17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સમાજસેવાના સાચા સંસ્કાર

દર્શના વિસરીયાઉંમર ૬૩ વર્ષ, એકદમ સાદગીપૂર્ણ જીવન, કોઈ પાસેથી કશું મેળવવાની ઈચ્છા નહીં પણ એથી વિપરીત પોતાની પાસે જે કંઈ પણ છે કઈ રીતે લોકોના કામમાં આવી શકે એવો સમાજ સેવા કરવાનો વિચાર અને સતત એ જ દિશામાં આગળ વધવાની ખેવના. આજના જમાનામાં આવી ભાવના રાખનારા કેટલા? કદાચ આંગળીના વેઢે ગણી શકાય એટલા. સમાજસેવા પણ કેવી પાછી? કદાચ કોઈ આવા ક્ષેત્રે કામ કરવાનું વિચારેય નહીં અને એમાં પણ એક મહિલા આ માટે તૈયાર થાય કે કેમ એ વિશે પણ એકાદ વખત તો શંકા થાય.

આજે આપણે વાત કરીશું પંજાબની એક એવી ‘લોખંડી મહિલા’ વિશે કે જેઓ ચંદીગઢ અને આસપાસના વિસ્તારમાં કોઈ પણ ગરીબ દર્દીનું મૃત્યુ થાય એટલે તરત જ તેમના સગાંવહાલા પાસે પહોંચી જાય અને જો તેમની આર્થિક સ્થિતિ સારી ના હોય તો અંતિમ સંસ્કારની તમામે તમામ જવાબદારી ઉઠાવી લે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કામ કરવા માટે તેઓ પોતાના પેન્શનના પૈસા ખર્ચે છે. શ્રીમતી અમરજિત એક નિવૃત્ત બૅંક કર્મચારી છે અને તેમણે વીઆરએસ લઈને સમાજસેવાની અનોખી ધૂણી ધખાવી છે. મૂળ પંજાબના પટિયાલામાં જ જન્મેલાં અને ઉછરેલાં અમરજિત કૌર ઢિલ્લોં છેલ્લાં ૨૦ વર્ષમાં ૩૦૦થી વધુ લોકોને આ રીતે માનભેર અંતિમ વિદાય આપી ચૂક્યા છે અને સેંકડો લોકોને દવા, ભોજન અને ઍમ્બ્યુલન્સ માટે મદદ કરી હશે એ છોગામાં.

આવું કામ કરવાનો વિચાર ક્યાંથી સ્ફૂર્યો એ વિશે વાત કરતાં તેઓ ‘મુંબઇ સમાચાર’ને જણાવે છે કે ‘વાત ૧૯૯૮ની આસપાસની છે. જ્યારે હું મારી મમ્મી સાથે ચંદીગઢમાં આવેલી પોસ્ટ ગે્રજ્યુએશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (પીજીઆઈએમઈઆર)ની મુલાકાતે ગઈ હતી. એ વખતે મેં જોયું કે કેટલાય એવા લોકો છે કે જેઓ સારવાર કરાવવા માટે તેમ જ દવા અને રહેવા-ખાવાની સગવડ કરી શકે એવા આર્થિક રીતે સજ્જ નહોતા. આ જોઈને મનના કોઈ ખૂણે અનુકંપા જાગી અને એ વખતથી જ હું આ રીતે લોકોને આર્થિક મદદ કરવા લાગી. ધીરે ધીરે ત્યાં જવાનું વધતું ગયું. આ જ રીતે દોઢ વર્ષનો સમય વીતી ગયો. અચાનક જ હું એ દિવસે ત્યાં પહોંચી તો મેં જોયું કે જમીન પર બે અજ્ઞાત વ્યક્તિના મૃતદેહ પડેલા હતા. હૉસ્પિટલના જ એક કર્મચારીએ મને પૂછ્યું કે શું આ બે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં કોઈ મદદ કરી શકું કે કેમ? મેં પણ એકાદ ક્ષણનોય વિચાર કર્યા વિના હા પાડી દીધી. મેં શું કામ હા પાડી, એનું કારણ તો હું આજે બે દાયકા બાદ પણ સમજી શકી નથી, પણ એ દિવસથી મારાં કામોની યાદીમાં ટોપ પર આવી ગયું આ કામ.’

૨૦૦૦માં જ અમરજિતે તેમની બૅંકની નોકરીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી અને ફૂલ ટાઈમ માટે આ સમાજ સેવાની ડ્યૂટી સ્વીકારી લીધી. તેઓ અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ ગરીબ અને જેમનું કોઈ ના હોય એવા લોકોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યાં છે.

મે, ૨૦૦૦માં બિહારથી આવેલા એક પુરુષનું હાર્ટ સર્જરી દરમિયાન મૃત્યુ થઈ ગયું. આ ઘટનાથી આઘાત પામેલી પુરુષની પત્ની તો સાનભાન ગુમાવી બેઠી. જેવી આ વાત અમરજિતના કાને આવી એટલે તરત જ તેઓ હૉસ્પિટલ પહોંચી ગયાં અને તેમણે મહિલાનાં ત્રણ બાળકોનો કબજો લઈ લીધો અને પુરુષના અંતિમ સંસ્કાર માટે ઍમ્બ્યુલન્સ બુક કરી દીધી. દર્દીના મૃત્યુ પહેલાં અમરજિત હંમેશાં જ મહિલા અને તેનાં બાળકો માટે ખાવાનું અને કપડાં લઈ આવતા. આવી તો કંઈ કેટલીય ઘટનાઓ આજે પણ તેમના માનસપટ પર એકદમ તાજી છે, અને જાણે આ ઘટના કાલે જ બની હોય એટલી બારીકાઈથી તેઓ વાત કરે છે.

‘મને આજે પણ યાદ છે ૨૦૧૩નો એ દિવસ. ગોરખપુરથી આવેલા ૧૨ વર્ષના એક બાળકનું હેપેટાઈટિસના કારણે મૃત્યુ થઈ ગયું. મેં જ્યારે બાળકની માતાને પૂછ્યું કે શું તેના દીકરાની કોઈ છેલ્લી ઈચ્છા હતી કે જે હું પૂરી કરી શકું? દુ:ખના ડુંગર નીચે દબાઈ ગયેલી એ માતાની આંખો અને જવાબ આજે પણ મને અડધી રાતે ઊંઘમાંથી જગાડી દે છે. તેની માતાએ મને જણાવ્યું કે આજે તેનો જન્મ દિવસ હતો અને તેની ઈચ્છા હતી કે તે ઘરે જાય, નવા કપડાં પહેરીને કેક કાપે અને નૂડલ્સ ખાય. હું તાત્કાલિક બજારમાં ગઈ. નવા કપડાં, બુટ, ગોગલ્સ અને કેક ખરીદ્યા. એ જ વખતે મારી નણંદને મેં નૂડલ્સ બનાવીને હૉસ્પિટલ લાવવાનું કહ્યું હતું. બધી જ વ્યવસ્થા કરીને અમે એ બાળકનો બર્થ-ડે ઊજવ્યો અને ત્યાર બાદ તેના પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.’ આ ઘટના જણાવતી વખતે આટલા વર્ષેય અમરજિતના ગળે ડૂમો ભરાઈ જાય છે.

જરૂરિયાતમંદોને દવા, ભોજન, કપડાં, રહેઠાણ અને તેમની અંતિમ ક્રિયા કરવા માટે પૈસા તો જોઈએ ને? આ પૈસા ક્યાંથી આવે છે એ વિશે પૂછતાં તેઓ કહે છે કે ‘નોકરીમાંથી નિવૃત્તિ લેતાં જ મારું પેન્શન શરૂ થઈ ગયું અને ભગવાનની દયા છે કે પેન્શન પણ સારું એવું આવે છે. આ રકમમાંથી જ મારું મોટાભાગનું કામ થઈ જાય છે. ક્યારેક જ જો પૈસા ઓછા પડે તો મારા સગા સંબંધી કે અમુક ડોનર્સ છે, જેઓ મને મદદ કરે છે તેમનો સંપર્ક સાધું છું. હજી સુધી તો કોઈએ પણ મને આર્થિક રીતે મદદ કરવાની ના પાડી નથી.’

અમરજિતને તેમની આસપાસના લોકો અને સ્થાનિક પ્રશાસન દ્વારા પણ તેમની આ અનોખી સમાજસેવા માટે સહયોગ આપવામાં આવે છે. હમણાં થોડાક સમય પહેલાં જ તેમને એક ઍમ્બ્યુલન્સ ભેટમાં આપવામાં આવી હતી. આ ઍમ્બ્યુલન્સમાં જ તેઓ દર્દીને દવાખાને અને મૃતદેહને સ્મશાન સુધી લઈ જાય છે. આ ઍમ્બ્યુલન્સની સર્વિસ ફ્રી છે અને બીજી એક સ્થાનિક સંસ્થા ડ્રાઈવર અને ઘણી વખત પેટ્રોલ ભરાવી આપે છે. જો કોઈ વખત ડ્રાઈવર ના મળે તો અમરજિત કૌર જાતે જ ડ્રાઈવ કરીને નીકળી પડે છે લોકોની મદદ કરવા માટે.

બે દાયકાના સમયગાળા દરમિયાન કોઈ એવો કિસ્સો કે ઘટના જેમાં ગુસ્સો પણ આવ્યો હોય અને દુ:ખ પણ થયું હોય એવું પૂછતાં જ તેઓ જણાવે છે કે, ‘જ્યારે તમે સમાજ સેવા કરતાં હોવ ત્યારે જાત જાતના લોકો તમને મળવાના જ છે અને તમારે દરેક પ્રકારની માનસિક તૈયારી પણ રાખવી જ પડે. ફેબ્રુઆરી, ૨૦૦૨ની વાત કરું તો દુર્લભ પ્રકારના કાનના કૅન્સરથી પિડાતી એક યુવતીએ છેલ્લાં શ્ર્વાસ લીધા અને તેના પિતાએ તેની અંતિમવિધિ કરવાની બીજું કોઇ કરે તો તેમાં હાજર રહેવાની પણ ચોખ્ખી ના પાડી દીધી. એ વખતે તો મને એ યુવતીના પિતા પર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો, પણ એમણે આવું કરવા પાછળનું જે કારણ આપ્યું એ સાંભળ્યા પછી તો એ ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયોે. પિતાએ એવું કહીને હાથ ઊંચા કરી લીધા કે મેં તો દીકરીને પરણાવી દીધી છે, એટલે આ બધું કરવાની જવાબદારી તો તેના પતિની છે. આ જવાબ સાંભળી લીધા બાદ આખરે મેં જ બધી તૈયારીઓ કરી અને એ દીકરીને માનભેર અંતિમ વિદાય આપી. પરિવાર હોવા છતાં પણ આ રીતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા એ ખરેખર આપણને વિચારતા કરી મૂકે છે કે આખરે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? આ ઘટના મારા માટે સૌથી વધુ ત્રાસદાયક હતી અને આજે પણ જ્યારે મને આ વાત યાદ આવે છે ત્યારે હું ગુસ્સાથી ધુ્રજી ઉઠું છું. ’

એક મહિલા તરીકે પણ આ રીતે લોકોની અંતિમ વિદાય માનભેર અને રીત-રિવાજોથી થાય એ જોવાની જવાબદારીએ કંઈ નાનીસૂની નથી. જિંદગીના છ દાયકાનો સમય જોઈ ચૂકેલા અમરજિત કૌર આ જવાબદારી માત્ર બખૂબી નિભાવી જ નથી રહ્યા, પણ સતત કઈ રીતે વધુને વધુ લોકોને મદદ કરી શકાય એ દિશામાં આગળ વધી રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

483s3Y7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com