23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચોવકો કેમ રચાતી હશે?

કચ્છી ચોવક-કિશોર વ્યાસજીવનમાં વાતાવરણ સંવર્ધક જોઈએ. જો એ સંવર્ધક હોય તો જીવનમાં ખીલવા જેવું બધું જ ખીલી ઊઠે! ગુજરાતીમાં ઘણી વાર એક ઉક્તિનો ઉપયોગ બોલવા-ચાલવામાં થતો જોવા મળે છે. "મન વગરનો મેળો, ને વન વિનાનો વેલો એ જ અર્થ સાથે એક ચોવક પ્રચલિત છે કે "મન વૉણુ મેળો, ને વન વૉણુ વેલો જેનો ભાવાર્થ એવો પણ થઈ શકે છે કે, મન રાજી ન હોય તો મિલનમાં પણ ખુશી નથી ખીલતી! શાયરે પણ કહ્યું છે ને કે, "દિલ વિના લાખો મળે, તેને સભા નથી કહેતા બસ એવું જ! મિલન પણ મનપૂર્વક,મનોસભર હોવું જોઈએ. તેવું જ વન માટે કહી શકાય, જેનો ચોવકમાં ઉલ્લેખ છે: ‘ને વન વૉણ વેલો’. અહીં ભાવાર્થ સુધી પહોંચવા મોટાં વૃક્ષને બદલે ‘વન’ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે, એટલું જ નહીં વર્ણાનુપ્રાસ માટે પણ... ‘મન’ અને ‘વન’ શબ્દોનો ઉપયોગ થયો છે. એ મોટાં વૃક્ષ ન હોય તો ‘વેલ’ ક્યાંથી પાંગરે? એટલે જ વાતાવરણ સંવર્ધક હોવું જરૂરી છે. જો ખીલવું હોય તો એની આવશ્યકતા રહેવાની જ! એ મૂળભૂત આવશ્યકતા છે, એ ન હોય તો બધું જ અધૂરું જ નહીં, નકામું બની જાય છે.

આ ચોવકો કેમ રચાતી હશે? બહુ મહત્ત્વનો પ્રશ્ર્ન છે. કોઈ તાગ નથી પણ કારણો જે તગતગે છે, તે કંઈક આવાં હોઈ શકે! એ સર્વસામાન્ય જવાબ છે કે, તેની ઉત્પત્તિમાં લોકજીવન તથા લોકસમાજના વિસ્તૃત કાર્યક્ષેત્ર અને કાર્યપ્રવૃત્તિનો ચોવકોના જન્મમાં ઘણો મોટો ફાળો છે, વળી એ લોકસમાજમાં વિસ્તૃત કાર્યક્ષેત્ર અને કાર્યપ્રવૃત્તિનો પણ ઘણો મોટો ફાળો છે, જે લોકસમાજનાં વિવિધ પાસાંઓની ઝલક પણ દેખાડે છે, જેમ કે ઘણા બધા અર્થ ધરાવતી ઊક્તિ છે: ‘કતર હલાયણી’ (કાતર ચલાવવી), ‘કલઈ કરાયણી’ (કલઈ કરાવવી), ‘કચી તંધ ત્રુટણી’ (કાચા સૂતરનો તાંતણો તૂટવો), ‘બાજરખેણી’ અને ‘બાજર ખુટણી’ (બાજરો ખાવો કે બાજરો ખૂટવો).

આ બધું જ સમાજના વિધ-વિધ વર્ગના લોકો દ્વારા થતી કાર્યપ્રવૃત્તિમાંથી જન્મતી હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. ઘણું વ્યાપક અને વિસ્તૃત ક્ષેત્ર છે આ. ઘરકામ કરતી કે, બાળકના ઉછેરમાં વ્યસ્ત ગૃહિણીથી માંડીને વિવિધ વેપાર-ધંધામાં કે અન્ય વ્યવસાયોના લોકો ગ્રામજીવનમાં એકરૂપ થઈને સૌ પોતપોતાનાં કાર્યમાં પોતાના ભાવ કે વિચારો વ્યક્ત કરતા તેમાં જોવા મળે છે. ખાસિયતો અને જીવનપદ્ધતિના આધારે પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરતા હોય છે, જેમાં વ્યંગ અને પ્રશંસાના સ્વર સંભળાય છે. આ બધાં પરિબળો ચોવકોની ઉત્પત્તિ અને વિકાસમાં યથેષ્ટ ફાળો આપે છે. જેમ કે કચ્છમાં પશુપાલનનો ધંધો કરતા માલધારીઓ ઘણી વાર કહેતા હોય છે કે ‘ઉન ઉતારી ગિનણી’! ઘેટાં-બકરાંનું ઊન ઉતારી તેનો યોગ્ય ઉપયોગ કરવો એ અર્થમાં બોલાવેલા એ ત્રણ શબ્દો કાળક્રમે રૂઢ બની, લાક્ષણિકરૂપે બોલચાલમાં વપરાવા લાગ્યા ત્યારે તેનો અર્થ પ્રગટ થયો ‘કસ કાઢી લેવો’! આમ જન્મતી હશે ચોવકો!

એક જમાનામાં માટીની બનાવેલી કોઠીમાં અનાજ-ધાન રાખતાં. હવે સમયાંતરે જ્યારે નવું ધાન ભરવાની મોસમ આવે ત્યારે એ કોઠી ધોઈને સાફ કરવામાં આવતી. માટીની કોઠી, સ્વાભાવિક રીતે માટીની કોઠી અને સંગ્રહેલાં ધાનની માટી પલળે એટલે ગારો બનીને જ નીકળે! તેના પરથી ચોવક બની: "કોઠી ધૂઓ ત ગારો નિકરે શબ્દો સરળ છે, તેના અર્થમાં ન જતાં ભાવાર્થમાં જઈએં.... કેટલીક વાતો ભૂતકાળની એવી હોય કે તેને ઉખેડવાથી બંને પક્ષોને નુકસાની જ થાય! કેટલી અદ્ભુત શીખામણ આપે છે, ચોવક!

હા, તેના જેવું જ કે, "વાડ મેં હથ વિજોં ત કંઢા જ લગેં વાડમાં હાથ નાખીએં તો કાંટા જ લાગે. અર્થનો ભાવ એવો પણ થાય છે કે, ખોટાં અને ખરાબ કૃત્યો કરીએંે તો, તેનાં પરિણામ ભોગવવાં જ પડે!

એક જ સ્વરૂપની બે ચોવકો, અને બન્નેના અર્થ અલગ થાય એવું પણ બને! તેમાંની એક છે: "ભિત ડિસી ચિતર કઢાજે અને બીજી છે, "ભિત વગર ચિતર ન નિકારે પહેલી ચોવકનો શબ્દાર્થ થાય છે: ભીંત પ્રમાણે ચિતરામણ કરાય અને બીજી ચોવકનો શબ્દાર્થ છે ‘ભીંત વગર ચિત્ર ન દોરાય’. ‘ભિત’ એટલે ભીંત કે દીવાલ અને ‘ચિતર’ એટલે ચિત્ર. ‘ડિસી’નો અર્થ થાય છે, જોઈએ બંને ચોવકોમાં સમાન શબ્દોનો પ્રયોગ થયો છે.

પહેલી ચોવકનો ભાવાર્થ કંઈક આવો નીકળી શકે કે, માણસની યોગ્યતા પ્રમાણે તેની સાથે વાત કરાય કે કામ સોંપાય. એ વ્યક્તિની સમજ કે આવડત બહારનું કશું કહીયેં તો એ નિરર્થક નીવડે! અને બીજી ચોવક કહે છે કે "જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ તો હોય જ. કોઈ વાતમાં જરૂર તથ્ય હોય અને તો જ એ આગળ વધે કે આગની જેમ ફેલાય!

આ ચોવકનો વિશિષ્ટ સંદર્ભ એવો પણ છે કે, કોઈ વ્યક્તિ પર તેના ચારિત્ર્ય અંગે આળ આવે અને સાંભળનાર વિશ્ર્વાસપૂર્વક કહે કે "ના, એ બની જ ન શકે, એ વ્યક્તિ એવી નથી. ત્યારે આળને સમર્થન આપનાર કહેજ કે "ભિત વગર ચિતર થોડ દોરાજેં તા? મતલબ કે, કંઈક તો છે, વાત એમ ને એમ થોડી જ ફેલાય! "ભિત વગર કીં ચિતર નિકરેં?

એ જ સંદર્ભમાં ઘણી વાર બીજી એક ચોવક પણ વપરાય છે કે, "ધરા વિગર ધાંઈ ન થીએ! ધરા એટલે જમીન અને ‘ધાંઈ’ એટલે અનાજ, પણ મોટા ભાગે તેનો ભાવાર્થ લોકો એવો કરે છે કે, સારી જમીન વગર, અનાજ પેદા થતું નથી!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4bp11k
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com