24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોલ્હાપુર-સાંગલીનું પૂર માનવસર્જિત!

‘સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં વાર્ષિક સરેરાશ કરતાં અનેક ગણો વધારે પડેલો વરસાદ જ આ મહાપૂર માટે જવાબદાર છે’, એવું કારણ આપીને મહારાષ્ટ્રની સરકાર કોઈ પણ રીતે પોતાનો છુટકારો કરી શકશે નહીં. આ મહાપૂર માટે જેવું કુદરતી કારણ છે એટલું કે એથી અનેકગણું ગંભીર માણસની સંડોવણીનું પણ કારણ ગણવું પડે. આ નૈસર્ગિક આપત્તિ માનવ નિર્મિત કે માનવસર્જિત હોવાનું અનેક નિષ્ણાતો માને છે.

મહારાષ્ટ્રમાં હાલ મોસમી પરિવર્તનના ભારે વરસાદથી લોકો પરેશાન છે. આખા મોસમનો સરેરાશ વરસાદ માત્ર એક સપ્તાહમાં પડ્યાની ઘટના રાજ્યના અમુક ભાગમાં બની છે. એને પરિણામે અતિવૃષ્ટિ અને પછીના મહાપૂરને કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તામિળનાડુનો કેટલોક વિસ્તાર વરસાદી ‘આસમાની સુલતાની’નો માર ભોગવી રહ્યો છે. કૃષ્ણા નદી પશ્ર્ચિમ મહારાષ્ટ્રની જીવનદાયીની ગણાય છે અને આ સિઝનમાં કૃષ્ણામાતા કોપ્યા એટલે નદી તટના વિસ્તારોમાં છેલ્લા આઠ-દસ દિવસથી નદીનાં જળે ઉધમ મચાવ્યો હોવાનું આપણે જોયું છે. દસ દિવસ પછી પણ પૂરની સ્થિતિ બહુ ધીમી ગતિએ ઘટી રહી છે એટલે સાંગલી, કોલ્હાપુર, સતારાના જિલ્લાઓમાં જનજીવન સદંતર ધબી ગયું છે. દસ દિવસ પછી પણ જનજીવન સામાન્ય થઈ શક્યું નથી. નૌકાદળ, ભારતીય તટરક્ષક દળ, ભારતીય લશ્કર, એનડીઆરએફ, હવાઈ દળ વગેરેના જવાનો પોતાનો જીવ જોખમમાં નાખીને મદદ અને રાહતનું કામ કરવામાં રત-વ્યસ્ત છે.

સાંગલી, કોલ્હાપુર જિલ્લામાંથી સાડા ચાર લાખ લોકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. બે લાખ હૅક્ટર કરતાં વધારે ખેતીનું નુકસાન થયું છે. સાકર કારખાનેદારી, દૂધની ડેરીઓ, કરિયાણું-ગાંધીયાણું, કાપડનો ધંધો, ફળબાગાયતી વ્યવસાય વગેરે તમામ પ્રકારના નાનામોટા ધંધા-વ્યાપાર પર પૂરના પાણી ફરી વળ્યા છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની નુકસાનીનો અંદાજ સાધારણપણે ૨૦થી ૨૫ હજાર કરોડના ઘરમાં જશે, એવું માનવામાં આવે છે! ઉપરાંત પૂરના પાણી સંપૂર્ણ ઓસર્યા બાદ આ વિસ્તારોમાં આરોગ્ય યથાવત્ ટકાવી રાખવા માટે સઘન કામ કરવું પડશે. પાણીથી થતાં અને ચેપથી થતા રોગોને મહાત કરવા માટે મોટું મિશન જ જાણે હાથ ધરવું પડશે. પૂરમાં લોકોના ખતરનાક અનુભવોને પગલે તેમની કચ ખાઈ ગયેલી માનસિક અવસ્થાને પણ ફરી જોમવંતી બનાવવી પડશે. એ માટે ‘મહાબલિ’ની જેમ કામ કરવું પડશે. આ વાત ફક્ત સરકારને જ નહીં, તમને, મને અને સૌને લાગુ પડે છે.

આ કુદરતી આપત્તિ માનવસર્જિત પણ છે એમ કહેવું પડે છે. કૃષ્ણા નદીમાં ઠેર ઠેર બાંધવામાં આવેલા બંધમાં એકત્ર થયેલું પાણી અને વધારે પાણીનો યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં શાસ્ત્રોક્ત નિકાલ કરવામાં સરકાર ઊણી ઊતરી છે. સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના નાના, મધ્યમ અને મોટા કદના બંધ પાણીથી ભરાઈ જાય પછી તેના ઉપર યોગ્ય ધ્યાન નહીં અપાયાનું જાણકારોનું કહેવું છે. કોયના બંધ અને અન્ય બંધમાંથી પાણીનો નિકાલ કરતી વખતે અલમટ્ટી બંધ ધરાવતી કર્ણાટક સરકારના બંધ-ડેમ વગેરેનું સંચાલન કરતાં વિભાગ સાથે સમન્વયનો અભાવ આંખે વળગે છે. એ કારણે અલમટ્ટી ડેમમાં વૉટરશેડ ક્ષેત્રમાં પ્રચંડ વેગથી જમા થનારા પાણી અને અલમટ્ટી ડેમમાં નિકાલ કરાનારા પાણી વચ્ચેનું પ્રમાણ વિષમ હતું એટલે કે જમા થતું પાણી વધારે અને નિકાલ કરાતું પાણી ઓછું એવું પ્રમાણ હતું.

અગાઉ વર્ષ ૨૦૦૫માં આવેલા મહાપૂરના તમામ ઉચ્ચાંક આ વખતે તૂટ્યા હતા. ૧૪ વર્ષ બાદ આવેલા મહાપૂરે સાંગલી તથા અન્ય ભાગમાં વસનારા લાખો લોકોના ઘરસંસારને ખતમ કરી નાખ્યો હતો. ૨૦૦૫ના વર્ષમાં અલમટ્ટીનો મામલો આગળ ધર્યા બાદ ૧૪ વર્ષ સુધી એ મુદ્દા પ્રત્યે અક્ષમ્ય દુર્લક્ષ કરાયું છે. ખરેખર તો અલમટ્ટીની પાણી સંઘરો કરવાની ક્ષમતા અને બાંધના ઊંચાઈ અંગે વિવાદ છે. કૃષ્ણા અને કાવેરી નદીઓની પાણી વહેંચણી વચ્ચે આંતરરાજ્ય કરાર થયેલા છે, પણ કર્ણાટક હંમેશાં આડું ચાલ્યાનું જાણકારો કહે છે.

ભવિષ્યમાં કૃષ્ણામાતા કોપે નહીં એ માટે કૃષ્ણા નદીમાંના ડેમ-બંધ, વૉટરશેડ ક્ષેત્ર અને પાણીનો નિકાલ કરવાના મિકેનિઝમનો સઘન અભ્યાસ કરવાની જરૂર છે. સાંગલી, સતારા અને કોલ્હાપુર જિલ્લાના તમામ બંધ ૩૦ જુલાઈ દરમિયાન સંપૂર્ણ ભરાઈ ગયા હતા. અતિવૃષ્ટિ અંગેનો હવામાન ખાતાનો અહેવાલ ધ્યાન પર લઈને સમયસર જ અલમટ્ટીના જળનો નિકાલ વધારવામાં આવ્યો હોત તો આ આપત્તિનું સ્વરૂપ અને પ્રમાણ ઘટાડી શકાયું હોત. સત્તાધારી નેતાઓ અને આ વિસ્તારના પાલક પ્રધાન અહીં બહુ મોડા આવ્યા હતા. ઉપરાંત કૃષ્ણા નદીમાં ગેરકાયદે બાંધકામો, નિયંત્રણ વિના નદીમાંથી રેતી કાઢવાની પ્રવૃત્તિ, પૂર નિયંત્રણ રેખા અને તેનો અમલ થવો, નદી, નાળા, ઝરણાના પ્રવાહને બંધ કરી વધુમાં વધુ જમીન પાણી હેઠળ લાવવાની મૂર્ખામી, બંધમાં જળસંગ્રહ અને તેનો યોગ્ય સમયે નિકાલ જેવી અનેક બાબતે સમન્વય સાધવાની રીત શીખવી પડશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3264D65
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com