. જોહરી શૂટિંગ રેન્જમાં હાલ વીસેક તરુણીઓ શૂટિંગ શીખી રહી છે. ૧૫ વર્ષની દસમા ધોરણની વિદ્યાર્થિની માનવી ત્રણ કલાક શૂટિંગ રેન્જમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરે છે. જેના માટે તે ૫૦૦ રૂપિયા ફી ચૂકવે છે. માનવીની ઇચ્છા ઇન્ટરનૅશનલ શૂટર બનવાની છે. ડૉલી જાટવ નામની તરુણી ઍકેડમીની પોસ્ટર ગર્લ છે. યુપી સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં તે સિલ્વર મેડલ મેળવી ચૂકી છે. ડૉલીની ઇચ્છા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવાની છે. આ વિશે પૂછવામાં આવતા ડૉલી જણાવે છે કે મમ્મી કહતી હૈ, દેખેંગે.

જોકે અત્યારે પણ શૂટિંગ રેન્જમાં તરુણોની સંખ્યા વિશેષ છે. ક્લબનો હરિઓમ તોમર નૅશનલ સ્પર્ધામાં ચૅમ્પિયન બની ચૂક્યો છે. જોહરી ઉપરાંત ગાઝિયાબાદ લોનીથી પણ શૂટિંગ રેન્જમાં શીખવા આવનારાઓની સંખ્યા વધી રહી છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે શૂટિંગમાં આગળ નહીં વધવાની ઇચ્છા રાખનારા, પણ સિક્યોરિટી ફોર્સમાં નોકરી મેળવવાના હેતુથી પણ કેટલાક લોકો ફાયરિંગ શીખવાની ઇચ્છા ધરાવે છે. કોચ રાજપાલ ઇચ્છે છે કે દાદીઓ તેમની રેન્જમાં વારંવાર આવવાનું રાખે અને અન્ય દીકરીઓ માટે પ્રેરણા પૂરી પાડે. ૫૦ દીકરીઓ શૂટિંગ શીખવાનું શરૂ કરે એ દિવસની રાહમાં રાજપાલ છે. ચન્દ્રો એવા ઘરમાંથી આવે છે જ્યાં પુરુષોની પરવાનગી વગર સ્ત્રી ઘર બહાર જઈ શકતી નથી. તેમના પતિ પવનકુમાર પત્ની રૂઢિગત રિવાજોનું પાલન કરી રહે તેમ ઇચ્છા રાખે છે.

જોહરીના ખેડૂત કપિલ તોમર જણાવે છે કે શૂટર દાદીએ ગામનો વિકાસ કરી નામ અને શાન બંને વધાર્યા છે. જોકે, તેમની ઉંમરની તમામ મહિલાઓને આ સૌભાગ્ય નથી મળતું હોતું. જોહરીની ક્ધયાઓ સૂર્યાસ્ત પછી ઘર બહાર પણ નીકળી શકતી નથી. જીન્સ પહેરવા બદલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા સામે તેમના પર પ્રતિબંધ છે. આવા વાતાવરણ વચ્ચે ચન્દ્રોએ કરેલી પ્રગતિ દાદ માગી લે એવી છે. સારી વાત એ છે કે ચન્દ્રો પોતાની પૌત્રીઓને સ્પોર્ટ્સમાં જવા દબાણ કરતા નથી. તેમની પૌત્રીને રમતજગતમાં રસ ન હોવાનું તેઓ જણાવે છે. ચન્દ્રો હરિયાણા, પંજાબ, બિહારના ગામોમાં તરુણીઓને તાલીમ આપે છે. તેઓ પણ સંઘર્ષનો સામનો કરી રહ્યા છે જે સમાજ રૂઢિગત માળખામાં રહીને જીવે છે ત્યાં દીકરીઓને શૂટિંગ રેન્જ સુધી લઈ જવી અત્યારના આધુનિક જમાનામાં પણ પડકારજનક તો છે જ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

KA0j02
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com