26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આત્મઘાતી વિચારો રોકતી દવા અને સારવાર

મેડિકલી યૉર્સ-ઊર્મિલ પંડ્યાગયા અઠવાડિયે આપણે જોયું કે કોઇ વ્યક્તિ હતાશ હોય કે આત્મઘાતી વિચારો કરતી હોય એનો અણસારો તો નજીકની વ્યક્તિને મોટેભાગે આવી જ જતો હોય છે. જેવી આ વાતની ખબર પડે તેવી જ કોઇ સારા સાઇકિયાટ્રિસ્ટ કે કમસે કમ ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. એલોપેથી હોય કે આયુર્વેદ કે પછી કોઇ અન્ય થેરાપી, દરેક થેરાપીમાં આને લગતા સંશોધનો થયાં છે. દવાઓ અને સારવાર પણ ઉપલબ્ધ છે. કોઇ ડિપ્રેશનનો ભોગ બનેલી વ્યક્તિ આત્મહત્યાને રવાડે ચઢી જાય એ પહેલાં તેની દાક્તરી સારવાર શરૂ કરી દેવી જોઇએ. આવો કેટલીક ચિકિત્સા વિશે સામાન્ય જ્ઞાન મેળવીએ.

----------------------

એલોપેથિક સારવાર

સ્ટ્રેસ કે ડિપ્રેશન (માનસિક તાણ કે હતાશા) સૌપ્રથમ મગજ પર ખરાબ અસર કરે છે. નિરાશાવાદી -નકારાત્મક વિચારોને કારણે મગજની અંદર આવેલા વિવિધ રસાયણો જે ન્યૂરોટ્રાન્સમીટરના નામે ઓળખાય છે તેમની સમતુલા ખોરવાય છે. જો યોગ્ય એન્ટિ ડિપ્રેસન્ટ દવાઓનો ડોઝ આપવામાં આવે તો દરદીની હતાશા અને સ્યુસાઇડિયલ થોટ (આપઘાતના વિચારો) દૂર કરવામાં ઘણી મદદ મળે છે.

ડોપામાઇન, ટ્રાઇસાઇક્લિક, ટેટ્રાસાઇક્લિક, નોરાજેનર્જિક જેવી અનેક દવાઓ અને તેના વિવિધ સંયોજનો એલોપેથી સારવારમાં ઉપલબ્ધ છે. આ બધી જ દવાઓ મગજના વિવિધ રસાયણોની સમતુલા જાળવવામાં મદદરૂપ થાય છે. જોકે, દાક્તરી સલાહ લીધા પછી જ કઇ દવા કેટલા પ્રમાણમાં લેવી એ નક્કી કરવું. દાક્તર દર્દીની પ્રકૃતિ અને ઇતિહાસ જાણીને તેને અનુકૂળ દવાનું સૂચન કરે છે. ઘણી દવાઓની આડઅસર પણ હોય છે એટલે દાકતરી સલાહ મુજબ જ વર્તવું હિતાવહ છે. બીજું, જેમ કોઇ શારીરિક બીમારી વખતે જરૂર પડે તો આપણા કોઇ અંગને છુપાડવાનો પ્રયત્ન ન કરતા દરેક અંગ ડૉક્ટર તપાસે તેની અનુમતિ આપીએ છીએ. એ જ રીતે માનસિક બીમારી વખતે ડૉક્ટર પાસે તમારા મનને જેટલું ખુલ્લું મૂકશો એટલો તમને વધુ ફાયદો થશે. આર્થિક સમસ્યાને કારણે જો માનસિક ઝંઝાવાત સર્જાયો હોય તો એમાં ડૉક્ટર શું કરશે એવું માનીને દાક્તર પાસે જવાનો વિચાર માંડી વાળતા નહીં. કોઇ પણ મૂંઝવણ હોય, દાક્તર આગળ તેનું વર્ણન કરતાં અચકાતા નહીં. યોગ્ય દવા અને સારવારથી મગજ પ્રફુલ્લિત બને છે. બુદ્ધિશક્તિ ખીલે છે. સકારાત્મક વિચારોનું પ્રમાણ વધે છે. આવું સ્વસ્થ મગજ તમારી આર્થિક સમસ્યાને ઉકેલ આપતો એક આઇડિયા ક્યારે આપી દે એ કહેવાય નહીં. અંતે સહુ સારા વાના થઇને જ રહે છે.

-----------------------

મનોચિક્ત્સિા

તમારા મનની અંદર પ્રવેશીને યોગ્ય સલાહ આપતા સારા કાઉન્સેલર કે મનોચિકિત્સકને મળીને પેટછૂટી વાત કરીને કોઇ પણ સમસ્યાનું નિરાકારણ કરી શકાય છે. તેમની પાસે જવાનો સમય મળે તે પહેલાં નીચેના લેખને શ્રાવણ મહિનાનો ઉપદેશ સમજીને પણ વાંચી જજો. આજકાલ પૈસાની સમસ્યાને કારણે ઘણા વ્યાવસાયિક કે ઉદ્યોગપતિઓ આપઘાત કરી બેસે તેવા બનાવો વધતા જાય છે. જે આર્થિક સંકડામણ કે દેવાને કારણે અભણ ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે એ જ કારણસર આજનો શિક્ષિત વર્ગ પણ આપઘાત કરી બેસે છે. આ લોકોએ એટલું ધ્યાન રાખવું જોઇએ કે કરોડોના દેવામાં ડૂબેલા ઘણા માણસો પણ એ સમસ્યામાંથી બહાર આવી ગયા હોય તેવા ઘણા દાખલા છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાઇ બિલ્ડિંગ ક્ધસ્ટ્રક્શનની લાઇનમાં પડ્યા હતાં તેમાં કરોડોનું દેવું થઇ ગયું હતું, પરંતુ ધીરજ, કુનેહ અને આત્મવિશ્ર્વાસથી, વેપારીઓ અને ગ્રાહકોનો ભરોસો જીતીને આજે પાછા પગભર થઇ ગયા છે. જીવન ખરેખર અમૂલ્ય છે. તેની સામે અબજો રૂપિયાનું પણ કોઇ મૂલ્ય નથી.

ઘણી વાર એવું બને છે કે આત્મહત્યા કરનારી વ્યક્તિ તો છૂટી જાય છે પણ, તેના જીવનસાથી અને સંતાનો પર ઘણી ખરાબ અસર થાય છે. ધંધામાં દર વખતે નફો થાય એ જરૂરી નથી, ખોટ પણ આવી શકે છે. દરિયા જેવા અમાપ સંપત્તિ અને સમૃદ્ધિના માલિકને પણ ભરતી અને ઓટનો સામનો કરવો પડે છે તો કાળા માથાના માનવીને ખોટ ભોગવવાની આવે તેમાં શી નવાઇ છે? ઓટ પછી ભરતી આવે જ છે સિદ્ધાંત હંમેશા યાદ રાખવો. તમારી આર્થિક સમસ્યાનો બોજ વધી જાય તો એ વિશે જીવનસાથી, મિત્રો અને વેપારીઓ અને ગ્રાબકો સાથે પેટછૂટી વાતો કરતા અચકાવ નહીં. ખુલ્લા મને ચર્ચા કરશો તો કોઇને કોઇ રસ્તો જરૂર મળી આવશે. જ્યારે બધા જ દરવાજા બંધ થતા દેખાય ત્યારે ક્યાંકથી કોઇ આશાનું કિરણ અચૂક આવી પડે છે. એક વાત છે, ખોટમાં પણ કેવી રીતે જીવવું એ માણસે શીખી લેવું જોઇએ. પૈસાની રેલમછેલ હોય ત્યારે જે જિંદગી જીવી હોય એવી જિંદગી ખોટ સમયે જીવી ન શકાતી હોવાથી ઘણા લોકો હતાશ થઇને આપઘાત કરી બેસે છે. સામે જાતજાતના ભોજન પડ્યા હોય છતાં ઉપવાસની આદત પાડી હોય તો, ક્યારેક અન્નનો દાણો પણ ન મળે એવી પરિસ્થિતિમાં આ આદત આશીર્વાદરૂપ સાબિત થાય છે. તમે તમારી મરજીથી પૃથ્વી પર આવ્યા હતાં? તો પછી જવા માટે તમારી મરજી શું કામ વાપરો છો?

પરમ શક્તિ પર વિશ્ર્વાસ રાખો. આ બાબત પૂરતા અચૂક આસ્તિક બનો. નાસ્તિક વ્યક્તિ સફ્ળતા પ્રાપ્ત કરે તો આ બધું એને કારણે જ થયું એમ માનીને અહંકારી બની જાય છે. અંતે સર્વનાશને નોતરે છે. જ્યારે નિષ્ફળ થાય ત્યારે પણ આ બધું એને કારણે જ થયું એમ માનીને નિરાશાની ગર્તામાં ધકેલાય છે અને આત્મહત્યા કરી બેસે છે. આસ્તિક માણસ તો સફળતાને ભગવાનાની કૃપા માનીને છકી નથી જતો કે નિષ્ફળતાને ઇશ્ર્વરેચ્છા માની હતાશ પણ નથી થતો. સુખ આવે કે દુખ- એકેની જવાબદારી પોતાના શિરે નથી ઓઢી લેતો. ગીતાનો એક માત્ર સંદેશ જીવનભર યાદ રાખવો જોઇએ- સુખ હોય કે દુ:ખ તેને મનમાં ન આણો. ફક્ત સાક્ષીભાવે માણો. સત્કર્મ કરતા રહો.

ડિપ્રેશનથી બચવાના ઘરગથ્થુ ઇલાજ અને ખાણીપીણી- રહેણીકરણીકેવી હોવી જોઇએ એની રસપ્રદ વાતો આવતા અઠવાડિયે.

----------------------

આયુર્વેદ ચિકિત્સા

હજારો વર્ષ પુરાણા આયુર્વેદમાં ડિપ્રેશનની લાગણીને મનોઅવસાદના નામે ઓળખવામાં આવે છે. આ રોગ વારસાગત પણ હોઇ શકે અથવા શારીરિક, માનસિક કે નાણાકીય સમસ્યાને કારણે પણ થઇ શકે છે. કોઇ લાંબી બીમારી, સંબંધોમાં વિક્ષેપ, ગુનાહિત લાગણી કે લઘુતાગ્રંથિનો ભાવ પણ માણસને નિરાશા કે આત્મહત્યાના વિચારો તરફ દોરી જાય છે.

મૂડ બદલાવો, સૂવાની કે ખાવાની આદતોમાં ફેરફાર , વજનમાં વધારો કે ઘટાડો થવો, ચિંતા થવી, વારંવાર ગુસ્સે થવું , એકલતા અનુભવવી આ બધા ડિપ્રેશનનાં લક્ષણો છે.

આયુર્વેદમાં આને માટે શોધન, સ્નેહાપન, વિરેચન, નસ્યકર્મ, શિરોબસ્તી, શિરોધારા અને શિરો અભ્યંગ જેવી અનેક સારવાર ઉપલબ્ધ છે જે દરદીને મદદરૂપ થાય છે. તદુપરાંત અશ્ર્વગંધા, જટામાસી, ટગર, કપીકચ્ચુના પાઉડરથી ફાયદો થાય છે. બ્રાહ્મી, મંડુકાપર્ણિ, ગુડુચી, શંખપુષ્પીનો રસ પણ લઇ શકાય. યાદ રહે , વૈદ કે આયુર્વેદિક દાક્તરની સલાહ પ્રમાણે જ દવા લેવી. કેટલીક તૈયાર દવાઓ જેવી કે બ્રાહ્મીવટી, માનસમિત્રવાટિકા, મહાકલ્યાણઘૃત, સરસ્વતારિષ્ટ જેવી દવાઓ પણ દાક્તરની સૂચના મુજબ લઇ શકાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

H312Tj6J
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com