26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

દેશ કટિબદ્ધ થાય તો જળસંકટ ટળે

આકાશમાંથી વરસતા વરસાદી પાણીનો યોગ્ય રીતે સંચય થાય તે માટે સૌ કોઈએ કટિબદ્ધ થવાની જરૂર છે. આપણા દેશમાં વરસતા પાણીને વહી ન જવા દેવાય તો એક જ વરસાદ સમગ્ર ભારતને એક વર્ષ સુધી મબલખ પાણી આપી શકે તેમ છે. આપણી જળ વ્યવસ્થાની કેટલીક પરંપરાગત પદ્ધતિઓ છે, તેને વિકસાવવાની જરૂર છે. જળસંચય અને જળસંગ્રહ કે જળ વ્યવસ્થામાં કોઈ મોટા મૂડી રોકાણની પણ જરૂર પડતી નથી. અઢાર વર્ષ અગાઉ મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના સમાહર્તાએ આ દિશામાં પહેલ કરી દેવાસના પાણીનો પ્રશ્ર્ન હલ કર્યો હતો. રાજસ્થાન સરકારે પણ ૨૦૦૦ની સાલમાં સરકારી મકાનો, સ્થાનિક સંસ્થાઓની ઈમારતો અને શહેરી વિસ્તારોમાં પાંચસો ચો.મી. સુધીનો પ્લોટ ધરાવતી તમામ સંસ્થાઓ માટે વરસાદના પાણીના સંચયની વ્યવસ્થા કરવાનું ફરજિયાત બનાવવાનું સ્તુત્ય પગલું ભર્યું હતું. મકાનોની અગાસીમાંથી વહી જતા વરસાદી પાણીને પાઈપ દ્વારા ટાંકામાં લઈ જવાની વ્યવસ્થાના આદેશો પણ અપાયા હતા. આવા ટાંકા ૧૫થી ૨૦ ફૂટ ઊંડા કૂવા સાથે જોડાયેલા હોઈ ભૂર્ગભમાં પાણીના સ્તરને ઊંચું લાવવાનું પણ શક્ય બનાવે છે. આવી યોજના દેશના તમામ રાજ્યોમાં અમલી બનાવવાની તાતી જરૂર છે. ગુજરાતમાં એક દંપતી દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ - સંચય કરી આખા વર્ષના પાણીનો પ્રશ્ર્ન હલ કર્યો હોવાના સમાચાર ૨૦૦૨ની સાલમાં અખબારોને પાને ચમક્યા હતા. તાજેતરના જ એક અખબારી અહેવાલ અનુસાર ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના એકલવા ગામના ગ્રામજનો વરસાદના વહી જતા પાણીનો સંગ્રહ કરીને ગામની પાણીની વિકટ સમસ્યા દૂર કરી છે. વરસતા વરસાદી પાણીનો યોગ્ય સંચય - સંગ્રહ કરવા સૌ કોઈ કટિબદ્ધ થાય તે સમયનો પણ તકાજો છે.

- મહેશ વી. વ્યાસ

આકેસણ ફાટક પાસે, પાલનપુર.

--------------------------------------------

ઓનલાઈન વ્યાપારમાં છેતરપિંડી

આજના ડિજિટલ યુગમાં, જરૂરી ચીજવસ્તુઓની ‘ઓનલાઈન ખરીદી’ કરનારાઓમાં બધી જ ઉંમરના ગ્રાહકોનો સમાવેશ થાય છે. ઓનલાઈન ખરીદીનો વિકલ્પ, દુકાનો પર જઈ ખરીદી કરવા કરતા સગવડીયો હોવાની સાથે સાથે, મોટા ભાગે કિફાયતી પણ હોય છે કારણ કે આવી સાઈટોના ‘ઓવર હેડ ખર્ચાઓ’ નહીંવત હોય છે.

જોકે છેલ્લા કેટલાક સમયથી, આ વ્યવસાયમાં ઘુસી ગયેલ ‘અમુક લેભાગુ વેબસાઈટો’ પોતાના ગ્રાહકો સાથે છેતરપિંડી કરી ‘હલકો માલ’ પધરાવતા હોવાનું જણાય છે. આને લીધે ગ્રાહકોએ ‘ઓનલાઈન ખરીદી’ કરતી વખતે છેતરપિંડીનો ભોગ ન બનાય તે માટે ‘ભરોસાપાત્ર સાઈટો’ પરથી જ ખરીદી કરવાની તકેદારી રાખવી જોઈએ.

એવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે જેમાં લેભાગુ સાઈટ પરથી મોંઘાદાટ મોબાઈલ મગાવનાર ગ્રાહકોને પાર્સલમાં મોબાઈલને બદલે ડિટર્જંટ સાબુની ગોટીઓ મોકલવામાં આવી હોય અથવા ખાદ્યસામગ્રી મગાવી હોય તો તે હલકી ગુણવત્તાવાળી કે સડેલી વસ્તુ મોકલાવી દેવાઈ હોય. આવી છેતરપિંડી થયાની ખબર કુરિયરમાં આવેલ બોક્સ ખોલ્યા પછી જ થાય છે. આવી સાઈટો પર આની ફરિયાદ કરાય ત્યારે તેઓ ફકત હાથ જ ઊંચા નથી કરી દેતા પણ ગ્રાહકોની ફરિયાદ ખોટી હોવાનું કહી તેની સાથે અપમાનજનક વ્યવહાર કરતા જોવા મળ્યા છે. પરિણામે ગ્રાહક પાસે ‘ગ્રાહક તકરાર મંચ’નો દરવાજો ખખડાવવાનો એક માત્ર વિકલ્પ બચે છે.

આવી વેબસાઈટના માલિકો સુપેરે જાણે છે કે વેબસાઈટ સામે જે થોડાક કેસ દાખલ કરવામાં આવે છે તે કેસનો ચુકાદો જો ગ્રાહકની તરફેણમાં આવે તો તેને તકરાર મંચના ‘ઉપલા સ્તરે’ લઈ જઈ ગ્રાહકોને હેરાન કરી શકાય છે. આમ, આ વિકલ્પ સમય, શક્તિ અને ધનના વ્યય કરનારો હોવાથી મોટાભાગના લોકો, પોતાની સાથે થયેલ છેતરપિંડીથી થયેલી નુકસાની મૂંગા મોઢે ભોગલી લે છે. પરિણામે, આવી લેભાગુ વેબસાઈટના ગોરખધંધાઓ બે રોકટોક ચાલતા રહે છે.

- કિશોરકુમાર જીવણદાસ વેદ

- સુરેશભાઈ એન. રાયચુરા

એલ. ટી. રોડ, બોરીવલી (પશ્ર્ચિમ), મુંબઈ-૯૨.

----------------------------------------------

સ્વતંત્ર ભારતનો ‘સ્વર્ણીમ અધ્યાય’

૫મી ઓગસ્ટ, ૨૦૧૯ને દિવસે સંસદ ભવનમાં ગૃહપ્રધાન શ્રી અમિત શાહ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી ભારતીય બંધારણની કલમ ૩૭૦ તથા ૩૫એને નાબૂદ કરવાના પ્રસ્તાવ બાદ બહુમતીથી તેને મંજૂરી મળતાની સાથે જ સ્વતંત્ર ભારતની એકતા તથા અખંડિતતા બાબત એક સ્વર્ણીમ અધ્યાય જોડાયો. છેલ્લા ૭૦ વર્ષોથી જમ્મુ - કાશ્મીરના વિકાસના માર્ગમાં કેન્સરની બીમારી રૂપી કલમ ૩૭૦ તથા ૩૫એનો એક ઝટકામાં ઈલાજ થઈ ગયો અને આ બાબતે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા સ્વ. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેવા અનેક નેતાઓ તથા જમ્મુ-કાશ્મીરની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર આપણા સુરક્ષાકર્મીઓ તથા જવાનોને ઉપરોક્ત નિર્ણય તથા મંજૂરી બાદ સાચા અર્થમાં ‘શ્રદ્ધાંજલિ’ અપાઈ એમ કહી શકાય.

દિલ્હીના સંસદ ભવનમાં આર્ટીકલ ૩૭૦ તથા અનુચ્છેદ ૩૫એને નાબૂદ કરી સાચા અર્થમાં જમ્મુ-કાશ્મીરને સર્વાંગી પ્રગતિના માર્ગ ખોલવા માટેના આ પ્રસ્તાવના પક્ષમાં વૉટિંગ કરનાર તમામનો ભારતીય નાગરિક તરીકે ખૂબ ખૂબ આભાર.

- નિરંજન અ. આશર

બોરાબજાર સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૦૧.

બેસ્ટનું આવકારદાયક પગલું

બેસ્ટની ટિકિટના દરમાં કરેલો ઘટાડો એ આવકારદાયક પગલું છે. બેસ્ટના પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો

થયો છે.

બેસ્ટની બસો જે ખાલી જતી હતી અને ખોટમાં પડતી હતી તેમાં ઘણું ખરું સરભર થઈ જાય છે. તેવે વખતે મુંબઈ નગરપાલિકાએ દર મહિને રૂ. ૧૦૦ કરોડ ખાધ પેટે ફાળવ્યા જે જરા વધારે પડતા કહેવાય! બીજો મુદ્દો એ છે કે, ખર્ચમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના ૧૪માંથી ૪ કર્મચારી કરી નાખવામાં આવ્યા. આવી રીતે દરેક ઉચ્ચ પદાધિકારી નેતાના કર્મચારીઓ (સલાહકારો, સુરક્ષાદળના જવાનો, સેવકો)માં જો ઘટાડો કરાય તો દેશના ઘણા ખોટા ખર્ચમાં ઘણો ઘટાડો થશે જે અત્યંત જરૂરી છે.

- પ્રો. બિંદુ મહેતા

કામાલેન, ઘાટકોપર (વે), મુંબઈ-૪૦૦૦૮૬.----------------------------------------------

તહેવારો શોરબકોર વિના ઉજવાય

ગણેશોત્સવનો તહેવાર વાજતેગાજતે શરૂ થઈ જશે. મંડપ નાના બાંધવામાં આવે, કોઈને પણ અડચણરૂપ ન થાય. લાઈટિંગ, ડેકોરેશન સાદાઈથી કરાય. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. કોઈ પણ દુકાનદાર, સોસાયટી, ફેરિયા પાસે જબરજસ્તીથી રૂપિયા ફાળો ન લેવામાં આવે. પ્રેમથી જે ફાળો આપે તો તેનો સ્વીકાર કરવો જોઈએ. મંડળો પાસે જે રૂપિયા બેલેન્સ પડ્યા હોય તેનો સદ્ઉપયોગ કરી તહેવાર ઉજવાય. ફટાકડા ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. ડીજે પર પ્રતિબંધ લાદવો જોઈએ. પ્રદૂષણ બિલકુલ ન થવું જોઈએ.

બીજું ખાસ, વિસર્જનના દિવસે ઠઠ્ઠા-મશ્કરી ન કરાય. દારૂ ન પીવાય. ઘણા લોકો ધૂમ નશામાં હોય છે. છોકરીઓની છેડતી ન થાય તેનું તમામ મંડળોએ ધ્યાન રાખવું જોઈએ. કોઈ શોરબકોર, ઘોંઘાટ નહિ શાંતિથી તહેવારો ઉજવાય. તો ચાલો તહેવારો આન, બાન, શાન અને શાંતિથી ઉજવીએ. ચાર ચાંદ લાગી જશે. ગણપતિ બાપા મોર્યા.

- બિપીન મનહરલાલ શાહ (દેવગાણાવાળા)

દફતરી રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૯૭.

પ્રજામતના પત્રની અસર

‘મુંબઈ સમાચાર’ના ‘પ્રજામત’ વિભાગમાં પ્રકટ થતા પત્રોની નોંધ લઈને રેલવેતંત્ર જરૂરી પગલાં ભરે છે તેની એક સાબિતી થોડાક અઠવાડિયા પહેલા અંધેરી સ્ટેશન ખાતે દક્ષિણ (વિલેપાર્લે) તરફની બંધ કરી દેવાયેલી ૮ (આઠ) ટિકિટબારીઓ અંગે ફરિયાદ કરતો મારો પત્ર પ્રક્ટ થયો હતો. હવે એમાંથી હાલ તુરંત ૨(બે) બારીઓ ફરી શરૂ કરવામાં આવી છે, જેનો લાભ હજારો ઉતારુઓ લે છે. હવે બાકી ૬માંથી કમસે કમ બીજી બે વિન્ડો પણ શરૂ કરવી જોઈએ જેથી આઠમાંથી ચાર ખુલ્લી રહેતા ૫૦ ટકા બારીઓ કામ કરતી થઈ જશે. ‘મુંબઈ સમાચાર’ અને પશ્ર્ચિમ રેલવે બન્નેનો આભાર.

- સુરસિંહ જમનાદાસ ચાડ

જે. પી. રોડ, અંધેરી (પશ્ર્ચિમ), મુંબઈ-૪૦૦૦૫૮.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

S130A1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com