24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૮૦ દાયકા પછી પેરિસ અને જિંદગી, બંને એટલાં રંગીન નથી રહ્યાં

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યનામ : ગેબ્રિયલ બૉનહિયોર ‘કોકો’ શેનલ

સ્થળ : રીટ્ઝ હોટેલ, ૧૫ પ્લેસ વેન્ડોમ, પેરિસ, ફ્રાન્સ

સમય : ૧૯૬૯

ઉંમર : ૮૫ વર્ષ

(ગયા અંકથી ચાલુ)

‘કેટલાક લોકોને લાગે છે કે લક્ઝરી અથવા સગવડ એ ગરીબીનો વિરોધી શબ્દ છે. સત્ય એ છે કે લક્ઝરી એ વલ્ગારિટી અથવા નીચતાનો વિરોધી શબ્દ છે. આપણે ત્યાં લોકોને સારા દેખાવા કરતા પૈસાવાળા દેખાવામાં વધુ રસ છે...’ મેં આ કહ્યું ત્યારે હું જિંદગીના એવા સમયમાંથી પસાર થઈ રહી હતી જેમાં મને શ્ર્વાસ લેવાની પણ ફુરસદ નહોતી. લગભગ બે દાયકા સુધી, ૧૯૨૧થી શરૂ કરીને ૪૧ સુધી મેં પાછું વળીને જોયું નથી. મારે માટે ૪૦૦૦ લોકો કામ કરતા હતા. નાઝીઓએ પેરિસ પર કબજો કરી લીધો ત્યારે પણ મેં પેરિસ છોડ્યું નથી. કારણ કે મારે માટે પેરિસથી આગળ કશું જ નથી... આજે પણ નહીં !

જોકે મને પેરિસમાં ટકી રહેવા માટે મારા બ્રિટિશ રૉયલ કનેક્શને ઘણી મદદ કરી. વિન્સ્ટન્ટ ચર્ચિલ સ્વયં મારા મિત્ર હતા. મને ક્યારેય કોઈ તકલીફ નથી પડી એટલું તો મારે સ્વીકારવું જ પડે. એનું કારણ મારા સંબંધો હોય કે મારી આવડત, પરંતુ જ્યાં સુધી હું જીવી ત્યાં સુધી મને કોઈ દિવસ મારી મરજી વિરુદ્ધ કશુંય કરવાની ફરજ પડી નથી. નાનપણથી મને મારો રસ્તો કાઢતા આવડતો હતો, અનાથ હોવાના કારણે કે જિંદગીના અભાવો સાથે રોજેરોજ ઝૂઝવાને કારણે હું બહુ સ્માર્ટ બની ગઈ. મને તરત સમજ પડી જતી કે કઈ વ્યક્તિને કઈ રીતે ખુશ કરી શકાશે. અહીં, ‘ખુશ’નો અર્થ દરેક વખતે શારીરિક લાલચ ન પણ હોય !

૧૯૪૧માં હું જ્યારે મારી કારકિર્દીની ટોચ પર હતી ત્યારે જર્મન ટેન્કોએ પેરિસમાં પ્રવેશ કર્યો. નાઝીઓની હકૂમત સ્થપાય તે પહેલાં પેરિસમાં રહેતા ઘણા લોકોએ પોતાનો જીવ અને મિલક્ત બચાવવાની વ્યવસ્થા કરી લીધી. નાઝીઓ ક્રૂર હતા, એમને માટે માણસની જિંદગી કરતા એમનો અહંકાર અને એમનું જર્મન લોહી મહત્ત્વના હતા. મને આવતી આફતના ઓળા દેખાઈ ગયા. મેં સૌથી પહેલાં મારો સ્ટોર બંધ કરી દીધો. આ નિર્ણયને મેં મારા દેશપ્રેમમાં અને મારા બાંધવો માટેની મારી લાગણીમાં ખપાવીને મારી જાતને બચાવી લીધી, પરંતુ હું એવું જાણતી હતી કે જો હું જરાક પણ શંકાસ્પદ હિલચાલમાં સપડાઈશ તો નાઝીઓ મને જીવતી નહીં છોડે. મેં મારું ઘર છોડીને હોટેલ રીટ્ઝમાં શિફ્ટ થવાનું નક્કી કરી લીધું. આ નાઝીઓના હેડક્વાર્ટર જેવી જગ્યા હતી. મને એવી ખબર હતી કે જો મારે લાંબો સમય પેરિસમાં જ રહેવું હોય તો મારે એક શેલ્ટર જોઈશે. જર્મનોની સામે ફ્રાન્સ ટકી નહીં શકે એ સત્ય સહુને સમજાઈ ગયું હતું. મેં રીટ્ઝ હોટેલમાં રહેતા બેરોન હેન્સ ગુન્થાર વૉન ડિક્લેન્જ સાથે મૈત્રી વધારી. એ જર્મન એમ્બેસીમાં કામ કરતા હતા અને ગેસ્ટાપોની નજીક હતા. ગેહેમ સ્ટાટપોલીઝી, જેમને સહુ ગેસ્ટાપોના ટૂંકા નામે ઓળખતા. નાઝીઓની સિક્રેટ પોલીસમાં એ વડા હતા. જ્યારે નાઝીઓએ ફ્રાન્સ ઉપર કબજો કરવા માંડ્યો ત્યારે મને આ બેરોન હેન્સ સાથેનો સંબંધ ખૂબ કામ લાગ્યો. મેં મારું કાયમી નિવાસસ્થાન રીટ્ઝ હોટેલમાં કરી નાખ્યું. જર્મન મિલિટરીના અનેક સૈનિકો અહીંયા રહેતા. કેટલાક ઊંચા હોદ્દા ધરાવતા ઓફિસર્સ સાથે મેં મૈત્રી વધારી. ફ્રાન્સની ક્રાંતિનો સમય શરૂ થયો ત્યારે ૧૯૪૪માં પેરિસની અનેક સ્ત્રીઓને એમના જર્મન કનેક્શન માટે સજા કરવામાં આવી ત્યારે પણ મને તો કોઈએ હાથ લગાડવાની પણ હિંમત કરી નહીં. ૧૯૪૪ના છેલ્લા મહિનાઓમાં મેં મારા સ્ટોરની દુકાન પર એક રસપ્રદ જાહેરાત લગાડી. મારું પરફ્યૂમ શેનલ નં. ૫ તમામ છોકરીઓ માટે મફત વહેંચવામાં આવશે. હું એ દિવસોમાં સ્વિટ્ઝરલેન્ડ ચાલી ગઈ અને બધું ઠંડું પડ્યું પછી જ પાછી આવી.

એ દિવસોમાં, ૧૯૪૬ના અંતમાં અને ‘૪૭ની શરૂઆતમાં ક્રિશ્ર્ચિયન ડીઓર બજારમાં પ્રવેશ્યા. એમણે એક જુદી જ ડિઝાઈન બજારમાં મૂકી. એડેડ બ્રા, હેવી સ્કર્ટની સાથે સાથે ડીઓરનું પરફ્યૂમ પણ બજારમાં આવ્યું. હવે શેનલ એકલી કંપની નહોતી, હરીફાઈ વધવા લાગી હતી. હું જ્યારે સ્વિટ્ઝરલેન્ડથી પાછી ફરી ત્યારે ફ્રાન્સના અખબારોએ મારા ઉપર માછલાં ધોવામાં કશું જ બાકી રાખ્યું નહોતું. જોકે, એમાં ક્રિશ્ર્ચિયન ડીઓર કંપનીના માલિકનો પણ હાથ હતો. કારણ કે, એ મને માત્ર વ્યાવસાયિક જ નહીં, અંગત નુક્સાન પહોંચાડવાનો પણ પ્રયત્ન કરવા લાગ્યા હતા.

નાઝીઓ માટે જાસૂસી કરવાનો આરોપ મારા પર એ વખતે તો ન મુકાયો કારણ કે મને મારા ફ્રેન્ચ કનેક્શન્સ કામ લાગ્યા ! મારા સમયથી જ આ શબ્દ ‘ફ્રેન્ચ કનેક્શન્સ’ પોપ્યુલર થયો. મારા અંગત વર્તુળમાં લોકો ‘મેડમોઝેલ’ તરીકે ઓળખતા. એ જ ગાળામાં જર્નલ વૉલ્ટર શ્ર્ચેલેન્બર સાથે પણ મારા અંગત સંબંધો બંધાયા. એ જર્મન ઈન્ટેલિજન્સ એજન્સી સાથે કામ કરતા હતા. મિલિટરી ઈન્ટેલિજન્સની જાસૂસી સેવા પણ એમણે ઘણો વખત સંભાળી. રેઈશમેન સિક્યોરિટી ઓફિસર તરીકે પણ એ બર્લિનમાં ઘણો સમય ઊંચી પોસ્ટ પર રહ્યા, પરંતુ જ્યારે ફ્રાન્સ અને જર્મનીનું યુદ્ધ પૂરું થયું ત્યારે ન્યુરેમ્બર્ગ મિલિટરી ટ્રિબ્યુનલમાં એમને છ વર્ષની કેદ ફરમાવવામાં આવી. એ એકાવનમાં જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે એમનું લીવર ખતમ થઈ ગયું હતું. એમણે ઈટાલીમાં આશરો લીધો. ૧૯૫૨માં એ ગુજરી ગયા ત્યાં સુધી એમની મેડિકલ અને રોજિંદા જીવનની જવાબદારી મેં આદરપૂર્વક નિભાવી. આજે મારે સ્વીકારવું જોઈએ કે શ્ર્ચેલેનબર્ગને કારણે જ હું ૧૯૪૧થી ૧૯૪૫ સુધી સહીસલામત અને પૂરા આદર સાથે પેરિસમાં જીવી શકી. નાઝીઓએ જે જે પેરિસવાસીઓની મિલક્ત લૂંટી લીધી એ લિસ્ટમાંથી પણ હું હંમેશા બાકાત રહી. મારા સ્ટોરને તાળા લાગી ગયા, સાચું પૂછો તો મેં જ સ્ટોર બંધ કર્યો, પરંતુ એ સ્ટોરમાંથી એક તણખલુંય હલ્યું નહીં એ માટે મારે બેરોન હેન્સ અને શ્ર્ચેલેનબર્ગનો આભાર માનવો જોઈએ.

આમ જુઓ તો મારી જિંદગી બહુ રસપ્રદ રહી છે. થ્રીલથી ભરપૂર, જે સમયે હું જર્મની દ્વારા ઓક્યુપાઈડ ફ્રાન્સમાં રહેતી હતી ત્યારે એફ-૭૧૨૪ નંબરની ફાઈલમાં મારા ઉપર જાસૂસીની શંકા વિશેની વિગતો અને પુરાવા એકઠા કરાયા હતા. મેં જાસૂસી કરી કે નહીં, મારે ત્યાંથી મહત્ત્વની માહિતી લીક થતી હતી કે નહીં, રીટ્ઝ હોટેલના મારા રૂમમાં નાઝી ઓફિસર્સની ખાનગી બેઠક ‘પાર્ટી’ના નામે યોજાતી હતી કે નહીં, આવું કશું સાબિત ન થઈ શક્યું, પરંતુ એ વખતના ફ્રેન્ચ અખબારોએ મને દેશદ્રોહી અને જાસૂસ તરીકે ખૂબ બદનામ કરી. અખબારોનું માનવું હતું કે મારે એક પેરિસવાસી તરીકે મારા દેશ-બાંધવોની મદદ કરવી જોઈતી હતી. એને બદલે હું જર્મનોને પડખે ચડી એવું લખીને સ્થાનિક ફ્રેન્ચ અખબારોએ મને ‘ફ્રેન્ચ કનેક્શન્સ’ માટે જવાબદાર ઠેરવી.

ઠીક છે, હવે આટલા વર્ષે એ વિશે વાત કરવાનો કોઈ અર્થ પણ નથી રહ્યો. આવનારા વર્ષોમાં કોઈ દિવસ કોઈ વ્યક્તિ મારે વિશે તપાસ કરશે ત્યારે કદાચ હું સાચી હતી કે નહીં એ વિશે એના પોતાનાં તારણો દુનિયા સામે મૂકશે.

(ઑગસ્ટ, ૨૦૧૧માં વોઘાન નામના લેખકના પ્રકાશિત થયેલા પુસ્તકને એમણે શેનલની સામે મુકાયેલા આરોપોની વિગતવાર વાત કરી છે. હાલ વોઘાનના આ પુસ્તકમાં એમણે વેસ્ટ મિનિસ્ટરના એજન્ટ તરીકે ફ્રેન્ચ કોત્યોરેર (ફેશન ડિઝાઈનર) અને પરફ્યૂમરનો ઉલ્લેખ કર્યો છે. એમણે લખ્યું છે કે, એક અત્યંત બુદ્ધિશાળી, દેખાવડી અને સ્વાર્થી સ્ત્રીએ પોતાના ફ્રેન્ચ કનેક્શન્સનો ઉપયોગ કરીને એમની પાસેથી અગત્યની લશ્કરી માહિતી મેળવી નાઝીઓ સુધી પહોંચાડવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો. એ સમયમાં જ્યારે આ સ્ત્રી સામે આરોપો ઘડવામાં આવતા હતા ત્યારે જર્મનો સાથેના એના સંબંધો વિશે આંખ આડા કાન કરવામાં આવ્યા. એસોસિયેટેડ પ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં હાલ વોઘાને પુરાવા સાથે કહ્યું કે, શેનલ નાઝી એજન્ટ હતી. વોઘાને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ‘જરાક જેટલી માહિતી ઉપરથી મેં તપાસ કરવાની શરૂ કરી અને યુનાઈટેડ સ્ટેટ્સ, લંડન, બર્લિન અને રોમમાં આર્કાઈવ કરવામાં આવેલા મટીરિયલમાં મને શેનલ અને એના પ્રેમી બેરોન હેન્સ ગુન્થાર વૉન ડિક્લેન્જ વિશે ઘણી માહિતી મળી. કોકો શેનલને ચાહતા અને એને આઈકોનિક ફિગર માનતા લોકોને આજે પણ વિશ્ર્વાસ નથી કે કોકો શેનલ જેવી વ્યક્તિ આવું કરી શકે. વિશ્ર્વભરના લોકો આજે આનંદ અને ગૌરવથી કોકો શેનલના કપડાં, પરફ્યૂમ, એસેસરીઝ, જ્વેલરી વાપરે છે, પરંતુ અહીં સુધી પહોંચવા માટે આ કોકો નામની ધૂર્ત સ્ત્રીએ પોતાના જ દેશની અગત્યની માહિતી દુશ્મનને વેચી હતી...’)

જીવતા રહેવા માટે અને સફળતાના આખરી પગથિયા ઉપર ટકી રહેવા માટે ઘણું બધું કરવું પડતું હોય છે. મેં મારાથી જે થયું તે બધું જ કર્યું તેમ છતાં મારી જિંદગીના આખરી દિવસોમાં હું એકલી છું. છેલ્લાં ૩૦ વર્ષથી હું રીટ્ઝ હોટેલના મારા સ્યુટ્સમાં રહું છું. જર્મનોએ ફ્રાન્સ કબજે કર્યું એ દિવસથી લઈને આજ સુધી હવે આ રીટ્ઝ હોટેલ જ મારું ઘર છે. મેં પેરિસમાં કોઈ દિવસ ઘર ખરીદ્યું કે બાંધ્યું નહીં. મારા મિત્રો જેક્વિઝ ચાઝોટ અને લીલોઉ માર્કવેન્ડ જેવા લોકો મને ક્યારેક મળવા આવે છે. મારી એક બ્રાઝિલિયન દોસ્ત એની દે હેરીન પણ અવારનવાર મારી મુલાકાત લે છે. એ મારી બાજુની જ હોટેલમાં રહે છે. અમે ક્યારેક ક્યારેક સાથે આંટો મારવા જઈએ છીએ, પણ હવે પેરિસ અને જિંદગી બંને પહેલા જેટલા રંગીન નથી લાગતા, મને. આ રીટ્ઝ હોટેલ કાયમી સરનામું છે. મારી જિંદગીના સહુથી વધુ વર્ષો મેં અહીં ગાળ્યા છે અને કદાચ હું મારો છેલ્લો શ્ર્વાસ અહીં જ લેવાની છું. મારા નવા કેટલોગ બનાવતા આજે પણ મને એટલી જ મજા આવે છે, જેટલી મને પહેલી વાર આવી હતી. મારે માટે ફેશન એ વોર્ડરોબનો નહીં, જિંદગીનો હિસ્સો છે. લોકો મને યાદ કરશે એવો મને વિશ્ર્વાસ છે. ઊંચી, પાતળી અને હંમેશા આકર્ષક દેખાતી કોકો શેનલની એનર્જેટિક અને ઈલેક્ટ્રિક હાજરી પાર્ટીનો આત્મા હતી... રહેશે !

રસ્તા પરથી ઊઠીને મેં મારા અસ્તિત્વને પેરિસના શ્રેષ્ઠ ફેશન ડિઝાઈનર્સની વચ્ચે કોઈ ઝગમગતી લાઈટની જેમ ગોઠવ્યું છે. આજે ૬૦ વર્ષની કારકિર્દી અને જિંદગીના ૮૦ દાયકાના લાંબા પ્રવાસ પછી જીવવાનું કશું જ બાકી નથી. મેં બધું જ માણ્યું છે એ વાતનો મને સંતોષ છે. (સમાપ્ત)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

71i8kP
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com