24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ક્રાંતિમાં સાથ આપતી સ્ત્રીઓએ આંદોલન પૂરું થતાં ફરી ઘરમાં બેસી જવું પડતું

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લભારતના સંવિધાનના ઘડવૈયાઓમાં ૨૯૯ પુરુષો હતા અને ૧૫ મહિલાઓ. આટલો બધો ભેદ શી રીતે થયો એ કળવું એક બાજુએ મુશ્કેલ છે તો બીજી બાજુએ એ નવાઈની વાત નથી. કોઈ પણ ક્રાંતિ, રાષ્ટ્રીય આંદોલન સ્ત્રીઓના સથવારા વિના થઈ શકતી નથી. દેશને ખાતર આમ કરો, સમાજને માટે ત્યાગ કરો, ધરમ માટે ખપી જાઓ એવા સંદેશાઓ મોટા મોટા નેતાઓ અને રાજકારણીઓના વ્યાખ્યાનો, એમના અનુયાયીઓનાં લેખન, મીડિયાના કેટલાક બાદશાહો આપતા રહે છે. પછી જ્યારે પરિણામે મુક્તિ આવે એટલે સ્ત્રીઓને પાછલે પગે ચાલીને ઘરમાં પાછા ઘૂસી જવાનું હોય છે. બીજું વિશ્ર્વયુદ્ધ ચાલતું હતું ત્યારે અમેરિકા અને ઈંગ્લેંડના રાજકારણમાં સ્ત્રીઓને ઘરકૂકડી બની રહેવાને બદલે બહાર આવી ફેક્ટરીઓમાં ઉત્પાદન કાર્ય કરવા, બસો ચલાવવા, ઑફિસોમાં કામ કરવા પ્રોત્સાહન અપાતું. જેવા યુદ્ધ પછી સૈનિકો પાછા આવ્યા અને એમને નોકરીએ લગાડવા માટે ગૃહલક્ષ્મી તો ઘરમાં જ શોભે, માતા કામ કરવા નીકળે તો છોકરાં આડેરસ્તે ચડી જાય એવા ખુલ્લા કે છુપા અને આડકતરા પ્રચારો જામી પડેલા. ‘રોઝી, ધ રિવેટર’ નામની ડૉક્યુમૅન્ટરી જોવા મળે તો એ તક છોડવી નહીં. હવે તો એમેઝોન પર કે યુ ટ્યુબ પર ભલભલી સામગ્રી મળી જાય છે, ‘રોઝી, ધ રિવેટર’ કેવી મહાન સ્ત્રી છે, કેવી કામગરી છે, રાષ્ટ્રપ્રેમી છે એ પ્રકારનું ગીત ફટાફટ બેસ્ટ સેલરમાં મુકાઈ ગયું. રોઝીનાં માથે સ્કાર્ફ બાંધી ફેક્ટરીમાં કામ કરતી હોય એવી તસવીરો અને પૉસ્ટરો છપાયાં. તકસાધુની જેમ સ્ત્રીઓની ઉત્પાદનક્ષમતા અને બહારની દુનિયામાં ભળવાની એમની તમન્નાનો ઉપયોગ કરી બાઈઓને ચડાવી અને યુદ્ધ પતી ગયું કે એમનાં કામ ગયા, પગાર ગયા, અન્ય સ્ત્રીઓ સાથે મળીને કામ કરવાના બહેનપણાં પણ ગયા, વધુ બાળકોને જન્મ આપો, બધાના પરિવાર અને ઘર પહેલાં (હજી પણ આમ ક્યાં નથી કહેવાતું! લેડી ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો અને આર્કિટેક્ટોએ પણ બહારનું કામ છોડી દીધાનાં દાખલા છે), બાકી બધું પછી ૧૯૫૦નો દાયકો લગભગ આવો જ હતો. સ્ત્રીઓ સામાજિક, આર્થિક કે રાજકારણી બાબતોમાં મોભો મેળવી લે એ કોને પોસાય? વારંવાર યાદ કરવું પડે છે કે ૧૯૪૨ની ક્વિટ ઈન્ડિયા - ચલે જાઓ - લડતમાં જેટલી સ્ત્રીઓ આવી, સરઘસો કાઢ્યાં, જેલો ભરી દીધી એટલી સ્ત્રીઓ ક્યારે પણ દુનિયાના ઈતિહાસમાં પહેલાં કે પછી બહાર આવી. મુક્તિકાર્યમાં કાર્યરત થઈ નહીં, રશિયન કે ફ્રેંચ કે અમેરિકન ક્રાંતિઓમાં પણ નહીં. જેલમાં એવી સ્ત્રીઓ પણ ગયેલી જેમના પેટમાં ગર્ભ હતો, એવી પણ હતી જેમણે પાછા ફરીને ઠપકો ખાવાનો હતો, એવી પણ હતી જેમના પતિ કે પિતા અંગ્રેજ સરકારમાં ઊંચા પદે હતા. દ. મુંબઈમાં પચાસ વર્ષ અગાઉ પણ જે સરલાબહેન માસ્ટર એકલાં પોતાની ગાડીમાં સ્ત્રીઓને ડ્રાઈવિંગ શીખવતાં હતાં તે બહેન ધનવાન પરિવારનાં હોવાથી કાર ચલાવતાં શીખેલાં અને કૉંગ્રેસના સેવિકાદળ માટે ભલભલાં કામો માટે ગાડી ચલાવી બહેનોને લઈ જતાં, ભારતીય વણાટની ઉત્તમ જાણકારી સાથે જે સોફિયા કૉલેજની વિમેન્સ પૉલિટેક્નિકમાં શિક્ષણ આપતા અને સામાન્ય નોકરિયાત સ્ત્રીઓ આપણાં દેશી વણાટની સુંદર સાડીઓ કિફાયત ભાવે મેળવી શકે તે માટે પોતાના બહેન જોડે ‘સોહન’ નામની સંસ્થા ચલાવતાં એ પ્રભાબહેન પણ રાષ્ટ્રવાદી હતા અને એમના કૉંગ્રેસ સોશ્યાલિસ્ટ બહેન માલતી ઝવેરીએ ઈન્ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી.)ની સ્થાપના અને એના લોક કલાના સંશોધન વિભાગમાં કામ કરેલું અને જેલમાંથી છૂટીને લાંબો સમય (૧૯૪૫થી માંડીને જ્યારે આ વિસ્તાર પ્રોપર્ટી ટૂરિઝમ માટે અમેરિકન ફિલ્મોથી પ્રખ્યાત નહોતો થઈ ગયો ત્યારે) ધારાવીમાં રહેતા ગુજરાતીભાષી કુંભાર પરિવારો જોડે પણ કામ કરેલું. આ બહેનોના અને સરલાબહેનના પિતા મુંબઈમાં શેરિફો બની ચૂકેલા, એ સમયે જ્યારે શેરિફ એ મોટો ઈજ્જતદાર મોભો હતો, છતાં દીકરીઓ આઝાદીને કામે લાગી ગયેલી. જીવનના ઉત્તર કાળમાં જેમને બદનામ કરી દીધેલા તે મૃદુલા સારાભાઈથી ભલભલા પુરુષ નેતાઓ ગભરાતા, મુંબઈમાં એક કાંઈક સરકાર તરફી મોટા સોલિસિટરના પત્ની કપિલાબહેન મહેતા તો માત્ર સખીઓને વળાવવા આવેલા, કારણ કે નીકળેલા જુલૂસના સૌની ધરપકડ થવાની જ હતી. સી વૉર્ડમાંથી સરઘસ નીકળ્યું કે જોશમાં આવી ગયેલા કપિલાબહેને કેડેથી ચાવીનો ઝૂડો એક મિત્રને સોંપીને કહી દીધું કે હું તો ચાલી. જુલૂસમાં જોડાઈ ગયા. તેમ છતાં પંદર, માત્ર પંદર સ્ત્રીઓ સંવિધાન સભામાં ચૂંટાઈ આવી શકી. દેશનો વિસ્તાર મોટો છે અને ભાષાઓ અલગ અલગ, છતાં થોડી થોડી માહિતી મળી શકે છે એટલે મોટી માંધાતા મહિલાઓ આવે તે અગાઉ કેટલીક મહિલા સભ્યોને હવે બને તો એક સાથે આવરી લઈએ.

કમલા ચૌધરી

કમલાજી હતા લખનૌના એક ધનાઢ્ય પરિવારના, પિતા ડૅપ્યુટી કલેક્ટર, ઘણાં બધાં સગા સરકારમાં મોટા હોદ્દા પર અને અંગ્રેજ સરકારને વફાદાર, તે છતાં જુવાનીમાં કમલા ચૌધરી રાષ્ટ્રીય ચળવળમાં જોડાઈ ગયેલા. ૧૯૩૦ની સવિનય કાનૂનભંગ ચળવળમાં સક્રિય થઈ ગયા એટલે જેલ તો મળવાની જ હતી. પોતાના કામને લીધે એ એક વાર અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ પણ થયા. આ નાનીસૂની વાત નહોતી. આ સમિતિમાં સરદાર વલ્લભભાઈ, નેહરુ કે સુભાષચંદ્ર જેવા નેતાઓ પણ હોય. અન્ય મોટા પ્રાદેશિક નેતાઓ તો ખરા જ. આ જ સમિતિ ગાંધીજીની સલાહ લે અને આઝાદીની લડત માટે નિર્ણયો લે. પક્ષમાં કાર્યકર્તા તરીકે ચાલુ રહ્યા હશે, કારણ કે છેક ૧૯૭૦ના પાછલા ભાગમાં એ ઉત્તર પ્રદેશમાંથી સભામાં ચૂંટાઈ આવ્યા. કમલાજી વધુ જાણીતા તો એમના લેખનો માટે હતા. એમની વાર્તાઓ અને નવલકથાઓ માટે કહેવાય છે કે એ સ્ત્રીઓની ગોપિત આંતરિક દુનિયાને આલેખતા. ભારત એક આધુનિક રાષ્ટ્ર તરીકે બહાર આવતું હતું તે પણ એમની કથાઓમાં ચિત્રિત હતું. એમની ચાર કૃતિઓ છે, ‘ઉન્માદ’, ‘પિકનિક’, ‘યાત્રા’ અને ‘બેલ પત્ર’.

માલતી ચૌધરી

એ પણ બડે ઘરકી બેટી હતા. પરિવાર પૈસાદાર અને સુધરેલો. ૧૬ વર્ષે એમને શાંતિ નિકેતનમાં રવીન્દ્રનાથ ટાગોરની છત્રછાયામાં ભણવા મોકલવામાં આવ્યા. છાત્રા તરીકે માત્ર ૭-૮ કિશોરીઓ હતી. એમાંનાં એકના લગ્ન બાદ શાંતિ નિકેતનમાં જ રહેવાનું બન્યું. ટાગોરના સાથી ખિતિબાબુ (ક્ષિતિમોહન સેન)ના પુત્ર જોડે એમના લગ્ન થયેલા. શાંતિનિકેતનના નેજા હેઠળ શ્રીનિકેતન પ્રકલ્પ યોજાયો તેના ખિતિબાબુ અધ્યક્ષ હતા. અહીં સિપાઈ અને બીજા ગ્રામીણ ખેડૂતોને કૌશલ્ય, કલા અને શાળા અભ્યાસની તક મળતી. ખિતિબાબુના પૌત્ર તે નૉબેલ પ્રાઈઝ વિજેતા જેવા અર્થશાસ્ત્રી ડૉ. અમર્ત્ય સેન ગાંધીજી ખુદ શાંતિ નિકેતન આવેલા અને ત્યાંની શિક્ષણ પદ્ધતિથી પ્રભાવિત થયેલા. આ ગાંધીવાદી શિક્ષણથી જુદી હતી પણ એટલી જ ભારતભૂમિમાંથી નિપજેલી શુદ્ધ ભારતીય પ્રથા હતી. અંગ્રેજી શિક્ષણ છોડવાની ગાંધીજીની હાકલ પડી ત્યારે આપણા પણ ઘણા વિદ્યાર્થીઓ ભાવનગરમાં દક્ષિણામૂર્તિમાં ભણે અને પછી શાંતિ નિકેતનની વિશ્ર્વભારતી યુનિવર્સિટીમાં જાય. અહીં એમણે સાબરમતી આશ્રમથી ઑડિશાથી આવેલા યુવાન નવકૃષ્ણ ચૌધરીને મોકલ્યા. આગળ જતાં માલતીબહેન અને નવકૃષ્ણજીએ લગ્ન કર્યાં. બંને ઑડિશા જઈ રાષ્ટ્રીય નવ સર્જનના કાર્યમાં જોડાયા. કૉંગ્રેસ પક્ષમાં દાખલ થઈ આગળ જતાં નવકૃષ્ણજી ઑડિશાના મુખ્યમંત્રી પણ બનેલાં. બંને કૉંગ્રેસ સોશ્યાલિસ્ટ હતાં જે કૉંગ્રેસની અંદર જ એક જૂથ હતું. ઑડિશામાં તો આ પક્ષ જૂથની સ્થાપના જ ચૌધરી યુગલે કરી. એમણે ગાંધીજી જોડે પદયાત્રાઓ કરી. માલતી ચૌધરી શાંતિનિકેતનમાં અનેક કલાકૌશલ્યો શીખેલા અને એ તેમણે લોકસેવા દરમ્યાન સામાન્ય પ્રજાને શીખવ્યાં. ગ્રામોદ્ધાર એમનું પ્રિય ક્ષેત્ર હતું. આ સૌ દ્વારા પોતાના પતિ જોડે એમણે ઑડિશાના લોકોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં. મીઠાનાં સત્યાગ્રહથી શરૂ થતી સવિનય કાનૂન ભંગ લડતને અનુકૂળ વાતાવરણનું સર્જન કર્યું. એમનું એક મુખ્ય કાર્ય બાજીરાવ છાત્રાલયની સ્થાપના અને વિકાસનું ગણાય છે.

બાજીરાવ એક કિશોર હતો જેણે સત્યાગ્રહ વિરોધી આવતા અંગ્રેજ દળને પાછા ઠેલવા માટે કામ કરેલું અને શહીદ થયેલો. આ છાત્રાલય હતું સત્યાગ્રહીઓનાં બાળકો માટે. આગળ જતાં અહીંયા ઉપેક્ષિત દલિત અને આદિવાસી જનજાતિઓ માટે પણ ખુલ્લું મુકાયું. ઘણાંયે સત્યાગ્રહીઓએ જેલ ભોગવેલી પણ માલતી ચૌધરીને છેલ્લી જેલ ક્યારે થઈ? ૧૯૭૫-૭૭ના અરસામાં ઈન્દિરા ગાંધીએ ઠોકી બેસાડેલી ઈમર્જન્સી દરમ્યાન. પોતે હતા લોકસેવક, ભૂદાન જોડે સંકળાયેલા પણ મૂળ તો સમાજવાદી ખરા ને! વિનોબા ભાવેએ આને ‘અનુશાસન પર્વ’ કહેલું અને જવાબ નહીં આપવા હોય તે મૌનમાં બેસી ગયેલા.

જયપ્રકાશ નારાયણ જેવાએ - અને એ પણ મૂળ સમાજવાદી - સર્વોદય છોડી છાત્ર યુવા પરિષદ જેવી જુવાનિયાઓને માનવહક માટે લડવાની પ્રેરણા ૧૯૭૧ પછીના ઈંદિરા ગાંધીના આપખુદ અમલના વિરોધમાં આપેલી જ્યારે નિર્મળા દેશપાંડે અને ખુદ વિનોબા ભાવે ઈન્દિરા ગાંધીના પ્રશંસક કે ટેકેદાર હતા. આ વખતે માલતી ચૌધરી પણ ઈન્દિરા ગાંધીની ઈમર્જન્સી સામે ઊભા થયા અને ધકેલાયા જેલમાં. ઘણાં સ્વાતંત્ર્યવીરો કે સર્વોદયીઓ આ રીતે કે પછી અણુશક્તિ પેદા કરનાર બંધ સામે પડવાને કારણે જેલમાં ગયેલા. જેના નાના આઈ.સી.એસ. હતા અને પિતા બૅરિસ્ટર એવી મોટા ઘરની બેટી આદિવાસી કળાઓ, ભારતીય હસ્ત ઉદ્યોગો અને ગ્રામીણ ગરીબો માટે કામ કરતા કરતા ૧૯૯૮માં ૯૪ વર્ષની વયે અવસાન પામ્યા. આ બંને સંવિધાન સભામાં ચૂંટાયેલી માતામહીઓને પ્રણામ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

i184xX
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com