29-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખારેક ખાવ ને તંદુરસ્તીનાં દ્વાર ખોલો

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિકબરહી જાતીની ખારેકનો સ્વાદ તથા તેની મીઠાશ શેરડીથી લઈને નાળિયેર તથા બટરસ્કૉચ જેવી હોય છે. બરહી ખારેકને આપ તાજી ખાવ તો તેની મીઠાશ આપ વધુ માણી શકો છો. સૂકાઈ ગયા બાદ પણ તેનો સ્વાદ માણી શકાય છે.

ફળફળાદિ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તે વાતથી તો આપણે બધા જ માહિતગાર છીએ. વિદેશી ફળોને બદલે સિઝનલ ફળ ખાવાનો આગ્રહ આહાર તજજ્ઞો દ્વારા વારંવાર કરવામાં આવતો હોય છે. ફળો વેચતી લારી કે દુકાન પાસેથી જો આપ પસાર થશો તો ઊડીને આંખે વળગે તેવું ગોલ્ડન રંગનું તથા ઘેરા લાલ રંગનું નાનું અમથું એક ફળ પણ આપને સજાવેલું જોવા મળશે. જી હા તે ફળ એટલે ફક્ત બે મહિના માટે મળતી લીલી ખારેક. એક સમયે અખાતી દેશોની શાન ગણાતી હતી ખારેક. ખેતીમાં પણ નવા સાહસ થવા લાગ્યા છે. ખેડૂતો દ્વારા વિવિધ પ્રયોગો અપનાવવામાં આવે છે. ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાનાં ફળોનો સ્વાદ ચખાડીને બે પૈસા કમાયાનો સંતોષ પણ તેમની વાતોમાં જોવા મળે છે.

ભારતમાં પણ ખારેકનો પાક મોટા પાયે ખેડૂતો દ્વારા લેવામાં આવતો હોય છે. ખારેકનું નામ આવે તેની સાથે કચ્છની યાદ તાજી થાય. કચ્છ જિલ્લામાં ૧૯ હજાર હૅક્ટરમાં ખારેકનો પાક લેવામાં આવે છે. ખારેકના વૃક્ષને ત્રણ વર્ષ સુધી ઉછેરવો પડે છે. ત્રણ વર્ષ બાદ તે વૃક્ષ ઉપર સુંદર મીઠી ખારકે લહેરાતી જોવા મળે છે. તેના સારા દામ ઊપજે છે. હાલના સંજોગો જોતા ખારેકનો પાક કચ્છ જિલ્લાની સાથે સૌરાષ્ટ્રના ખેડૂતોએ પણ ખારેકની ખેતી અપનાવી છે. ૪૦થી ૫૦ હજાર જેટલા સૌરાષ્ટ્રના ખેડૂતોએ ખારેકની વાવણી આ વર્ષે કરી છે. એક અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના ફક્ત રાજકોટ જિલ્લામાં ખારેકની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.

કાલાવડ, જીલરીયા, જસાપર, પડધરી, ગોંડલની આસપાસના ગામ જેવા કે કોલીથડ, મોટી ખીલોરી વગેરે મળીને કુલ ૪૦થી ૪૫ જેટલાં ખેતરોમાં ખારેકની ખેતી થવા લાગી છે. જામનગર, મોરબી, હળવદ તથા ભાવનગરમાં પણ ખારેકની ખેતી તરફ ખેડૂતો આકર્ષાયા છે.

ખેડૂતોનું ખારેકની ખેતી તરફ વળવાનું મુખ્ય કારણ આબોહવાનું માફક આવવું છે. વળી વળતર પણ સારું મળી રહેતું હોવાથી સ્વાભાવિક છે કે ખેડૂતો ખારેકની વાવણી કરવા આકર્ષાય. જૂન મધ્યભાગથી ખારેકની આવક શરૂ થતી હોય છે. રિટેલમાં એક કિલોદીઠ ૮૦થી ૧૦૦નો ભાવ મળે છે. વળી સ્વાદમાં મીઠી તથા ચાવવામાં માવા જેવી લીલી ખારેક પોચી હોય છે. ટિસ્યૂકલ્ચરથી ખેતી થતી હોવાથી સૌરાષ્ટ્રની આબોહવા ખારેકને માફક આવી ગઈ છે. બરહી જાતની (પીળી) ખારેકનું વાવેતર વધુ સફળ થયું હોવાથી તેની ખેતી વધુ કરવામાં આવે છે. બરહી શબ્દ અરેબિક છે. અરેબિકમાં બરહી શબ્દનો અર્છ થાય છે ‘ગરમ પવન’. ખનેજી જાત (લાલ) ખારેકને માટે વાતાવરણ માફક આવતું નથી. આથી બરહીનું ઉત્પાદન વધુ થાય છે. લાલ ખારેકની મોસમ પૂરી થાય એટલે પીળીની શરૂઆત થાય છે. ખારેકના એક રોપાના વાવેતરનો ખર્ચ ત્રણ હજારની આસપાસ થાય છે. સિઝનમાં ૧૦૦કિલો ખારેક મળતી હોય છે. વળી બરહી જાતીની ખારેકનો સ્વાદ તથા તેની મીઠાશ શેરડીથી લઈને નાળિયેર તથા બટરસ્કૉચ જેવી હોય છે. બરહી ખારેકને આપ તાજી ખાવ તો તેની મીઠાશ આપ વધુ માણી શકો છો. સૂકાઈ ગયા બાદ પણ તેનો સ્વાદ માણી શકાય છે. ખારેકની ખેતી મૂળભૂત રીતે મિડલ ઈસ્ટ તથા નોર્થ આફ્રિકામાં મોટા પ્રમાણમાં થતી હતી.ખારેકની ખેતી તથા તેનું વેચાણ મોટા પાયે થતું જોવા મળતું.

ખારેકમાં ભરપૂર માત્રામાં વિટામિન બી, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, ફ્લેવોનોઈડસ્, તથા એન્ટિ ઑક્સિડન્ટની માત્રા છે. આથી સવારના નાસ્તા સમયે તેનો ઉપયોગ કરવો જોઈએ.

ફાઈબરનો ખજાનો ખારેકમાં : એવું કહેવાય છે કે ૧૦૦ ગ્રામ ખારેકનો ઉપયોગ આહારમાં કરવાથી શરીરને ૬.૭ ગ્રામ ફાઈબર મળી રહે છે. શરીરની ૨૫ ટકા ફાઈબરની જરૂરિયાત પૂરી થઈ જાય છે. એક માન્યતા એવી છે કે શરીરની કરતાં ઘણું ઓછું ફાઈબર ફક્ત ૧૫ ટકા ફાઈબર લેવામાં આવે છે. જ્યારે વ્યક્તિની આવશ્યક્તા ૨૫ થી ૩૦ ગ્રામની જોવા મળે છે. મોસમી ફળ ખારેકનો આહારમાં ઉપયોગ કરવાથી પ્રત્યેક વ્યક્તિની તેના શરીરની ફાઈબરની આવશ્યક્તા પૂરી થાય છે.

મિનરલ્સનો ખજાનો ખારેકમાં : એવું કહેવાય છે કે ખારેકમાં ૧૪થી ૨૦ ટકા મિનરલ્સ સમાયેલાં છે. જેમાં કૉપર, મેંગેનિઝ, મેગ્નેશિયમ, તથા પોટેશિયમ સમાયેલાં જોવા મળે છે. શરીરને સ્ફૂર્તિદાયક રાખવા માટે કૉપરની માત્રા આહારમાં સમાવવી જોઈએ. આયર્નની માત્રા મેટાબોલિઝમને કાર્યરત રાખવા જરૂરી છે. મેંગેનિઝનો ઉપયોગ આહારમાં કરવાથી હાડકાંની તંદુરસ્તી જળવાઈ રહે છે. વાગ્યું હોય ત્યારે ઘા-ઘસરકા પડે અને લોહી નીકળે ત્યાં રૂઝ લાવવા માટે પણ શરીરમાં યોગ્ય પ્રમાણમાં મેંગેનિઝની માત્રા હોવી આવશ્યક છે. લીલી ખારેકમાં રસનું પ્રમાણ વધુ : શરીરમાં પૂરતાં પ્રમાણમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ. લીલી ખારેકનો ઉપયોગ કરવાથી તેમાં રસની માત્રા સૂકી ખારેકની સરખામણીમાં વધુ હોય છે. જ્યારે પાણીની તરસ લાગી હોય ત્યારે કે જ્યારે પેશાબ દ્વારા બહાર નીકળતાં પ્રવાહી પારદર્શક ન હોય ત્યારે મોટે ભાગે વધુ પાણી પીવાનું કે રસદાર ફળનો ઉપયોગ વધારવાનું સૂચન નિષ્ણાત દ્વારા આપવામાં આવે છે. લીલી ખારેક તેનો શ્રેષ્ઠ પર્યાય ગણી શકાય.

શર્કરાનું પ્રમાણ ઓછું : તાજી ખારેકમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સની માત્રા સૂકી ખારેકની સરખામણીમાં ઓછી હોય છે. તેથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારતી નથી. ડાયાબિટીસના દર્દીઓને શર્કરાનું પ્રમાણ શરીરમાં વધે નહીં તેનું પ્રમાણભાન રાખીને આહાર લેવાનો હોય છે. લીલી ખારેકમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સનું પ્રમાણ ઓછું છે. જે શરીરમાં સકારાત્મક ઊર્જાને વધારે છે. ખારેક ખાવાથી વારંવાર ભોજન -નાસ્તો કરવાની આદત હોય તેમાં ફાયદો થાય છે.વળી તાજાં ફળો સૂકવેલાં ફળોની સરખામણીમાં સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી ગણાય છે. પીળી ખારેકની મોટા પાયે ખેતી ઈઝરાયલમાં થાય છે. ઉનાળું ફળ તરીકે તે જાણીતું છે. એક ડાળી ઉપર નાના આકારના ઘેરા પીળા રંગનાં ફળો પ્રત્યેક વ્યક્તિ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. લગભગ ૩૦ દિવસ સુધી તે યોગ્ય રીતે પેકિંગ, યોગ્ય તાપમાન જાળવવું પડે છે. ટૂંકા ગાળાની સિઝન ધરાવતી લીલી ખારેક ખાવાથી તન-મન પ્રસન્ન બની જાય છે.

રમજાન માસમાં સાંજના સમયે ઉપવાસ તોડતી વખતે સૌ પ્રથમ ખારેક ખાવાની પ્રથા છે. ખારેકનો ઉપયોગ વિવિધ વાનગીઓ જેવી કે પુડિંગ, બ્રેડ, કેકમાં કરવામાં આવે છે. આજકાલ ખારેકને લિકવિડ ચોકલેટમાં ડૂબાડીને બાળકોને માટે આકર્ષક બનાવવામાં આવે છે. ખારેકનો જ્યૂસ પણ મળતો થયો છે. મધની અવેજીમાં ખારેકનો જ્યૂસ ઉપયોગમાં લેવામાં આવે છે. અન્ય ફળોના રસને સ્વાદિષ્ટ બનાવવા પણ ખારેકનો રસ ભેળવવામાં આવે છે. ખારેકના બીને પાણીમાં પલાળીને તેને વાટી લીધા બાદ પ્રાણીને ભોજનમાં આપવામાં આવે છે. બીજમાંથી નીકળતાં તેલનો ઉપયોગ સાબુ તથા સૌંદર્ય પ્રસાધન બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. ગર્ભાવસ્થામાં ખારેકનો ઉપયોગ કરવો જોઈએ. ખારેકનું વૃક્ષ હોય ત્યાં સમૃદ્ધિ વધે છે તેવી પણ માન્યતા છે. શરીરની તંદુરસ્તી વધારવાની ઈચ્છા હોય તો મોસમી લીલી ખારેકની મજા માણવા જેવી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

77f07266
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com