26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કાશ્મીર મુદ્દે કુરેશીને બ્રહ્મજ્ઞાન કેમ થયું ?

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિતકેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ હટાવી પછી પાકિસ્તાને બહુ હોંકારાપડકારા કરેલા. આ જાહેરાત કરી ત્યારે પહેલાં તો પાકિસ્તાન સાવ બઘવાઈ જ ગયેલું ને બે દાડે તો તેને કળ વળેલી. કળ વળી કે તરત પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાની લશ્કરના તોપચીઓથી માંડીને આઈએસઆઈના કારભારીઓ સુધીનાં બધાંની બેઠક બોલાવેલી. એ બેઠકમાં બધા રાજાપાઠમાં હતા એટલે ખોંખારા ખાઈ ખાઈને ભારતને બતાવી દેવાની બહુ વાતો થયેલી.

ઈમરાન ખાને ભારત સાથેના તમામ રાજદ્વારી સંબંધો પૂરા કરવાની જાહેરાત કરી નાંખેલી. પાકિસ્તાને ઈસ્લામાબાદ ખાતેના ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાને બિસ્તરાંપોટલાં બાંધીને દિલ્હીભેગા થઈ જવા કહી દીધેલું ને પોતાના હાઈ કમિશનરને પણ પાછા બોલાવવાનું એલાન કરી નાંખેલું. હવે પછી ધીરે ધીરે ભારત સાથેના તમામ રાજદ્વારી સંબંધો પર પૂર્ણવિરામ મૂકવામાં આવશે એવું એલાન પણ કરી દેવાયેલું ને ભારત સાથેનો વેપાર બંધ કરવાની જાહેરાત પણ કરી દેવાયેલી. એ બેઠકમાં એવું પણ નક્કી કરાયેલું કે, પાકિસ્તાન આ મુદ્દો યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં પણ ઉઠાવશે ને દુનિયામાં બીજા મંચ પર પણ ઉઠાવશે.

ઈમરાને તો એવો હુંકાર પણ કરેલો કે, કાશ્મીરને આઝાદ કરાવવા અમે કોઇ પણ હદે જવા તૈયાર છીએ ને કાશ્મીર મુદ્દે અમે લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું. પાકિસ્તાની લશ્કરને પણ સાબદા રહેવા આદેશ આપી દેવાયેલા. એ વખતે પાકિસ્તાન જે રીતે ખોંખારા ખાતું હતું એ જોતાં એવું લાગતું હતું કે, એ કંઈક નવાજૂની કરશે ને સખણું નહીં રહે. એ પછી પાકિસ્તાને પોતાનાં યુદ્ધ વિમાનો લડાખ તરફ ખસેડ્યાં હોવાની ને એવી બધી વાતો પણ આવી હતી. તેના પરથી એવી હવા બંધાયેલી કે, આ મામલે કશુંક તો થશે જ. જોકે પાકિસ્તાનનું આ શૂરાતન અઠવાડિયામાં તો ઊતરી ગયું છે ને પાકિસ્તાને સચ્ચાઈનું ભાન થવા માંડ્યું છે. કાશ્મીર મુદ્દે હોંકારાપડકારા કરવામાં ને ખરેખર કશું કરવામાં બહુ ફરક છે તેનો પાકિસ્તાને અહેસાસ થવા માંડ્યો છે. ને ખાસ તો પાકિસ્તાનને એ વાતનો અહેસાસ થવા માંડ્યો છે કે, આપણે પાકિસ્તાનમાં બેઠા બેઠા ગમે તેટલું થૂંક ઉડાડીએ પણ ભારતનું કશું બગાડી શકીએ એમ નથી ને કાશ્મીર મુદ્દે ભારત કશું પણ કરે આપણે તેમાં રતીભાર ફેરફાર કરી શકીએ એમ નથી કેમ કે કાશ્મીર ભારતનું છે ને હંમેશાં રહેશે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીર મામલે આપેલું નિવેદન તેનો પુરાવો છે.

પાકિસ્તાને અઠવાડિયા પહેલાં જ કાશ્મીર મામલો યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં લઈ જવાની ડંફાશ મારેલી. હવે કુરેશીએ પોતે કહેવું પડ્યું છે કે, પાકિસ્તાને યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ પાસેથી કશી અપેક્ષા રાખવા જેવી નથી. કુરેશીએ જે શબ્દો વાપર્યા છે તેનો શબ્દશ: ભાવાર્થ એવો છે કે, ભારતે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ હટાવી દીધી એ સામે પાકિસ્તાન યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં જાય ને ત્યાં બધા ફૂલોના હાર લઈને આપણું સ્વાગત કરવા ઊભા થશે એવું પાકિસ્તાનીઓ માનતા હોય તો આપણે બધા મૂરખાઓના સ્વર્ગમાં જીવીએ છીએ. કુરેશીના કહેવા પ્રમાણે લાગણીઓ બહાર કાઢવી સરળ છે ને વાંધા ઉઠાવવા તો તેના કરતાં પણ વધારે સરળ છે પણ આ મુદ્દાને સમજાવીને આગળ વધવું મુશ્કેલ છે. યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલના પાંચ કાયમી સભ્યોમાંથી કોઈ પણ સભ્ય રોડા નાંખીને ઊભો રહી જાય એટલે પત્યું એ જોતાં મૂરખાઓના સ્વર્ગમાં રહેવાની જરૂર નથી.

કુરેશીએ જે વાત કરી છે એ સાવ સાચી છે ને બહુ મોટી છે. કુરેશી પાકિસ્તાનના વિદેશ પ્રધાન છે એ રીતે તો તેમની વાત મહત્ત્વની છે જ પણ કુરેશી ઈમરાન ખાને બનાવેલી એ પેનલના પણ પ્રમુખ છે કે જે પાકિસ્તાને બંધારણની કલમ ૩૭૦ નાબૂદ થઈ પછી બનાવી છે. સાત સભ્યોની આ પેનલને ભારતે લીધેલા નિર્ણયોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાથી માંડીને કાનૂની રીતે પડકારવા સુધીના વિકલ્પો ચકાસવાનું કામ સોંપાયું છે. શાહ મહમૂદ કુરેશી તેના પ્રમુખ છે પણ કુરેશી પોતે જ આ રીતે પોચકાં મૂકવા માંડ્યા હોય ને હથિયાર હેઠાં મૂકવાની વાતો કરતા હોય ત્યારે પાકિસ્તાનમાં શું માહોલ હશે તેની કલ્પના કરી જુઓ.

કુરેશીને આ બ્રહ્મજ્ઞાન કઈ રીતે લાદ્યું તે સમજવા જેવું છે. પાકિસ્તાને યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાની ફિશિયારી તો મારી દીધી પણ તેની ભારત પર કોઈ અસર પડી નથી. સામાન્ય સંજોગોમાં એવું બનતું કે, પાકિસ્તાનની આવી બધી ડંફાશો સામે ભારત કંઈક ને કંઈક રિએક્શન તો આપે જ પણ આ વખતે ભારતે કોઈ રિએક્શન જ ના આપ્યું. એક કાનેથી સાંભળીને બીજા કાનેથી વાત કાઢી નાંખી. દુનિયાના બીજા દેશોએ પણ એ જ વલણ અપનાવ્યું તેમાં પાકિસ્તાનનો વધારે પોપટ થઈ ગયો. ઈમરાન ખાને પહેલાં અમેરિકા સામે રાવ નાંખેલી પણ અમેરિકાએ આ બાબતને ભારતની આંતરિક બાબત ગણાવીને હાથ ખંખેરી નાંખેલા.

ઈમરાને એ પછી મુસ્લિમ રાષ્ટ્રોના બનેલા સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક ક્ધટ્રીઝ (ઓઆઈસી)ના પગ પકડ્યા પણ ત્યાંય કોઈ તેની વાત સાંભળવા તૈયાર નથી. તૂર્કી અને મલેશિયા એ બે મુસ્લિમ રાષ્ટ્રો પાકિસ્તાનની પડખે ઊભાં રહેવા તૈયાર થયાં પણ બીજાં મુસ્લિમ રાષ્ટ્રો પાકિસ્તાનની વાત સાંભળવા પણ રાજી નથી. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક ક્ધટ્રીઝ (ઓઆઈસી)ના કર્તાહર્તા તરીકે સાઉદી અરેબિયા સહિતનાં વિશ્ર્વનાં ધનિક મુસ્લિમ રાષ્ટ્રો છે. ઈમરાન ખાને આ સંગઠનને ભારતના પગલાને વખોડવા વિનંતી કરતો ઠરાવ કરવા કહ્યું પણ ઓઆઈસીએ એવો ઠરાવ કરવાનું તો છોડો પણ નિવેદન આપવાની પણ ઘસીને ના પાડી દીધી. આ સંગઠનમાં યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ) મહત્ત્વનું સભ્ય છે. યુએઈએ તો આ મુદ્દાને ભારતની આંતરિક બાબત ગણાવીને ભારતને ખુલ્લો ટેકો આપ્યો ને પાકિસ્તાનને સાવ ચાટ પાડી દીધું.

આ બધાના કારણે પાકિસ્તાનને વાસ્તવિકતાનું ભાન તો થવા જ માંડેલું ને બાકી હતું તે રશિયાએ પૂરું કરી નાંખ્યું. રશિયાએ કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણયને ભારતનો આંતરિક નિર્ણય ગણાવીને ભારતને ખુલ્લો ટેકો તો આપ્યો જ પણ એવું એલાન પણ કરી દીધું કે, યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં પણ આ મુદ્દે એ ભારતની પડખે રહેશે. સિક્યુરિટી કાઉન્સિલના પાંચ કાયમી સભ્યોમાં રશિયા પણ એક છે. કાશ્મીર મુદ્દો યુનાઈટેડ નેશન્સમાં હતો ત્યારે પાકિસ્તાન જ્યારે પણ આ મુદ્દે બહુ ગાજવીજ કરતું ત્યાર રશિયા વીટો વાપરીને પાકિસ્તાનના ઠરાવનું પડીકું કરી નાંખતું. હવે રશિયા પાછું એ જ ભૂમિકા ભજવવા તૈયાર છે એ જોતાં સિક્યુરિટી કાઉન્સિલમાં પાકિસ્તાનના ચણાય ના આવે એ વાત ના સમજે એટલા પાકિસ્તાનના નેતા નાદાન નથી જ. કુરેશીને જે બ્રહ્મજ્ઞાન લાદ્યું છે તેના મૂળમાં આ ઘટનાક્રમ છે. પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે, આ મામલે કશું પણ કરો એ ભીંત સાથે માથાં પછાડવા જેવું જ છે. ગમે તેટલાં માથાં પછાડો પણ કશું વળવાનું નથી. યુનાઈટેડ સિક્યુરિટી કાઉન્સિલે પણ હાથ ખંખેરી નાંખીને ભારત-પાકિસ્તાનને તેમની વચ્ચેના બધા ડખા દ્વિપક્ષીય રીતે ઉકેલવા કહી દીધું પછી તો પાકિસ્તાનનો રહ્યોસહ્યો ભ્રમ પણ ભાંગી ગયો.

આ સમજ પાકિસ્તાનના ફાયદામાં પણ છે કેમ કે અત્યારનું ભારત સિત્તેર વરસ પહેલાંનું ભારત તો નથી જ પણ પાંચ વરસ પહેલાંનું ભારત પણ નથી. અગાઉ આપણે ત્યાં એવી વાતો થયા કરતી કે, કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે ને કાશ્મીર મુદ્દે કોઈને કશું બોલવાનો અધિકાર નથી. અત્યારે ભારત માત્ર એવી વાતો કરતું નથી પણ ખરેખર એ રીતે વર્તે છે. કાશ્મીરનું હિત શેમાં છે એ માત્ર વિચારતું જ નથી પણ તેના માટે જે કરવું પડે એ કરે પણ છે. બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી અને કાશ્મીરનું વિભાજન એ દિશામાં લેવાયેલાં પગલાં છે.

પાકિસ્તાને બીજી પણ એક વાત સમજવાની જરૂર છે કે, ભારતના કબજા હેઠળનું કાશ્મીર જ ભારતનું નથી પણ પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર પણ ભારતનું જ છે. ભૂતકાળના નબળા શાસકોના કારણે એ કાશ્મીર મુદ્દે અત્યાર લગી ભલે કશું ના થયું પણ હવે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું લેવા પણ હવે લશ્કરી કાર્યવાહી કરી શકે છે ને પાકિસ્તાન કશું તોડી નહીં શકે. ભારતને એવી લશ્કરી કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર છે. એ કાશ્મીર પણ ભારતનું છે ને ત્યાં જામી પડેલા પાકિસ્તાનીઓને ભગાડવા લશ્કરી બળ વાપરવું પડે તો એ વાપરવાનો ભારતને હક છે જ ને એવું કરતાં પાકિસ્તાન તો શું બીજું કોઈ ભારતને ના રોકી શકે. પાકિસ્તાન આ સમજ પણ કેળવી લે તો સારું કે જેથી વરસ-બે વરસમાં ગમે ત્યારે એવું થાય ત્યારે

આઘાત ના લાગે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

t118O13
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com