23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હસ્તશિલ્પ: કારીગરી અને રોજગારનો મેળ

પ્રાસંગિક-સુમનકુમાર સિંહઆપણને આજે મનમાં એમ થાય છે કે પૂર્વજો કરતા આપણે વધુ વિકાસ કર્યો છે પણ ઘણી બાબતોમાં એ આપણો ભ્રમ પુરવાર થાય એમ છે. એ સાચું છે કે વિકસતા વિજ્ઞાનની સાથે આજે સગવડ અને સાધનો વધ્યા છે, પણ પર્યાવરણની બાબતમાં આપણે ખરેખર દાટ વાળી રહ્યા છીએ એમ લાગ્યા વગર રહેતું નથી.

પર્યાવરણની રક્ષા કરવામાં આપણાં કરતાં આપણા પૂર્વજો વધુ હોશિયાર સાબિત થયા હતાં એટલું જ નહીં આસપાસમાં વસતા તમામ લોકોને કોઇને કોઇ રોજગાર મળી રહે તેની ખેવના પણ એ લોકોને હતી. માત્ર વ્યવસાયિકો જ નહીં, કોઇ કળાકાર પણ ભૂખ્યો ન રહે તેવી સરસ વ્યવસ્થા એ સમયમાં હતી તેનો ઇનકાર થઇ શકે એમ નથી. આજે આપણે પર્યાવરણ અને બેરોજગારીના મુદ્દે પારોઠના પગલા ભરી રહ્યા છે ત્યારે ખરેખર તો વિકાસ થયો છે કે રકાસ એ વિચારવાનો સમય આવી ગયો છે.

એક પ્લાસ્ટિકની શોધે પર્યાવરણને તો બગાડ્યું જ પણ સાથે સાથે કેટલાય હસ્ત કારીગરોની રોજીરોટી પણ છીનવી લીધી હશે તે પણ સંશોધનનો વિષય છે.

એક જ ઉદાહરણ લઇએ. આ મહિનામાં જેમનો જન્મદિવસ છેેે એ કૃષ્ણની પ્યારી વાંસળી જેમાંથી બની છે એ વાંસનું.

એક સમયે કૃષિપ્રધાન કહેવાતા આ દેશમાં ખેડૂતોને ઉપયોગમાં આવતી દરેક ચીજવસ્તુઓ વાંસમાંથી બનતી. વાંસના ટોપલા-ટોપલી, વાંસના સુપડા વગેરે. માત્ર ખેડૂતો જ શું કામ? અન્ય કોઇ પણ ગ્રામીણજનોના ઘરે પણ વાંસમાંથી બનેલી નિસરણી કે ખાટલાનો ઉપયોગ પૂરબહારમાં થતો. ખેડૂતો જ કારીગરોને વાંસ ઉપલબ્ધ કરાવી આપતા અને ક્યારે કઇ ઋતુમાં કયા કયા સાધનોની જરૂર પડશે તેનો આગોતરો ઓર્ડર પણ આપી દેતા. કારીગરો પણ મન દઇને પોતાની કળાનો પરચો દેખાડતા. એક સમય હતો કે વાંસ ઉગાડવું એ ખેડૂતોની ખેતીનો જ એક ભાગ હતો. એ વખતે ય આપણા પૂર્વજોને પર્યાવરણની ઊંડી સમજ હતી અને એની દરકાર પણ હતી. આજે પણ જે પર્યાવરણના જાણકાર છે એ વાંસને લીલું સોનું જ માને છે. એ પર્યાવરણને કેટલું અનુકૂળ છે એ વાતનો અંદાજ તો આપણને એ વાત પરથી લાગે છે કે એ વાતાવરણમાં વધુ માત્રામાં પ્રાણવાયુ તો છોડે છે. ઝેરીલા કાર્બન ડાયોક્સાઇડને તો શોષી લે છે, સાથે સાથે વાતાવરણમાં ફેલાયેલા કિરણોત્સર્ગને શોષી લેવાની ક્ષમતા પણ ધરાવે છે.

વાંસના મૂળ જમીન પર પોતાની મજબૂત બનાવી રાખવામાં સક્ષમ છે. તેને લીધે જમીન અને માટી ધોવાઇ જતી અટકાવવામાં મદદરૂપ બને છે. વાંસને બાળો તોય બીજા બધા જલાઉ લાકડાની તુલનામાં ઓછો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. વાંસમાં ઔષધીય ગુણો હોવાને કારણે તેનો ઉપયોગ વિભિન્ન દવાઓનું ઉત્પાદન કરવા માટે પણ થાય છે. મોટા મોટા બિલ્ડિંગ બાંધતી વખતે કે સમારકામ સમયે આ વાંસના બાંબુઓ જ કામ લાગે છે. તેનું કારણ એ છે કે તેની પર માણસ સહિત ગમે તેટલા વજનનો બોજો હોય એ વાંકું વળે, ખેંચાય કે ગમે તે થાય, પણ ક્યારેય અન્ય લાકડાની જેમ તૂટી નથી પડતું. કોઇ તહેવારો કે પ્રસંગ વખતે જમીન પર કામચલાઉ રીતે મંડપ બાંધવામાં આવે છે તેમાં પણ વાંસનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કહેવાય છે કે વનમાં ઊગી નીકળેલા એક વાંસના થડમાં કોઇ કીડાને લીધે કાણા પડી ગયા હતા. આ છિદ્રોમાંથી જ્યારે સૂસવાટા મારતો પવન પસાર થતો ત્યારે તેમાંથી સરસ સંગીત ઉત્પન્ન થતું. આ ઘટના પછીથી સુંદર મજાની વાંસળીના સર્જનમાં પણ નિમિત્ત બની.

જિંદગીમાં પળે પળે કામ આવતું આ વાંસ, પર્યાવરણને શુદ્ધ રાખતું આ વાંસ, મરણ પછી પણ માણસને છેક સ્મશાનની ચિતા સુધી સાથ આપે છે. હિન્દુઓમાં કોઇ વ્યક્તિના મરણ પછી જે ઠાઠડી પર તેની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે તેમાં વાંસનો જ ઉપયોગ થાય છે.

બહારથી કડક અને અંદરથી પોલાં એવા આ પરોપકારી વાંસ સાથે જોડાયેલી એક સમસ્યાનો ઉલ્ લેખ કરવો પણ જરૂરી છે. વનસ્પતિ શાસ્ત્રની દૃષ્ટિએ વાંસને ઘાસની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે, પણ દેશનો કાયદો તેને વનઉત્પાદનોની શ્રેણીમાં મૂકતો હોઇ જો ખેડૂતોએ પણ તેને ઉગાડ્યું હોય પણ તેને કાપવાની પરવાનગી વનવિભાગ પાસે લેવા જવું પડે છે. આવામાં ઘણી વાર પ્રશાસન તંત્રથી ખેડૂતોને પરેશાની પણ ભોગવવી પડે છે.

કાયદાઓમાં સુધારા કરીને સરકાર અને વાંસના ઉત્પાદનનો વપરાશ કરીને સમાજ જો પ્રોત્સાહન આપે તો સોનામાં સુગંધ ભળી શકે. પ્લાસ્ટિકની ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ છે છતાંય બાસ્કેટ, ખુરશી, ખાટલા કે ટોપલા બનાવવા આજે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે જે પર્યાવરણનું દુશ્મન જ છે. જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં પ્લાસ્ટિકની બદલે વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓનો ઉપયોગ વધારીએ તો કેટલાય ગામડાઓના કલાકારોને અને કારીગરોને આજે પણ રોજી રોટી મળી શકે એમ છે.

આ જન્માષ્ટમીએ વાંસળીપ્રેમી કૃષ્ણને નમન કરો ત્યારે પર્યાવરણ રક્ષક વાંસને પણ મનોમન વંદન કરી લેવાનું ભૂલતા નહીં.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

N176W4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com