24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્મિત-વેદનાને મૌનમાં ફેરવી સતત ગતિ કરનારની જીવનસાધના નિરાળી છે

કવિતાની કેડીએ-નલિની માડગાંવકર‘જલસાઘર’માં રહીને પણ કવિ સુરેશ દલાલે ‘મૌનનો ચહેરો’ જોયો છે. કવિ પોતાની કવિતા દ્વારા આપણી વચ્ચે પોતાનું ‘અસ્તિત્વ’ સાચવે છે, મૃત્યુનું આવરણ કદીયે કવિના આત્માને ઝાંખું કરી શકતું નથી. આંગળીને વેઢે ન ગણી શકાય એટલા, પુષ્કળ કહી શકાય એટલા. કાવ્યસંગ્રહો આપીને એમણે ગુજરાતી કવિતાનું ઋણ મુકત મને પાછું વાળ્યું છે. એક સંસ્થા એવી રચી કે જે ભાષાના ઉંબરાને પણ વટાવી દે. કવિની, સંસ્થા રચયિતાની અને ઈશ્ર્વર શ્રદ્ધાની ત્રણે દિશામાં એમણે માનવ તરીકેની મર્યાદા સાચવીને સાચી ગતિ કરી. કવિ સુરેશ દલાલની રચનાઓનો આસ્વાદ લેતાં એક વાત નિશ્ર્ચિતપણે કહી શકાય કે એમણે ‘માણસની વાત’ સહજભાવે કહી છે અને સાંભળી છે.

શિક્ષણક્ષેત્રે એમની સફળતા કિરણોની જેમ વિસ્તરેલી, છતાં એમનો સ્વાધ્યાય એક અભ્યાસી જેવો અતૂટ રહ્યો. ગીત હોય, છંદોબદ્ધ કવિતા હોય કે અછાંદસ રચના પણ એમણે જીવન સાથે જીવનને સમજાય એ રીતે વાતો કરી છે અને અનેકની સમસ્યાઓ વિના વિલંબે ઉકેલી છે. પોતાની વાત કરતાં હોય એ રીતે ‘પ્રથમ પુરુષ’માં કહેલી વાત એમની નિખાલસતાની સાક્ષી પૂરે છે.

જીવન અનેક સ્વાર્થપરક પંથો માટે લલચાવે છે અને એમાંથી જે પંથ પસંદ કરીએ એ જ માણસની અગ્નિપરીક્ષા કરાવનાર છે. એ પસંદગી પર જીવનના મુખ્યકર્મનો આધાર રહેલો છે. જીવનપંથને ધિક્કારતા, પાછળથી પસ્તાતા અનેક માણસોના સંપર્કમાં આપણે આવીએ છીએ, પણ કવિ સુરેશ દલાલને કવિતા પ્રિય છે અને કવિતાને એ પ્રિય છે. માટે કવિતા એ જ સંજીવની આપનાર છે, જે વ્યક્તિ કવિતાને જીવનમંત્ર બનાવે છે. એ સામાજિક રીતે ભલે પરાજિત લાગે, પણ એની અંતર્મુખતા એક વાત અનેક વાર પડઘાવે છે કે આખરે એ કવિતા સાથે નાતો બાંધીને પસ્તાતી નથી જ નથી.

કવિતા પ્રિય છે, રસ્તો વ્હાલો છે પછી શું જોઈએ! આ વૃત્તિ જ એને કવિતાના માર્ગે આગળ વધારનારી છે. ‘કવિતા એટલે કવિતા’ ભલે એ દેશ-વિદેશની કોઈ પણ ભાષામાં રચાઈ હોય પણ એની સંવેદના ઉંબરો ઓળંગીને આગળ વધતાં ડરતી નથી. આ નરી કવિતા નથી; કવિનું આત્મનિવેદન છે. સ્મિતમાં ઝબોળાતો પ્હાડ દુ:ખનો નથી રહેતો એ તો પ્રસન્ન બને છે. આ એક જ કલ્પના પ્હાડ સાથેના જડત્વને ઓગાળી નાખવા પૂરતી બની રહે છે. જે વ્યક્તિ પ્હાડના અવરોધને પણ સ્મિતમાં ઝબકોળે અને આનંદના છૂપા આંસુને અદૃશ્ય બનાવે છે એ પણ ખડકમાં એને જીવનસાધક નહીં કહો? કારણ પોતાના સ્મિત-આંસુની ભાષા જે સમજી શકે છે એ જીવનના કોઈ પણ અવરોધને ઓળંગવાનું સામર્થ્ય કર્મથી દર્શાવી શકે છે.

નક્શો કોણે રચ્યો? માણસે જ. પોતાની હતાશા અને નિર્બળતાને છુપાવવા. આ ભૂગોળનો નક્શો નથી શબ્દોનો છે. નક્શો માણસને ચલાવે છે, માણસ પોતાના મુઠ્ઠી જેટલા શબ્દોથી આ નક્શો રચતો હોય છે. રસ્તા સાથેની બધી સંવેદના કવિ કાવ્યના પ્રારંભથી જ જાળવી રાખે છે અને પોતે સતત ચાલતા રહીને ગતિને જાળવે છે અને જગતને ઓળખે છે. આ તો કવિ છે એની ગતિ સામાન્ય માણસ જેવી નથી પણ ચાલતાં ચાલતાં માણસોની નહીં; શબ્દોની ભીડમાં ખોવાઈ જાય છે. કોઈ માણસ સારી-નરસી અભિવ્યક્તિને શબ્દોથી જાણે છે માણસથી નહીં.

કવિનું એકાંત અને એકલતા એ બંનેમાં અંતર છે. એકાંતપ્રિય વ્યક્તિ સમુદાયની સૃષ્ટિમાં રહે, પણ પોતાના ભીતરના એકાંતને અતૂટ રાખે. એ ક્યારેય એકલતાને ચાહનારા નથી. તેથી જ એકાંતમાં વહેતા આંસુની સૃષ્ટિ પણ કવિતામાં ઉતારી શકે છે. જે આનંદને આંસુના ખડકથી તોળી શકે એમના મનની સમતુલા જાળવનાર કવિતાના શબ્દો આસપાસ સ્વજનો બનીને ઘૂમતા હોય છે.

નદી અને ઝરણાં બંને જન્મે છે પર્વતમાંથી, પરંતુ પર્વત બંનેને જન્માવવા છતાં પોતાના સ્મિત અને વેદનાને બોલકાં નથી બનાવતો. એ મૌન રહે છે. કવિ સમગ્ર રચનામાં વાણીને બદલે ગતિની વાત કરે છે જે વ્યક્તિ સતત ગતિ કરતી રહે અને પોતાની સ્મિત-વેદનાની અનુભૂતિને મૌનમાં પરિવર્તિત કરી શકે છે એની જીવનસાધના નિરાળી છે. સમગ્ર રચનામાં રસ્તો, પહાડ, ખડક, ઝરણાં, નદી દ્વારા અનુભવને સાકાર કરાવે છે.

બંદીવાન કોઈ માણસને નથી કરતા પોતાની લાગણીને જ કરે છે. સમાજમાં અન્ય માનવો વચ્ચે રહેવાની જીવનકલા અહીં સૂચવે છે. આંસુ અને સ્મિત એ અંગત અનુભવની વસ્તુ છે એને શા માટે જાહેરમાં મૂકવી! કવિ આ વિચારધારા સાથે જ દેખાડો કરનારી વ્યક્તિનો નિર્દેશ કરે છે. કવિતા હંમેશાં નાનકડા માર્ગને પણ રાજમાર્ગ બનાવવાની ક્ષમતા ધરાવે છે. શબ્દને મિત્ર માનવા અને અનુભવને પરમમિત્ર માનવા સહેલા નથી. માણસ પોતાના અનુભવને અન્ય પાસે મૂકવા હંમેશાં આતુર હોય છે. કવિ એવી આતુરતા સામે મૌનનો આશય કેળવી શક્યા છે. એ કવિનું જગત સામેનું શાણપણ છે.

મૌન હંમેશાં જેનું સાહચર્ય હોય એનો આકાર લઈ લે છે. જન્મ પહેલાંની ક્ષણ અજાણી છે એવી રીતે મૃત્યુ પછીની અવસ્થાથી માનવ અજ્ઞાત છે. આ અજ્ઞાતપણું માનવી હંમેશાં પોતાનાં ચિંતન, સાંસારિક કાર્યોના અનુભવોથી સભર કરતો હોય છે, પણ કવિ ‘નિરાકાર મૌન’ જેવો અમૂલ્ય શબ્દ પ્રયોજે છે.

‘મૌન’ ભલે બોલકું ન બની શકે, પણ ઈન્દ્રધનુના રંગો ધારણ કરતું હોય છે. સાન્નિધ્ય તો સંસારનું હોય છે એટલે વ્યક્તિની મરજી - નામરજીનો રંગ હંમેશાં એના મૌનને લાગતો હોય છે. કવિ મૌન સાથે નાતો બાંધે છે; સમગ્ર રચના પણ આપણને ફરી ફરીને એ જ વાત કરે છે. બાકી શબ્દોની ભીડમાં ખોવાઈ જવું એ કવિની પ્રિય પ્રવૃત્તિ છે, જેમ આંસુ બોલકાં હોય છે એમ મૌન પણ બોલકું હોય છે. બાકી નિરાકાર મૌન એ તો આ કવિતાનો પ્રાણ છે. આવા મૌનને પ્રિય કહેવું છે એની માટેની વિધેયાત્મક ભૂમિકા કવિએ રચનામાં સર્જી છે.

બાકી અન્ય રચનામાં કવિ કહે છે તેમ;

"હરતા રહેવું, ફરતા રહેવું

ઝરણાંની જેમ વ્હેતા રહેવું

જીવન અને મરણની વચ્ચે નહીં પ્રશ્ર્નો, પંચાત.

-----------------------

કવિતા

મને મારો રસ્તો વ્હાલો લાગે છે.

કારણ કે હું કવિતાની વચ્ચે જીવ્યો છું.

મને કવિતા પ્રિય છે.

કારણ કે હું રસ્તાની વચ્ચોવચ રહ્યો છું.અચાનક કોઈ કેડી મળે એમ મળે છે શબ્દ;

તો ક્યારેક કોઈક વ્યક્તિ જ એવી મળે

કે બધા જ શબ્દો સાવ નિ:શબ્દ.દુ:ખના પ્હાડને મેં સ્મિતમાં ઝબકોળ્યો છે

અને આનંદને આંસુના ખડકથી તોળ્યો છે.હું નકશાનો માણસ નથી

રસ્તાનો માણસ છું,

એટલે હું ચાલ્યા કરું છું.ચાલવાની મારી રીત જુદી છે.

ક્યારેક હું પુસ્તકોના શબ્દોની ભીડમાં ખોવાઈ જાઉં છું

તો ક્યારેક મને મેળવી લઉં છું સમુદાયની સૃષ્ટિમાંથીઆંસુને જોયા પછી ક્યારેક

મારામાં સંતાડી દઉં છું હું નદીને

અને ઝરણાને જોયા પછી

પર્વતના મૌનને ક્યારેક

મારામાં બંદીવાન કરું છું.કવિતા અને જીવનના રાજમાર્ગે ઊભેલો હું

શબ્દનો મિત્ર છું

અને અનુભવનો પરમ મિત્ર.જન્મ પહેલાંની

અને મૃત્યુ પછીની ક્ષણ સાથે

મારો નાતો બાંધું છું

નિરાકાર મૌન સાથે.

- સુરેશ દલાલ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

TE54W1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com