5-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આ ‘બંધન’ જરૂરી છે

સમજણ-મુકેશ પંડ્યાફક્ત બંધન શબ્દ નકારાત્મક લાગે, પણ એની આગળ સ્નેહ શબ્દ જોડાય એટલે તેનો અર્થ ૧૮૦ ડિગ્રીની ગુંલાટ મારી સકારાત્મક થઇ જાય. આ એક એવું બંધન છે જેમાં બંધાઇને પણ માણસ મુક્તિના દ્વાર સમીપ જઇ શકે છે. બહેનો પોતાના ભાઇને પ્રેમપૂર્વક રાખડી બાંધે છે એ તહેવાર રક્ષાબંધનના નામે ઓળખાય છે, પણ ખરેખર શું આ બંધનથી રક્ષા થાય છે. યસ, થાય છે. નિર્મળ પ્રેમ હોય છે ત્યાં સદાય સકારાત્મક વાતાવરણ સર્જાતું રહે છે, નકારાત્મક વાતાવરણનો નાશ થતો રહે છે. જ્યાં ઘર્ષણ છે, સ્વાર્થ છે, તિરસ્કાર છે ત્યાં ભય પણ હોય છે અને જ્યાં પ્રેમ અને માત્ર નિર્મળ પ્રેમ છે ત્યાં નિર્ભયતાનો જન્મ થાય છે. સબસે ઊંચી પ્રેમ સગાઇ એ કંઇ અમસ્તા તો નહીં જ કહેવાયું હોય. આ પ્રેમ સગાઇમાં પણ ભાઇ બહેનના પ્રેમ એટલે નિ:સ્વાર્થ, અણીશુદ્ધ પ્રેમ. પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા વચ્ચેના પ્રેમમાં તો હજુ પણ કયાંક આકર્ષણનું તત્ત્વ હોય છે. છોકરો કે છોકરી એક બીજાને પરણવા માટે તૈયાર થાય એની પહેલા તેઓ એક બીજાનો દેખાવ, સ્વભાવ, અભ્યાસ કે આવક જેવા કેટલાય પરિબળોને ચકાસે છે પછી લગ્ન કરે છે અને પછી પ્રેમ કરે છે. બહુ લાંબી પ્રક્રિયા છે. આજકાલ તો પ્રેમમાં પડતા પહેલા પણ છોકરા-છોકરીઓ અનેક જાતની તપાસ કરી લેતા હોય છે. આવી પ્રેમ સગાઇ ઊભી કરવી એ માણસના હાથમાં છે, પણ કોઇને ભાઇ મળવો કે બહેન મળવી એ એના હાથમાં નથી એ તો પરમાત્માએ આપેલી બક્ષિસ છે. ભાવિ ભરથાર કે ભાવિ પત્ની કેવી છે તેના પર તેની સાથે પ્રેમ કે લગ્નનો આધાર હોય છે, પણ ભાઇ કે બહેનની પસંદગી આપણા હાથમાં ન રાખીને ભગવાને ખરેખર આપણા પર ઉપકાર કર્યો છે. ભાઇ કે બહેન, ભણેલા હોય કે અભણ, કાળા હોય કે ગોરા, લાંબા હોય કે ટૂંકા, સક્ષમ હોય કે અપંગ કોઇ કરતા કોઇ પરિબળો તેમના શુદ્ધ પ્રેમની આડે આવતા નથી. મનોજ કુમાર પર ફિલ્માવેલા પેલા ‘પૂરબ ઓર પશ્ર્ચિમ’ ફિલ્મના ગીતની કડીઓ અત્રે યાદ આવે છે- કોઇ શર્ત હોતી નહીં પ્યારમેં, મગર પ્યાર શર્તો પે તુમને કિયા.

આજ કાલ તો કોઇને પ્રેમ કરતા પહેલા કેટકેટલી શરતોને પૂરી કરવી પડે છે. લગ્ન પછી જુદા રહેવું છે, સાસુ-સસરા ન જોઇએ, બે બેડરૂમ વાળો ફ્લેટ હોય તો જ હા પાડું. લગ્ન પછી નોકરી તો ચાલુ જ રાખીશ. શરતી પ્રેમમાં સ્વાર્થની ભાવના હોય છે. નિર્ભેળ પ્રેમમાં પરમાર્થની ભાવના હોય છે. વાહ! કાલે તો નકરા અને માત્ર નકરા નિ:સ્વાર્થ અને બિનશરતી પ્રેમનો ઉત્સવ છે.

આપણા ઽઽઽપૂર્વજો કે ઽઋષિમુનિઓ પણ કેટલા બુદ્ધિશાળી હશે નહીં ? ચાતુર્માસ જેવા દિવસોમાં જ રક્ષાબંધન, વીરપસલી અને ભાઇબીજ જેવા તહેવારો મૂક્યા છે જે માણસને નિર્ભેળ-પવિત્ર પ્રેમ કરવાનું આહ્વાન આપે છે. ચાતુર્માસના આ ચાર મહિનામાં ઇશ્ર્વર(સત્ય) તરફ પ્રયાણ કરવું હોય તો ઇન્દ્રિયો(માયા) પર સંયમ રાખવો જરૂરી છે. ઇન્દ્રિયોમાં જ રમમાણ રહેનારો માણસ ઇશ્ર્વરનો રસ્તો ચૂકી જાય છે. આ મહિનામાં કરતા ઉપવાસ કે વ્રતો આપણને ઇન્દ્રિયોની માયાજાળ તોડીને પરમ આત્મા તરફ આગળ વધવામાં અચૂક મદદ કરે છે. ભાઇ બહેનનો અતૂટ પ્રેમ પણ બંન્નેને ઇન્દ્રિયસુખની લાલચમાંથી બહાર કાઢીને સંયમ અને સત્યરૂપી ઇશ્ર્વર તરફ એક ડગલુ આગળ વધવામાં મદદ કરે છે. બંધનમાં જકડાઇને પણ મુક્તિ મળે, મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય એ જ ખરું બંધન. જે બંધનથી માયાનો નાશ થાય પણ સત્યની રક્ષા થાય એ જ રક્ષાબંધન.

કાલે પોતે બાંધેલા નહીં, પણ ભગવાને જન્મથી જ બાંધી આપેલા સંબંધોનો ઓચ્છવ છે. એક જ રૂમમાં સાથે ઊછરેલા ભાઇ બહેનનો પ્રેમ એટલો ઉદાર છે કે તે બે બેડરૂમ હોલ કીચનનો કે બંગલા-ગાડીનો મોહતાજ નથી. મારો વીરો જાડો હોય કે પાતળો મને કશો ફેર પડતો નથી. મારી બેન ગૌરવર્ણી છે કે શ્યામવર્ણી મને કંઇ ફરક પડતો નથી. ચાર ડઝન છોકરા કે છોકરીઓ જોયા પછી પણ સંપૂર્ણ પાત્ર કોઇને મળતું નથી. પણ યાર, ગજબ છે આ ભાઇ બહેનનો પ્રેમ નહીં ? તેમનો અણીશુદ્ધ પ્રેમ અપૂર્ણને પણ પૂર્ણ કરી દે છે.

એક દોરાને તાંતણે આટલો પરિપૂર્ણ પ્રેમ?

‘દુશ્મન’ ફિલ્મનું પેલું ગીત યાદ આવે છે.

‘જંજીરોસે ભી પક્ક્ે હૈ યે પ્રેમ કે કચ્ચે ધાગે

ઇન ધાગોકો તોડ કે કૈ..દી કૈસે ભાગે? ’

આ સ્નેહના કાચા દોરા માત્ર ભાઇને જ બાંધવા જરૂરી નથી, ભાભી અને ભત્રીજાઓને પણ બાંધી શકાય. ખરેખર તો બહુ ચુસ્ત નહીં અને બહુ ઢીલી પણ નહીં એવી, હાથના કાંડાની ધોરી નસને યોગ્ય દબાણ આપીને બાંધેલી રાખડી એક્યુપ્રેશર જેવું કામ કરે છે. આનાથી લોહીનું પરિભ્રમણ વધે છે. શરીરના દરેક અંગોને મળતા પ્રાણવાયુનું પ્રમાણ વધે છે. શક્તિ અને સ્ફૂર્તિ વધે છે. દરેક શુભ પ્રસંગે ગોર મહારાજ યજમાન અને તેમના ઘરવાળાઓને નાડાછડી બાંધતા હોય છે તેની પાછળનો ઉદ્દેશ પણ એ જ હોય છે કે દરેકના તન-મનની સુખાકારી જળવાય અને ઘરે આવેલો પ્રસંગ શાંતિથી પાર પાડી શકાય. વિદેશમાં પણ હવે મિત્રો વચ્ચે ફ્રેન્ડશીપ બેન્ડ બાંધવાનું શરૂ થયું જ છે ત્યારે આવતી કાલે આવતો આ રૂડો પ્રસંગ તો આપણી વર્ષો જૂની રક્ષા બંધનની પરંપરાને એક ડગલુ આગળ વધારશે.

યસ, તન, મન અને આત્માની ચેતના જગાડતું આ બંધન જરૂરી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2s453T6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com