24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખંભાતમાં ૩ માળની યુકો બૅંકની ઇમારત ધરાશાયી

ગામે ગામથીખંભાત: શહેરના ઝંડાચોક વિસ્તારમાં આવેલી એક જૂની બૅંકની ઇમારત ધડાકાભેર ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. વરસાદને કારણે શહેરના ઝંડાચોક વિસ્તારમાં ચંચળબાના દવાખાના નજીક આવેલી એક જૂની બૅંક ધરાશાયી થઈ હતી. ત્રણ માળની બૅંકની ઇમારત ધડાકાભેર ધરાશાયી થતા આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી અને બાજુનાં ત્રણેક જેટલાં મકાનોને પણ નુકસાન થયું હતું. ધરાશાયી થયેલી ઇમારતનો કાટમાળ રસ્તા વચ્ચે પડતા કડિયાપોળથી ઝંડાચોક જવાનો માર્ગ બંધ થયો હતો.

ભુજના ઍરપોર્ટ રોડ પર ફરી એક મગર દેખાયો

ભુજ: શહેરના ઍરપોર્ટ રિંગરોડ પર ફરી એકવાર મગરે દેખા દેતા લોકો ભયભીત બન્યા હતા. આસપાસ લોકોએ જાણ કરતા સ્થાનિક વિભાગના રેન્જ ફોરેસ્ટ ઑફિસર સહિતની ટીમે ઘટનાસ્થળે જઈને મગરને સુરક્ષિત પાંજરે પૂર્યો હતો. જોકે, માથાના ભાગની ઇજાઓથી આ મગર પીડાતો હતો. પકડાયેલો નર મગર ૬.૮ ફૂટ લાંબો અને ૪૫ કિલો વજન હતો. જ્યારે બીજો એક વધુ મગર સુખપરમાં નીકળ્યો હતો. અંદાજિત સાડા ચાર ફૂટનો આ મગર ગામમાં આવી જતા લોકોમાં ઉચાટ જોવા મળ્યો હતો. મગરને લોકોએ બાંધ્યો હતો. બાદમાં સુરક્ષિત રીતે ખત્રી તળાવમાં મૂકી આવ્યા હતા.

મહેસાણામાં સ્પામાં ગોરખધંધો

થાઇલેન્ડની બે યુવતીની ધરપકડ

અમદાવાદ: મહેસાણામાં એક સ્પામાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાંથી બે થાઈલેન્ડની યુવતી તથા સ્પાના મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. મહેસાણાના માનવ આશ્રમ ચોકડી વિસનગર રોડ ઉપર આવેલા એક થાઈ સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યારબાદ મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો.

અમદાવાદમાં પુત્રએ માતાને માર મારી

ઘર સાથે સળગાવી દેવાની દીધી ધમકી

અમદાવાદ: શહેરમાં પુત્રએ માતાને માર મારીને ઘર સાથે સળગાવી દેવાની ધમકી આપતા માતા પિતાએ શહેર કોટડામાં પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. સૈજપુર બોઘામાં આવેલી એક સોસાયટીમાં ૭૯ વર્ષીય વૃદ્ધ મહિલા તેના પતિ અને બે પુત્રો સાથે રહે છે ત્રીજો પુત્ર નિકુલ તેના માતા પિતાના ઘરે ગયો હતો. નકુલે ઘરમાં સખત ઝઘડો કરતાં તેના પિતા ગભરાઇને ઘરની બહાર નીકળી પિતા અને અન્ય ભાઇ પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. નકુલે તેની માતાને માર મારી, લાતો મારી ઘર સાથે સળગાવી દેવાની ધમકી આપી હતી.

ભાણવડ પાસે કાર ટકરાતા બાઈકસવાર દંપતીનું મોત

દેવભૂમિ દ્વારકા: માનપર ગામે રહેતા દંપતી ફતેપુરથી પોતાના ગામ માનપર બાઈક ઉપર જઈ રહ્યાં હતાં ત્યારે સામેથી બેફામ સ્પીડમાં આવી રહેલી કારચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર દંપતીને ફૂટબોલની જેમ ફંગોળતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજયાં હતાં. મુકેશગીરી ગૌસ્વામીએ રોડ પર દમ તોડયો હતો. જ્યારે તેમના પત્ની ગીતાબેન ફંગોળાઈને રોડથી નીચે પડી ગયા હતા. આ ઘટનાની જાણ ૧૦૮ને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી દંપતીને તપાસતા ગીતાબેને પણ દમ તોડી દીધો હતો.

અમદાવાદમાં યુવાનના પેટમાંથી

નીકળ્યું ૩.૫ કિલો લોખંડ

અમદાવાદ: સિવિલ હૉસ્પિટલમાં એક ૨૮ વર્ષના માનસિક બીમાર યુવકના પેટમાંથી સાડા ત્રણ કિલો લોખંડ કાઢવામાં આવ્યું હતું. આ યુવકનું ઓપરેશન શહેરની સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. તેના પેટમાંથી નીકળેલી વસ્તુઓને જોઈ ખુદ ડૉક્ટરો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. માનસિક બીમાર યુવકના પેટમાંથી ડોક્ટરોએ સાડા ત્રણ કિલો લોખંડમાં કાઢ્યું હતું જેમાં સ્કૂ, ખીલી, નટ-બોલ્ટ અને પિન સહિતની ૪૫૨ વસ્તુઓનો સમાવેશ થતો હતો.

સુરતમાં લુમ્સના કારખાનેદારનું રહસ્યમય મોત

સુરત: ભટારમાં લુમ્સના કારખાનેદારે બંને હાથ પાછળથી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનો વિચિત્ર કિસ્સો બન્યો હતો. શંકાસ્પદ હાલતમાં મળી આવેલા મૃતદેહને લઈ અનેક પ્રશ્ર્નો ઊભા થયા હતા. જોકે, સિવિલના પોસ્ટમોર્ટમ તબીબે આવા વિચિત્ર આપઘાત સામે પ્રશ્ર્નો ઊભા થતા પોસ્ટમોર્ટમ કરનાર તબીબ પણ આશ્ર્ચર્યમાં પડી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ એક વ્યક્તિએ પોતાના જ કારખાનાના ગોડાઉનમાં બંને હાથ પાછળથી બાંધીને નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

અમરેલીમાં મહિલાઓનો ચક્કાજામ

અમરેલી: શહેરના વોર્ડ નં.૧૧માં રસ્તા અને પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઊતરી આવી હતી અને રોડ ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ ચક્કરગઢ રોડ બંધ કર્યો હતો. રસ્તા પર મહિલાઓ બેસી જતા વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો. વાહનોની રોડમાં લાંબી લાઈનો લાગતાં ટ્રાફિકજામ સર્જાતા પોલીસ દોડી આવી હતી અને મહિલાઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. જો આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે તો જલદ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારાઈ હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

A6Y4UT
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com