24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વૈશ્ર્વિક સોનું છ વર્ષની ઊંચી સપાટીએ અને રૂપિયો ગબડતાં સોનામાં ₹ ૬૦૨નો ચમકારો, ચાંદી ₹ ૧૨૦૫ની તેજી સાથે ₹ ૪૪,૦૦૦ની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: હૉંગકૉંગ ખાતે પ્રવર્તી રહેલી અરાજકતાની સ્થિતિ, આર્જેન્ટિનાના ચલણ પેસોમાં બોલાયેલા કડાક ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર ઉગ્ર બને તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે વૈશ્ર્વિક બજારમાં સોનામાં સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં ભાવ છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ હતા.

આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે રૂપિયો ૬૨ પૈસા ગબડી જતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦૦થી ૬૦૨નો ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂ. ૩૮,૦૦૦ની સપાટીની લગોલગ પહોંચ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨૦૫ની તેજી સાથે રૂ. ૪૪,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

પોલિસની ક્રૂરતા અને એક્સ્ટ્રાડિશન બિલનાં વિરોધમાં હૉંગકૉંગના એરપોર્ટ પર આજે દેખાવકારો એકત્રિત થઈને વિરોધ કરી રહ્યાનાં અહેવાલો હતા. તેમ જ આજે આર્જેન્ટિનાનો પેસોમાં કડાકો બોલાઈ જતાં આજે રોકાણકારોની સોનામાં સલામતી માટે વ્યાપક લેવાલી નીકળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી એક ટકાના ઉછાળા સાથે છ વર્ષની ઊંચી ઔંસદીઠ ૧૫૨૫.૯૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૩ ટકાના ઉછાળા સાથે ૧૫૩૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ રોકાણકારોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવ ગઈકાલના બંધથી બે ટકાના ઉછાળા સાથે દોઢ વર્ષની ઊંચી ઔંસદીઠ ૧૭.૪૦ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા.

દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. તેમ જ ડૉલર સામે રૂપિયામાં કડાકો બોલાઈ જતાં આયાત પડતરમાં વધારો થતાં સોનાની તેજીને ટેકો મળ્યો હતો અને સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦૦ વધીને રૂ. ૩૭,૭૯૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૬૦૨ વધીને રૂ. ૩૭,૯૪૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે તેજીના માહોલમાં જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી શાંત હતી.

દરમિયાન વધુમાં વૈશ્ર્વિક ચાંદીના ભાવ દોઢ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં સ્થાનિકમાં પણ .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળવા ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૦૫ની તેજી સાથે રૂ. ૪૪,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૪૪,૨૮૦ના મથાળે રહ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8aTSiT36
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com